Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > ફાઇનૅન્શિયલ ગરબડ-ગોટાળાની ગંદકી દૂર કરવા કડક કાનૂન અને ફાસ્ટ ઍક્શન જરૂરી

ફાઇનૅન્શિયલ ગરબડ-ગોટાળાની ગંદકી દૂર કરવા કડક કાનૂન અને ફાસ્ટ ઍક્શન જરૂરી

13 October, 2014 04:24 AM IST |

ફાઇનૅન્શિયલ ગરબડ-ગોટાળાની ગંદકી દૂર કરવા કડક કાનૂન અને ફાસ્ટ ઍક્શન જરૂરી

ફાઇનૅન્શિયલ ગરબડ-ગોટાળાની ગંદકી દૂર કરવા કડક કાનૂન અને ફાસ્ટ ઍક્શન જરૂરી


finance sector


શૅરબજારની સાદી વાત-જયેશ ચિતલિયા


ગયા સોમવારે આપણે ફાઇનૅન્શિયલ સેકટરમાં ચાલતી ગરબડ-ગોટાળાની ગંદકી સામે પણ સ્વચ્છતા ઝુંબેશ ચલાવવાની જરૂરિયાત વિશે વાતો કરી. આ વખતે આપણે આ સ્વચ્છતા ઝુંબેશ ચલાવવા શું કરવું જોઈએ? કઈ રીતે કરવું જોઈએ? અને આ ગંદકી ફરી પાછી ન થાય એ માટે કેવી અગમચેતી રાખવી જોઈએ કે કેવી અવેરનેસ ફેલાવવી જોઈએ એ વિશે વાત કરીએ. જોકે એટલું સ્પષ્ટ છે કે કડક કાનૂન અને પાવરફુલ શિક્ષણ-જાગૃતિ વિના આ મિશન સંભવ ન બની શકે. અત્યાર સુધીમાં આ દિશામાં કાર્યો થતાં રહ્યાં છે ખરાં; પરંતુ અધૂરાં-અધકચરાં-બિનઅસરકારક એટલું જ નહીં, આ વિષયમાં કાનૂન હોવા છતાં દર થોડાં વર્ષે કૌભાંડકારીઓ ગરબડ-ગોટાળાની ગંદકી ફેલાવીને આ સેકટરને ગંદું-દૂષિત કરી જાય છે. કેમ કે કાયદા હોય ત્યાં છટકબારી પણ ઊભી થઈ જાય છે. હકીકતમાં આ ઉપાય માટે જરૂરી છે કડક કાનૂન હેઠળ ઝડપી સજા અને આવા કિસ્સા ફરી ન બને એ માટે વ્યવહારુ શિક્ષણ. અર્થાત્ કંઈક વિશેષ, કંઈક વધુ નક્કર કરવાની આવશ્યકતા છે જેનો અંતિમ મંત્ર કે સૂત્ર છે ઇન્વેસ્ટર એજ્યુશન ઇઝ ધ બેસ્ટ ઇન્વેસ્ટર પ્રોટેક્શન.

કડક કાનૂન પર ઝડપી ઍક્શન જરૂરી

વાસ્તવમાં આર્થિક કૌભાંડોને કે છેતરપિંડીને ઊગતાં ડામી શકાય એવી જોગવાઈ કરવી પડે. કાયદામાં એવી જોગવાઈઓ હોવી જોઈએ કે સ્કૅમનો ઇરાદો ધરાવનાર માટે એમ કરવું કઠિન બની જાય. જોકે અહીં એક સવાલ એ ઊઠી શકે કે કૌભાંડ કરનારા તો કાયદાની પરવા કર્યા વિના જ આ કામ કરી નાખે છે, પરંતુ આવા લોકો સામે કડકમાં કડક અને ઝડપી ઍક્શન લેવાય તો આમ કરનારામાં ભય ઊભો થઈ શકે છે. ખરેખર તો નાણાકીય કૌભાંડ કરનારા જાણે છે કે કાયદાની આંટીઘૂંટીમાં તેઓ એ કામને લંબાવી કે ગૂંચવી શકે છે અને એક વાર પોતાની પાસે નાણાં ભરપૂર પ્રમાણમાં આવી જાય એ પછી તેમનું કોઈ કાંઈ બગાડી શકતું નથી. સહારા અને શારદા ગ્રુપ કાયદાને બાજુએ મૂકીને વર્ષો સુધી નાણાં એકઠાં કરતાં રહ્યાં. આવા તો હજી ઘણાં છે કે હશે, જે સત્તાવાળાઓના ધ્યાનમાં આવ્યાં નહીં હોય. જયારે પ્લાન્ટેશન્સ કંપનીઓ કરોડો રૂપિયા એકઠા કરવા લાગી હતી ત્યારે સેબી કે રિઝવર્‍ બૅન્ક સમાન રેગ્યુલેટરને ખબર જ નહોતી કે એ કંપનીઓ કોના નિયમન હેઠળ આવે છે અને આ કંપનીઓ એ સમયે કોઈના નિયમન હેઠળ આવતી ન હોવાથી કોઈ પણ નિયમનકારે એની ફન્ડ રેઇઝિંગ પ્રવૃત્તિ સામે ઍક્શન ન લીધી અને ત્યાં સુધીમાં આવી ૬૦૦થી વધુ કંપનીઓ રોકાણકારો પાસેથી ૨૫,૦૦૦ કરોડ રૂપિયા જેટલી રકમ ઉપાડીને બેસી ગઈ હતી. આજે આશરે બે દાયકા બાદ પણ આ નાણાં પાછાં આવી શક્યાં નથી, પણ પેલા કૌભાંડકારીઓ અત્યારે લાખોપતિ કે કરોડપતિ તરીકે રહેતા હોય તો નવાઈ નહીં.

કમસે કમ અલર્ટ કરો

 માની લઈએ કે આમ દર વખતે સંભવ ન બને, પરંતુ આ સ્કૅમ થાય પછી તરત યુદ્ધના ધોરણે ઍક્શન આવવી જોઈએ અને એને ખાસ અદાલતમાં ચલાવી એનો ઝડપી નિકાલ લાવી રોકાણકારોનાં નાણાં પાછાં કરાવવાં જોઈએ. કોઈ હસ્તી કાયદાની નજર ચૂકવીને કે એની બહાર રહીને ખાનગી ધોરણે નાણાકીય છેતરપિંડીની પ્રવૃત્તિ ચલાવતી હોય અને જ્યાં સુધી એની સામે ઍક્શન લઈ શકાય એમ ન હોય તો કમસે કમ સત્તાવાળાઓ લોકોને એની સામે સાવધાન કરવાની ઝુંબેશ ચલાવી શકે છે. કેટલાંય સ્કૅમ એ માટે થઈ ગયાં અને રેગ્યુલેટર તેમની પાસે એ માટેની સત્તા નહોતી અથવા તેમના નિયમનમાં એ પ્રવૃત્તિ આવતી નહોતી એટલે મૌન રહ્યા હતા. આપણે ઉપર પ્લાન્ટેશન્સ કંપનીઓનો દાખલો જોયો, જેમાં આવું જ થયું હતું. તાજેતરમાં અનેક પોન્ઝી સ્કીમ્સમાં (અર્થાત્ કોઈ પણ નિયમન હેઠળ ન હોય અને આડેધડ વળતર ઑફર કરતી હોય એવી સ્કીમ) પણ આવું જ હતું. છેલ્લે શારદા-સહારા જેવા કિસ્સા બાદ સરકારે પોન્ઝી સ્કીમ્સ સેબીના દાયરામાં મૂકી અને સેબીને એ માટે સત્તા આપી. નૅશનલ સ્પૉટ એક્સચેન્જની ૫૬૦૦ કરોડ રૂપિયાની પેમેન્ટ ક્રાઇસિસ થઈ એનું કારણ પણ નિયમનની અસ્પષ્ટતા હતી. સ્પૉટ એક્સચેન્જ કોના નિયમન હેઠળ આવે એની જવાબદારી સ્પષ્ટ નહોતી. કૉમોડિટીઝ રેગ્યુલેટર જ્પ્ઘ્ (ફૉર્વર્ડ માર્કેટ કમિશન) આ એક્સચેન્જ પર ચાલતા ચોક્કસ વ્યવહારો કાનૂની નથી એમ માત્ર એક્સચેન્જને અને સંબંધિત મંત્રાલયને કહેતું રહ્યું, પરંતુ એણે જાહેર જનતામાં-રોકાણકાર વર્ગમાં આ વિશે જાગૃતિ લાવવા કાંઈ નજરે ચડે એવું ન કર્યું, ન કોઈ પબ્લિક અલર્ટ આપી, પરિણામે આ સોદા ચાલતા રહ્યા અને આખરે જ્યારે એ બંધ કરાવાયા ત્યારે ક્રાઇસિસ બહાર આવી અને લેભાગુઓ એનો લાભ લઈ ગયા, જ્યારે હાજરો-રોકાણકારો ફસાઈ ગયા. આમ ઘણી વાર તો રેગ્યુલેટર પાસે કાં સત્તા નથી હોતી, કાં ક્લેરિટી નથી હોતી. કમસે કમ લોકોને જાગ્રત કરવાની સૂઝ પણ તેમનાથી વપરાતી નથી અથવા તેઓ નિષ્ક્રિય રહીને, બહુ મોડેથી ઍક્શન લે છે અને ત્યાં સુધીમાં આવી સ્કીમ્સ ચલાવતા કે આર્થિક ગોટાળા કરતા વર્ગે લોકોને છેતરવાનું કે ગેરમાર્ગે દોરવાનું કામ પૂરૂ કરી નાખ્યું હોય છે.

વાઇટ કૉલર વર્ગની ચાલાકી

અમુક કિસ્સામાં કૌભાંડ એટલી ચાલાકીથી થયું હોય છે કે તપાસ કરનાર અધિકારીઓ નબળા અથવા આર્થિક સંબંધે જરૂરી જ્ઞાનસભર ન હોય તો એની તપાસમાં પણ પરિણામ નબળું રહી જાય છે. દરેક મોટા સ્કૅમની કાર્યપદ્ધતિ સમજવી જરૂરી હોય છે એથી આ વિષયનું જ્ઞાન પોલીસ સહિતના સંબંધિત સરકારી તપાસ વિભાગમાં પણ પ્રસારવું જોઈએ, કેમ કે ઘણી વાર આવાં કૌભાંડોની સમજ મેળવતાં લાંબો સમય નીકળી જાય છે. સમજ વિના એની તપાસ પણ અધૂરી અને અધકચરી રહી જાય છે. ૧૯૯૨ના હર્ષદ મહેતા સ્કૅમ વખતે પોલીસ-વિભાગના અધિકારીઓ ફિઝિકલ શૅર સર્ટિફિકેટ્સ પર નામ જોઈને એની સાથે જોડાયેલા ટ્રાન્સફર ડીડ પર બીજાં નામો જોઈને મૂંઝાઈ જતા હોવાના કિસ્સા જોવા મળતા હતા. અહીં એ નોંધવું આવશ્યક છે કે આર્થિક કૌભાંડો મોટા ભાગે વાઇટ કૉલર (સંપન્ન કે શિક્ષિત વર્ગ - ઘણી વાર તો અતિ ઉચ્ચ અભ્યાસ કરનાર વર્ગ) વર્ગ કરતો હોય છે, જેઓ કાયદાની છટકબારીઓનો અભ્યાસ કરતા હોય છે અને એનાથી બચવાના કે એમાં ન ફસાવાના માર્ગ જાણતા હોય છે. તેમની વગ પણ ઉપર સુધી, સત્તાવાળાઓ
સુધી હોય છે.

તેઓ સિસ્ટમને પણ ઘોળીને પી જનારા અને સત્તાવાળાઓને ગજવામાં રાખનારા હોય છે. આમાં મોટા ભાગે કટકી-કરપ્શન મોટી ભૂમિકા ભજવે છે અને એથી જ જ્યાં ફ્રૉડ થાય ત્યાં મોટા ભાગે અંદરના માણસોનો સાથ લેવાયો હોય છે. જેમ કે બૅન્કોમાં થતા ફ્રૉડ એના ચોક્કસ અધિકારીઓ વિના સંભવ ન બની શકે. આમ દરેક જગ્યાએ ક્યાંક માણસો, ક્યાંક સિસ્ટમ તૂટે છે. આ બધાનો સામનો કરવા પાવરફુલ સિસ્ટમ, કાનૂન, નિયમો અને નિયામકો તેમ જ અદાલતો જોઈએ, જે સચોટ ન્યાય કરી શકે. આમ થશે
તો લોકો ફાઇનૅન્શિયલ ઍસેટ્સમાં રોકાણ કરવા આગળ આવશે. નિર્દોષ લોકો છેતરાયા હશે તો પોતાનાં નાણાં ઝડપથી પાછાં મેળવી શકે એવી સંભાવના રહેશે. IPO-બોગસ ડીમૅટ અકાઉન્ટ્સ કૌભાંડમાં કંઈક અંશે આવું થયું હતું.

ખરો ઉપાય છે શિક્ષણ-જાગૃતિ

સેબીના ભૂતપૂર્વ ચૅરમૅન સી. બી. ભાવે હંમેશાં કહેતા કે કૌભાંડ એ સિસ્ટમમાં પછી આવે છે. એ પહેલાં એ માણસના દિમાગમાં પ્રગટે છે, જેને કન્ટ્રોલ કરવું કઠિન છે. કંપનીમાં કામ કરતો કર્મચારી ક્યાં, કઈ રીતે અને કયા કારણસર ફ્રૉડ કરવા પ્રેરાઈ જશે એની અગમચેતી કોઈ લઈ શકે? આ વાત તો સાચી અને એથી જ ફાઇનૅન્શિયલ સેકટરમાં થતાં સ્કૅમ-કૌભાંડ કે છેતરપિંડીનો જડબેસલાક ઉપાય છે ફાઇનૅન્શિયલ લિટરસી, અવેરનેસ, એજ્યુકેશન. સરકારે પોતે સ્વચ્છતા અભિયાનની જેમ આ શિક્ષણ અભિયાન પણ ચલાવવું જોઈએ. ફાઇનૅન્શિયલ સેકટરના દરેક નિયમનકારને આ ઝુંબેશ ચલાવવા કહેવું જોઈએ. આ તમામ રેગ્યુલેટર્સ વચ્ચે સુમેળ-સહયોગ સતત રહે, માહિતીની આપ-લે સતત રહે એવું માળખું રચવું જોઈએ. કૌભાંડકારી પાસેથી તેણે જે કૌભાંડ કર્યું છે એનાં તમામ નાણાં પાછાં લઈને  એ નાણાં રોકાણકારોમાં વહેંચી દેવાં જોઈએ એવો કડક કાયદો ઘડવો જોઈએ. આમ કરવામાં વર્ષો નીકળી જાય તો એની સાર્થકતા ઘટી જાય છે. ફાઇનૅન્શિયલ સેકટરના કૌભાંડ માટે ખાસ અદાલતો-ફાસ્ટ ટ્રૅક ર્કોટ હોવી જોઈએ.

થિયરેટિકલ કરતાં પ્રૅક્ટિકલ સમજ આપો

કરુણતા એ છે કે સરકારી સંસ્થાઓ કે એમની સાથે જોડાયેલી અન્ય ઇન્વેસ્ટર સંસ્થાઓ જાગૃતિ અને શિક્ષણના નામે દેશભરમાં નાના-મોટા સેમિનાર યોજે છે, સાહિત્ય છપાવે છે, શાળા-કૉલેજોના ક્લાસરૂમોમાં લેક્ચર યોજે છે, પરંતુ અહીં થતી વાતો કે અપાતી સમજમાં મહદંશે થિયરેટિકલ-સૈદ્ધાંતિક વાતો થાય છે, વ્યવહારુ સમજ ભાગ્યે જ અપાય છે. આ શિક્ષણ આપતા અધિકારીઓ સરકારી-બ્યુરોક્રસીના એવા નિયમોમાં બંધાયેલા હોય છે કે રોકાણકારોને વ્યવહારુ સમજ આપતા નથી કે આપી શકતા નથી. ઘણી વાર તો આ અધિકારીઓને પોતાને પુસ્તકિયા જ્ઞાન સિવાય કોઈ અનુભવ પણ હોતો નથી. તેમણે પોતે કોઈ એવાં ઇન્વેસ્ટમેન્ટ કયાર઼્ હોતાં નથી જેમાં તેમને આ વ્યવહારુ સમજ મળી શકે. આવા લોકો રોકાણકારોને કઈ રીતે અને કેટલું સમજાવી શકે? આ શિક્ષણ-જાગૃતિ ઝુંબેશમાં પણ પરિવર્તન કરી એને વ્યવહારુ બનાવવાની જરૂર છે.



Whatsapp-channel Whatsapp-channel

13 October, 2014 04:24 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK