ટ્રેડ-વૉર આધારિત વધ-ઘટ : ગુરુવારે ઊઘડતી બજારે વૈશ્વિક સોનું મક્કમ, ભારતમાં ઘટાડો

Published: Dec 06, 2019, 11:34 IST | Mumbai

સોનાના ભાવમાં તેજી કે મંદીનું ભાવિ અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલી ટ્રેડ-વૉર, એના પ્રથમ તબક્કાની સંધિની શક્યતાઓ અને એને સંબંધિત નિવેદન પર જ નિર્ભર જોવા મળી રહી છે.

ગોલ્ડ
ગોલ્ડ

સોનાના ભાવમાં તેજી કે મંદીનું ભાવિ અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલી ટ્રેડ-વૉર, એના પ્રથમ તબક્કાની સંધિની શક્યતાઓ અને એને સંબંધિત નિવેદન પર જ નિર્ભર જોવા મળી રહી છે. મંગળવારે સોનું રાષ્ટ્રપતિ ટ્રમ્પના નિવેદન બાદ ઊછળીને એક મહિનાની ઊંચી સપાટીએ હતું તો બુધવારે એ ટ્રેડ-વૉર બંધ થશે એવી આશાએ ફરી ઘટી ગયું હતું. ગુરુવારે સોનાના હાજર અને વાયદાના ભાવ મક્કમ જોવા મળી રહ્યા છે. જોકે ભારતમાં સોના-ચાંદીના ભાવમાં રૂપિયો મજબૂત થતાં જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો.

વૈશ્વિક બજારમાં હાજરમાં સોનું બુધવારે સાંકડી વધ-ઘટમાં જોવા મળ્યું હતું. આગલા બંધ ૧૪૭૬.૯ ડૉલર સામે એ ૧૪૭૪.૬ની સપાટીએ ઘટીને બંધ આવ્યું હતું. આજે એના ભાવ ૧૪૭૬.૭ ડૉલર પ્રતિ ઔંસ જોવા મળી રહ્યા છે. ન્યુ યૉર્કમાં ફેબ્રુઆરી વાયદો ૧૪૮૦.૨ના બંધ સામે અત્યારે ૧.૪૫ ડૉલર વધી ૧૪૮૧.૬૫ ડૉલર પ્રતિ ઔંસ છે. ચાંદીનો માર્ચ વાયદો ૧૬.૯૧૬ ડૉલરની બંધ સપાટી સામે ૧૬.૯૪૮ ડૉલર પ્રતિ ઔંસની સપાટી પર છે.

ભારતમાં હાજરમાં સોનું–ચાંદી ઘટ્યાં

ભારતમાં અત્યારે લગ્નસરાની મોસમનું છેલ્લું સપ્તાહ ચાલી રહ્યું છે એટલે માગણી ઘટશે એવી આશાએ સોનાના ભાવ ઘટ્યા હતા. ચાંદીના ભાવમાં કડાકો બોલી ગયો હતો. વૈશ્વિક બજારમાં બુધવારે સોનાના ભાવમાં જોવા મળેલા ઘટાડા અને ડૉલર સામે રૂપિયો વધ્યો હોવાથી સોના-ચાંદીના ભાવમાં હાજર બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો.

મુંબઈમાં સોનું ૧૬૦ ઘટીને ૩૯,૩૦૫ અને અમદાવાદમાં ૧૫૫ ઘટીને ૩૯,૨૧૫ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ બંધ આવ્યું હતું. જોકે વાયદામાં ભાવ વધ્યા હતા. સોનું ડિસેમ્બર વાયદો ૧૦ ગ્રામદીઠ ૩૮૮૫૦ ખૂલી, ઉપરમાં ૩૮૮૫૦ અને નીચામાં ૩૮૧૯૨ રૂપિયાના મથાળે અથડાઈને પ્રથમ સત્રના અંતે ૧૫૦ વધીને ૩૮૩૨૬ રૂપિયા બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની ડિસેમ્બર કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૬ વધીને ૮ ગ્રામદીઠ ૩૦૫૯૮ રૂપિયા અને ગોલ્ડ-પેટલ ડિસેમ્બર કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૧ ઘટીને ૧ ગ્રામદીઠ ૩૮૮૦ રૂપિયા થયા હતા, જ્યારે સોનું-મિની ડિસેમ્બર વાયદો ૧૦ ગ્રામદીઠ ૭૫ ઘટીને બંધમાં ૩૮૧૧૩ રૂપિયાના ભાવ રહ્યા હતા.
મુંબઈમાં હાજર ચાંદી ૯૨૦ ઘટી ૪૫,૨૧૦ રૂપિયા અને અમદાવાદમાં ૮૭૦ ઘટી ૪૫,૨૨૦ રૂપિયા પ્રતિ કિલો બંધ આવી હતી. ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર કૉન્ટ્રૅક્ટ કિલોદીઠ ૪૪૨૦૦ ખૂલી, ઉપરમાં ૪૫૨૮૭ રૂપિયા અને નીચામાં ૪૩૮૫૦ રૂપિયાના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રના અંતે ૩૯૨ ઘટીને ૪૪૦૦૦ રૂપિયા બંધ રહ્યો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી ૧૧૮ ઘટીને ૪૪૩૩૬ અને ચાંદી-માઇક્રો ફેબ્રુઆરી ૧૦૯ ઘટીને ૪૪૩૫૦ રૂપિયા બંધ રહ્યા હતા.

નવેમ્બરમાં ગોલ્ડ ઈટીએફમાં વેચાણ

પાંચ મહિના સુધી સતત નવું રોકાણ મેળવી રહેલા ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફન્ડ (ઈટીએફ)માં નવેમ્બર મહિનાના અંતે વેચાણ જોવા મળી રહ્યું છે. ઊંચા ભાવે ભારત અને ચીનમાં ઘરેણાં અને રોકાણની માગ ઘટી રહી છે ત્યારે ઈટીએફમાં સતત મૂડીપ્રવાહને કારણે સોનાના ભાવને ટેકો મળી રહ્યો હતો. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના અહેવાલ અનુસાર નવેમ્બર મહિનામાં સોનાના ઈટીએફમાંથી ૩૦.૧ ટન કે ૧.૩ અબજ ડૉલરની રકમ ઉપાડી લેવામાં આવી છે. આ વેચાણ પછી પણ ઈટીએફમાં ચાલુ વર્ષે ૩૫ ટકા જેટલી વધારે રકમ રોકવામાં આવી છે અને કુલ ગોલ્ડ હોલ્ડિંગ સૌથી ઊંચી સપાટીએ છે.

ઈટીએફ વેચાણમાં અમેરિકાનાં ફન્ડ્સમાં ૧૭.૩ ટન કે ૭૩ કરોડ ડૉલર, યુરોપમાં ૧૩.૬ ટન કે ૫૩ કરોડ ડૉલર અને એશિયામાં ૨.૧ ટન કે ૧૧ કરોડ ડૉલરનું રોકાણ પાછું ખેંચવામાં આવ્યું છે.

ટ્રેડ-વૉર આધારિત વધ-ઘટ

વૉશિંગ્ટન અને બીજિંગ વચ્ચે મંત્રણા ચાલી રહી છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પ મંગળવારે નિવેદન આપે છે કે પ્રથમ તબક્કાની સંધિ અને વાટાઘાટ નવેમ્બર ૨૦૨૦ પછી થઈ શકે છે તો બીજી બાજુ સમાચાર આવે છે કે પ્રથમ સંધિથી દુનિયાનાં આ બે સૌથી મોટાં અર્થતંત્ર એકદમ નજીક છે. આજે એવું પણ નિવેદન આવ્યું છે કે ચીને અમેરિકાને પહેલાં મે ૨૦૦૭થી લાદેલાં ટૅરિફ હટાવી લેવાની માગણી કરી છે. ૧૮ મહિનાથી ચાલી રહેલી આ વાટાઘાટ અને એની પૂર્ણાહુતિ, કયો દેશ ફાયદામાં છે અને એ સંધિ લખવામાં આવી છે કે નહીં એ કોઈ નથી જાણતું. આ સ્થિતિમાં સપ્ટેમ્બર પછી સોનાના ભાવ માત્ર ને માત્ર ટૅરિફ-વૉર સંબંધિત ચર્ચાના આધારે જ વધી કે ઘટી રહ્યા છે.

ડૉલર સામે રૂપિયો ઊછળ્યો

વૈશ્વિક બજારમાં નબળો પડેલો ડૉલર, એશિયાઈ ચલણોમાં તેજીની સાથે ભારતીય રૂપિયો પણ ડૉલર સામે વધીને બંધ આવ્યો હતો. આ ઉપરાંત, રિઝર્વ બૅન્કે વ્યાજદર ભવિષ્યમાં ઘટાડવામાં આવશે એ પ્રકારનું નિવેદન કરતાં રૂપિયાને થોડી મજબૂતી મળી હતી.

બૉન્ડ યીલ્ડમાં ઉછાળો

રિઝર્વ બૅન્કે વ્યાજદર નહીં ઘટાડતાં ભારત સરકારના ૧૦ વર્ષના બૉન્ડના યીલ્ડ (વ્યાજદર)માં તીવ્ર વધારો જોવા મળ્યો હતો. ૧૦ વર્ષના બૉન્ડના યીલ્ડ ૧૩ પૉઇન્ટ વધી ૬.૬૦ની સપાટીએ બંધ આવ્યા હતા.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK