જીડીપીમાં તીવ્ર ઉછાળો

Updated: 30th October, 2020 15:45 IST | Gujarati Mid-day Correspondent | Mumbai

બેરોજગારીમાં ઘટાડાથી ડૉલર ઊછળતાં સોના અને ચાંદીમાં ફરી કડાકો

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

અમેરિકામાં ધારણા કરતાં જીડીપીમાં તીવ્ર ઉછાળો, બેરોજગારીમાં ઘટાડા વચ્ચે ડૉલરનું સલામતી માટેનું આકર્ષણ વધતાં સોના અને ચાંદીના ભાવમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે. બીજું, સોનાની પરંપરાગત માગ ત્રીજા ક્વૉર્ટરમાં ઘટી હોવાના વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના અહેવાલ બાદ દબાણ જોવા મળી રહ્યું છે.

વૈશ્વિક બજારમાં ડૉલર બુધવારે ૦.૮૩ ટકા વધ્યો હતો અને એના કારણે ચાંદીનો વાયદો ૪.૨૩ ટકા અને સોનું વાયદો ૧.૭૧ ટકા ઘટ્યા હતા. ડૉલરમાં વૃદ્ધિ માટે બુધવારે કોરોના વાઇરસના વધી રહેલા કેસ જવાબદાર હતા. ગઈ કાલે ડૉલરમાં વૃદ્ધિ જળવાઈ રહી છે. અમેરિકામાં ત્રીજા ક્વૉર્ટરમાં જીડીપીમાં તીવ્ર ઉછાળો જોવા મળ્યો છે અને સાથોસાથ બેરોજગારીના આંકડામાં પણ સુધારો જોવા મળ્યો છે.

બીજા ક્વૉર્ટરમાં અમેરિકાનો જીડીપી તીવ્ર રીતે ઘટી નેગેટિવ ૩૧.૪ ટકા રહ્યા બાદ ત્રીજા ક્વૉર્ટરમાં એ ૩૩.૧ ટકા વધ્યો હોવાની જાહેરાત કૉમર્સ ડિપાર્ટમેન્ટે કરી હતી. બજારની ધારણા ૩૨ ટકા વૃદ્ધિની હતી. ગયા સપ્તાહના અંતે જૉબલેસ ક્લેમમાં પણ ધારણા કરતાં વધારે સારો ઘટાડો જોવા મળ્યો હતો. બજારની ધારણા ૭.૭૩ લાખ ક્લેમની હતી એની સામે આંકડો ૭.૫૧ લાખનો આવ્યો હતો. આર્થિક રીતે વૃદ્ધિ અને બેરોજગારીમાં ઘટાડો બન્નેના કારણે અમેરિકાનું અર્થતંત્ર મહામારી અને લૉકડાઉનની અસરથી બહાર આવી રહ્યું છે. આર્થિક વૃદ્ધિના સમયમાં સોનું રોકાણ માટેની ચમક ગુમાવે છે અને એના કારણે ગઈ કાલે ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

આર્થિક રીતે સારા આંકડા અને યુરોપમાં કોરોનાના કારણે દેશોએ લાદેલા પ્રતિબંધોના કારણે ડૉલરમાં વૃદ્ધિ જોવા મળી રહી છે. અમેરિકન ડૉલરનું વિશ્વનાં છ મુખ્ય ચલણ સામે મૂલ્ય નક્કી કરતો ડૉલર ઇન્ડેક્સ અત્યારે ૦.૪૧ ટકા ઊછળ્યો છે. એની સાથે સોનું વાયદો ૦.૭૦ ટકા કે ૧૩.૧૦ ડૉલર ઘટી ૧૮૬૬.૧૦ ડૉલર અને હાજરમાં ૦.૬૦ ટકા કે ૧૧.૨૨ ડૉલર ઘટી ૧૮૬૫.૯૭ ડૉલર પ્રતિ ઔંસની સપાટી પર છે. ચાંદી વાયદો ૧.૧૩ ટકા કે ૨૬ સેન્ટ ઘટી ૨૩.૧૦ ડૉલર અને હાજરમાં ૧.૧૪ ટકા કે ૨૭ સેન્ટ ઘટી ૨૩.૧૨ ડૉલર પ્રતિ ઔંસની સપાટી પર છે.

વૈશ્વિક ઘટાડા સાથે ભારતમાં સોનું નરમ, ચાંદીમાં કડાકો

ભારતમાં હાજર બજારમાં સોનું અને ચાંદી બન્નેમાં વૈશ્વિક ઘટાડા સાથે ઘટાડો જોવા મળ્યો હતો. જોકે ડૉલર સામે રૂપિયો નબળો પડતાં ભારતમાં ઘટાડા પર બ્રેક જોવા મળી હતી. મુંબઈ ખાતે હાજરમાં સોનું ૨૧૦ ઘટી ૫૨,૪૩૦ રૂપિયા અને અમદાવાદ ખાતે ૧૮૫ ઘટી ૫૨,૩૬૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ બંધ રહ્યું હતું. એમસીએક્સ સોનું ડિસેમ્બર વાયદો ૧૦ ગ્રામદીઠ ૫૦,૪૪૬ ખૂલી, ઉપરમાં ૫૦,૬૧૭ અને નીચામાં ૫૦,૩૩૧ રૂપિયાના મથાળે અથડાઈ પ્રથમ સત્રના અંતે ૮૨ વધીને ૫૦,૫૭૭ રૂપિયા બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની ઑક્ટોબર કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રના અંતે ૧૬૯ વધીને ૮ ગ્રામદીઠ ૪૧,૦૦૦ રૂપિયા અને ગોલ્ડ-પેટલ ઑક્ટોબર કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રના અંતે કોઈ ફેરફાર વગર ૧ ગ્રામદીઠ ૫૧૧૦ રૂપિયા થયા હતા, જ્યારે સોનું-મિની નવેમ્બર વાયદો ૧૦ ગ્રામદીઠ ૮૨ વધીને બંધમાં ૫૦,૫૬૫ રૂપિયાના ભાવ રહ્યા હતા.

હાજરમાં મુંબઈ ચાંદી ૧૪૮૦ ઘટી ૬૧,૨૫૦ રૂપિયા અને અમદાવાદ ખાતે ૧૫૫૦ ઘટી ૬૧,૧૦૦ રૂપિયા પ્રતિ કિલો બંધ રહી હતી. ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર કોન્ટ્રેક્ટ કિલોદીઠ ૬૦,૦૬૯ ખૂલી, ઉપરમાં ૬૦,૩૩૫ અને નીચામાં ૫૯,૪૦૦ રૂપિયાના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રના અંતે ૧૯૨ ઘટીને ૫૯,૯૪૬ રૂપિયા બંધ રહ્યો હતો. ચાંદી-મિની નવેમ્બર ૧૬૪ ઘટીને ૫૯,૯૮૯ રૂપિયા અને ચાંદી-માઇક્રો નવેમ્બર ૧૬૧ ઘટીને ૫૯,૯૮૧ રૂપિયા બંધ રહ્યા હતા.

ડૉલર સામે રૂપિયો બે મહિનાની નીચી સપાટીએ

અમેરિકામાં અને યુરોપમાં કોરોના વાઇરસનો બીજો અને ઉગ્ર તબક્કો શરૂ થયો છે. આ સ્થિતિમાં જોખમ છોડી રોકાણકારો સલામતી તરફ દોડી રહ્યા હોવાથી ડૉલરના મૂલ્યમાં વધારો થઈ રહ્યો છે. ભારતીય ચલણ રૂપિયો પણ ગુરુવારે ઘટી બે મહિનાની નીચી સપાટીએ બંધ રહ્યો હતો.

બુધવારે ૭૩.૮૭ બંધ રહેલો રૂપિયો ગઈ કાલે ૭૪.૦૨ની નરમ સપાટીએ ખુલ્યા બાદ એક તબક્કે ઘટી ૭૪.૧૬ થઈ ગયો હતો. સત્રના અંતે રૂપિયો ૨૩ પૈસા ઘટી ૭૪.૧૦ બંધ આવ્યો હતો. ઑગસ્ટ ૨૬ પછી રૂપિયો પ્રથમ વખત ૭૪ની નીચે બંધ આવ્યો છે. આજે ફૉરેક્સ માર્કેટ બંધ છે. ગઈ કાલે પૂરા થયેલા સપ્તાહમાં રૂપિયો ૪૯ પૈસા કે ૦.૬૬ ટકા ઘટ્યો છે અને આ ચલણમાં ચોથો સાપ્તાહિક ઘટાડો છે.

First Published: 30th October, 2020 14:44 IST
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK