સોનાની ડિમાન્ડ 26 વર્ષમાં સૌથી નીચી રહે એવી શક્યતા છે

Published: Jul 31, 2020, 13:42 IST | Bullion Watch | Mumbai

વર્ષ ૨૦૧૯માં ૨૫ ટકા અને કૅલેન્ડર વર્ષ ૨૦૨૦માં અત્યાર સુધીમાં ૩૪ ટકા ભાવવધારા બાદ ભારતમાં સોનાના ભાવ સર્વકાલીન ઊંચી સપાટી પર છે.

ગોલ્ડ
ગોલ્ડ

વર્ષ ૨૦૧૯માં ૨૫ ટકા અને કૅલેન્ડર વર્ષ ૨૦૨૦માં અત્યાર સુધીમાં ૩૪ ટકા ભાવવધારા બાદ ભારતમાં સોનાના ભાવ સર્વકાલીન ઊંચી સપાટી પર છે. એક તરફ ભાવ ઊંચા છે અને બીજી તરફ દેશનો નબળો આર્થિક વિકાસ હવે કોરોના વાઇરસના કારણે લાદવામાં આવેલા લૉકડાઉનથી મંદીમાં સરી પડ્યો છે ત્યારે લોકોની આવક પર અસર પડી હોવાથી આ વર્ષે દેશમાં સોનાની માગ ઇતિહાસમાં સૌથી નીચી રહે એવી આંશકા વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલે વ્યક્ત કરી છે.

કૅલેન્ડર વર્ષ ૨૦૨૦ના પ્રથમ છ મહિનામાં દેશની સોનાની માગ ૫૬ ટકા ઘટી ૧૬૫.૬ ટન રહી છે અને જૂન ક્વૉર્ટરમાં ભારતની માગ ૭૦ ટકા ઘટી ૬૩.૭ ટન રહી હતી, જે છેલ્લા એક દાયકામાં સૌથી નીચી છે.

ઊંચા ભાવના કારણે ભારતમાં સોનાનાં ઘરેણાં માટેની તેમ જ  સિક્કા અને ગિની માટેની માગ ત્રણ વર્ષથી ઘટી રહી છે. હવે લૉકડાઉનની અસરથી દેશમાં ભારે માત્રામાં બેરોજગારી આવી છે, રોજગારી છે તેમના પગાર કપાયા છે ત્યારે આ વખતે માગમાં વધારે તીવ્ર ઘટાડો થઈ શકે છે.

પ્રથમ છ મહિનામાં ભારતની સોનાની માગ ૧૯૯૪ના સ્તરે પટકાઈ છે. એ વખતે સમગ્ર વર્ષમાં ભારતમાં માત્ર ૪૧૫ ટન સોનાનો વપરાશ જોવા મળ્યો હતો. કોરોના વાઇરસની અસરથી હજી પણ કેટલાંક સ્થળોએ લૉકડાઉન છે. દેશમાં કેસ વધી રહ્યા છે એટલે અત્યારે ચોક્કસ અંદાજ આપવો મુશ્કેલ છે એમ વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના ભારત ખાતેના મૅનેજિંગ ડિરેક્ટર સોમસુન્દરમ પીઆર જણાવે છે.

વિશ્વમાં ઘરેણાં માટે સોનાની ડિમાન્ડ છ મહિનામાં ૪૬ ટકા ઘટી, ભારતના ઇતિહાસમાં સૌથી મોટો ઘટાડો

પ્રથમ ક્વૉર્ટરમાં સોનાની જ્વેલરી માટેની માગ ૩૯ ટકા ઘટ્યા પછી બીજા ક્વૉર્ટરમાં એમાં ૫૩ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. વિશ્વનાં બે સૌથી મોટા સોનાનાં વપરાશકાર અને ઘરેણાંનાં સૌથી મોટાં બજાર એવા ભારત અને ચીનમાં માગ ઘટી જતાં વૈશ્વિક સ્તરે મોટો ફટકો પડ્યો છે. ભારતમાં જ્વેલરી માટે સોનાની માગ પ્રથમ છ મહિનામાં માત્ર ૧૧૭ ટન રહી છે જે ઇતિહાસમાં સૌથી નીચી છે.

કૅલેન્ડર વર્ષના પ્રથમ છ મહિનામાં સોનાની માગ  ૪૬ ટકા ઘટી કુલ ૫૭૨ ટન રહી હોવાનું વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના ગઈ કાલે માગ અને પુરવઠાના ડેટા સાથેના અહેવાલમાં જણાવ્યું છે. સોનાની આ માગ છેલ્લાં ૧૦ વર્ષની સરેરાશ ૧૧૦૬ ટન કરતાં ૫૦ ટકા જેટલી ઘટી ગઈ છે. પ્રથમ અને બીજા ક્વૉર્ટરમાં માગ વિક્રમી નીચા સ્તરે જોવા મળી છે.

કોરોના મહામારીના કારણે લૉકડાઉન અમલમાં મૂકવામાં આવ્યો હોવાથી ઉત્પાદન અને શો-રૂમ થકી વેચાણ બંધ હતા. આ ઉપરાંત, ગ્રાહકો પણ બહાર નીકળી શકે એમ ન હોવાથી તેમ જ સોનાના વિક્રમી ઊંચા ભાવના કારણે ઘરેણાંની માંગ પર મોટો ફટકો પડ્યો છે.

ચીન વિશ્વમાં સોનાનો સૌથી મોટો વપરાશકાર છે. ચીનમાં લૉકડાઉન સૌથી પહેલો હટાવી લેવામાં આવ્યો હતો એટલે અહી માગ ઘટી હોવા છતાં સુધરી રહી હોય એવો સંકેત આપી રહી છે. ચીનમાં સોનાની માગ બીજા ક્વૉર્ટરમાં ૩૩ ટકા ઘટી ૯૦.૯ ટન રહી હતી. ભારતમાં બીજા ક્વૉર્ટરમાં સોનાની માગ ૭૪ ટકા ઘટી માત્ર ૪૪ ટન રહી છે. ભારતમાં પ્રથમ ક્વૉર્ટરમાં માગ ૪૧ ટકા ઘટી ૯૩.૯ ટન રહી હતી. ભારતમાં સોનાની માગ પ્રથમ છ મહિનામાં ૬૦ ટકા ઘટી માત્ર ૧૧૭ ટન રહી છે જે વિક્રમી નીચા સ્તરે છે, એમ વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ જણાવે છે.

વૈશ્વિક રીતે ઈટીએફમાં જંગી પ્રવાહ છતાં ૨૦૨૦ના પ્રથમ છ મહિનામાં સોનાની ડિમાન્ડ ઘટી

કૅલેન્ડર વર્ષ ૨૦૨૦ના બીજા ક્વૉર્ટર એટલે કે એપ્રિલથી જૂન દરમિયાન વિશ્વમાં સોનાની માગ ૧૧ ટકા ઘટી ૧૦૧૫ ટન રહી હોવાનો અંદાજ વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલે ગઈ કાલે બહાર પાડેલા અહેવાલમાં જાહેર કર્યો હતો. પ્રથમ ક્વૉર્ટરમાં માગ એક ટકા વધી ૧૦૮૩.૮ ટન રહી હોવાથી સમગ્ર છ મહિનામાં વિશ્વમાં માગ છ ટકા ઘટીને આવી છે.

કોરોના મહામારીના કારણે આવી રહેલી વૈશ્વિક મંદીને ખાળવા માટે સેન્ટ્રલ બૅન્કો દ્વારા બજારમાં વ્યાજદર ઘટાડવામાં આવ્યા છે અને પુષ્કળ નાણાપ્રવાહિતા ઠાલવી છે એના કારણે એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ (ઈટીએફ)માં ૭૩૪ ટનનું રોકાણ આવ્યું છે. આ ગાળામાં ડૉલરની રીતે સોનાના ભાવ ૧૭ ટકા વધ્યા છે અને વિશ્વનાં અન્ય ચલણોમાં ભાવ ઐતિહાસિક ઊંચી સપાટીએ જોવા મળી રહ્યા છે. કોઈ પણ એક વર્ષમાં અત્યાર સુધીમાં સૌથી વધુ ઈટીએફ પ્રવાહ ૬૪૬ ટનનો ૨૦૦૯માં જોવા મળ્યો હતો, હવે એની સામે છ મહિનામાં જ એના કરતાં વધારે પ્રવાહ આવી ગયો છે. વૈશ્વિક રીતે ગોલ્ડ ઈટીએફમાં કુલ અસ્કયામતો હવે ૩.૬૨૧ ટન પહોંચી છે.

સોનાના સિક્કા અને ગિની ખરીદવાનું પ્રમાણ બીજા ક્વૉર્ટરમાં પણ ઘટેલું જોવા મળ્યું છે. જાન્યુઆરીથી જૂનના છ મહિનામાં આવું રોકાણ ૧૭ ટકા ઘટી ૩૯૬.૭ ટન રહ્યું છે. આ ઘટાડાના કારણે સિક્કા અને ગિનીની માગ ૧૧ વર્ષમાં સૌથી નીચે જોવા મળી છે. સિક્કા અને ગિની ખરીદવામાં વિશ્વના પૂર્વ અને પશ્ચિમ ભાગમાં વિરોધાભાસ જોવા મળ્યો છે. એશિયાઈ દેશોમાં પ્રમાણ ઘટ્યું છે, જયારે પશ્ચિમના દેશોમાં એની ખરીદી વધી છે.

પ્રથમ ક્વૉર્ટરમાં ઘરેણાંની માગ ૩૯ ટકા ઘટી ૩૨૫.૮ ટન રહી હતી જે ઇતિહાસમાં સૌથી મોટો ઘટાડો હતો. સમગ્ર છ મહિનાના ગાળામાં સોનાની માગ ૪૬ ટકા ઘટી માત્ર ૫૭૨ ટન રહી છે. બીજા ક્વૉર્ટરમાં માત્ર ૨૫૧ ટનની માગ ઘરેણાંનાં ક્ષેત્રોમાંથી જોવા મળી હતી જે ઐતિહાસિક રીતે નીચી છે. ઊંચા ભાવ અને લૉકડાઉનના કારણે ગ્રાહકોની ખરીદી લગભગ બંધ થઈ ગઈ હોવાથી ઘરેણાંની માગને ફટકો પડ્યો હોવાનું કાઉન્સિલ જણાવે છે. આવી જ રીતે ટેક્નૉલૉજી માટે સોનાનો વપરાશ પ્રથમ છ મહિનામાં ૧૩ ટકા ઘટી ૧૪૦ ટન રહ્યો છે.

પ્રથમ ક્વૉર્ટર બાદ બીજા ક્વૉર્ટરમાં પણ સેન્ટ્રલ બૅન્કની સોનાની ખરીદી ઘટેલી જોવા મળી છે. પ્રથમ છ મહિનામાં વિશ્વની સેન્ટ્રલ બૅન્કોએ ૨૩૩ ટન સોનું ખરીદ્યું હતું. લૉકડાઉનના કારણે વૈશ્વિક બજારમાં ખાણો બંધ રહી હતી અને એના કારણે ઉત્પાદન પણ ૬ ટકા ઘટ્યું હોવાનું કાઉન્સિલે જણાવ્યું હતું.

લૉકડાઉનની અસરે ઊંચા ભાવે સોનું વેચવાની પ્રવૃત્તિમાં ઘટાડો

સોનાના ઊંચા ભાવે બજારમાં પોતાના હાથપર કે ઘરમાં જે સોનું હોય એ વેચી રોકડ ઊભી કરવાની પ્રવૃત્તિ દર વર્ષે જોવા મળે છે. વૈશ્વિક રીતે ૨૦૧૯ના વર્ષમાં આવી રીતે ઊંચા ભાવે ૧૩૧૧.૫ ટન સોનું બજારમાં આવ્યું હતું. વર્ષ ૨૦૨૦ના પ્રથમ ત્રણ મહિનામાં જોકે લૉકડાઉન અને કોરોના વાઇરસની અસરના કારણે સોનું વેચી રોકડ ઊભી કરવાની પ્રવૃત્તિને બ્રેક લાગી હતી અનેએ ૪ ટકા ઘટી માત્ર ૨૮૦.૨ ટન રહી હતી. બીજા ક્વૉર્ટરમાં એના કરતાં પણ વધારે તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે.

વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના અહેવાલ અનુસાર ૨૦૨૦ના એપ્રિલથી જૂનના ગાળામાં કુલ રિસાઇકલ ગોલ્ડનો પુરવઠો ૮ ટકા ઘટી ૨૮૫.૭ ટન રહ્યો છે. છેલ્લાં પાંચ વર્ષથી દર વર્ષે આ રીતે રિસાઇકલ ગોલ્ડનો પુરવઠો વધતો હતો જેમાં આ વર્ષે બ્રેક જોવા મળી છે.

જોકે પ્રથમ ક્વૉર્ટરમાં ભારતમાં હાથપરનું સોનું વેંચી રોકડી કરવાની વૃત્તિ વધી હતી. ભારતમાં જાન્યુઆરીથી માર્ચમાં રિસાઇકલ ગોલ્ડનો પુરવઠો ૧૬ ટકા વધી ૧૮.૮ ટન રહ્યો હતો. એપ્રિલથી જૂનના બીજા ક્વૉર્ટરમાં પણ એમાં ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા ત્રણ મહિનામાં આ રીતે ૧૩.૮ ટન સોનું જ બજારમાં આવ્યું છે જે ગયા વર્ષ કરતાં ૮૫ ટકાનો જંગી ઘટાડો દર્શાવે છે.

જોકે ભારતમાં એપ્રિલ અને મે મહિનામાં કડક લૉકડાઉન અમલમાં હતું. દુકાનો બંધ હતી. લોકોની અવરજવર પર પ્રતિબંધ હતો એટલે રોકડની જરૂર હોવા છતાં સોનું વેચવું શક્ય નહીં હોવાથી આ ઘટાડો જોવા મળી રહ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. 

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK