Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > નીચામાં ફિઝિકલ ડિમાન્ડની આશાએ સોનામાં મંદીને બ્રેક

નીચામાં ફિઝિકલ ડિમાન્ડની આશાએ સોનામાં મંદીને બ્રેક

07 October, 2014 04:58 AM IST |

નીચામાં ફિઝિકલ ડિમાન્ડની આશાએ સોનામાં મંદીને બ્રેક

નીચામાં ફિઝિકલ ડિમાન્ડની આશાએ સોનામાં મંદીને બ્રેક



બુલિયન બુલેટિન-મયૂર મહેતા

અમેરિકી ડૉલરની મજબૂતીને પગલે સોનું ૪ વર્ષના તળિયે પહોંચ્યા બાદ ભારતમાં તહેવારોની જ્વેલરી-ડિમાન્ડ નીકળતાં અને યુરોપિયન શૅરબજાર સુધરતાં સોનામાં નીચા મથાળે મંદીને બ્રેક લાગી હતી. ચીનમાં એક સપ્તાહનું મિની વેકેશન પૂરું થયા બાદ ફિઝિકલ ડિમાન્ડ નીચા મથાળે નીકળશે એવી આગાહી ગ્લોબલ ફાઇનૅન્શિયલ કંપની બાર્કલેએ કરતાં સોનામાં સુધારો જોવા મળ્યો હતો. જોકે ઍનલિસ્ટો, હેજ ફન્ડો અને મની મૅનેજરો હજી સોનામાં વધુ ભાવ ઘટશે એવી આગાહી કરી રહ્યા છે.

પ્રાઇસ મૂવમેન્ટ

આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સોનાના ભાવમાં વીતેલા સપ્તાહ દરમ્યાન ૧.૯ ટકાનો ઘટાડો થયો હતો. ૨૦૧૪માં પ્રથમ વખત સોનાના ભાવે ૧૨૦૦ ડૉલરની સપાટી તોડી હતી. ૨૦૧૩માં સોનાના ભાવમાં ૨૮ ટકાનો ઘટાડો નોંધાયા બાદ ૨૦૧૪ના આરંભથી સોનાના ભાવ સતત વધી રહ્યા હતા. વીતેલા સપ્તાહે સોનાનો ભાવ ૧૧૯૦ ડૉલર બંધ રહ્યો હતો, પણ સોમવારે સવારે નીચા મથાળે લેવાલી નીકળતાં સોનાનો ભાવ સુધરીને ૧૧૯૩.૨૫ ડૉલર ખૂલ્યો હતો, જે છેલ્લે વધીને ૧૧૯૪.૩૦ ડૉલર રહ્યો હતો. અન્ય પ્રિસિયસ મેટલમાં ચાંદીના ભાવ ૧૭.૦૧ ડૉલર ખૂલીને છેલ્લે ૧૭.૦૨ ડૉલર, પ્લૅટિનમના ભાવ ૧૨૧૭ ડૉલર ખૂલીને છેલ્લે ૧૨૨૧ ડૉલર અને પેલેડિયમના ભાવ ૭૫૨ ડૉલર ખૂલીને ૭૫૪ ડૉલર રહ્યા હતા.

 પ્રાઇસ સર્વેનો રિપોર્ટ

ગોલ્ડના ભાવ વિશેના દર સપ્તાહે કિટકો ન્યુઝ સર્વિસ દ્વારા યોજાતા સર્વેમાં આ વખતે ૩૭ ઍનલિસ્ટોમાંથી ૨૬ પાર્ટિસિપન્ટ્સે ભાગ લીધો હતો. ૨૬માંથી ૧૬ના મતે ગોલ્ડમાં મંદી થશે અને સાતના મતે ગોલ્ડમાં તેજી થશે, જ્યારે ત્રણ પાર્ટિસિપન્ટ્સે ભાવ રેન્જબાઉન્ડ રહેવાની આગાહી કરી હતી. અમેરિકી ડૉલરની મજબૂતી વધતાં સોનાના ભાવ ઘટશે એવું મોટા ભાગના ઍનલિસ્ટો માની રહ્યા છે. અમેરિકાના એક સિનિયર ગોલ્ડ-બ્રોકરે જણાવ્યું હતું કે અમેરિકી ડૉલર ઓવરબૉટ થશે અને ગોલ્ડ ઓવરસોલ્ડ પોઝિશનમાં આવશે ત્યારે ગોલ્ડ બૉટમઆઉટ થશે પણ આ સ્થિતિ આવતાં હજી સમય લાગશે એથી આવતા સપ્તાહે ગોલ્ડના ભાવ ઘટવાનું ધ્યાન છે.

 હેજ ફન્ડો-મની મૅનેજરો

અમેરિકી ફ્યુચર માર્કેટનાં હેજ ફન્ડો અને મની મૅનેજરોએ વીતેલા સપ્તાહ દરમ્યાન બુલિશ પોઝિશનમાં ૧૪.૭ ટકાનો ઘટાડો કરતાં બુલિશ પોઝિશન ૩૭,૭૪૩ કૉન્ટ્રૅક્ટની રહી હતી. છેલ્લાં સાત સપ્તાહમાં હેજ ફન્ડો-મની મૅનેજરોએ બુલિશ પોઝિશનમાં ૭૨ ટકાનો ઘટાડો કર્યો હતો. ગોલ્ડમાં બેરિશ પોઝિશનમાં વીતેલા સપ્તાહ દરમ્યાન ૪.૫ ટકાનો વધારો થઈ બેરિશ પોઝિશન ઑલટાઇમ હાઈ સપાટીએ પહોંચી હતી. ઑગસ્ટના છેલ્લા સપ્તાહ પછી બેરિશ પોઝિશનમાં બમણો વધારો નોંધાયો હતો. વીતેલા સપ્તાહ દરમ્યાન ગોલ્ડ ETP (એક્સચેન્જ ટ્રેડેડ પ્રોડક્ટ)ના હોલ્ડિંગમાં ૧૦ ટનનો ઘટાડો થઈ ETP હોલ્ડિંગ ૧૬૭૮.૪૮ ટને પહોંચ્યું હતું જે પાંચ વર્ષની નીચી સપાટી છે.

અંદાજોમાં ઘટાડો

સોનાના ભાવે ૧૨૦૦ ડૉલરની સપાટી તોડતાં વિવિધ ઇન્વેસ્ટમેન્ટ બૅન્કોએ સોનાના ભાવના અંદાજોમાં ફેરફાર કર્યા હતા. ગોલ્ડમૅન સાક્સે ૨૦૧૪ના મધ્યમાં સોનાના ભાવ વર્ષના અંત સુધીમાં ૧૦૫૦ ડૉલર થશે એવી આગાહી કરી ફરી એમાં ફેરફાર કરીને ઍવરેજ ૧૨૦૦ ડૉલર ભાવ રહેશે એવી આગાહી કરી હતી, પણ ગોલ્ડમૅન સાક્સે ફરી ૧૦૫૦ ડૉલર ભાવ રહેવાની આગાહી કરી હતી. HSBC (હૉન્ગકૉન્ગ ઍન્ડ શાંઘાઈ બૅન્કિંગ કૉર્પોરેશન)એ ૨૦૧૫માં સોનાનો ઍવરેજ ભાવ ૧૧૭૫ ડૉલર રહેશે એવી આગાહી કરી હતી. અગાઉ એણે ઍવરેજ ૧૩૧૦ ડૉલર ભાવ રહેવાની આગાહી કરી હતી. સોસાયટ જનરલે પણ સોનાના ભાવ આવનારા દિવસોમાં ૧૨૦૦ ડૉલરની નીચે રહેશે એવી આગાહી કરી હતી.

ગોલ્ડ સ્મગલિંગમાં મહિલાઓને આગળ ધરવાનો ટ્રેન્ડ વધ્યો

સરકારે ગોલ્ડ પર ઇમ્પોર્ટ ડ્યુટી સહિતનાં નિયંત્રણો લાદી દીધા બાદ ભારતમાં સ્મગલિંગની પ્રવૃત્તિ કૂદકે ને ભૂસકે વધી રહી છે. હવે ગોલ્ડ સ્મગલરોએ મહિલાઓ દ્વારા સ્મગલિંગ કરાવવાનું ચાલુ કર્યું છે જેથી છટકબારીનો ચાન્સ વધી જાય. કસ્ટમ ડિપાર્ટમેન્ટે ગોલ્ડ સ્મગલિંગ રોકવા ઍર ઇન્ટેલિજન્સ યુનિટ ચાલુ કર્યું છે. અમદાવાદ કસ્ટમ વિભાગનાં સૂત્રોના જણાવ્યા અનુસાર યુવાન છોકરીઓથી માંડીને ૬૦ વર્ષની વૃદ્ધાનો સ્મગલિંગ માટે ઉપયોગ વધ્યો છે. તાજેતરમાં એક ૬૦ વર્ષની વૃદ્ધ મહિલા વ્હીલચૅરમાં હતી તેને પકડતાં તેની પાસેથી ગોલ્ડ બાર મળ્યા હતા. તાજેતરમાં ૧૦ મહિલાઓને કસ્ટમ વિભાગે પકડી હતી. એક મોટા સીઝરમાં બે મહિલાઓ ૨૦ ગોલ્ડ બાર સાથે પકડાઈ હતી.

ભાવ-તાલ

સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ) : ૨૬,૭૧૦
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ) : ૨૬,૫૬૦
ચાંદી (.૯૯૯ ટચ કિલોદીઠ) : ૩૯,૧૨૫
(સોર્સ : ધ બૉમ્બે બુલિયન અસોસિએશન લિમિટેડ)



Whatsapp-channel Whatsapp-channel

07 October, 2014 04:58 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK