કોરોના વાઇરસ નિયંત્રણની બહાર, ઈટીએફમાં આવક ચાલુ હોવાથી સોનાના ભાવ રહ્યા મક્કમ

Published: Feb 07, 2020, 13:57 IST | Mumbai Desk

અમેરિકન અર્થતંત્ર ધારણા કરતાં વધારે મજબૂત હોવાની શક્યતાએ સોનાના ભાવમાં લાંબી તેજી જોવા નથી મળી રહી.

ચીનમાં કોરોના વાઇરસને કારણે મૃત્યુઆંક વધી રહ્યો છે અને દરદીઓની સંખ્યા પણ વધી રહી છે એટલે એનાં જોખમ વધુ વ્યાપક બનશે એવી દહેશતથી સોનાના ભાવ વધેલા જોવા મળ્યા હતા તો સામે અમેરિકામાં બેરોજગારીના આંકડા ધારણા કરતાં વધારે સારા આવતાં સોનાના ભાવની તેજી પર લગામ જોવા મળી રહી છે. અમેરિકન અર્થતંત્ર ધારણા કરતાં વધારે મજબૂત હોવાની શક્યતાએ સોનાના ભાવમાં લાંબી તેજી જોવા નથી મળી રહી.

શૅરબજારમાં અમેરિકાની આગેવાની હેઠળ જોવા મળી રહેલી તેજી સામે કોરોના વાઇરસની અસર વધુ ને વધુ વ્યાપક બની રહી છે. અત્યારે ૨૬,૦૦૦ જેટલા દરદીઓ ૨૫ જેટલા દેશમાં છે અને ૫૬૦ વ્યક્તિ મૃત્યુ પામી છે. વધુ ને વધુ વિદેશી ઍરલાઇન્સ ચીનમાં ફ્લાઇટ બંધ કરી રહી છે, કંપનીઓ પોતાનાં કામ અટકાવી રહી છે અને દેશ દ્વારા પોતાના નાગરિકોને ચીનનો પ્રવાસ નહીં કરવાની સૂચના આપવામાં આવી રહી છે એટલે વાઇરસની અસર હજી વધશે એવી બજારની ગણતરી હોવાથી સોનાના ભાવ ૧૫૬૦ ડૉલરની સપાટીથી ઉપર રહેવાના પ્રયત્ન કરી રહ્યા છે.

વૈશ્વિક બજારમાં હાજરમાં સોનું આજે ૦.૪૯ ટકા કે ૭.૬૭ ડૉલર વધીને ૧૫૬૩.૬૯ ડૉલર પ્રતિ ઔંસની સપાટીએ હતું. ચાંદીમાં પણ ૧.૧૧ ટકા કે ૨૦ સેન્ટનો વધારો જોવા મળ્યો છે જે ૧૭.૮૧ ડૉલરની સપાટીએ હતી. કૉમેક્સ ખાતે સોનાનો એપ્રિલ વાયદો ૦.૨૮ ટકા ૪.૩૫ ડૉલર વધી ૧૫૬૭.૧૫ અને ચાંદી ૧.૧૪ ટકા કે ૨૦ સેન્ટ વધી ૧૭.૮૦૨ ડૉલર પ્રતિ ઔંસની સપાટીએ હતા.
સતત ઘટાડા પછી મુંબઈમાં હાજર સોનું ૨૪૫ વધી ૪૧,૭૦૦ અને અમદાવાદમાં ૨૫૦ વધી ૪૧,૭૬૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ રહ્યું હતું. સોનું એપ્રિલ વાયદો ૧૦ ગ્રામદીઠ ૪૦,૦૮૧ ખૂલી, ઉપરમાં ૪૦,૩૯૭ અને નીચામાં ૪૦,૦૩૦ રૂપિયાના મથાળે અથડાઈને પ્રથમ સત્રના અંતે ૧૬૧ વધીને ૪૦,૩૬૧ બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની ફેબ્રુઆરી કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૭૮ વધીને ૮ ગ્રામદીઠ ૩૨,૨૩૭ અને ગોલ્ડ-પેટલ ફેબ્રુઆરી કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૮ વધીને ૧ ગ્રામદીઠ ૪૦૦૨ થયા હતા, જ્યારે સોનું-મિની માર્ચ વાયદો ૧૦ ગ્રામદીઠ ૧૪૧ વધીને બંધમાં ૪૦,૨૮૭ રૂપિયાના ભાવ રહ્યા હતા.

હાજરમાં મુંબઈમાં ચાંદી ૫૪૦ વધી ૪૭,૪૫૦ અને અમદાવાદમાં ૪૯૦ વધી ૪૭,૪૪૦ રૂપિયા પ્રતિ કિલો રહી હતી. ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ કૉન્ટ્રૅક્ટ કિલોદીઠ ૪૫૮૦૦ ખૂલી, ઉપરમાં ૪૬,૨૩૩ અને નીચામાં ૪૫,૭૬૧ રૂપિયાના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રના અંતે ૪૩૯ વધીને ૪૬,૧૭૪ રૂપિયા બંધ રહ્યો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી ૪૩૮ વધીને ૪૬,૧૯૨ અને ચાંદી-માઇક્રો ફેબ્રુઆરી ૪૪૮ વધીને ૪૬,૧૯૮ રૂપિયા બંધ રહ્યા હતા.

ઈટીએફનું રોકાણ વિક્રમી સ્તરે
દરમ્યાન સોનામાં જાન્યુઆરીમાં પણ એક્સચેન્જ ટ્રેડેડ ફન્ડની ખરીદી જોવા મળી રહી હોવાના અને એનું રોકાણ નવા વિક્રમી સ્તરે હોવાનો અહેવાલ વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલે આજે બહાર પાડ્યો હતો. કાઉન્સિલ અનુસાર જાન્યુઆરીમાં સોનાના ભાવ પાંચ ટકા વધ્યા હોવાથી કુલ અસ્કયામતનું મૂલ્ય ૮ ટકા વધ્યું છે અને નવો પ્રવાહ ૬૧ ટન કે ૩.૧ અબજ ડૉલર રહેતાં કુલ અસ્કયામત ૨૯૪૭ ટનના વિક્રમી સ્તરે છે. આ મહિનામાં યુરોપના ઈટીએફ દ્વારા ૩૩ ટન, અમેરિકાના ફન્ડ્સ દ્વારા ૨૯ ટન, એશિયામાં ૧.૨ તથા અન્ય પ્રદેશમાં ૦.૭ ટનની ખરીદી કરવામાં આવી છે. કાઉન્સિલે જણાવ્યા અનુસાર ઈટીએફની કુલ અસ્કયામત ૨૦૧૨ના વિક્રમી સ્તરથી હવે માત્ર બે ટકા દૂર છે. જોકે એ સમયે સોનાના ભાવ વર્તમાન ભાવ કરતાં ૧૧ ટકા ઊંચા હતા.

ડૉલર સામે રૂપિયો વધ્યો
રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાની પૉલિસીમાં ધિરાણના દર સ્થિર રાખવામાં આવ્યા હતા, પણ જરૂર પડ્યે વ્યાજનો દર વધશે એવી જાહેરાતથી ભારતીય ચલણને ટેકો મળ્યો હતો. ક્રૂડ ઑઇલના નરમ ભાવ અને ડૉલરની નબળાઈ સામે શૅરબજારમાં વિદેશી સંસ્થાઓની વેચવાલીને કારણે જોકે રૂપિયાની વૃદ્ધિ પર બ્રેક લાગી હતી. આજે રૂપિયો ૭૧.૨૨ની મજબૂત સપાટીએ ખૂલી એક તબક્કે વધીને ૭૧.૧૧ થયા બાદ દિવસના અંતે ૭૧.૧૯ની સપાટીએ બંધ આવ્યો હતો. આજે રૂપિયો ડૉલર સામે ૬ પૈસા વધીને બંધ આવ્યો હતો.

ભાવ-તાલ
સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ): ૪૦,૪૯૮
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ): ૪૦,૩૩૬
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ): ૪૬,૧૬૬
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK