Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > જ્યૉર્જિયામાં ડેમોક્રૅટિકની જીતના સંકેતને પગલે સોનું બે મહિનાની ઊંચાઈએ

જ્યૉર્જિયામાં ડેમોક્રૅટિકની જીતના સંકેતને પગલે સોનું બે મહિનાની ઊંચાઈએ

07 January, 2021 12:02 PM IST | Mumbai
Mayur Mehta | mayur.mehta@mid-day.com

જ્યૉર્જિયામાં ડેમોક્રૅટિકની જીતના સંકેતને પગલે સોનું બે મહિનાની ઊંચાઈએ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


અમેરિકામાં જ્યૉર્જિયાની બે બેઠકમાંથી એક બેઠક પર બાઇડનની પાર્ટી ડેમોક્રૅટિક ઉમેદવારની જીત નક્કી થતાં સેનેટ પર ડેમોક્રૅટિક પાર્ટીનો કબજો મળવાની શક્યતાને પગલે ડૉલર ઘટ્યો હતો. વળી બ્રિટિશ પાઉન્ડ અને યુરો પણ વધીને અઢી વર્ષની ઊંચાઈએ પહોંચતાં સોનું અને ચાંદીમાં તેજીની આગેકૂચ જોવા મળી હતી. વર્લ્ડ માર્કેટમાં સોનું બે મહિનાની ઊંચાઈએ પહોંચ્યું હતું. મુંબઈ જ્વેલરી માર્કેટમાં ચાંદીએ ૭૨૨ રૂપિયાના વધારા સાથે ૭૦,૦૦૦ રૂપિયાની સપાટી ઓળંગી હતી, જ્યારે સોનું ફકત આઠ રૂપિયા જ સુધર્યું હતું.

વિદેશી પ્રવાહો



અમેરિકામાં જ્યૉર્જિયાની બે બેઠકના ઇલેક્શનમાં એક બેઠક પર ડેમોક્રૅટિક પાર્ટીની જીત નક્કી થતાં બાઇડનની પાર્ટી ડેમોક્રૅટિક પાર્ટીનો સેનેટ પર કબજો રહેવાના સંકેતથી સોનામાં તેજીની આગેકૂચ બુધવારે પણ જળવાયેલી હતી. જ્યૉર્જિયાની બે બેઠકમાં જો ડેમોક્રૅટિક પાર્ટીને જીત મળે તો સેનેટ પર જો બાઇડનનો કબજો રહેશે અને અમેરિકામાં જંગી રકમનું સ્ટિમ્યુલેસ પૅકેજ આવશે. આ ધારણાને પગલે અમેરિકન ડૉલરનું મૂલ્ય કરન્સી બાસ્કેટમાં અઢી વર્ષના તળિયે પહોંચ્યું હતું, જેને પગલે સોનામાં સતત લેવાલી વધી હતી. સ્પોટ માર્કેટમાં સોનું એક તબક્કે ૦.૪ ટકા વધીને ૧૯૫૯.૦૧ ડૉલર અને ફ્યુચરમાં ૦.૩ ટકાની તેજી સાથે ૧૯૬૦.૪૦ ડૉલરની સપાટી જોવા મળી હતી. જોકે ત્યાર બાદ પ્રૉફિટ બુકિંગને પગલે સોનું ઘટીને ૧૯૫૦ ડૉલરની અંદર ચાલ્યું ગયું હતું. જ્યૉર્જિયાની બે બેઠકનું પરિણામ સોનાની તેજી માટે નિર્ણાયક બનશે. સોનામાં તેજીના પગલે ચાંદીના ભાવ પણ વધીને ચાર મહિનાની ઊંચાઈએ પહોંચ્યા હતા.


ઇકૉનૉમિક ઇન્ડિકેટર

બ્રિટનમાં નવેસરથી લૉકડાઉન લાદવામાં આવતાં ચાન્સેલર ઋષિ સુનાકે ૪.૬ અબજ પાઉન્ડનું પૅકેજ બિઝનેસ કમ્યુનિટી માટે જાહેર કરતાં એની અસરે પાઉન્ડ નવેસરથી અઢી વર્ષની ઊંચાઈએ પહોંચ્યો હતો. બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડની આવતા સપ્તાહે યોજાનારી પૉલિસી મીટિંગમાં મોનેટરી પૉલિસી વધુ હળવી બનવાની ચર્ચા પણ ચાલી રહી હોવાથી પાઉન્ડ વધુ મજબૂત બન્યો હતો. યુરો એરિયામાં પ્રોડ્યુસર્સ પ્રાઇસ નવેમ્બરમાં સતત ત્રીજે મહિને ૦.૪ ટકા વધ્યા હતા, માર્કેટની ધારણા માત્ર ૦.૧ ટકા જ વધારાની હતી. યુરો એરિયામાં પ્રાઇવેટ સેક્ટરનો ગ્રોથ ડિસેમ્બરમાં વધીને ૪૯.૧ પૉઇન્ટે પહોંચ્યો હતો, જે નવેમ્બરમાં છ મહિનાના તળિયે ૪૫.૩ પૉઇન્ટ હતો. યુરો એરિયાના સ્ટ્રોન્ગ ઇકૉનૉમિક ડેટાને પગલે યુરો એરિયામાં પ્રોડ્યુસર્સ પ્રાઇસ ઇન્ડેક્સમાં વધારો થતાં એને પગલે યુરોનું મૂલ્ય પણ વધીને અઢી વર્ષની ઊંચાઈએ પહોંચ્યું હતું. યુરો અને પાઉન્ડની મજબૂતીને કારણે ડૉલરનું મૂલ્ય વધુ ગગડતાં સોનાની તેજી માટેના ચાન્સ વધુ મજબૂત બન્યા હતા.


શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ ભાવિ

વર્લ્ડના ટૉપમોસ્ટ ઇકૉનૉમિસ્ટો અને ઍનૅલિસ્ટોના મતે સોનાના ભાવ જાન્યુઆરીના અંતે ૨૦૦૦ ડૉલરની સપાટીને પાર કરી જશે. ૨૦૨૦માં પણ એક વખત સોનાનો ભાવ ૨૦૦૦ ડૉલરની સપાટીને પાર કરી ગયો હતો. ખાસ કરીને અમેરિકામાં જો બાઇડનની જીત બાદ હવે જ્યૉર્જિયાનાં રિઝલ્ટ બાદ સેનેટ પર પણ જો બાઇડનની ડેમોક્રૅટિક પાર્ટીનો કબજો આવશે તો રિલીફ પૅકેજ ઉપરાંત ઇન્ડસ્ટ્રીઝ, ટ્રેડ અને બિઝનેસ માટે મોટું રિવાઇવલ પૅકેજ આવશે. ઉપરાંત ઇકૉનૉમિક સ્પેન્ડિંગ પણ વધશે, જે અમેરિકી ડૉલરને વધુ નબળો પાડશે અને સોનાની તેજીને નવો સપોર્ટ મળશે.

દેશનાં ઘરોમાં પડેલાં સોનાને બહાર કાઢવા બજેટમાં પ્રોત્સાહક જાહેરાત થવાની સંભાવના

વર્લ્ડમાં ભારતનાં ઘરો અને મંદિરોમાં સૌથી વધુ સોનાનો જથ્થો પડેલો છે. એક અનુમાન અનુસાર ભારતનાં ઘરોમાં અને મંદિરમાં અંદાજે ૨૦થી ૨૨,૦૦૦ ટન સોનાનો જથ્થો પડ્યો છે, જેની કિંમત ૧.૫ ટ્રિલ્યન (લાખ કરોડ) ડૉલર છે. કોરોના વાઇરસને કારણે દેશની આર્થિક સ્થિતિ દિવસે-દિવસે કથળી રહી છે અને આગામી દિવસોમાં આર્થિક સ્થિતિ વધુ કથળશે એવી ધારણા છે. આ સંજોગોમાં દેશના અર્થતંત્રને બચાવવાનો એક જ માર્ગ લોકોનાં ઘર અને મંદિરમાં પડેલાં સોનાને બહાર કાઢીને માર્કેટમાં નાણાં ઠાલવવામાં આવે તો દેશનું અર્થતંત્ર ઝડપથી ફરી પાટે ચડી શકે છે. કેન્દ્રીય બજેટ ૧ ફેબ્રુઆરીએ જાહેર થવાનું છે ત્યારે ઘરમાં પડેલાં ફાજલ સોનાને બહાર કાઢવા બજેટમાં કોઈ જાહેરાત થવાની ચર્ચા છે.

ભાવ-તાલ

સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ): ૫૧,૬૬૦

સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ): ૫૧,૪૫૩

ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ): ૭૦,૨૨૮

(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)

Whatsapp-channel Whatsapp-channel

07 January, 2021 12:02 PM IST | Mumbai | Mayur Mehta

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK