Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > ફેડના રેટ-કટની આશાએ રૂપિયો અને સોનું ઊછળ્યાં

ફેડના રેટ-કટની આશાએ રૂપિયો અને સોનું ઊછળ્યાં

15 July, 2019 09:19 AM IST | મુંબઈ
કરન્સી-કૉર્નર - બિરેન વકીલ

ફેડના રેટ-કટની આશાએ રૂપિયો અને સોનું ઊછળ્યાં

ફેડના રેટ-કટની આશાએ રૂપિયો અને સોનું ઊછળ્યાં


ફેડ ચૅરમૅન જેરેમી પોવેલે આગામી ૩૧ જુલાઈની બેઠકમાં વ્યાજદર ઘટાડાના સંકેતો આપતાં ડૉલર મોટા ભાગની કરન્સી સામે નબળો પડ્યો હતો. ડૉલરની નરમાઈનો રૂપિયાને પણ લાભ મળ્યો હતો. વૈશ્વિક બૉન્ડ બજાર તૂટી રહ્યું છે. વૈશ્વિક વ્યાજદરમાં ઘટાડાનો ટ્રેન્ડ અને યુરોપમાં ક્વૉન્ટિટિવ ઇઝિંગનો બીજો રાઉન્ડ આવવાની ગણતરીએ સોનામાં અને બિટકૉઇન જેવા ઓલ્ટરનેટિવ ઍસેટ્સમાં તેજીનો વંટોળ આવ્યો છે. ભારતમાં બજેટમાં આયાતજકાત વધ્યા પછી સોનું ૩૬,૦૦૦ થઈ ગયું છે. લંડન હાજર બજારમાં પણ સોનું ૧૪૪૪ ડૉલર થઈને ૧૪૧૦ ડૉલર ક્વૉટ થાય છે. ડૉલર ઇન્ડેક્સ ૯૮.૩૦થી ઘટીને ૯૬.૧૭ થઈ ૯૭.૨૦ છે. ટેક્નિકલી બજાર લાંબા સમયથી ૯૬-૯૮ વચ્ચે અથડાઈ રહ્યું છે.

અમેરિકાની વાત કરીએ તો ફેડ ચૅરમૅન જેરેમી પોવેલે અમેરિકી કૉન્ગ્રેસ સમક્ષ આર્થિક સંજોગોની ચર્ચા કરતાં કહ્યું કે જૉબ માર્કેટ સારું છે અને સુધારો જળવાયો છે, પણ ટ્રેડ-વૉર જેવાં બાહ્ય જોખમો વધ્યાં છે. ફુગાવો ઘણો નીચો રહ્યો છે. બજારના મતે આગામી બેઠકમાં ૨૫ બેસિસ પૉઇન્ટ વ્યાજદર ઘટાડો લગભગ નક્કી છે. અમુક વર્ગ ૫૦ બેસિસ પૉઇન્ટ ઘટાડાની પણ આશા રાખે છે. જોકે વરસના આરંભથી જ વ્યાજદર ઘટાડાના માહોલની જમાવટ થઈ છે. જાન્યુઆરીમાં તો આ વરસે ચાર વ્યાજદર ઘટાડા આવશે એવી હવા હતી. જોકે ફેડ માહોલ જમાવવામાં માહેર છે અને એકેય વ્યાજદર ઘટાડ્યા વિના પોતાનું કામ (એટલે કે શૅરબજારમાં તેજી અને જૉબ માર્કેટ મજબૂત રહે) કઢાવી શકી છે. પંડિતો મંદી-મંદી પોકારે છે. અમેરિકી પ્રમુખ ટ્રમ્પ વ્યાજદર ઘટાડા માટે ઉધામા મચાવે છે, પણ તાજજૂબ એ વાતનું છે કે અમેરિકી શૅરબજાર, બૉન્ડ, બિટકૉઇન, સોનામાં ફાટફાટ તેજી છે. મંદી છે કયાં? નીચા વ્યાજદરોને મંદી કહેવાતી હોય તો આવી લાખેણી મંદી સૌને મળજો અને ફળજો.’



યુરોપની વાત કરીએ તો બૉન્ડ યિલ્ડમાં પાતાળ ગમન ચાલુ છે. ઈસીબીને આગામી દિવસોમાં બૉન્ડ ખરીદી કરીને ડિફલેશનનો સામનો કરવો પડશે. ૪૦ ટકા અર્થતંત્રમાં નેગેટિવ વ્યાજદરો છે અને એ કારણે બૅન્કોના નફામાં ગાંબડાં પડે છે. સરકાર અને ખાનગી ક્ષેત્ર પર પેન્શન ચુકવણીની મોટી જવાબદારીઓ છે અને નેગેટિવ યિલ્ડમાં કૅશફલોની આવક તૂટે છે. યુરોપમાં જંક ડેટ-દેવાળિયા દેશોના બૉન્ડ અને અમેરિકાના બૉન્ડ, બધા એક જેવા ભાવ છે. ૨૦૧૨ની કટોકટીમાં ગ્રીસના ૧૦ વરસના બૉન્ડ યિલ્ડ ૫૦ ટકા થઈ ગયા હતા જે આજે ફક્ત ૨.૦૯ ટકા છે. અમેરિકી ૧૦ વરસના બૉન્ડ યિલ્ડ પણ આટલા જ છે.
સ્થાનિક બજારોની વાત કરીએ તો ૧૦ વરસના બૉન્ડ યિલ્ડ ૭૭૦ ટકાથી ઘટીને ૬.૫૨ થઈ ગયા છે અને આગળ પર ૬.૨૦-૬.૨૫ થવાની ધારણા છે. સરકાર પોતે પહેલી વખત ૧૦ અબજ ડૉલરનો બૉન્ડ ઇશ્યુ લાવશે. આ ઇશ્યુ ઑક્ટોબર આસપાસ આવી શકે. બજેટમાં નાણાકીય વિસ્તરણ ઘણું છે. રૂપિયો મજબૂત થઈ રહ્યો છે. ૭૪.૪૦થી સુધરીને ૬૮.૪૦ સુધી આવ્યો છે. વર્તમાન સંજોગો જોતાં આગામી છ માસમાં બે રેટ-કટ અને યિલ્ડ ૬ ટકા નીચે જાય એવી સંભાવના છે. ક્રૂડ કાબૂમાં રહે અને ચોમાસું સારું જાય, કોઈ આર્થિક કે રાજકીય ઊથલપાથલ ન થાય તો રૂપિયાની તેજી ૬૫.૫૦-૬૬ સુધી લંબાઈ શકે. રેન્જ ૬૬.૮૫-૬૯.૪૪ છે.


આ પણ વાંચોઃ અંદાજપત્રમાં જાહેર કરાયેલાં બહુ જરૂરી લેબર રિફૉર્મ્સ ક્યારે?

એશિયામાં અમેરિકા અને ચીન વચ્ચે વેપારયુદ્ધ ચાલુ છે અને ચીનને સમાધાનમાં કોઈ રસ હોય એમ લાગતું નથી. સાઉથ ચાઇના સીમાં ચીનની દબંગાઈ વધી રહી છે. મધ્યપૂર્વમાં ઈરાન પણ તોફાની મૂડમાં છે. ટર્કીએ રશિયાની એસ-૪૦૦ મિસાઇલ સિસ્ટમ લીધી છે. જૂના દોસ્તો દુશ્મન બની રહ્યા છે અને જૂના દુશ્મન નવા મિત્રો બની રહ્યા છે. યુદ્ધોની તૈયારીઓ દાયકાઓ માગી લે છે, પણ યુદ્ધની ચીનગારી એક ક્ષણનો સવાલ હોય છે. એ પણ એક જોગાનુજોગ અને વરવી વિટંબણા છે કે મહામંદીઓ હંમેશાં યુદ્ધથી જ પૂરી થતી હોય છે.
vakilbiren@gmail.com


Whatsapp-channel Whatsapp-channel

15 July, 2019 09:19 AM IST | મુંબઈ | કરન્સી-કૉર્નર - બિરેન વકીલ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK