કોરોના વાઇરસના નવા કેસમાં ઉછાળાથી સોનાના ભાવ ઘટ્યા મથાળેથી ફરી વધ્યા

Published: Feb 14, 2020, 14:45 IST | Mumbai Desk

બુધવારે નવા દરદીઓ ઘટી રહ્યા હોવાની વાતથી જોખમ લેવાની વૃત્તિએ શૅરબજાર વધ્યું હતું અને આજે જોખમ નિવારી સલામતી તરફ જવાની દોટમાં વૈશ્વિક શૅરબજાર નરમ તથા સોના-ચાંદી વધ્યાં હતાં.

ગુરુવારે કોરોના વાઇરસથી નવા ૨૪૨ વ્યક્તિનાં મૃત્યુ અને ૧૪,૮૪૦ જેટલી વ્યક્તિઓને અસર થઈ હોવાનું બહાર આવતાં સોનાના ભાવમાં વૃદ્ધિ જોવા મળી હતી. બુધવારે નવા દરદીઓ ઘટી રહ્યા હોવાની વાતથી જોખમ લેવાની વૃત્તિએ શૅરબજાર વધ્યું હતું અને આજે જોખમ નિવારી સલામતી તરફ જવાની દોટમાં વૈશ્વિક શૅરબજાર નરમ તથા સોના-ચાંદી વધ્યાં હતાં.
આજે વૈશ્વિક હાજર સોનું ૦.૫૬ ટકા કે ૮.૭૮ ડૉલર વધી ૧૫૭૪.૮૪ અને કૉમેક્સ એપ્રિલ વાયદો ૦.૩૯ ટકા કે ૬.૧૫ ડૉલર વધી ૧૫૭૭.૭૫ ડૉલર પ્રતિ ઔંસની સપાટી પર હતો. ચાંદી હાજરમાં ૦.૯૦ ટકા કે ૧૬ સેન્ટ વધી ૧૭.૬૪ અને માર્ચ વાયદો ૦.૬૯ ટકા કે ૧૨ સેન્ટ વધી ૧૭.૬૨ ડૉલર પ્રતિ ઔંસની સપાટી પર હતા.
ભારતીય બજારમાં સોનું વધ્યું હતું. કોરોના વાઇરસના એકસાથે ઘણા નવા કેસ સામે આવતાં વૈશ્વિક બજારમાં ઊંચા ભાવ અને સ્થાનિક બજારમાં રૂપિયો નબળો પડતાં સોનું વધ્યું હતું. જોકે ભાવ એક તબક્કે ૩૬૦ રૂપિયા વધ્યા હતા જે રૂપિયો ફરી મજબૂત થતાં ઘટી ગયા હતા. હાજરમાં મુંબઈમાં સોનું ૧૨૫ વધી ૪૧,૯૨૫ અને અમદાવાદમાં ૧૬૫ વધી ૪૨,૦૧૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામની સપાટીએ બંધ રહ્યું હતું. હાજર ચાંદી મુંબઈમાં ૩૭૦ વધી ૪૭,૩૧૦ અને અમદાવાદમાં ૨૯૦ વધી ૪૭,૨૪૦ રૂપિયા પ્રતિ કિલો રહ્યા હતા.
શૅરબજારની જેમ સોનાના ભાવ પણ કોરોના વાઇરસમાં મૃત્યુઆંક અને દરદીઓની સંખ્યાના આધારે વધી કે ઘટી રહ્યા છે. ૨૭ જાન્યુઆરીએ વૈશ્વિક બજારમાં સોનાના ભાવ ૧૫૬૭ ડૉલર હતા જે વાઇરસના પ્રથમ બે દિવસમાં વધી ૧૫૮૯ ડૉલરની ઊંચી સપાટીએ પહોંચ્યા બાદ ઘટીને ૧૫૫૨ થઈ છેલ્લા ચાર દિવસથી ૧૫૬૦થી ૧૫૭૦ ડૉલર પ્રતિ ઔંસની સપાટી વચ્ચે અથડાઈ રહ્યા છે. આર્થિક મંદીનું જોખમ હોવા છતાં શૅરબજારમાં જે રીતે વિક્રમી સપાટી જોવા મળી રહી છે એને કારણે સલામત ગણાતા સોનામાં ઉછાળો આવતો નથી.
ચીનમાં સોનું ખરીદવા કોઈ તૈયાર નથી
કોરોના વાઇરસના ડરને કારણે નબળો સેન્ટિમેન્ટ હોવાથી અત્યારે ચીનમાં કોઈ સોનું ખરીદવા તૈયાર નથી એમ ચાઇના ગોલ્ડ અસોસિએશનના સીઈઓ ઝ્હંગ યોન્ગ્તાઓએ જણાવ્યું હતું. ચીન વિશ્વમાં સૌથી મોટું સોનાનું વપરાશકાર છે. ચીનમાં વાઇરસને કારણે નવા વર્ષની ઉજવણી પણ થઈ શકી નથી એટલે આ દિવસોમાં માગમાં તીવ્ર ઘટાડો જોવા મળી શકે છે. ગયા વર્ષે માગ ઘટી ગયા પછી આ તીવ્ર ઘટાડાને કારણે વૈશ્વિક માગ પર પણ અસર પડી શકે છે. ૨૦૧૯માં ચીનમાં ઘરેણાંની માગ ૭ ટકા ઘટી હોવાનું વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલે નોંધ્યું હતું. યોન્ગ્તાઓએ જણાવ્યું હતું કે અત્યારે સોનું અને ઘરેણાં ખરીદવાનું લગભગ બંધ છે.
ડૉલર સામે રૂપિયો સ્થિર
બુધવારે જાહેર થયેલા નબળા આર્થિક આંકડાઓ અને વૈશ્વિક બજારમાં કોરોના વાઇરસની વધી રહેલી અસરને કારણે નબળો પડેલો રૂપિયો દિવસના અંતે સ્ટાન્ડર્ડ ઍન્ડ પુઅર્સે ભારતનું ક્રેડિટ રેટિંગ સ્થિર જાળવી રાખવાના કારણે તથા વિદેશી સંસ્થાઓના મૂડીપ્રવાહને કારણે ઘટાડો પચાવી સ્થિર બંધ આવ્યો હતો. ડૉલર સામે રૂપિયો ૭૧.૩૫ની નબળી સપાટીએ ખૂલી વધારે નબળો પડી ૭૧.૪૯ થયા બાદ દિવસના અંતે ૭૧.૩૩ની સપાટીએ બંધ આવ્યો હતો, જે આગલી સપાટી જેટલો જ રહ્યો હતો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK