Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > હોમ લોન પર લાગુ થતા વ્યાજના દર બાબતે બૅન્ક સાથે ચોખવટ કરી લેજો

હોમ લોન પર લાગુ થતા વ્યાજના દર બાબતે બૅન્ક સાથે ચોખવટ કરી લેજો

11 May, 2020 02:27 PM IST | Mumbai
Khyati Mashroo - Vasani

હોમ લોન પર લાગુ થતા વ્યાજના દર બાબતે બૅન્ક સાથે ચોખવટ કરી લેજો

હોમ લોન

હોમ લોન


ભારતીય રિઝર્વ બૅન્કે પ્રાદેશિક ગ્રામીણ બૅન્કોને બાદ કરતાં તમામ શેડ્યુલ્ડ કમર્શિયલ બૅન્કો, સ્થાનિક બૅન્કો અને સ્મૉલ ફાઇનૅન્સ બૅન્કોને રિટેલ લોન અને એમએસએમઈ (માઇક્રો સ્મૉલ ઍન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ) લોન માટેના તેમના વ્યાજના દર ૨૦૧૯ની ૧ ઑક્ટોબરથી એક્સટર્નલ બેન્ચમાર્ક રેટને સંલગ્ન કરવાનું કહ્યું છે.

રિઝર્વ બૅન્કે એના પરિપત્રમાં કહ્યું હતું કે બૅન્કો જે એક્સટર્નલ બેન્ચમાર્ક સાથે પોતાના ધિરાણના દર સાંકળી શકે છે એમાં રિઝર્વ બૅન્કના રેપો રેટ, ભારત સરકારના ત્રણ મહિનાની મુદતના ટ્રેઝરી બિલ્સની ઊપજ, છ મહિનાના ટ્રેઝરી બિલ્સની ઊપજનો તથા એફબીઆઇએલ (ફાઇનૅન્શિયલ બેન્ચમાર્ક ઇન્ડિયા લિમિટેડ) દ્વારા જાહેર કરાતા અન્ય કોઈ બેન્ચમાર્ક દરનો સમાવેશ થાય છે.



મોટા ભાગની બૅન્કોએ એક્સટર્નલ બેન્ચમાર્ક તરીકે રિઝર્વ બૅન્કના રેપો રેટની પસંદગી કરી છે. રેપો રેટની સાથે સાંકળવામાં આવતા ધિરાણના વ્યાજદરને રેપો રેટ લિંક્ડ લૅન્ડિંગ રેટ (આરએલએલઆર) કહેવાય છે. રેપો રેટમાં બૅન્કના સ્પ્રેડ કે માર્જિનને ઉમેરીએ તો આરએલએલઆર મળે છે.


નોંધનીય છે કે રિઝર્વ બૅન્કે ગઈ ૨૭ માર્ચે નાણાનીતિની સમીક્ષા વખતે નીતિવિષયક વ્યાજદરની જાહેરાત કરી હતી. એ દિવસથી લાગુ થયેલો રેપો રેટ ૪.૪૦ ટકા છે. એમાં બૅન્કો પોતપોતાનું માર્જિન ઉમેરી શકે છે.

કોઈ પણ બૅન્કના તમામ કરજદારોને એકસમાન વ્યાજદર લાગુ પડે છે. જોકે, રિઝર્વ બૅન્કના પરિપત્રમાં કહેવાયું છે કે બૅન્કો કરજદારો પાસેથી રિસ્ક પ્રીમિયમ પણ વસૂલ કરી શકે છે. આમ, બૅન્કોને દરેક કરજદાર પાસેથી નાણાં પાછાં મળવાની બાબતે જે જોખમ લાગે એના પ્રમાણમાં એ રિસ્ક પ્રીમિયમ વસૂલ કરી શકે છે. નોંધનીય છે કે રિઝર્વ બૅન્કના અનેક પ્રયાસ છતાં ઘણી બૅન્કોએ વ્યાજદરના ફેરફારની વાત ગ્રાહકો સુધી પહોંચાડી નથી.


અમારા ક્લાયન્ટ્સના પોર્ટફોલિયોની સમીક્ષા વખતે અમે આ મુદ્દે ચર્ચા કરી ત્યારે જાણ થઈ કે બૅન્કોએ તેમને ધિરાણના દર નક્કી કરવાની નવી પદ્ધતિ વિશે કંઈ કહ્યું જ નથી. આમ, તેઓ જે વખતે લોન લીધી હતી એ વખતના ઊંચા દરે વ્યાજ ચૂકવી રહ્યા હતા.

લોનની બાબતે લોકોને જણાવવાના કેટલાક મુદ્દાની આજે ચર્ચા કરી લઈએ ઃ

લોનની વહેલી ચુકવણી ઃ જો સંપૂર્ણ લોનની વહેલી ચુકવણી કરી દેવાય તો ગ્રાહકને વ્યાજની ઘણી મોટી બચત થઈ જાય છે. સામાન્ય રીતે પર્સનલ લોનમાં એક વર્ષનો લૉક ઇન સમયગાળો હોય છે. ત્યાર બાદ બાકી બચેલી રકમ સંપૂર્ણપણે વહેલી ચૂકવી શકાય છે.

લોનની આંશિક ચુકવણી ઃ જો સંપૂર્ણ લોન ચૂકવવા જેટલી રકમ ન બચી હોય તો આંશિક ચુકવણી પણ થઈ શકે છે. આ સંજોગોમાં ઈએમઆઇ ઘટે છે અને વ્યાજની પણ બચત થાય છે.

કોરોના વાઇરસને કારણે ઊભી થયેલી અનિશ્ચિતતાભરી પરિસ્થિતિમાં દરેક વ્યક્તિએ પોતાના બજેટમાં આવશ્યક ફેરફારો કરવાનું જરૂરી બન્યું છે.

જેના માથે કોઈ લોન હોય તેમણે લોનની બધી વિગતો તપાસી લેવી અને બજારમાં પ્રવર્તમાન વ્યાજદર કરતાં ઊંચા દરે વ્યાજ જતું નથી એની ખાતરી કરી લેવી. લૉકડાઉનના આ સમયગાળામાં પોતપોતાની બૅન્કનો સંપર્ક કરીને વ્યાજદર બાબતે સ્પષ્ટતા કરી લેવી.

અલગ-અલગ બૅન્ક કરજ લેનારની ઉંમર, નોકરી, રોજગારની સ્થિરતા, ક્રેડિટ હિસ્ટરી તથા અન્ય પરિબળોના આધારે લોન પાસ કરતી હોય છે. તમે જેની પાસે લોન લેવા માગતા હો તેની પાસેથી કયા દરે લોન મળશે એની તપાસ કરીને સારામાં સારી ઑફર મેળવવાનો પ્રયાસ કરવો.

નોંધનીય છે કે અન્ય બેન્ચમાર્ક રેટની તુલનાએ રેપો રેટમાં ઓછા ઉતાર-ચડાવ થતા હોય છે. આથી રેપો રેટને સંલગ્ન દર ધરાવતી લોન લેવી.

લૉકડાઉને દરેક પરિવારને પોતાની નાણાકીય સમીક્ષા કરવા માટે પૂરતો સમય આપ્યો છે, રખે ચૂકી જતા.

બૅન્કો ધિરાણના વ્યાજદરને આ પ્રમાણેના બેન્ચમાર્ક રેટ સાથે સાંકળી શકે છે

Whatsapp-channel Whatsapp-channel

11 May, 2020 02:27 PM IST | Mumbai | Khyati Mashroo - Vasani

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK