ઇન્સાઇડર ટ્રેડિંગ : ઢૂંઢતે રહ જાઓગે

Published: 28th October, 2012 05:08 IST

અમેરિકામાં જે થયું એ ભારતમાં થઈ શકે એવી કલ્પના પણ મુશ્કેલ છે  ભારતીય બજારમાં ઇન્સાઇડર ટ્રેડિંગ તો ઘણું થાય છે, પણ પુરવાર કરવાનું કઠિન બની રહેતાં આવા કિસ્સા સરકારી ફાઇલો હેઠળ દબાઈ જાય છેવિશેષ લેખ - જયેશ ચિતલિયા

અમેરિકામાં ઇન્સાઇડર ટ્રેડિંગના અપરાધ માટે હાઈ-પ્રોફાઇલ બિઝનેસમૅન હસ્તી રજત ગુપ્તા સામે કેસ ચાલ્યો, તેમને બે વરસની જેલની સજા જાહેર થઈ એ મામલે આપણા દેશમાં ઇન્સાઇડર ટ્રેડિંગ વિશેની ચર્ચા જોરમાં છે. કહેવાય છે કે ભારતમાં આ ઘટના બની હોત તો રજત ગુપ્તાને કંઈ જ થયું હોત નહીં. અમેરિકામાં ઇન્સાઇડર ટ્રેડિંગના કાનૂનમાં સખતાઈ છે, એટલું જ નહીં, એમાં તપાસ અને ચુકાદા પણ ઝડપથી આકાર પામે છે. રજત ગુપ્તા મૂળ ભારતીય હોવાથી અને અમેરિકામાં પણ ઊંચી નામના ધરાવતા હોવાથી ભારતમાં તેમના વિશેની ચર્ચા વધુ થાય એ સ્વાભાવિક છે. જોકે આપણે એ જાણવાની કોશિશ કરીએ કે આપણા દેશમાં ઇન્સાઇડર ટ્રેડિંગના કિસ્સા બને છે ત્યારે એમાં શું ઍક્શન લેવાય છે? શું કોઈને હજી સુધી સજા થઈ છે? અત્યાર સુધી કેટલા કિસ્સા બન્યા છે? ચાલો, આ કિસ્સામાં થોડા ઇન્સાઇડ ઊતરીએ.

સેબી પાસે આવેલા કિસ્સા

મૂડીબજારના નિયમનતંત્ર સેબી (સિક્યૉરિટીઝ ઍન્ડ એક્સચેન્જ ર્બોડ ઑફ ઇન્ડિયા)ના અહેવાલ મુજબ ભારતીય બજારમાં ઇન્સાઇડર ટ્રેડિંગનો કાનૂન કાગળ પર વધુ અને વ્યવહારમાં ઓછો છે. સેબીના વાર્ષિક રિપોર્ટ પ્રમાણે સેબીએ ૨૪ કિસ્સામાં ઇન્સાઇડર ટ્રેડિંગની તપાસ હાથ ધરી હતી અને એમાંથી ૨૧ કેસોની તપાસ પૂર્ણ કરી હતી. આ કિસ્સાઓમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રિલાયન્સ નૅચરલ રિસૉર્સિસ, જયપ્રકાશ અસોસિએટ્સ, રૅનબૅક્સી લૅબોરેટરીઝ, ઑર્કિડ કેમિકલ્સ, હિન્દુસ્તાન લીવર (હવે યુનિલિવર) વગેરે જેવા કેસોમાં ઇન્સાઇડર ટ્રેડિંગની તપાસ હાથ ધરી હતી, અમુક કિસ્સામાં સેબી એેને સાબિત ન કરી શક્યું અને કેટલાક કેસોમાં સેબીએ સંબંધિત પ્રમોટરને નાણાકીય દંડ કર્યો હતો, બાકી દાખલા બેસે એવી કોઈ સજા હજી સુધી થઈ નથી.

સાબિત કરવું કઠિન

નિષ્ણાતો કહે છે કે ઇન્સાઇડર ટ્રેડિંગ સાબિત કરવું કઠિન બને છે. રજત ગુપ્તા અને રાજ રાજરત્નમના કિસ્સામાં ટેલિફોન ટેપ થઈ શક્યો હતો, એથી આ કામ સરળ બન્યું, બાકી આપણા દેશમાં સેબી સરકાર સમક્ષ પોતાને ટેલિફોન ટેપ કરવાની સત્તા મળે એવી માગણી કરી રહ્યું છે. સેબી સરકાર પાસેથી ફોન રેકૉર્ડ માગી શકે એવી સત્તાની અપેક્ષા પણ રાખે છે. અન્યથા ઇન્સાઇડર ટ્રેડિંગ કળવું કઠિન છે, કારણ કે ઇન્સાઇડર કહેવાતી માહિતી પણ ઘણા પાસે હોય છે, જેથી કોણે કોને માહિતી આપી, કઈ રીતે આપી એ સાબિત કરવું મુશ્કેલ બને છે. સોદો (એટલે કે ઇન્સાઇડર ટ્રેડિંગ) ઇન્સાઇડ માહિતીને આધારે જ થયો છે એ પુરવાર કરવું પણ મુશ્કેલ બને છે. આમ આખો વિષય ગૂંચવાડાભર્યો - કૉમ્પ્લેક્સ છે, જેથી એને પુરવાર કરવાનું પણ વધુ જટિલ બની રહે છે. આ સંજોગોનો ઇન્સાઇડર્સ સતત ગેરલાભ ઉઠાવતા રહે છે. આ વર્ગ પોતાની માહિતી અન્ય સગાંસંબંધી, પાડોશી, મિત્રો વગેરેને આપીને પોતાનું કામ પાર પાડી લે છે. આ માહિતીના આધારે તેઓ પોતાના નામમાં સોદા કરતા નથી, જેથી સત્તાવાળાઓને બેધડક કહી શકે છે, ઢૂંઢતે રહ જાઓગે...

અનેક કિસ્સા, પણ ઍક્શનનું શું?

ભારતીય કૉર્પોરેટ ક્ષેત્રે સતત ઇન્સાઇડ ઇન્ફર્મેશનની આપ-લે થતી હોય છે. એના આધારે સોદા પણ નિયમિત થયા કરે છે, પરંતુ પાંચસોમાંથી માંડ પાંચ કિસ્સા આંખે ચઢે છે. એમાંથી માંડ એકાદ કિસ્સો તપાસ હેઠળ આવે છે. એમાંથી માંડ ૦.૦૧ કિસ્સામાં ઍક્શન લેવાય છે. પહેલાં તો પુરવાર કરવું જ કઠિન હોય છે ત્યાં સજા ક્યાંથી થઈ શકે! સેબીએ આ મામલે સરકાર પર દબાણ વધાર્યું છે, પરંતુ ઇન્સાઇડર ઇન્ફર્મેશન આપ-લે કરવામાં અને એના આધારે ઇન્સાઇડર ટ્રેડિંગ કરવામાં સરકારી બાબુઓ પણ આગળ હોય છે તેમ જ મોટા બિઝનેસમેન પણ સક્રિય હોય છે. તેમને પકડવાની, તેમને સજા કરવાની હિંમત કોણ કરે? પરિણામે ઇન્સાઇડ ઇન્ફર્મેશનની જેમ આવા કિસ્સા પણ ફાઇલોમાં દબાઈ જાય છે.

ઇન્સાઇડર ટ્રેડિંગ એટલે શું?


ઇન્સાઇડ ઇન્ફર્મેશન એટલે કે કંપનીની અંદરની માહિતી (જેની કંપનીના શૅરના ભાવ પર અસર થઈ શકે - પ્રાઇસ સેન્સિટિવ ઇન્ફર્મેશન), જેને આધારે એના શૅરોમાં જ ટ્રેડિંગ થાય એ ઇન્સાઇડર ટ્રેડિંગ કહેવાય. સામાન્ય રીતે કંપનીની અંદર ચાલી રહેલી કેટલીયે બાબતોની કંપનીની કામગીરી પર અસર થતી હોય છે. એને લીધે કંપનીના શૅરના ભાવ પર પણ અસર થઈ શકે છે. આ માહિતી કંપનીના પ્રમોટરો, ડિરેક્ટરો, ઉચ્ચ હોદ્દા પર સત્તા ધરાવતા અધિકારીઓ પાસે હોય છે. દા. ત. કંપનીને મોટા ઑર્ડર મળવા, કંપની દ્વારા બોનસ શૅરની જાહેરાત કરવાનો નિર્ણય લેવો, કંપનીમાં મોટી નુકસાની થવાની ઘટના બનવાની હોય, કંપનીના શૅરોનું પ્રાઇવેટ પ્લેસમેન્ટ થવાનું હોય, જેને પરિણામે કંપનીની આર્થિક શક્તિ વધવાની હોય વગેરે જેવા સારા કે નરસા સમાચારોની જાણ સૌપ્રથમ કંપનીના ટોચના અધિકારીઓ-પ્રમોટરો-ડિરેક્ટરોને થતી હોય છે. આ માહિતી બહાર આવતાં પહેલાં ગુપ્ત રહેવાની કે રાખવાની હોય છે, કારણ કે આ પ્રકારની માહિતી પ્રાઇસ-સેન્સિટિવ ઇન્ફર્મેશન ગણાય છે. આ માહિતી જેઓ ધરાવે છે અને તેઓ એના આધારે પોતાનો શૅર સોદો કરી લે તો એ ઇન્સાઇડર ટ્રેડિંગ કર્યું ગણાય. તેઓ કોઈને આ માહિતી આપી દે અને એ વ્યક્તિ એમાં સોદા કરી કમાણી કરી લે તો એ પણ ઇન્સાઇડર ટ્રેડિંગ કર્યું ગણાય.

રજત ગુપ્તાના કિસ્સામાં શું થયું હતું

રજત ગુપ્તાએ મૅકન્સી ઍન્ડ કંપની વતી પોતાની ઑફિસમાં બેસી ગોલ્ડમૅન સાક્સ નામની ઇન્વેસ્ટમેન્ટ બૅન્કની ર્બોડમીટિંગમાં ભાગ લીધો હતો, જેમાં વિશ્વવિખ્યાત ઇન્વેસ્ટમેન્ટ-ગુરુ વૉરેન બફેટ દ્વારા ગોલ્ડમૅન સાક્સમાં થનારા પાંચ અબજ ડૉલરના રોકાણને મંજૂરી અપાવાની હતી. આ મીટિંગની વાત પૂરી થઈ કે રજત ગુપ્તાએ બીજી જ મિનિટે વૈશ્વિક હેજ ફન્ડ ગેલિયોન ગ્રુપના મિત્ર બિલ્યનેર ઇન્વેસ્ટર રાજ રાજરત્નમને ફોન લગાવી આ માહિતી આપી દીધી કે બફેટ ગોલ્ડમૅનમાં પાંચ અબજ ડૉલરનું ઇન્વેસ્ટમેન્ટ કરવાના છે. આનો અર્થ એ થાય કે ગોલ્ડમૅન સાક્સના શૅરનો ભાવ વધે. આ માહિતી બજારમાં પહોંચે અને ભાવ વધે એ પહેલાં રાજ રાજરત્નમે એ શૅરનો મોટો જથ્થો બજારમાંથી ખરીદી લીધો. આમ કરતી વખતે રાજ રાજરત્નમે પોતાના ટ્રેડરને ફોનમાં કહ્યું હતું કે તેને ગોલ્ડમૅન સાક્સમાં કંઈક સારું બનવાનું છે એવી માહિતી આપતો ફોન આવ્યો હતો. જોકે, આ ફોન ટેપ થઈ ગયો અને આ ઇન્સાઇડર ટ્રેડિંગનો પર્દાફાશ થયો હતો. આ ઘટના બની હતી ૨૦૦૮માં અને જે પછી રાજ રાજરત્નમને ઑક્ટોબર ૨૦૧૧માં ૧૧ વરસની જેલની સજા થઈ હતી અને તાજેતરમાં આ ઇન્સાઇડ માહિતી પૂરી પાડવા બદલ રજત ગુપ્તાને બે વરસની જેલ થઈ છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK