Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > ટ્રમ્પનો ટ્રેડ-વૉરનો નવો ડોઝ : સોના અને ચાંદીના ભાવમાં ઉછાળો

ટ્રમ્પનો ટ્રેડ-વૉરનો નવો ડોઝ : સોના અને ચાંદીના ભાવમાં ઉછાળો

04 December, 2019 10:49 AM IST | Mumbai

ટ્રમ્પનો ટ્રેડ-વૉરનો નવો ડોઝ : સોના અને ચાંદીના ભાવમાં ઉછાળો

સોના-ચાંદીના ભાવમાં વધારો

સોના-ચાંદીના ભાવમાં વધારો


ટ્રેડ-વૉર બંધ થશે અને અમેરિકા અને ચીન વચ્ચે સંધિ થશે એવા સંકેતના કારણે સતત નરમ પડી રહેલી સોનાની તેજીને ગઈ કાલે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ તરફથી જીવતદાન મળ્યું છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે માત્ર ચીન સાથે મંત્રણા આવતા વર્ષે થશે એવી જાહેરાત જ નહીં, પણ સાથે–સાથે બ્રાઝિલ, આર્જેન્ટિના અને ફ્રાન્સ ખાતે ટ્રેડ-વૉરના નવા મોરચા પણ ખોલ્યા છે. આ સાથે જ સોનાના ભાવમાં તેજી માટે જરૂરી એક કારણ મળી ગયું હતું. ટ્રમ્પના નિવેદનની અસરથી શૅરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો અને જોખમ છોડી ભાગી રહેલા લોકોએ ફરી સ્વર્ગ એવા સોનામાં રાહ પકડી છે.

વૈશ્વિક હાજર બજારમાં સોનાનો ભાવ સોમવારે ૧૪૬૩.૧ ડૉલર પ્રતિ ઔંસ બંધ આવ્યો હતો. આજે એમાં ઉછાળો જોવા મળ્યો છે અને એ ૧૪૭૪.૨ ડૉલર પ્રતિ ઔંસ ચાલી રહ્યા છે. ન્યુ યૉર્ક કોમેકસ ગોલ્ડ વાયદો પણ ૦.૭૧ ટકા કે ૧૦.૪૫ ડૉલર ઊછળી ૧૪૭૯.૬૫ ડૉલર પ્રતિ ઔંસ અને ચાંદીનો વાયદો ૧.૩૧ ટકા કે ૦.૨૨ સેન્ટ વધી ૧૭.૧૮૮ ડૉલર પ્રતિ ઔંસ ચાલી રહ્યો છે.

નવેમ્બરમાં ભારતમાં સોનાની આયાત વધી હતી અને એના કારણે માગણી વધી રહી હોવાની બજારમાં વાત ચાલી રહી હોવાથી સોનું અને ચાંદીના ભાવ વધ્યા હતા. ભારતમાં મુંબઈ ખાતે હાજરમાં ભાવ ૨૭૦ વધી ૩૯,૪૦૦ રૂપિયા અને અમદાવાદ ખાતે ૨૨૦ વધી ૩૯,૩૯૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ હતા. એમસીએક્સ સોનું ડિસેમ્બર વાયદો ૧૦ ગ્રામદીઠ ૩૭,૯૩૦ ખૂલી ઉપરમાં ૩૮,૨૫૦ અને નીચામાં ૩૭,૮૮૦ રૂપિયાના મથાળે અથડાઈ પ્રથમ સત્રના અંતે ૧૨૩ વધીને ૩૮,૦૭૫ રૂપિયા બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની ડિસેમ્બર કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૪૮ વધીને ૮ ગ્રામદીઠ ૩૦,૫૯૯ રૂપિયા અને ગોલ્ડ-પેટલ ડિસેમ્બર કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૭ વધીને ૧ ગ્રામદીઠ ૩૮૭૩ રૂપિયા થયા હતા, જ્યારે સોનું-મિની ડિસેમ્બર વાયદો ૧૦ ગ્રામદીઠ ૨૪૧ વધીને બંધમાં ૩૮,૧૫૬ રૂપિયાના ભાવ રહ્યા હતા.

મુંબઈ હાજર ચાંદી ૧૨૦ વધી ૪૫,૭૮૦ રૂપિયા અને અમદાવાદ ખાતે ૮૦ વધી ૪૫,૮૬૦ રૂપિયા પ્રતિ કિલો રહી હતી. ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર કૉન્ટ્રૅક્ટ કિલોદીઠ ૪૪,૨૫૦ ખૂલી ઉપરમાં ૪૪,૬૮૫ અને નીચામાં ૪૪,૧૫૦ રૂપિયાના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રના અંતે ૨૧૯ વધીને ૪૪,૫૬૩ રૂપિયા બંધ રહ્યો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી ૨૩૬ વધીને ૪૪,૯૮૭ રૂપિયા અને ચાંદી-માઇક્રો ફેબ્રુઆરી ૨૨૪ વધીને ૪૪,૯૮૪ રૂપિયા બંધ રહ્યા હતા.

જોખમ છોડી, સોનું પકડવા દોડધામ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ એવું બોલ્યા હતા કે પ્રથમ તબક્કાની સંધિ માટે કોઈ સમયમર્યાદા નથી. કોઈ પણ ટ્રેડ-ડીલ આવતા વર્ષે અમેરિકાની ચૂંટણી પછી આવી શકે છે. ચૂંટણી નવેમ્બર ૨૦૨૦માં થવાની હોવાથી વિલંબ બહુ મોટો લાગી રહ્યો છે. ટ્રેડ-વૉરના કારણે આર્થિક વિકાસ મંદ પડશે, વ્યાજના દર ઘટી જશે એટલે સોનાની ચમક વધુ ઊજળી બની શકે છે એવી ધારણાએ આજે ઉછાળો આવ્યો હતો. આવી જ રીતે અમેરિકાએ બ્રાઝિલ અને આર્જેન્ટિના સ્ટીલ અને ઍલ્યુમિનિયમ ઉપર તેમ જ ફ્રાન્સની કેટલીક ચીજો ઉપર ટૅરિફ લાદવાની પણ ધમકી ઉચ્ચારી છે.

આ પણ જુઓ : જ્યારે એકસાથે જોવા મળ્યો આખો અંબાણી પરિવાર, જુઓ તસવીરો

ચાર મહિનાના ઘટાડા પછી નવેમ્બરમાં સોનાની આયાત વધી
સતત ઘટાડા પછી નવેમ્બરમાં ભારતમાં સોનાની આયાતમાં વૃદ્ધિ જોવા મળી હોવાનું સરકારી સૂત્રોએ જણાવ્યું હતું. સપ્ટેમ્બરના મધ્ય ભાગથી સોનાના ભાવમાં જોવા મળેલા આંશિક ઘટાડાના કારણે અને આવી રહેલી લગ્નસરાની સીઝનમાં વધારે માગણી નીકળશે એવી આશાએ બુલિયન ટ્રેડર્સ દ્વારા ચળકતી ધાતુની આયાતમાં વધારો કરવામાં આવ્યો હતો. ઑક્ટોબર મહિનામાં સોનાની આયાત ૪૦ ટન રહી હતી જે નવેમ્બરમાં ૭૮ ટકા વધી ૭૧ ટન રહી હોવાનું સરકારી સૂત્રોએ જણાવ્યું હતું. જોકે, નવેમ્બર ૨૦૧૮ કરતાં સોનાની આયાત આ વર્ષે ૧૬ ટકા જેટલી ઘટી હતી. કિંમતની દૃષ્ટિએ ભારતમાં સોનાની આયાત ૨.૯૪ અબજ ડૉલર રહી છે જે ગયા વર્ષે ૨.૭૬ અબજ ડૉલર હતી. નવેમ્બર મહિના દરમ્યાન સોનાના સ્થાનિક ભાવમાં લગભગ ૫૫૦ રૂપિયા જેટલો ઘટાડો જોવા મળ્યો છે.

વૈશ્વિક બજારમાં સોનાના ઊંચા ભાવ અને ભારતમાં ઐતિહાસિક ઊંચી સપાટીએ ભાવ પહોંચ્યા હોવાથી સ્થાનિક ઘરેણાંની માગણી ઘટી ગઈ હતી અને ઑક્ટોબરમાં સતત ચોથા મહિને આયાત ઘટી હતી. સપ્ટેમ્બરમાં પણ આયાત માત્ર ૨૬ ટન જ રહી હતી.

ડૉલર સામે રૂપિયો સ્થિર
આજે ભારતીય ચલણ દિવસની વધઘટ બાદ ડૉલર સામે સ્થિર સપાટીએ બંધ આવ્યો હતો. ગુરુવારે રિઝર્વ બૅન્ક ધિરાણનીતિ જાહેર કરશે એટલે એના આધારે ચાલ નક્કી થશે. જોકે વિદેશી સંસ્થાઓની ત્રણ દિવસની શૅરબજારમાં ભારે વેચવાલીની અસર પણ એમાં જોડાશે. ડૉલર સામે રૂપિયો ૭૧.૫૨ની ઉપરની અને ૭૧.૭૯ની નીચેની સપાટીએ અથડાયા પછી ૭૧.૬૬ની સોમવારની સપાટીએ જ બંધ આવ્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

04 December, 2019 10:49 AM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK