‘કોરોનાનાં જોખમોથી અમેરિકામાં અર્થતંત્ર ડામાડોળ’ના અહેવાલ વચ્ચે સોનાના ભાવ મક્કમ

Published: May 15, 2020, 16:06 IST | Mumbai Correspondence | Mumbai Desk

‘કોરોના થકી અમેરિકામાં અર્થતંત્ર ડામાડોળ’ના અહેવાલ વચ્ચે સોનું મક્કમ

સોનું
સોનું

અમેરિકામાં અર્થતંત્ર લાંબો સમય નબળું રહેશે એવી ફેડરલ રિઝર્વના ચૅરમૅનની ચેતવણી, કોરોના વાઇરસના વધી રહેલા જોખમ અને સતત ચોથા સપ્તાહમાં અમેરિકામાં સાપ્તાહિક રીતે બેરોજગારી ભથ્થું માગી રહેલા લોકોની સંખ્યા વધી રહી હોવાનાં જોખમ વચ્ચે આજે સોનાના ભાવમાં ફરી વૃદ્ધિ જોવા મળી છે. જોકે સાવચેતી વચ્ચે બજારમાં કોઈ મોટો તીવ્ર ઉછાળો નથી.

ગુરુવારે જાહેર કરેલા આંકડા અનુસાર અમેરિકામાં બેરોજગારી ભથ્થું માગી રહેલા લોકોની સંખ્યા ગયા સપ્તાહે ૨૯.૮ લાખ રહી છે. બજારમાં આ ઉપરાંત અમેરિકામાં વધી રહેલા કોરોના વાઇરસના કેસ અને એની અસરથી બંધ થઈ રહેલી બજાર અને ઉદ્યોગો પર છે.
બુધવારે વૈશ્વિક બજારમાં સોનું વાયદો ૧૭૨૦.૪ ડૉલરની સપાટીએ બંધ હતો જે ગઈ કાલે ઘટી ૧૭૧૬ ડૉલર થયા પછી એમાં વૃદ્ધિ જોવા મળી રહી છે. અત્યારે સોનું જૂન વાયદો ૬.૩૦ ડૉલર કે ૦.૩૭ ટકા વધી ૧૭૨૨.૭૦ ડૉલર પ્રતિ ઔંસ અને હાજરમાં ૧.૩૪ ડૉલર વધી ૧૭૧૭.૬૨ ડૉલર પ્રતિ ઔંસની સપાટી પર છે. ચાંદી વાયદો ૧ સેન્ટ વધી ૧૫.૬૯ ડૉલર અને હાજરમાં પાંચ સેન્ટ ઘટી ૧૫.૫૩ ડૉલર પ્રતિ ઔંસની સપાટી પર છે.
ઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશનના રેફરન્સ રેટ અનુસાર સોનાના ભાવ વધ્યા હતા, જ્યારે ચાંદીમાં આંશિક વૃદ્ધિ જોવા મળી હતી. સોનું ટૅક્સ સિવાયનો ભાવ ૧૦ ગ્રામ દીઠ ૪૨૮ વધી ૪૬,૩૨૨ રૂપિયા હતું અને ચાંદીનો ભાવ પ્રતિ કિલો ૭૦ વધી ૪૨,૯૮૫ રૂપિયાની સપાટી પર હતો. ખાનગીમાં સોનાના ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૪૭,૮૮૫ રૂપિયા અને ચાંદી ૪૪,૦૭૦ રૂપિયા હતા.
એમસીએક્સ સોનું જૂન વાયદો ૧૦ ગ્રામદીઠ ૪૬,૦૬૨ ખૂલી, ઉપરમાં ૪૬,૨૬૬ અને નીચામાં ૪૬,૦૬૨ રૂપિયાના મથાળે અથડાઈ પ્રથમ સત્રના અંતે ૧૫૯ વધીને ૪૬,૧૪૦ રૂપિયા બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની મે કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રના અંતે ૧૫૧ વધીને ૮ ગ્રામદીઠ ૩૭,૩૬૯ રૂપિયા અને ગોલ્ડ-પેટલ મે કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રના અંતે ૧૯ વધીને ૧ ગ્રામદીઠ ૪૬૩૬ રૂપિયા થયા હતા, જ્યારે સોનું-મિની જૂન વાયદો ૧૦ ગ્રામદીઠ ૧૩૫ વધીને બંધમાં ૪૬,૧૧૮ રૂપિયાના ભાવ રહ્યા હતા.
ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ કોન્ટ્રેક્ટ કિલોદીઠ ૪૩,૧૭૭ ખૂલી, ઉપરમાં ૪૩,૩૨૩ અને નીચામાં ૪૨,૯૮૪ રૂપિયાના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રના અંતે ૧૮૦ વધીને ૪૩,૧૪૫ રૂપિયા બંધ રહ્યો હતો. ચાંદી-મિની જૂન ૧૪૪ વધીને ૪૩,૫૨૪ રૂપિયા અને ચાંદી-માઇક્રો જૂન ૧૩૮ વધીને ૪૩,૬૧૯ રૂપિયા બંધ રહ્યા હતા.
અમેરિકાના અર્થતંત્ર પર જોખમ
બુધવારે અમેરિકામાં ફેડરલ રિઝર્વના ચૅરમૅન જેરોમ પોવેલે જણાવ્યું હતું કે દેશમાં લાંબો સમય સુધી આર્થિક વિકાસ નબળો રહી શકે છે અને એની નબળાઈમાં વૃદ્ધિ કરતાં ઘટાડાનાં જોખમો વધારે છે. જોકે તેમણે અમેરિકામાં નેગેટિવ વ્યાજદર કે શૂન્યથી નીચેના વ્યાજદરની શક્યતા નકારી કાઢી હતી. બીજી તરફ વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન દ્વારા એવી ચેતવણી ઉચ્ચારવામાં આવી છે કે કોરોના વાઇરસ કાયમી રીતે રહી શકે છે અને એ સંપૂર્ણ રીતે નાબૂદ થાય એવું લાગતું નથી. તેમનાં આ બે નિવેદન પછી અમેરિકામાં બૉન્ડ વધ્યા હતા અને ટ્રેઝરીના યીલ્ડ વધ્યા હતા. અમેરિકન ડૉલર પણ વધ્યો હતો એટલે કે બજારમાં જોખમો વધી રહ્યાં હોવાના સંકેત સાથે લોકોએ સલામતી શોધવા દોડાદોડ કરી હતી.
ડૉલર મજબૂત, રૂપિયામાં ધીમો ઘસારો
વૈશ્વિક બજારમાં ડૉલરની મજબૂતી અને સ્થાનિક શૅરબજારમાં ઘટાડા વચ્ચે ડૉલર સામે રૂપિયો આજે ઘટીને બંધ આવ્યો હતો. ભારતીય બજારમાં વિદેશી સંસ્થાઓની અવિરત વેચવાલીની અસરથી ડૉલરનો પ્રવાહ દેશની બહાર જઈ રહ્યો છે અને ૨૦ લાખ કરોડ રૂપિયાના પૅકેજથી શક્ય છે કે દેશની નાણાખાધ વધી શકે એવી ચિંતાએ દરેક ઉછાળે રૂપિયા પર દબાણ જોવા મળી રહ્યું છે. બુધવારે ૭૫.૪૬ની સપાટીએ બંધ રહેલો રૂપિયો આજે ૭૫.૫૭ની નબળી સપાટીએ ખૂલ્યા પછી એક તબક્કે ઘટીને ૭૫.૫૯ થઈ અને દિવસના અંતે ૧૦ પૈસા ઘટી ૭૫.૫૬ બંધ રહ્યો હતો.
અમેરિકામાં અર્થતંત્ર માટે ચિંતાઓ વધી રહી છે ત્યારે બજારમાં રોકડ ઊભી કરવા માટે પ્રયત્ન ચાલી રહ્યા છે. મંગળવારે ડૉલર ઇન્ડેક્સ ૯૯.૯૫૬ની નીચી સપાટીએ બંધ રહ્યો હતો જે વધી આજે ૧૦૦.૪૬૫ની સપાટી પર છે. આ દર્શાવે છે કે બજારમાં ચિંતા અને જોખમથી દૂર રહેવાનું માનસ છે.
એશિયાઈ બજારોમાં પણ ડૉલર મોટા ભાગનાં ઊભરતાં ચલણ સામે વધ્યો હતો. ડૉલર સામે આજે યુઆન ૦.૦૭ ટકા, મલેશિયાનો રિંગીટ ૦.૦૭ ટકા, ઇન્ડોનેશિયાનો રૂપિયો ૦.૩૪ ટકા, ફિલિપિન્સ પેસો ૦.૧૭ ટકા, થાઇલૅન્ડનો ભાત ૦.૧૨ ટકા અને દક્ષિણ કોરિયાનો વોન ૦.૩૩ ટકા ઘટ્યા હતા.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK