અમેરિકા ચીનની તંગદિલી અને કોરોનાના બીજા તબકકાથી સોના અને ચાંદીમાં ફરી તેજીનો વક્કર

Published: May 16, 2020, 11:13 IST | Mumbai Correspondence | Mumbai Desk

આ તરફ ડોનલ્ડ ટ્રમ્પ ફરી ચીન ઉપર આક્રમક રાજદ્વારી વાત કરી રહ્યા છે. તેમણે અમેરિકન ફંડ્સના ચીનના રોકાણ પરત લેવાની અને રાષ્ટ્રપતિ જિનપિંગ સાથે વાત નહીં કરવાની જાહેરાત કરી છે તેના કારણે બજારમાં તંગદિલી જોવા મળી રહી છે.

સોના ચાંદીના ભાવમાં ફરી વધારો
સોના ચાંદીના ભાવમાં ફરી વધારો

સોના અને ચાંદીના ભાવ સપ્તાહના અંત તરફ ઊંચી સપાટી ઉપર બંધ થવા તરફ જઈ રહ્યા છે. એક તરફ આર્થિક ચિંતાઓ છે, કોરોના વાઇરસનો બીજો તબક્કો જોવા મળી રહ્યો છે અને તેમાં અમેરિકા અને ચીન વચ્ચે વધી રહેલી તંગદિલીનો ઉમેરો થયો છે જે સોનાના ભાવમાં તેજીનો વક્કર બનાવી રહ્યા છે. 

અમેરિકામાં અર્થતંત્ર ઉપર કોરોનાના કારણે લાંબાગાળાની અસર થશે એવા બુધવારના ફેડરલ રિઝર્વના ચૅરમૅન જેરોમ પૉવેલના નિવેદન બાદ સોના અને ચાંદીમાં તેજીનો નવો દોર જોવા મળી રહ્યો છે. અમેરિકામાં વધી રહેલી બેરોજગારી અને એપ્રિલમાં રિટેલ વેચાણ ૧૬.૪ ટકા ઘટ્યું હોવાના ઐતિહાસિક નીચા આંકડા આ થિયરીને ટેકો આપી રહ્યા છે. આ તરફ ડોનલ્ડ ટ્રમ્પ ફરી ચીન ઉપર આક્રમક રાજદ્વારી વાત કરી રહ્યા છે. તેમણે અમેરિકન ફંડ્સના ચીનના રોકાણ પરત લેવાની અને રાષ્ટ્રપતિ જિનપિંગ સાથે વાત નહીં કરવાની જાહેરાત કરી છે તેના કારણે બજારમાં તંગદિલી જોવા મળી રહી છે.
ગુરુવારે સોનું જૂન વાયદો ૨૪ ડૉલર વધી ૧૭૪૦ ડૉલર પ્રતિ ઔંસની સપાટી ઉપર હતો. આજે વાયદો વધુ ૦.૬૧ ટકા કે ૬૦ સેન્ટ વધી ૧૭૫૧.૫ ડૉલર પ્રતિ ઔંસની સપાટી ઉપર છે. હાજરમાં સોનું ૩ સેન્ટ વધી ૧૭૪૦.૩૩ ડૉલર પ્રતિ ઔંસની સપાટી ઉપર છે. વૈશ્વિક બજારમાં ચાંદીનો વાયદો ગુરુવારે ૪૯ સેન્ટ વધી ૧૬.૧૬ ડૉલર પ્રતિ ઔંસ બંધ રહ્યો હતો. આજે ચાંદીનો જુલાઈ વાયદો ૪.૨૨ ટકા કે ૬૮ સેન્ટ વધી ૧૬.૮૪ ડૉલર પ્રતિ ઔંસ અને હાજરમાં ૩.૬૫ ટકા કે ૫૮ સેન્ટ વધી ૧૬.૪૫ ડૉલર પ્રતિ ઔંસની સપાટી ઉપર છે.
ભારતમાં સોનું ૮૩૪, ચાંદી ૨૭૦૨ રૂપિયા ઊછળ્યા
ગુરુવારે સોનાના વૈશ્વિક ભાવ, અમેરિકન ટ્રેડિંગ દરમ્યાન બે સપ્તાહની ઉપલી સપાટીએ પહોંચ્યા હતા અને તેની અસરથી ઇન્ડિયન બુલિયન અૅન્ડ જ્વેલર્સ અસોસિએશનના ટૅક્સ સિવાયના રેફરન્સ રેટમાં ઉછાળો આવ્યો હતો. સોનું પ્રતિ ૧૦ ગ્રામે ૭૪૫ વધી ૪૭,૦૬૭ અને ચાંદી પ્રતિ કિલો ૨૦૫૦ વધી ૪૫,૦૩૫ રૂપિયાની સપાટીએ જોવા મળી હતી. ખાનગીમાં સોનાના ભાવ ૪૮,૭૧૯ અને ચાંદી ૪૬,૭૭૨ રૂપિયા થઈ ગયા હતા. ખાનગીમાં સોનું ૮૩૪ રૂપિયા અને ચાંદી ૨૭૦૨ રૂપિયા ઊછળ્યા હતા.
સોનું જૂન વાયદો ૧૦ ગ્રામદીઠ ૪૬,૭૧૧ ખૂલી ઉપરમાં ૪૬,૯૮૪ અને નીચામાં ૪૬,૬૪૧ રૂપિયાના મથાળે અથડાઈ પ્રથમ સત્રના અંતે ૨૯૨ વધીને ૪૬,૯૪૬ રૂપિયા બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની મે કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૨૦૦ વધીને ૮ ગ્રામદીઠ ૩૭,૯૩૨ રૂપિયા અને ગોલ્ડ-પેટલ મે કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૬૯ વધીને ૧ ગ્રામદીઠ ૪૭૬૭ રૂપિયા થયા હતા, જ્યારે સોનું-મિની જૂન વાયદો ૧૦ ગ્રામદીઠ ૨૭૩ વધીને બંધમાં ૪૬,૯૦૪ રૂપિયાના ભાવ રહ્યા હતા. ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ કૉન્ટ્રૅક્ટ કિલોદીઠ ૪૪,૪૯૯ ખૂલી ઉપરમાં ૪૫,૫૮૦ અને નીચામાં ૪૪,૪૯૯ રૂપિયાના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રના અંતે ૧૩૧૭ વધીને ૪૫,૪૫૨ રૂપિયા બંધ રહ્યો હતો. ચાંદી-મિની જૂન ૧૨૩૦ વધીને ૪૫,૭૪૫ રૂપિયા અને ચાંદી-માઈક્રો જૂન ૧૨૧૬ વધીને ૪૫,૮૨૩ રૂપિયા બંધ રહ્યા હતા.
રૂપિયો નરમ, સપ્તાહમાં ૪ પૈસા ઘટ્યો
ક્રૂડ ઑઈલના વધી રહેલા ભાવ, વિદેશી સંસ્થાઓની શૅરબજારમાં સતત વેચવાલી અને વૈશ્વિક સ્તર ઉપર અમેરિકા અને ચીન વચ્ચે વધી રહેલી તંગદિલી વચ્ચે આજે ડૉલર સામે રૂપિયો સામાન્ય રીતે નરમ પડ્યો હતો. ગુરુવારે ૭૫.૫૬ બંધ રહેલો રૂપિયો આજે મક્કમ ૭૫.૫૧ની સપાટી ખૂલ્યો હતો. આજે તે ૭૫.૪૫થી ૭૫.૫૯ની સાંકડી વધઘટ વચ્ચે જોવા મળ્યો હતો અને દિવસના અંતે ૨ પૈસા ઘટી ૭૫.૫૮ની સપાટીએ  બંધ રહ્યો હતો. આ સપ્તાહમાં ડૉલર સામે તે ૪ પૈસા ઘટ્યો હતો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK