અમેરિકા અને ચીનની તંગદિલીથી સોના અને ચાંદીમાં નીચા મથાળેથી ખરીદીનું જોર

Published: May 23, 2020, 14:21 IST | Gujarati Mid-day Correspondent | Mumbai

બન્ને દેશ વચ્ચે વધુ ઘર્ષણ થાય એવી આશાએ જોખમી અસ્કયામતોમાં વેચવાલી અને સલામત અસ્કયામતો કે રોકડ તરફ આકર્ષણ જોવા મળ્યું છે

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

અમેરિકા અને ચીન વચ્ચે વધી રહેલી તંગદિલી અને ફરી હૉન્ગકૉન્ગમાં સ્થાનિક નાગરિકો અને ચીન સરકાર વચ્ચે તંગદિલી વધે, આ તંગદિલીમાં અમેરિકા પ્રદર્શનકાર સાથે છે. બન્ને દેશ વચ્ચે વધુ ઘર્ષણ થાય એવી આશાએ જોખમી અસ્કયામતોમાં વેચવાલી અને સલામત અસ્કયામતો કે રોકડ તરફ આકર્ષણ જોવા મળ્યું છે. ડૉલર મજબૂત છે, યેન સ્થિર છે અને સોનું વધી ગયું છે

ગુરુવારે શૅરબજારની સાથે સોનું વાયદો ૩૦ ડૉલર ઘટી ૧૭૨૧.૯૯ ડૉલર અને ચાંદી ૬૬ સેન્ટ પ્રતિ ઔંસ ઘટીને બંધ આવ્યા હતા. ગુરુવાર સુધી શૅરબજારની વધ-ઘટના આધારે સોના અને ચાંદીમાં પણ ટ્રેડિંગ જોવા મળ્યું હતું. જોકે આજે ફરી જોખમો સપાટી ઉપર આવતાં આર્થિક અને રાજદ્વારી ચિંતાઓ વધી જતાં સોનામાં નીચલા મથાળે ખરીદી જોવા મળી રહી છે.

આજે કૉમેક્સ સોનું વાયદો ૦.૪૮ ટકા કે ૮.૩૦ ડૉલર વધી ૧૭૩૦.૨ અને હાજરમાં ૦.૫૮ ટકા કે ૧૦ ડૉલર વધી ૧૭૩૭.૦૩ની સપાટી પર છે. ચાંદી વાયદો ૧.૩૩ ટકા કે ૨૩ સેન્ટ વધી ૧૭.૬૦ ડૉલર અને હાજરમાં ૦.૩૯ ટકા કે ૭ સેન્ટ વધી ૧૭.૧૭ ડૉલર પ્રતિ ઔંસની સપાટી છે.

આજની વૃદ્ધિ પછી પણ સોનું સાપ્તાહિક ધોરણે ઘટેલું છે. વૈશ્વિક બજારમાં સોનું જૂન વાયદો ગયા સપ્તાહે ૧૭૫૪ ડૉલર અને ચાંદી ૧૭.૦૭ની સપાટીએ બંધ રહી હતી.. સપ્તાહ દરમ્યાન સોનામાં ૨૪ ડૉલરનો ઘટાડો  અને ચાંદીમાં ૫૩ સેન્ટની વૃદ્ધિ જોવા મળી રહી છે. સોનું વધીને ૧૭૭૫ ડૉલર  અને ચાંદી વધીને ૧૮.૧૬૫ ડૉલર પ્રતિ ઔંસ થઈ હતી. બન્નેમાં ઉપરના મથાળે વેચવાલી આવી હતી

ભારતમાં સોનું મક્કમ,

ચાંદીમાં આંશિક ઘટાડો

હાજર બજારો બંધ હતાં, પણ બુલિયન ટ્રેડિંગનાં ખાનગી બજારોમાં  સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૪૮,૩૮૮ અને ચાંદી ૪૮,૭૫૮ની સપાટીએ હતા. ખાનગીમાં સોનું આંશિક રીતે વધ્યું અને ચાંદીમાં આંશિક ઘટાડો જોવા મળી રહ્યો છે. ઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશનના રેફરન્સ રેટમાં સોનું આજે પ્રતિ ૧૦ ગ્રામ ૨૧૨ વધી ૪૭,૧૦૦ હતું જ્યારે ચાંદી ૨૫૫ ઘટી ૪૭,૦૪૫ રૂપિયા પ્રતિ કિલો હતી.

એમસીએક્સ સોનું જૂન વાયદો ૧૦ ગ્રામદીઠ ૪૬૪૬૬ ખૂલી, ઉપરમાં ૪૭૧૩૦ અને નીચામાં ૪૬૪૬૪ના મથાળે અથડાઈ પ્રથમ સત્રના અંતે ૫૬૨ વધીને ૪૬૯૫૦ રૂપિયા બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની મે કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૧૭૨ વધીને ૮ ગ્રામદીઠ ૩૮૦૧૨ અને ગોલ્ડ-પેટલ મે કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૪૫ વધીને ૧ ગ્રામદીઠ ૪૭૩૨ થયા હતા, જ્યારે સોનું-મિની જૂન વાયદો ૧૦ ગ્રામદીઠ ૫૧૪ વધીને બંધમાં ૪૬૯૩૧ રૂપિયાના ભાવ રહ્યા હતા.

ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ કૉન્ટ્રૅક્ટ કિલોદીઠ ૪૭૨૨૭ ખૂલી, ઉપરમાં ૪૮૦૪૦ અને નીચામાં ૪૭૦૫૨ના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રના અંતે ૩૮૯ વધીને ૪૭૭૨૪ રૂપિયા બંધ રહ્યો હતો. ચાંદી-મિની જૂન ૩૭૧ વધીને ૪૮૦૯૭ અને ચાંદી-માઇક્રો જૂન ૩૬૪ વધીને ૪૮૧૮૧ રૂપિયા બંધ રહ્યા હતા.

વૈશ્વિક ડૉલર મજબૂત: સતત બીજા સપ્તાહે ડૉલર સામે રૂપિયો નબળો પડ્યો

વૈશ્વિક બજારમાં ડૉલરમાં ફરી મજબૂત સેન્ટિમેન્ટ જોવા મળી રહ્યાં છે. અમેરિકા અને ચીન વચ્ચ વધી રહેલી તંગદિલીમાં આજે હૉન્ગકૉન્ગ પરિબળ ઉમેરાયું હતું. હૉન્ગકૉન્ગમાં નાગરિકો પર વધુ નિયંત્રણ લાદવાની જાહેરાતથી શૅરબજારોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને ફરી રોકડ તરફ મક્કમ પ્રયાણ જોવા મળી રહ્યું છે. અગાઉ આ સપ્તાહમાં અમેરિકાએ ચીનની કંપનીઓના અમેરિકન સ્ટૉક લિસ્ટિંગ પર નિયંત્રણ મૂકતો કાયદો પસાર કર્યો હતો. આ તંગદિલીને કારણે આજે સતત બીજા દિવસે ડૉલર ઇન્ડેક્સ વધ્યો છે. ૬ અગ્રણી કરન્સી સામે ડૉલરના મૂલ્યનો આ ઇન્ડેક્સ અત્યારે ૦.૪૪ ટકા વધી ૯૯.૮૩૮ ઉપર છે.

વૈશ્વિક ડૉલરની મજબૂતી, ભારતીય શૅરબજારથી વિદેશી રોકાણ ઊપડી રહ્યું છે અને રિઝર્વ બૅન્કે ભારતના આર્થિક વિકાસદર વિશેના અંદાજો નેગેટિવ હોવાથી વ્યાજનો દર ૦.૪ ટકા ઘટ્યો હોવા છતાં ડૉલર સામે આજે રૂપિયો નબળો પડ્યો હતો.

ગુરુવારે ૭૫.૬૧ની સપાટી સામે રૂપિયો આજે વૈશ્વિક પરિબળ વચ્ચે ૭૫.૭૨ની નબળી સપાટીએ ખૂલ્યો હતો અને દિવસભર ૭૫.૭૧ની ઊંચી અને ૭૫.૯૫ની નીચી સપાટીએ અથડાઈ દિવસના અંતે ૩૫ પૈસા ઘટી ૭૫.૯૫ બંધ આવ્યો હતો. ગયા સપ્તાહે ડૉલર સામે રૂપિયો ૪ પૈસા ઘટી ૭૫.૫૮ની સપાટીએ બંધ રહ્યો હતો. આ સપ્તાહમાં એમાં વધુ ૩૭ પૈસાનો ઘટાડો જોવા મળ્યો છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK