20 લાખ કરોડ રૂપિયાના રાહત પેકેજમાંથી કૃષિ ઈન્ફ્રાસ્ટ્રકચર માટે એક લાખ કરોડ રૂપિયા ફાળવ્યા

Published: May 15, 2020, 18:09 IST | Gujarati Mid-day Online Correspondent | New Delhi

નાણા પ્રધાન: ખેડૂતોને પાકની વધારે કિંમત આપવા માટે કાનૂન બનશે, પાક વીમા માટે 64000 કરોડ રૂપિયા આપવામાં આવ્યા

તસવીર સૌજન્ય: એએનઆઈ
તસવીર સૌજન્ય: એએનઆઈ

આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત સરકારે દેશને એક નવી જ ગતિ આપવા માટે આર્થિક પેકેજની જાહેરાત કરી છે. 20 લાખ કરોડના પેકેજની જાહેરાત સતત 2 દિવસથી કરવામાં આવી રહી છે અને આજે ત્રીજા દિવસે પણ અલગ અલગ સેક્ટરમાં કઈ કઈ રાહત આપવામાં આવશે તેની જાણકારી નાણા પ્રધાન નિર્મલા સિતારમણે આપી હતી. સરકારે ખેતી, સિંચાઈ, પશુપાલન, મત્સ્યપાલન માટે મોટી જાહેરાત કરી છે.

નાણા પ્રધાને કહ્યું હતું કે, છેલ્લાં 2 મહિનામાં ખેડૂતો માટે મહત્વના પગલા લેવામાં આવ્યા છે. શેરડીના ઉત્પાદનમાં ભારત બીજા નંબર પર છે. ટેકાના ભાવે વિવિધ જણસમાં 74,300 કરોડની ખરીદી સરકાર દ્વારા કરવામાં આવી. લોકડાઉનમાં દૂધની માગમાં 20 ટકા સુધીનો વધારો થયો છે. પ્રતિ દિવસ 560 લાખ લીટર દૂધનું ઉત્પાદન ભારતમાં થઈ રહ્યું છે. દેશમાં નાના અને મધ્યમ ખેડૂતો છે તે 85 ટકા જમીન ધરાવે છે. પાક વિમા અંતર્ગત ખેડૂતોને દેશમાં ખેડૂતોને 6400 કરોડ રુપિયાનો લાભ પહોંચાડવામાં આવ્યો છે.

ત્રીજા તબક્કામાં કરવામાં આવેલી જાહેરાતો:
- કૃષિ સેકટર સાથે જોડાયેલા માળખાગત ઢાંચા પર 8 જાહેરાતો કરાશે

- લોકડાઉનમાં 'પીએમ કિસાન યોજના' અંતર્ગત 18,700 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા

- કૃષિના પરંપરાગત ઢાંચા માટે સરકાર એક લાખ કરોડ આપશે. આ પૈસા એગ્રીગ્રેટર્સ, એફપીઓ, પ્રાઈમરી એગ્રીકલ્ચર સોસાયટી વગેરે માટે ફાર્મ ગેટ ઈન્ફ્રાસ્ટ્રકચર વિકાસ માટે આપવામાં આવશે

- ફૂડ એન્ટરપ્રાઈઝ માઈક્રો સાઈઝ માટે 10,000 કરોડ આપવામાં આવશે, જેથી તેઓ ગ્લોબલ સ્ટાન્ડર્ડ પ્રોડક્ટ બનાવી શકે

- વેલનેસ, હર્બલ, ઓર્ગેનિક પ્રોડક્ટ બનાવનાર બે લાખ માઈક્રો ફૂડ એન્ટરપ્રાઈઝને ફાયદો થશે જેમા બિહારમાં મખાના ઉત્પાદ, કાશ્મીરમાં કેસર, કર્ણાટકમાં રાગી ઉત્પાદન, નોર્થ ઈસ્ટમાં ઓર્ગેનિક ફૂડ, તેલંગાણામાં હળદરનો સમાવેશ છે

- મછીમારોને નવી નોકરીઓ આપવામાં આવશે, 55 લાખ લોકોને રોજગારી મળશે જેથી ભારતની નિકાસ બે ગણી વધીને એક લાખ કરોડ રૂપિયા થઈ જશે, અગામી 5 વર્ષમાં 70 લાખ ટન વધુ મત્સ્ય ઉત્પાદન થશે

- બજેટમાં જાહેર કરવામાં આવેલી 'પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના'ને તાત્કાલિક લાગૂ કરવામાં આવશે

- હર્બલ વનસ્પતિનું ઉત્પાદન વધારવા માટે 4,000 કરોડ રૂપિયા

- મધમાખીના પાલન માટે 500 કરોડ રૂપિયાની સહાયતા

- જાનવરોનું રસીકરણ ન થતું હોવાને કારણે હાલ તેમને ફુટ એન્ડ માઉથ ડિસીસ થાય છે તેના પગલે દૂધના ઉત્પાદન પર અસર પડે છે એટલે જાન્યુઆરી 2020 સુધીમાં 1.5 કરોડ ગાય, ભેસોનું રસીકરણ કરવામાં આવ્યું છે

- ટોપ ટુ ટોટલ નામનો એક પાયલોટ પ્રોજેક્ટ 6 મહિના માટે 500 કરોડના ખર્ચે શરુ કરાશે. જેમાં ખેડૂતો પાસેથી સીધી જ શાકભાજી, ફળો વગેરેને બજાર સુધી લાવવાનો પ્રયત્ન કરાશે

- APMC એક્ટમાં સુધારો કરવામાં આવ્યો છે અને તેના લીધે ખેડૂતો દેશની કોઈપણ બજારમાં જઈને ખેતપેદાશોનું વેચાણ કરી શકશે. આમ ખેડૂતોને યોગ્ય અને સક્ષમ ભાવ મળી શકશે

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK