યુરોમાં મંદીનાં પગરણ : કોરોનાના કેરથી સોના અને બિટકૉઇનમાં તેજી

Published: Feb 17, 2020, 12:04 IST | Biren Vakil | Mumbai

રૂપિયામાં સીમિત વધ-ઘટ : ડૉલેક્સ અને સ્વિસ ફ્રાન્કમાં મજબૂતાઈ

ગોલ્ડ
ગોલ્ડ

બ્રેક્ઝિટના અમલ પછી યુકે યુરોપિયન મહાસંઘ - ઈયુમાંથી ફારેગ થઈ જવાથી ઈયુનું બજેટ દબાણમાં આવ્યું છે. જ્યાં સુધી યુકે સભ્ય હતું ત્યાં સુધી એનો નોંધપાત્ર ફાળો ઈયુ બજેટમાં મળતો હતો. હવે આ ફાળો નહીં મળે એટલે ઈયુએ જર્મની, ફ્રાન્સ જેવા મોટા સભ્યો પર જ શૉર્ટફૉલ પૂરો કરવા નિર્ભર રહેવું પડશે. યુરોનો એક્સચેન્જ રેટ ઈયુની આર્થિક હાલત ડામાડોળ થવાની છડી પોકારે છે. ૩૧ જાન્યુઆરીએ બ્રેક્ઝિટ જાહેર થયા પછી ૧૬ દિવસમાં યુરો ૧.૧૩થી ઘટીને ૧.૦૮૬૦ થયો છે, જ્યારે પાઉન્ડ ૧.૩૦૦૦ના મથાળે ટકેલો છે. લાંબા ફ્લૅશબૅકમાં જોઈએ તો યુરો છેલ્લાં ૧૩ વર્ષથી એકધારી મંદીમાં છે. ૨૦૦૮માં અમેરિકી ક્રાઇસિસ વખતે યુરો ૧.૬૦૦૦ થયો હતો અને એ પછી ઘટીને ૨૦૧૬માં ૧.૦૪ થયા પછી ફરી વધીને ૧.૧૬ થઈ હાલમાં ૧.૦૮ છે. હેજ ફન્ડો યુરોમાં મંદીમાં છે અને યુરો ૧.૦૫ કે એનાથી નીચે જઈ શકે એમ માને છે. યુરોમાં એકધારી મંદી અને વ્યાજદરો નેગેટિવ હોવાથી યુરોમાં લોન લઈ યુરો મેળવીને એને એવી કરન્સીમાં કન્વર્ટ કરવાના કે જેમાં ઊંચું વ્યાજ મળે. આવા સોદાને કૅરીટ્રેડ કહે છે. યુરો અત્યારે બહુ આકર્ષક કૅરી કરન્સી છે. યુરોની માળખાગત ખામીઓ જોતાં એક વર્ગ એવું માને છે કે યુરો વહેલો-મોડો વિઘટન પામશે. (મારા અંગત મતે યુરો વિખેરાય જાય તો એક મોટી વૈશ્વિક આર્થિક ક્ષતિ દૂર થશે અને સરવાળે બધાને ફાયદો થશે, યુરોપને પણ ફાયદો થશે.)

બજારોની વાત કરીએ તો કોરોના વાઇરસનો કેર ચાલુ રહેતાં કૉમૉડિટી બજારોમાં મંદી રહી છે અને સોનું તેમ જ ડિજિટલ કરન્સીમાં નવો-નવો સેફ હેવન બિટકૉઇન મક્કમ રહ્યો છે. સોનું ૧૫૮૫ ડૉલર અને બિટકૉઇન ૧૦,૦૦૦ ડૉલર થયા છે. બિટકૉઇન એક વર્ષમાં ૪૦૦૦ ડૉલરથી વધીને ૧૦,૦૦૦ ડૉલર અને સોનું એક વર્ષમાં ૧૨૨૦ ડૉલરથી વધીને ૧૬૦૦ ડૉલર થયું છે. ડાઉ જોન્સ ૪૦,૦૦૦ થતાં પહેલાં બિટકૉઇન ૪૦,૦૦૦ થશે એવી આગાહીઓ રમતી થઈ છે. સેફ હેવન બાઇંગ નીકળતાં સ્વિસ પાઉન્ડ અને ડૉલર ઇન્ડેકસ મજબૂત થતા જાય છે. પાઉન્ડ ટકેલો છે અને યુરો ડૉલર, પાઉન્ડ, સ્વિસ ફ્રાન્ક સહિત મોટા ભાગની કરન્સી સામે ઘટતો જાય છે. રૂપિયા સામે યુરો થોડા મહિનાઓ પહેલાં ૬૫થી વધીને ૮૫ થઈ હાલમાં ૭૭.૫૦ છે. પાછલાં ૪૦ વર્ષનો ડેટા જોઈએ તો યુરો રૂપિયા સામે ૩૫થી વધીને ૮૫ થયો છે, હવે મંદી દેખાય છે.

પાઉન્ડની વાત કરીએ તો ડૉલર સામે પાઉન્ડ ૧.૧૮-૧.૩૫ થઈ હાલમાં ૧,૩૦ છે. રૂપિયા સામે ૨૦ વર્ષનો ડેટા જોઈએ તો પાઉન્ડ એક તબક્કે ૬૩થી વધીને ૧૦૫ થઈ હાલમાં ૯૨.૫૦ છે. યેનની વાત કરીએ તો ૪૫ વર્ષનો ડેટા જોઈએ તો યેન એક જ કરન્સી એવી છે જે ડૉલર સામે સતત મજબૂત થઈ રહી છે. ૧૯૭૫માં યેન ડૉલર સામે ૩૪૭ હતો જે આજે ૧૧૦ છે. એક તબક્કે અમેરિકી સબપ્રાઇમ અને ગ્રીક ક્રાઇસિસની બેવડી અસર થઈ ત્યારે યેન ૭૯ થઈ ગયા પછી બૅન્કોએ યેનની તેજી રોકવા દરમ્યાનગીરી કરતાં યેન ફરી ૧૨૦ થઈ અત્યારે ૧૧૦ છે. એકાદ-બે વર્ષમાં યેન ૧૦૦ નીચે જતો રહેશે એમ લાગે છે. રૂપિયા સામે યેન ઑલટાઇમ ૩૦ હતો અને ઑલટાઇમ હાઈ ૭૨.૫૦ થઈને હાલમાં ૬૫ છે.

રૂપિયો મામૂલી વધઘટે ટકેલો હતો. બંધભાવ ૭૧.૩૭ હતો. ડૉલરનો ફલો સતત વધતો રહ્યો છે એટલે ફૉરેક્સ રિઝર્વ ૪૭૩ અબજ ડૉલર થઈ ગયું છે અને જો બૉન્ડ બજાર સ્ટેબલ રહે તો રિઝર્વ ૫૦૦ અબજ ડૉલરની સપાટી વટાવી જશે. અત્યારે ભારતીય બૉન્ડના યિલ્ડ ઘણા સારા છે. રૂપિયો સ્ટેબલ હોવાથી બૉન્ડ બજારમાં બેસુમાર વિદેશી નાણાં આવે છે. ટેક્નિકલી રૂપિયાની રેન્જ ૭૦.૮૨-૭૧.૬૨ છે. બ્રૉડ રેન્જ ૭૦.૭૫-૭૨.૨૦ થાય. ડૉલેક્સની રેન્જ ૯૭.૭૦-૯૯.૩૦ છે. યુરોની રેન્જ ૧.૭૮૦-૧.૧૦૮૦, પાઉન્ડ ૧.૨૮૦૦-૧.૩૧૫૦, યેન ૧૦૮-૧૧૨, સોનું ૧૫૫૦-૧૬૦૦, બિટકૉઇન ૮૨૦૦-૧૦,૮૦૦ ગણાય.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK