ફરી ૧૫૨૦ ડૉલરની સપાટી તોડવામાં સોનું નિષ્ફળ : મોટાં પરિબળોની ગેરહાજરીમાં સાંકડી વધઘટ સાથે ભાવ મક્કમ

Published: Oct 08, 2019, 13:05 IST | મુંબઈ ડેસ્ક

ભૌગોલિક રીતે અત્યારે વિશ્વમાં શાંતિ જોવા મળી રહી છે એટલે સોનાના ભાવમાં તેજી અટકી ગઈ છે.

મુંબઈ : પાંચ મહિનાની તેજી પછી સોનાના ભાવમાં સપ્ટેમ્બરમાં નબળો દેખાવ રહ્યો હતો. અત્યારે પણ સોનું એક સાંકડી વધઘટ સાથે જોવા મળી રહ્યું છે. શુકવારે એક સમયે ઉછાળો આવ્યો હતો જે નવી વેચવાલીએ તરત જ શમી ગયો હતો. ગઈ કાલે ઊઘડતી બજારે સોનાના ભાવ ૧૫૦૦ ડૉલરની સપાટી જાળવી રાખવા માટે મક્કમ પ્રયાસ કરી રહ્યા હતા, પણ દરેક ઉછાળે નવી વેચવાલી જોવા મળી રહી હતી. તેજી માટે મોટાં ફન્ડામેટલ કારણોના અભાવે ભાવ સાંકડી વધઘટમાં રહે એવી શક્યતા છે. 

વૈશ્વિક બજારમાં હાજરમાં સોનું ૧૫૦૮.૨૦ ડૉલર પ્રતિ ઔંસ સામે ઘટી શુકવારે ૧૫૦૪.૪૦ ડૉલર પ્રતિ ઔંસ બંધ આવ્યું હતું. ગઈ કાલે ભાવમાં વધારે ઘટાડો જોવા મળી રહ્યો હતો અને ભાવ ૧૪૯૭.૭૫ ડૉલર પ્રતિ ઔંસ હતો. ન્યુ યૉર્કના કોમેક્સ વાયદામાં સોનું શુકવારે ૧૫૧૨.૯૦ ડૉલરની સપાટીએ બંધ આવ્યું હતું જે ગઈ કાલે ૧૫૦૩ ડૉલર પ્રતિ ઔંસની સપાટીએ હતું. એક તબક્કે ભાવ ઘટી ૧૫૦૧.૩ ડૉલરની સપાટીએ પણ પહોંચ્યા હતા. ચાંદીનો વાયદો ૦.૪૪ ઘટી ૧૭.૫૪૫ ડૉલર પ્રતિ ઔંસની સપાટીએ છે.
હાજરમાં પાંચ રૂપિયા ઘટી મુંબઈ ખાતે સોનું ૩૯,૩૩૦ રૂપિયા અને અમદાવાદ ખાતે ૩૯,૩૬૫ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ રહ્યું હતું. એમસીએક્સ સોનું ડિસેમ્બર વાયદો ૧૦ ગ્રામદીઠ ૩૮,૪૧૦ ખૂલી ઉપરમાં ૩૮,૪૭૦ અને નીચામાં ૩૮,૨૨૫ના મથાળે અથડાઈ પ્રથમ સત્રના અંતે ૬૫ ઘટીને ૩૮,૨૬૮ રૂપિયા બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની ઑક્ટોબર કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૪૧ ઘટીને ૮ ગ્રામદીઠ ૩૦,૩૩૧ રૂપિયા અને ગોલ્ડ-પેટલ ઑક્ટોબર કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૧ ઘટીને ૧ ગ્રામદીઠ ૩૮૧૦ રૂપિયા થયા હતા, જ્યારે સોનું-મિની નવેમ્બર વાયદો ૧૦ ગ્રામદીઠ ૭૦ ઘટીને બંધમાં ૩૮,૧૧૮ રૂપિયાના ભાવ રહ્યા હતા.
ચાંદીમાં ૧૪૦ ઘટી મુંબઈ ખાતે ૪૬,૧૮૫ રૂપિયા અને અમદાવાદ ખાતે ૧૫૦ ઘટી ૪૬,૨૫૦ રૂપિયા પ્રતિ કિલો રહ્યા હતા. ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર કૉન્ટ્રૅક્ટ કિલોદીઠ ૪૫,૫૪૯ ખૂલી ઉપરમાં ૪૫,૫૪૯ અને નીચામાં ૪૫,૦૮૫ના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રના અંતે ૨૧૫ ઘટીને ૪૫,૧૬૪ રૂપિયા બંધ રહ્યો હતો. ચાંદી-મિની નવેમ્બર ૨૦૨ ઘટીને ૪૫,૧૮૫ રૂપિયા અને ચાંદી-માઇક્રો નવેમ્બર ૧૯૬ ઘટીને ૪૫,૧૮૮ રૂપિયા બંધ રહ્યા હતા.
તેજી માટે નક્કર કારણો જોઈશે
સોનામાં ફરી એક વખત તેજી માટે નક્કર કારણો જોઈએ છે. સોનાના ભાવ વધવા માટે અમેરિકા અને યુરોપમાં અર્થતંત્રને વેગવંતુ બનાવવા માટે વ્યાજદરમાં ઘટાડો જાહેર કરવામાં આવે અથવા તો મૂડીપ્રવાહિતા વધારવામાં આવે એ જરૂરી છે. અમેરિકા અને ચીન વચ્ચે વ્યાપારમંત્રણા આ સપ્તાહે શરૂ થઈ જશે અને એના ઉપર પણ બજારની નજર રહેશે. ભૌગોલિક રીતે અત્યારે વિશ્વમાં શાંતિ જોવા મળી રહી છે એટલે સોનાના ભાવમાં તેજી અટકી ગઈ છે.
ટેક્નિકલ ચાર્ટ પર સોનામાં તેજી માટે ૧૫૨૦ ડૉલર પ્રતિ ઔંસની સપાટી તૂટવી અનિવાર્ય છે. જો સોનું આ સપાટી ઓળંગે તો જ તેજી થઈ શકે છે અન્યથા દરેક સમયે ઉછાળે નવી વેચવાલી જોવા મળી શકે છે એવું બજાર વિશ્લેષકો માની રહ્યા છે. ટેક્નિકલ સપાટીમાં સોનું ૧૪૯૦થી ૧૫૨૦ ડૉલરની સપાટી વચ્ચે અથડાયા કરે છે અને એના ભાવમાં વધારા (કે ઘટાડા) માટે મોટું કારણ અનિવાર્ય છે.
રૂપિયો ડૉલર સામે નબળો
ડૉલર સામે રૂપિયામાં ગઈ કાલે સાંકડી વધઘટ જોવા મળી હતી, પણ દિવસના અંતે એ ડૉલર સામે ફરી નબળો પડી બંધ આવ્યો હતો. ક્રૂડ ઑઇલના ભાવમાં આવેલા આંશિક ઉછાળા અને અમેરિકા અને ચીન વચ્ચે વ્યાપારમંત્રણા અંગેના સમાચારોના આધારે ડૉલરમાં વધઘટ જોવા મળી રહી છે. શુકવારે ૭૦.૮૮ની સપાટીએ ડૉલર સામે બંધ આવેલો રૂપિયો આજે ૭૧ની સપાટીએ ખુલ્યો હતો અને નબળો પડી ૭૧.૦૯ થયા બાદ ૭૧.૦૨ની સપાટીએ બંધ આવ્યો હતો. ગઈ કાલે રૂપિયો ૧૪ પૈસા જેટલો નબળો પડ્યો હતો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK