સોનું દોઢ મહિનાની અને ચાંદી સાત સપ્તાહની નીચી સપાટીએ

Published: 24th September, 2020 12:24 IST | Mumbai correspondent | Mumbai

સોના અને ચાંદીમાં વેચવાલી અટકતી જ નથી, સોનું દોઢ મહિનાની અને ચાંદી સાત સપ્તાહની નીચી સપાટીએ

સોનું દોઢ મહિનાની અને ચાંદી સાત સપ્તાહની નીચી સપાટીએ
સોનું દોઢ મહિનાની અને ચાંદી સાત સપ્તાહની નીચી સપાટીએ

વૈશ્વિક બજારમાં સોના અને ચાંદીમાં સતત ઘટાડાનો દોર જોવા મળી રહ્યો છે. વર્તમાન ભાવ સપાટીએ સોનું છ સપ્તાહની અને ચાંદી સાત સપ્તાહની નીચી સપાટીએ છે. જે રીતે ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે એના ઉપરથી લાગી રહ્યું છે કે ટેક્નિકલ ચાર્ટ ઉપર વૃદ્ધિ હવે કપરી લાગી રહી છે. વૈશ્વિક બજારમાં ડૉલરના મૂલ્યમાં વધારો અને શૅરબજારમાં ફરી જોખમ લઈ ખરીદી નીકળતા સોના અને ચાંદીમાં ભારે પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું છે. સતત ત્રીજા દિવસે ડૉલર ઇન્ડેક્સ વધી રહ્યો છે. ગઈ કાલે ડૉલર ઇન્ડેક્સ ૦.૨૦ ટકા વધી ૯૪.૨૦૭ની ત્રણ મહિનાની ઊંચી સપાટી ઉપર છે.
ગઈ કાલે કોમેક્સ ઉપર સોનું વાયદો ૧.૧૨ ટકા કે ૨૧.૩૦ ડૉલર ઘટી ૧૮૮૬.૩૦ અને હાજરમાં ૦.૭૦ ટકા કે ૧૩.૨૩ ડૉલર ઘટી ૧૮૮૬.૯૮ ડૉલર પ્રતિ ઔંસની સપાટી ઉપર છે. ચાંદીનો વાયદો ૩.૯૫ ટકા કે ૯૭ સેન્ટ ઘટી ૨૩.૫૬ ડૉલર અને હાજરમાં ૩.૩૭ ટકા કે ૮૨ સેન્ટ ઘટી ૨૩.૫૮ ડૉલર પ્રતિ ઔંસની સપાટી ઉપર છે.
ઑગસ્ટના પ્રથમ સપ્તાહમાં કૉમેકસ વાયદો ૨૦૮૯ ડૉલરની ઇતિહાસની ઊંચી સપાટીએ હતો અને ચાંદી વાયદો ૨૯.૯૧૫ ડૉલરની આઠ વર્ષની ઊંચી સપાટીએ હતો. ઑગસ્ટની ઊંચી સપાટીથી સોનું ૨૦૨.૭ ડૉલર કે ૯.૭૦ ટકા અને ચાંદી ૬.૩૫ ડૉલર કે ૨૧ ટકા નીચે પટકાયા છે.
સોમવારે શૅરબજારમાં ઘટાડાની સાથે સોના અને ચાંદીમાં ઘટાડો જોવા મળ્યો હતો પણ પછી શૅરબજાર ફરી ઉછળી રહ્યાં છે અને વધે તેવી શક્યતા છે ત્યારે સોના અને ચાંદીમાં ઘટાડો યથાવત્ છે. સતત ત્રીજા દિવસે જોવા મળી રહેલા કડાકાની અસર, ટેક્નિકલ રીતે મહત્ત્વની સપાટીથી નીચે જઈ રહેલા ભાવના કારણે હવે સોના માટે નવું ફન્ડામેન્ટલ કારણ ભાવ ઊંચા લઈ જવા માટે જરૂરી છે.
ભારતમાં પણ સોના અને
ચાંદીમાં કડાકો
વૈશ્વિક બજારમાં ઘટાડાની સાથે ગઈ કાલે હાજરમાં સોનું અને ચાંદીમાં ઘટાડાનો દોર જળવાઈ રહ્યો હતો. મુંબઈ ખાતે હાજરમાં સોનું ૫૧૦ ઘટી ૫૧,૮૭૦ અને અમદાવાદમાં ૪૯૦ ઘટી ૫૧,૮૫૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ બંધ આવ્યું હતું. વાયદામાં પણ ભાવ એક તબક્કે ૫૦,૦૦૦ની સપાટીથી નીચે આવી ગયો હતો. ગઈ કાલે સોનું ઑક્ટોબર વાયદો ૧૦ ગ્રામદીઠ ૫૦,૩૮૦ ખૂલી, ઉપરમાં ૫૦,૩૮૦ અને નીચામાં ૪૯,૬૬૦ના મથાળે અથડાઈ પ્રથમ સત્રના અંતે ૩૮૧ ઘટીને ૫૦,૦૦૦ રૂપિયા બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની સપ્ટેમ્બર કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રનાં અંતે ૪૦૮ ઘટીને ૮ ગ્રામદીઠ ૪૦,૨૨૩ અને ગોલ્ડ-પેટલ સપ્ટેમ્બર કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રનાં અંતે ૫૩ ઘટીને ૧ ગ્રામદીઠ ૫૦૬૫ થયા હતા, જ્યારે સોનું-મિની ઑક્ટોબર વાયદો ૧૦ ગ્રામદીઠ ૪૦૦ ઘટીને બંધમાં ૫૦,૦૫૪ રૂપિયાના ભાવ રહ્યા હતા.
હાજરમાં મુંબઈ ચાંદી ૧૪૩૫ ઘટી ૬૦,૧૦૦ અને અમદાવાદમાં ૧૪૩૫ ઘટી ૬૦,૦૭૫ રૂપિયા પ્રતિ કિલોનો ભાવ હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર કૉન્ટ્રૅક્ટ કિલોદીઠ ૬૦,૩૧૧ ખૂલી, ઉપરમાં ૬૦,૪૮૭ અને નીચામાં ૫૮,૦૩૭ રૂપિયાના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રનાં અંતે ૨૦૨૫ ઘટીને ૫૯,૧૮૮ બંધ રહ્યો હતો. ચાંદી-મિની નવેમ્બર ૨૦૩૧ ઘટીને ૫૯,૧૯૨ અને ચાંદી-માઇક્રો નવેમ્બર ૨૦૨૧ ઘટીને ૫૯,૧૯૪ રૂપિયા બંધ રહ્યા હતા.
ઐતિહાસિક ઊંચી સપાટીએથી સોનું ૨૦ ટકા, ચાંદી ૨૩ ટકા નીચે
ઑગસ્ટમાં વૈશ્વિક ઊંચા ભાવની સાથે ભારતમાં સોનું હાજરમાં ૫૮,૧૩૫ અને ચાંદી ૭૭,૯૪૯ની સર્વાધિક ઊંચી સપાટીએ હતા. આજની ભાવસપાટીએ દોઢ મહિનામાં સોનાના ભાવમાં  ૧૦.૭૭ ટકા કે ૬૨૬૫નો ઘટાડો જોવા મળ્યો છે. ચાંદીના ભાવ ઊંચી સપાટીએથી ૧૭,૮૪૯ કે ૨૩ ટકા નીચે પડ્યા છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK