તેજીમાં કેમ અનેક લોકો કમાતા નથી?

Published: 27th October, 2014 03:50 IST

નવી તેજીનું નવું વરસ શરૂ થયું, જૂનું છોડી શકશો તો નવાનો લાભ પામી શકશો. તેજીમાં પણ નહીં કમાઈ શકનારા લોકોની સંખ્યા મોટી હોય છે. શા માટે અને કઈ રીતે? ચાલો સમજીએ

શૅરબજારની સાદી વાત - જયેશ ચિતલિયા


શૅરબજાર નવા વરસમાં પ્રવેશી ગયું છે એટલું જ નહીં, તેજીના નવા અને લાંબા તબક્કામાં પણ પ્રવેશી ગયું છે. સરકાર જે લક્ષ્ય અને વિઝન સાથે આગળ વધી રહી છે એ દેશને સામાજિક-આર્થિક વિકાસના ઊંચા દર તરફ લઈ જશે. સાદી, સ્પક્ટ અને સરળ વાત કરીએ તો બજારને સતત વધવા માટે હોલસેલમાં કારણો મળવાનાં છે. અલબત્ત, કેટલાંક કારણો રીટેલમાં પણ આવી શકે જે બજારને નીચે તરફ લઈ જવાનું કામ કરે; પરંતુ બજારની યાત્રા ઊંચાઈતરફી જ રહેશે તેથી વચ્ચે-વચ્ચે આવનારા ઘટાડા ટૂંકા ગાળાના હોઈ શકે. બાકી ઇન્વેસ્ટરો માટે હવે પછી ખરા અર્થમાં તેજીનો સમય આવી રહ્યો છે. આમ તો આ સમય છ મહિના પહેલાં જ શરૂ થઈ ગયો હતો, પરંતુ રોકાણકારો અગાઉ એટલા બધા દાઝ્યા-ઘવાયા હતા કે બજારથી એ સમયમાં પણ દૂર રહ્યા. હવે વિશ્વાસ વધી રહ્યો છે, નવી આશા વધી રહી છે, આર્થિક પગલાં નક્કર અને નવું સ્વરૂપ ધારણ કરી રહ્યાં છે. કોઈએ વિચાયાર઼્ પણ નહોતાં એવાં કદમ આવી રહ્યાં છે. બસ, રોકાણકારો માટે મુખ્ય ચેતવણી એ જ છે કે તેમણે પણ નવા બનવું પડશે. જો તેઓ હજી જૂના જ રહેશે અને ઇન્વેસ્ટમેન્ટ પ્રત્યેની જૂની આદતો, માનસિકતા, અભિગમ છોડશે નહીં તો તેજીમાં પણ તેમને કોઈ લાભ નહીં થાય. તેમના કમાવા કરતાં ગુમાવવાના ચાન્સ વધી જાય એવું પણ બની શકે. ચાલો, તો જૂનું શું છોડવાનું છે એ સમજી લઈએ.

આવી રીતે શૅરોની ખરીદી કરશો?

મને મારા મિત્રે કહ્યું કે ફલાણો શૅર લઈ લે, છ મહિનામાં જ ડબલ નક્કી છે... મારા બ્રોકરની ઑફિસના કર્મચારીએ ટિપ્સ આપી કે ઢીંકણા શૅર ખરીદીને રાખી મૂક, આવી તક પછી મળશે નહીં; ત્રણ જ મહિનામાં ત્રણ વરસનું કમાઈ લઈશ... આવી જ વાતો પર નવા વરસે પણ તમે ચાલવાના હો તો તમારું કમાવાનું કઠિન છે. રેડીમેડ સલાહો લૉસ પણ રેડીમેડ જ કરાવે છે. આમ કહેનારા લોકો પાસે ભાગ્યે જ કોઈ આધાર હોય છે. તમને લાગે છે કે તે તો વરસોથી માર્કેટમાં છે, તેની પાસે માહિતી આવતી હશે એટલે મિત્રભાવે આપણને કહે છે; પરંતુ આવા લોકો પછીથી દુશ્મન જેવા લાગે છે. હા, તે શૅર લેવાનું કહે છે તો તરત લઈ ન લો. સમજો, એ શૅર વિશે જાણો, એનાં ફન્ડામેન્ટલ્સ જાણો. શા માટે એના ભાવ આટલી ઝડપથી વધવાના છે એ સવાલ તે મિત્રને ન પૂછી શકો તો કમસે કમ જાતને તો પૂછો. આ બધું અહીં ફરી યાદ કરાવવાનું કારણ એ જ કે જેમ તેજી વેગ પકડશે એમ આ ટિપ્સકલ્ચર એ જ સ્પીડમાં ફરતું થઈ જશે અને તમે નવા નહીં બન્યા હો કે જૂની માનસિકતા પકડીને બેઠા હશો તો તમારું ફસાવાનું નક્કી છે. એકાદ-બેમાં કમાઈ પણ શકો, પરંતુ બે-ચાર ખોટી સ્ક્રિપ્સ તમારી એ કમાણી ધોઈ નાખે એવું પણ બની શકે.

ખોટા ભાવે અને ખોટા શૅરો

શૅરબજારમાં તેજીની ગાડી સ્પીડ પકડવાની છે એ નક્કી છે. ટોચના બ્રોકરો જ નહીં, ઍનલિસ્ટો-અનુભવીઓ પણ કહે છે એવું હવે સતત સાંભળવા મળશે. અખબારો અને ટીવી-ચૅનલોમાં પણ આ બધું સતત ચાલ્યા કરશે. આ બજાર સતત ગુલાબી તેજીમાં હશે એ વાત સાચી માની લઈએ, એમ વાસ્તવમાં થાય પણ ખરું; પરંતુ તમે ખરીદેલા શૅરો પણ તેજીમાં જ હોય એ જરૂરી નથી. જો તમે જૂના જ રહી જઈ ઊંચા ભાવોએ ખોટા શૅરો અથવા ખોટા ભાવે લઈ રાખ્યા હશે તો બજારમાં તેજી હોવા છતાં તમારા ભાગે તમારા શૅરોના પ્રતાપે લૉસ આવે એમ બની શકે. ક્યાંક એવું પણ બને કે તમે શૅર ખરીદ્યા, ભાવો સારાએવા વધ્યા પણ ખરા, લગભગ છ મહિનામાં ડબલ થઈ ગયા; પરંતુ તમે એમાં નફો બુક ન કર્યો તો અને ભાવ પાછા નીચે ઊતરી ગયા તો? આવા અનેક દાખલા બજારમાં વરસોથી બનતા રહ્યા છે. ખોટા સમયે ખોટા ભાવે ખરીદાયેલા શૅરો લાંબા ગાળે નુકસાનમાં જ લઈ જાય છે. આ માટે રોકાણકારોએ જૂની વિચારધારા-માનસિકતા છોડીને નવા બનવું પડે. માત્ર વરસ નવું થવાથી કે તેજી નવી આવવાથી વાત બની જતી નથી.

ફન્ડામેન્ટલ્સને પણ સમજજો

તેજીની વાતો અને આશાના મિનારા બની રહ્યા છે ત્યારે આ તેજી માટેનાં ફન્ડામેન્ટલ્સ પણ સમજી લેવાં જોઈએ. હવે પછી આર્થિક સુધારા વેગ પકડશે, એના અમલને પણ સ્પીડ મળશે. મેક ઇન ઇન્ડિયા, વિદેશી રોકાણપ્રવાહ, રેટિંગના સુધારા, નીચા ફુગાવાની અસર, નીચા ક્રૂડના ભાવોનો લાભ, અનેક પ્રોજેક્ટો કાર્યરત થવાની અસર, મોદીની વિવિધ દેશોની મુલાકાતોનાં પરિણામો હવે દેખાવાનાં શરૂ થશે. અત્યાર સુધી વધેલું બજાર ક્યાંક ઊંચા આશાવાદ પર વધ્યું હોવાનું કહી શકાય, પરંતુ હવે નક્કર અમલ અને વધુ સુધારાની અસર જોઈશે. કામદારધારાના સુધારા, ગુડ્સ ઍન્ડ સર્વિસ ટૅક્સની ગૂંચવણ કે મતભેદ દૂર કરવાની સચોટ હિલચાલ, જમીનધારાના સુધારા, વિદેશી રોકાણના સરળ પ્રવેશ માટે કરાઈ રહેલો માર્ગ, કોલ બ્લૉક્સ માટે અપાયેલી નવી તક, ફાઇનૅન્સ સેક્ટરના સુધારા, જાહેર સાહસોના શૅરોની ઑફર, સિસ્ટમમાં કે પૉલિસીમાં વધારવામાં આવી રહેલી ઝડપ, પારદર્શકતા, સરળતા વગેરેનાં ફળો ધીમે-ધીમે દેખાવાનાં શરૂ થશે. વિવિધ સેક્ટરોમાં અપાયેલી સીધા વિદેશી રોકાણની વધારાની છૂટ પણ હવે દેખાશે. આ બધાં ફન્ડામેન્ટલ્સને સમજજો અને એના આધારે શૅરો સિલેક્ટ કરજો. ગ્લોબલ પરિબળોની અસર પણ સમજજો.

બિગ બૅન્ગ સુધારા હવે આવશે, સમય આપજો

હજી તો બિગ બૅન્ગ સમાન સુધારાનાં પગલાં બજેટ લઈને આવશે. સંભવત: બજેટ પહેલાં જ એનું આગમન થવા લાગે તો પણ નવાઈ નહીં. ઇન શૉર્ટ, સારાં કારણો અને પરિબળો સતત આવી રહ્યાં છે. બૂરાં કારણો અને પરિબળો સાવ નાબૂદ થઈ ગયાં છે એમ કહી શકાય નહીં, પરંતુ એમની અનિશ્ચિતતાને સમજવી અને ક્યાંક સહેવી પણ પડશે. પૅનિક થઈ જવાની જૂની આદત અને માનસિકતા પણ છોડવી પડશે. અહીં વર્ણવેલાં તમામ ફન્ડામેન્ટલ્સ મજબૂતી તરફ લઈ જશે. જોકે યાદ રહે કે આ બધાનાં પરિણામો સમય લેશે. તમારે પણ લાંબા ગાળાનો અભિગમ રાખવો જોઈશે. હજી પણ ટૂંકા ગાળાની દ્રષ્ટિથી ચાલશો તો ખરો લાભ મળશે નહીં. નવું વરસ તમને સૌને વેલ્ધી અને હેલ્ધી બનાવે એ શુભેચ્છા અમે આપીએ, પરંતુ તમારે નવા બનવું પડશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK