સતત ચોથા દિવસે સોના અને ચાંદીમાં કડાકા યથાવત્

Published: Sep 25, 2020, 11:07 IST | Mumbai correspondent | Mumbai

ડૉલરની વૃદ્ધિ, અમેરિકન અર્થતંત્રની ચિંતા વચ્ચે સતત ચોથા દિવસે સોના અને ચાંદીમાં કડાકા યથાવત્

સોના ચાંદીના ભાવમાં ઘટાડો
સોના ચાંદીના ભાવમાં ઘટાડો

ફરીથી લૉકડાઉન આવી શકે છે એવી ચિંતા, અમેરિકામાં આર્થિક વૃદ્ધિ ધારણા કરતાં લાંબો સમય પછી પુનઃ સ્થાપિત થશે, ફેડરલ રિઝર્વ અત્યારે કોઈ સ્ટિમ્યુલસ આપી શકે એમ નથી એવા જેરોમ પૉવેલના નિવેદને અને ડૉલરમાં ચોથા દિવસે જોવા મળેલી સતત વૃદ્ધિ વચ્ચે સોના-ચાંદીના ભાવ બે મહિનાથી વધુની નીચી સપાટીએ પટકાયા હતા. દરેક ઉછાળે વેચવાલી અને ચાર દિવસથી વેચવાલીને કારણે અત્યારે એવું લાગી રહ્યું છે કે બુલિયનની તેજી માટે નજીકમાં કોઈ અવકાશ નથી, નવું પરિબળ આવ્યા પછી જ ભાવમાં વૃદ્ધિ થઈ શકે છે.
આજે અમેરિકમાં સાપ્તાહિક જૉબલેસ ક્લેમના આંકડા જાહેર થયા હતા, જે ધારણા કરતાં વધારે નબળા આવ્યા હતા. ગયા સપ્તાહે ૮.૭૦ લાખ લોકોએ જૉબલેસ કલેમ માટે અરજી કરી હતી, ધારણા ૮.૪૦ લાખની હતી. આવી જ રીતે અગાઉના સપ્તાહમાં ૮.૬૦ લાખના પ્રાથમિક અંદાજ સામે આંકડો સુધારીને ૮.૬૬ લાખ કરવામાં આવ્યો છે. આર્થિક વૃદ્ધિ અને બેરોજગારીનો આંકડો નબળો આવતાં ફરી અમેરિકન શૅરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. શૅર અને સોનું વેચીને ડૉલર કે રોકડ એકત્ર કરવાની વૃત્તિ આજે ફરી જોવા મળી રહી હતી.
અમેરિકન ડૉલરનું મૂલ્ય વૈશ્વિક ૬ ચલણ સામે નક્કી કરતો ડૉલર ઇન્ડેક્સ ૦.૪૫ ટકા ઊછળી બે મહિનાની ઊંચી સપાટીએ પહોંચતાં બુધવારે કૉમેક્સ પર સોનું ૨.૦૫ ટકા અને ચાંદી ૫.૭૮ ટકા ઘટ્યાં હતાં. સોનાના ભાવ બે મહિનાની અને ચાંદી અઢી મહિનાની નીચી સપાટીએ પહોંચી ગયા હતા. આજે ડૉલર ઇન્ડેક્સ ૦.૦૭ ટકા વધી ૯૪.૫૦૫ની સપાટીએ છે.
ગુરુવારે અમેરિકન સત્રમાં કૉમેક્સ ડિસેમ્બર વાયદો ૦.૪૪ ટકા કે ૮.૩૦ ડૉલર ઘટી ૧૮૬૦.૧૦ અને હાજરમાં સોનું ૦.૪૬ ટકા કે ૮.૫૫ ડૉલર ઘટી ૧૮૫૪.૭૯ ડૉલર પ્રતિ ઔંસની સપાટી પર છે. ચાંદીમાં ઘટાડો વધારે તીવ્ર છે. ચાંદી ડિસેમ્બર વાયદો ૪.૧૧ ટકા કે ૯૫ સેન્ટ ઘટી ૨૨.૧૬ ડૉલર અને હાજરમાં ૩.૩૧ ડૉલર કે ૭૫ સેન્ટ ઘટી ૨૨.૦૨ ડૉલર પ્રતિ ઔંસની સપાટી પર છે.
ભારતમાં પણ સોના-ચાંદીમાં ઘટાડો
વિદેશી બજારમાં વેચવાલી સાથે સતત ચોથા દિવસે ભારતમાં પણ સોના-ચાંદીના ભાવ ગબડ્યા હતા. જોકે ડૉલર સામે રૂપિયો ગબડતાં ભાવઘટાડા પર બ્રેક લાગી હતી, કારણ કે નબળા રૂપિયાથી સોનાની પડતર ભારતમાં વધે છે. આજે મુંબઈમાં હાજરમાં સોનું ૨૨૦ ઘટી ૫૧,૪૩૦ રૂપિયા અને અમદાવાદમાં ૨૭૦ ઘટી ૫૧,૪૫૦ રૂપિયા બંધ રહ્યું હતું. સોનું ઑક્ટોબર વાયદો ૧૦ ગ્રામદીઠ ૪૯,૪૦૦ ખૂલી, ઉપરમાં ૪૯,૫૭૨ અને નીચામાં ૪૯,૨૪૮ના મથાળે અથડાઈને પ્રથમ સત્રના અંતે ૫૫ ઘટીને ૪૯,૪૫૩ રૂપિયા બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની સપ્ટેમ્બર કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૫૫ ઘટીને ૮ ગ્રામદીઠ ૩૯,૬૧૬ અને ગોલ્ડ-પેટલ સપ્ટેમ્બર કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૧૦ ઘટીને ૧ ગ્રામદીઠ ૪૯૮૮ રૂપિયા થયા હતા, જ્યારે સોનું-મિની ઑક્ટોબર વાયદો ૧૦ ગ્રામદીઠ ૬૯ ઘટીને બંધમાં ૪૯,૫૦૭ રૂપિયાના ભાવ રહ્યા હતા.
ચાંદીમાં મુંબઈમાં હાજર ૧૩૮૦ ઘટી ૫૮,૭૨૦ અને અમદાવાદમાં ૧૩૮૦ ઘટી ૫૮,૬૯૫ રૂપિયા પ્રતિ કિલોનો ભાવ રહ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર કૉન્ટ્રૅક્ટ કિલોદીઠ ૫૭,૯૦૦ ખૂલી, ઉપરમાં ૫૭,૯૦૦ અને નીચામાં ૫૬,૦૨૦ રૂપિયાના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રના અંતે ૧૪૫૦ ઘટીને ૫૭૦૩૮ રૂપિયા બંધ રહ્યો હતો. ચાંદી-મિની નવેમ્બર ૧૪૭૧ ઘટીને ૫૭,૦૪૦ અને ચાંદી-માઇક્રો નવેમ્બર ૧૪૭૦ ઘટીને ૫૭,૦૩૯ રૂપિયા બંધ રહ્યા હતા.
બુલિયન ઇન્ડેક્સ વાયદામાં ૬૧૪૦ કરોડનું ટર્નઓવર
એમસીએક્સ પર દેશના સૌથી પ્રથમ બુલિયન ઇન્ડેક્સ વાયદામાં આજે પ્રથમ મહિને ૬૧૩૯.૭૩ કરોડ રૂપિયાનું ટર્નઓવર નોંધાયું છે. બુલડેક્સનો ૨૦૨૦ સપ્ટેમ્બરમાં પાકતી તારીખ ધરાવતો વાયદો હવે પૂરો થયો છે. આ વાયદામાં સરેરાશ દૈનિક ટર્નઓવર ૨૬૬.૯૪ કરોડ રૂપિયા રહ્યું હતું.
ડૉલર સામે રૂપિયો ગબડ્યો
વૈશ્વિક બજારમાં ડૉલરના વધતા જતા મૂલ્ય અને સતત ૬ દિવસથી ઘટી રહેલા ભારતીય શૅરબજારમાં વિદેશી સંસ્થાઓની તીવ્ર વેચવાલી વચ્ચે ભારતીય ચલણ પણ નરમ પડ્યું છે. બુધવારે ડૉલર સામે ૭૩.૫૭ બંધ રહેલો રૂપિયો આજે ૭૩.૮૨ની નરમ સપાટીએ ખૂલ્યા પછી ઘટીને ૭૩.૯૬ થઈ દિવસની ઊંચી સપાટી ૭૩.૭૫ થઈ દિવસના અંતે ૩૩ પૈસા ઘટી ૭૩.૯૦ બંધ આવ્યો છે.
ભાવતાલ
સોનું ૯૯૯  ૪૯,૮૨૨ રૂપિયા
સોનું ૯૯૫  ૪૯,૬૨૩ રૂપિયા
ચાંદી ૯૯૯ ૫૬,૪૭૧ રૂપિયા

ડૉલર ૭૩.૯૨૪૬
યુરો ૮૬.૧૪૧૪
પાઉન્ડ ૯૩.૮૬૫૦
યેન ૭૦.૨૦

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK