Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > ફિસ્કલ 2021ના ચોથા ક્વૉર્ટરથી આર્થિક વિકાસના પૉઝિટિવ દરની અપેક્ષા છે

ફિસ્કલ 2021ના ચોથા ક્વૉર્ટરથી આર્થિક વિકાસના પૉઝિટિવ દરની અપેક્ષા છે

03 August, 2020 01:05 PM IST | Mumbai
Jitendra Sanghavi

ફિસ્કલ 2021ના ચોથા ક્વૉર્ટરથી આર્થિક વિકાસના પૉઝિટિવ દરની અપેક્ષા છે

ઈન્ડિયન ઈકૉનોમી

ઈન્ડિયન ઈકૉનોમી


સદીઓમાં ન જોઈ હોય એવી અભૂતપૂર્વ મહામારીએ વિશ્વના અર્થતંત્રની કમર તોડી નાખી છે. આર્થિક સુપર પાવર ગણાતા દેશો પણ એમાંથી બાકાત નથી. ૨૦૨૦ના બીજા ક્વૉર્ટર (એપ્રિલ- જૂન)માં અમેરિકામાં પહેલા ક્વૉર્ટરની સરખામણીએ આર્થિક વિકાસના દરમાં ૯.૫ ટકાનો ઘટાડો થયો. આગલા વરસના તે જ ક્વૉર્ટરની સરખામણીએ આ ઘટાડો લગભગ ૩૩ ટકા જેટલો થયો. ૧૯૪૦ના દસકા પછીનો આ સૌથી મોટો ઘટાડો છે. અમેરિકન અર્થતંત્રને સુધારવા માટે ફેડરલ રિઝર્વે ગયે અઠવાડિયે જાહેર કરેલ પૉલિસીમાં શૂન્ય નજીકના વ્યાજના દર યથાવત્ જાળવી રાખ્યા છે.

વિશ્વની બીજી આર્થિક સત્તા ગણાય તેવા જર્મનીમાં બીજા ક્વૉર્ટરમાં આર્થિક વિકાસમાં ૧૦ ટકાનો ઘટાડો થયો છે.



ભારતના અર્થતંત્રની ગાડી પાટે ચડવા માટે જુદી જુદી એજન્સીઓએ જુદા જુદા અંદાજો મૂક્યા છે. આપણા નીતિ-આયોગના અંદાજ પ્રમાણે ફિસ્કલ ૨૧ના ચોથા ક્વૉર્ટર (જાન્યુ-માર્ચ ૨૦૨૧)થી આર્થિક વિકાસના પૉઝિટિવ દરની શરૂઆત થશે અને ૨૦૨૧-૨૨માં આર્થિક વિકાસનો દર છ ટકાનો થવાની સંભાવના છે.


ગૂગલના એક અહેવાલ પ્રમાણે દેશવ્યાપી લૉકડાઉનનો તબક્કો પૂરો થયા પછી અર્થતંત્ર પૂર્વવત થઈ રહ્યું હોય એવા ૫૦ દેશોમાં ભારતનો સમાવેશ થાય છે. ગામડાઓના અર્થતંત્રનો ભારતનો આર્થિક વિકાસ પૂર્વવત થવાની શરૂઆતમાં મોટો ફાળો છે.

જૂન મહિનાની સરખામણીએ ઈ-વે બિલમાં જુલાઈ મહિને વધારો થયો છે (જૂનમાં ૩૪૧ લાખ બિલ સામે જુલાઈમાં ૩૮૮ લાખ બિલ). રેલવે દ્વારા થતા પેસેન્જર અર્નિંગમાં મોટો ઘાટો પડશે. જ્યારે એપ્રિલ-જૂન ૨૦૨૦માં માલસામાનના વહનના ટ્રાફિકના કદમાં ૨૧ ટકા જેટલો ઘટાડો થશે.


જુલાઈ મહિને વાવેતરની સીઝન પૂરી થતાં ગ્રામ્ય વિસ્તારોમાં બેરોજગારીનો દર વધ્યો છે. સીએમઆઇઇના એક અભ્યાસ પ્રમાણે જુલાઈ ’૧૯ના અઠવાડિયા માટેના ૭.૧ ટકામાંથી આ દર વધીને ૭.૭ ટકા થયો છે. લૉકડાઉનની શરૂઆત પહેલાંના માર્ચ ૧૫ના અઠવાડિયા માટેના ૬.૧ ટકાની સરખામણીએ આ દર ઘણો ઊંચો છે.

જુલાઈ ૧૯ અને ૨૬ના આજ સમયગાળા દરમ્યાન શહેરી વિસ્તારનો બેરોજગારીનો દર ૯.૮ ટકામાંથી થોડો ઘટીને ૯.૪ ટકા થયો.

ગામડાઓમાં બેરોજગારીનો દર વધવાને કારણે આજ સમયગાળામાં રાષ્ટ્રીય બેરોજગારીનો દર ૭.૯ ટકામાંથી વધીને ૮.૨ ટકા થયો.

વાવણીની સીઝન પૂરી થવા ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં વધતા કોરોનાના સ્પ્રેડને કારણે પણ આ વિસ્તારોમાં બેરોજગારી વધી છે.

શહેરોમાં જુલાઈ મહિને બેરોજગારીનું પ્રમાણ ઘટ્યું હોવા છતાં નવ ટકા ઉપરનો આ દર નીચો તો નથી જ. એટલે બેરોજગાર બનેલા ૮૦ લાખ નાગરિકોએ પોતાના રિટાયરમેન્ટ માટેની બચત જેવા પ્રોવિડન્ટ ફંડમાંથી ૩૦,૦૦૦ કરોડ રૂપિયાની રકમનો ઉપાડ કર્યો છે. એપ્રિલથી જુલાઈ દરમ્યાન થયેલ આ ઉપાડ અગાઉના નબળાં વર્ષોની સખામણીમાં પણ ઘણો મોટો છે, જે કોવિડ-19ની નોકરિયાત વર્ગ પર થયેલી ભારે ખરાબ અસરનો નિર્દેશ કરે છે. બૅન્કો કરતાં આ બચત પર વ્યાજ વધુ મળતું હોઈ લોકો અનિવાર્ય સંજોગોમાં જ તેનો આશરો લે છે.

કૉર સેક્ટર (ઇન્ફ્રાસ્ટ્રકચર) ઇન્ડેકસમાં જૂન મહિને આગલા વરસની સરખામણીએ ૧૫ ટકાનો (મે મહિને ૨૨ ટકાનો ઘટાડો) થયો. આમ આ ઇન્ડેકસ સતત ચોથા મહિને ઘટતો રહ્યો છે. સિમેન્ટ, રિફાઇનરી પ્રોડકટસ અને સ્ટીલના ઉત્પાદનમાં મે મહિના કરતાં સુધારો તથા ઇલેક્ટ્રિસિટી, નૅચરલ ગૅસ અને ક્રૂડ ઑઇલના ઉત્પાદનમાં મે મહિના કરતાં ઘટાડો નોંધાયો.

સારા ચોમાસાની આશાએ ફર્ટિલાઇઝરનું ઉત્પાદન મન્થ-ટુ-મન્થ સતત બીજે મહિને વધતું રહ્યું. સિમેન્ટ અને સ્ટીલના ઉત્પાદનનો મન્થ-ટુ-મન્થનો વધારો ગ્રામ્ય વિસ્તારોમાં બાંધકામ પ્રવૃત્તિઓમાં થયેલ વધારો સૂચવે છે.

કૉર સેક્ટરનો ઔદ્યોગિક ઉત્પાદનમાં ૪૦ ટકા જેટલો ફાળો હોઈ જૂન મહિનાના ઔદ્યોગિક ઉત્પાદનના આંકમાં ૧૫થી ૨૦ ટકાના ઘટાડાની સંભાવના છે. આ આંકડા ઑગસ્ટની ૧૨ તારીખે પ્રસિદ્ધ કરાશે. એપ્રિલ-જૂન ક્વૉર્ટરમાં કૉર સેક્ટર ઇન્ડેકસમાં ૨૫ ટકા જેટલો ઘટાડો થયો છે.

ફિસ્કલ ૨૧ના પ્રથમ ક્વૉર્ટરમાં ફિસ્કલ ડેફિસિટ આખા વર્ષની ફિસ્કલ ડેફિસિટના ૮૩ ટકા (ગયા વર્ષના ૬૧ ટકાની સરખામણીએ) જેટલી ઊંચી હતી. સરકારના રાહત પૅકેજના ખર્ચને ધ્યાનમાં લેતા આ તરહ ચાલુ રહી તો આખા વર્ષની ફિસ્કલ ડેફિસિટ ૮ લાખ કરોડ રૂપિયાના અંદાજમાંથી વધીને ૧૩ લાખ કરોડ રૂપિયા જેટલી થવાની સંભાવના વધી છે.

જૂન મહિનાની સારી શરૂઆત પછી જુલાઈ મહિને ચોમાસાના નબળા દેખાવને કારણે વરસાદમાં ૧૦ ટકાની ખાધ રહી. જુલાઈ મહિને સાઉથ વેસ્ટ મોન્સૂનનો દેખાવ છેલ્લાં પાંચ વર્ષમાં સૌથી નબળો રહ્યો. જૂન મહિનામાં વરસાદમાં ૧૮ ટકાની સરપ્લસ હોવાને કારણે જુલાઈને અંતે વરસાદની ખાધ પણ ન રહી, પુરાંત પણ ન રહી. ચોમાસાના ઉત્તરાર્ધ (ઑગસ્ટ-સપ્ટેમ્બર)માં વરસાદનો દેખાવ નોર્મલ રહેવાની વેધશાળાની આગાહી છે.

તો પણ જુલાઈને અંતે ગયા વરસની વાવણી કરતાં ૧૪ ટકા વધુ વિસ્તારમાં વાવેતર થયું છે.

૨૦૧૯-૨૦ના વર્ષે પબ્લિક એડમિનિસ્ટ્રેશન ફાઇનૅન્શિયલ સેવાઓ અને રીઅલ એસ્ટેટ પછી કૃષિક્ષેત્રનો ચાર ટકાનો વિકાસનો દર સૌથી ઊંચો હતો એટલે આ ઊંચા બેઇઝને કારણે પણ ચાલુ વર્ષે (૨૦૨૦-૨૧) કૃષિ ક્ષેત્રના બહુ ઊંચા વિકાસ દરની અપેક્ષા રાખી શકાય નહીં.

દેશની રાષ્ટ્રીય આવકમાં કૃષિ ક્ષેત્રનો ફાળો ઓછો હોવા છતાં ખેડૂતોની અને ખેતીક્ષેત્રના સારા દેખાવને કારણે ગ્રામ્ય વિસ્તારના લોકોની આવકનો વધારો થાય તો એ આપણે માટે સારા સમાચાર ગણાય. ગામડાઓના લોકોની આવક વધે તો જ અર્થતંત્રમાં સમગ્ર માગ પર તેની પૉઝિટિવ અસર થાય. કૃષિક્ષેત્રનું ઉત્પાદન વધે તો પણ અનાજના ભાવ સિવાય અન્ય પેદાશો (શાકભાજી, ફળો તથા નોનવેજ પ્રોડકટસ)ની જથ્થાબંધ કિંમતોના ઘટાડાને કારણે ખેડૂતોની આવક ખેત ઉત્પાદનના વધારાના પ્રમાણમાં વધતી નથી. તાજેતરમાં દૂધના અને કપાસના ઉત્પાદકોને મળતા ભાવનો ઘટાડો પણ ખેડૂતોની આવક વધારવામાં બાધારૂપ બનશે. એ ઉપરાંત ખેતપેદાશો માટેની ઇન્પુટ (બિયારણ, ખાતર વગેરે)ના ભાવ પણ વધતા જાય છે.

છેલ્લાં બે વર્ષમાં સરકારે ફૂડ કૉર્પોરેશન દ્વારા સારા પ્રમાણમાં અનાજની પ્રાપ્તિ વધારી છે. ૨૦૧૯-૨૦માં ૩૯૦ લાખ ટન ઘઉં અને ૫૦૫ લાખ ટન ચોખા (કુલ ૮૯૫ લાખ ટન અનાજ) જાહેર વિતરણ વ્યવસ્થા માટે પ્રાપ્ત કરાયા છે. હવે ફૂડ કૉર્પોરેશનનાં ગોડાઉનો સરપ્લસ અનાજના સ્ટૉકથી ઊભરાતાં હોઈ આ વરસે ફૂડ પ્રોક્યોરમેન્ટનું ઊંચું લેવલ જળવાઈ ન પણ શકે. જોકે મહામારીના સમયમાં જે વધારાનું અનાજ પૂરું પડાય છે તેને કારણે અનાજના સ્ટોરેજમાં થોડી રાહત પણ રહેવાની.

ગામડાઓની આવકમાં કૃષિક્ષેત્રનો ફાળો ૩૦-૩૫ ટકા જેટલો જ છે એટલે માઇક્રો અને લઘુ ઉદ્યોગોના ચાલુ વર્ષના નબળા દેખાવને કારણે પણ ગ્રામ્ય વિસ્તારોમાં લોકોની માથાદીઠ આવક બહુ વધવાની સંભાવના ઓછી છે, એટલે માગના ઘટાડા (જે આજે આપણા અર્થતંત્રનો પ્રાણ પ્રશ્ન છે)ની મુખ્ય સમસ્યાને હલ કરવાનું આપણા માટે સરળ નહીં હોય. શ્રમિકો તેમના વતન પાછા ફરતા તેમના દ્વારા વતનમાં મોકલાતા રૂપિયા (ગ્રામ્યજનોની આવક)માં થનારો સંભવિત ઘટાડો પણ માગ પર અસર કરે જ.

કોરોનાની મહામારી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના મતે વિશ્વની સૌથી મોટી મહામારીમાંની એક છે. ક્લાઇમેટ ચેન્જ અને ફ્લુની મોટી મહામારીએ ૧૫૦૦ વર્ષ પહેલાં છઠ્ઠી સદીના મધ્યમાં ઈસ્ટર્ન રોમન અેમ્પાયરના અર્થતંત્ર પર આવી જ મોટી અસર કરી હતી.

ભારતમાં સંક્રમિતોની સંખ્યા ૧૬ લાખને પાર કરી ગઈ હોય અને રોજના ૫૫૦૦૦થી વધુ લોકો સંક્રમિત થતાં હોય ત્યારે રિકવરીનો રેટ ઊંચો અને કોવિડ-19થી થતાં મરણનો દર નીચો હોય તો પણ અનલૉક-3.0 સરકાર માટે ભારે મુશ્કેલીભર્યો બની જાય છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો ખૂબ સાવચેતીપૂર્વક આગળ વધે છે. તો બીજી તરફ સંક્રમિતોની સંખ્યા વધતી જતી હોઈ અને ડિમાન્ડમાં જોઈએ એવો વધારો ન થતાં ઘણા ઉદ્યોગધંધા રોજિંદા કામકાજ માટે કે નવાં મૂડીરોકાણ માટે આતુર દેખાતા નથી.

જે કહો તે પણ હાલપૂરતું બચાવવાને બદલે બિનજરૂરી કે જેના વિના ચલાવી લેવાય તે વસ્તુઓ પાછળ ખર્ચ કરવાના મૂડમાં લોકો નથી એ હકીકત છે. પરિસ્થિતિ વધારે ખરાબ થાય કે કરવેરા (ખાસ કરીને જીએસટી)ની આવકમાં વધુ ઘટાડો થાય તે પહેલાં માગ વધે તે માટે કાંઈક નક્કર કરવાની જરૂર છે.

Whatsapp-channel Whatsapp-channel

03 August, 2020 01:05 PM IST | Mumbai | Jitendra Sanghavi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK