Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > GST વાસ્તવિકતામાં પણ ગુડ અને સિમ્પલ ટૅક્સ બને એની જવાબદારી સરકારની જ હોય

GST વાસ્તવિકતામાં પણ ગુડ અને સિમ્પલ ટૅક્સ બને એની જવાબદારી સરકારની જ હોય

03 July, 2017 06:27 AM IST |

GST વાસ્તવિકતામાં પણ ગુડ અને સિમ્પલ ટૅક્સ બને એની જવાબદારી સરકારની જ હોય

GST વાસ્તવિકતામાં પણ ગુડ અને સિમ્પલ ટૅક્સ બને એની જવાબદારી સરકારની જ હોય



gst bill


અર્થતંત્રના આટાપાટા - જિતેન્દ્ર સંઘવી

૨૦૧૭ની પહેલી જુલાઈ સ્વતંત્ર ભારતના આર્થિક ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે. ૩૦ જૂનની મધ્યરાતે સંસદના વિશેષ સત્રમાં ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (GST) સત્તાવાર રીતે લૉન્ચ કરવા સાથે વન નેશન, વન ટૅક્સનું ભારતનું સપનું સાકાર થયું છે. વાજપેયી સરકાર દ્વારા ૨૦૦૦માં જેનાં મંડાણ થયાં હતાં એ GSTને મોદી સરકારે આખરી સ્વરૂપ આપ્યું. આમ GSTએ એના ગંતવ્યસ્થાને (મંજિલે) પહોંચતાં ૧૫ વર્ષની લાંબી મજલ કાપવી પડી, પણ એ સાથે જ ભારતે GSTનો અમલ જ્યાં વર્ષો પહેલાં થઈ ચૂક્યો છે એવા ૧૦૦થી વધુ દેશોની ક્લબમાં સ્થાન મેળવ્યું છે. સૌથી પહેલાં ૧૯૫૪માં ફ્રાન્સે GSTનો અમલ કર્યો હતો અને ૨૦૧૫માં મલેશિયાએ. જપાન, જર્મની, સિંગાપોર, રશિયા, ચીન, કોરિયા, ઑસ્ટ્રેલિયા જેવા દેશોમાં પણ GST એક યા બીજા નામે અમલમાં છે.

ભારત માટે આ એક ઐતિહાસિક ઘડી છે. કરવેરાના ખાસ કરીને પરોક્ષ કરવેરાના આ એક સૌથી મોટા ઐતિહાસિક સુધારાએ ફરી એક વાર ભારતની પ્રજાને અને વિશ્વના રોકાણકારોને એની દૃઢ ઇચ્છાશક્તિ અને મક્કમ નિર્ણયશક્તિનો પરિચય કરાવ્યો છે. ૨૦૧૪માં સત્તા પર આવતાંની સાથે સરકારે વિશ્વનાં બજારમાં ભારતની હરીફશક્તિ (કમ્પેટિટિવનેસ) વધે એ માટે ‘ઈઝ ઑફ ડુઇંગ’ વધારવા પર ભાર મૂકેલો. GSTના અમલ સાથે કેન્દ્ર, રાજ્ય અને મ્યુનિસિપલ કૉર્પોરેશન સ્તરના ૧૬થી ૧૭ કરવેરા નાબૂદ થશે (એટલે કે GSTના એક વેરામાં સમાવિષ્ટ થશે) એટલે ભલે આજે નહીં તો ૬-૧૨ મહિનામાં GSTની પ્રક્રિયા સ્ટ્રીમલાઇન થતાં પરોક્ષ વેરા ભરવાની વિધિ ખૂબ સરળ બનશે જે ઈઝ ઑફ ડુઇંગ અને ભારતની હરીફશક્તિ વધારશે. સરકારના મેક ઇન ઇન્ડિયાની નીતિનો અમલ ઝડપી બનાવશે જેને કારણે દેશી રોકાણકારો કરતાં પણ વિદેશી રોકાણકારોએ GSTને ઉલ્લાસથી આવકાર્યો છે.

બંધારણીય સુધારાઓ જેવી કઠિન સમસ્યાઓનો સામનો સરકારે છેલ્લાં બે વર્ષમાં કર્યો એ પણ રાજ્યસભામાં બહુમતી ન હોય ત્યારે. દેશના વિરોધ પક્ષોને, ૩૦ જેટલી રાજ્ય સરકારો (અમુક રાજ્યો જ્યાં વિપક્ષી સરકાર છે)ને પોતાની વાત ગળે ઉતારવા સરકારે કળ અને બળ બન્નેનો ઉપયોગ કર્યો, પણ પોતાના GSTના અમલના ૨૦૧૭ની પહેલી જુલાઈના લક્ષ્યાંકને વળગી રહી. રાજકીય અને આર્થિક સંસ્થાઓ (ઇન્સ્ટિટ્યુશન્સ)ના માળખા દ્વારા જ પોતાની આર્થિક, રાજકીય અને સામાજિક નીતિઓનો અમલ સારી રીતે થઈ શકે એમ માનતી સરકારે GST કાઉન્સિલની રચના કરી જેમાં રાજ્ય સરકારોને પણ યોગ્ય રીતે પ્રતિનિધિત્વ મળ્યું. કાઉન્સિલની રચના જ એવી રીતે થઈ કે ન તો કેન્દ્ર સરકાર પોતાની મનમાની કરી શકે કે ન તો અમુક-તમુક રાજ્ય સરકાર. બન્ને એકબીજાના સહકારથી અને સાથથી જ આગળ વધી શકે એવી વોટિંગ-પૅટર્નને કારણે આ શક્ય બન્યું અને એ દ્વારા સરકારે દેશમાં કો-ઑપરેટિવ ફેડરલિઝમ હોવાની અને વિશ્વમાં ભારતની એક પરિપક્વ લોકશાહી હોવાની છાપ ઊભી કરી. આવા ઐતિહાસિક સુધારાના ખરડાને (જે લાંબા ગાળે દેશના આર્થિક વિકાસને મજબૂત બનાવી શકે અને આર્થિક હિતોની રક્ષા કરી શકે) સંસદમાં સર્વાનુમતિ દ્વારા પસાર કરાવવાની અભૂતપૂર્વ સિદ્ધિ પોતાના નામે કરી એ માટે મોદી સરકાર અભિનંદનની અધિકારી છે.

દેશ આઝાદ થયો ત્યારે સરદાર પટેલે દેશનાં ૫૫૦થી ૬૦૦ રજવાડાંઓનો ખાતમો બોલાવીને ભારતને ખરી રાજકીય આઝાદી અપાવીને એક કર્યો. જુદાં-જુદાં રાજ્યોના જુદા-જુદા વેરાનાં સ્વરૂપ અને દરને કારણે આજ સુધી ભારતમાં આર્થિક એકતા નહોતી. જુદાં-જુદાં રાજ્યો વચ્ચે માલસામાન કે સેવાઓની મુક્ત હેરાફેરી શક્ય નહોતી. નરેન્દ્ર મોદીએ GSTના અમલ દ્વારા દેશમાં એક કૉમન માર્કેટ ઊભું કરી દેશને આર્થિક આઝાદી અપાવી સરદાર પટેલની જેમ જ અશક્યને શક્ય બનાવ્યું. ૧૯૪૭ની ૧૫ ઑગસ્ટ બ્રિટિશરોની ગુલામીમાંથી આઝાદી, ૧૯૫૦ની ૨૬ જાન્યુઆરી (ભારત પ્રજાસત્તાક રાજ્ય બન્યું), ૧૯૫૧ની પહેલી એપ્રિલ (પંચવર્ષીય યોજનાઓનો પ્રારંભ), ૧૯૯૧ (આર્થિક સુધારાઓની શરૂઆત) જેવી ઉજ્જ્વળ તવારીખોમાં ૨૦૧૭ની ૧ જુલાઈ (GSTનો અમલ)નો ઉમેરો થયો એનું ગૌરવ સરકારને હોય જ અને એ પણ એવા સમયે જ્યારે વિશ્વમાં નૅશનલિઝમ (રાષ્ટ્રવાદ) અને પ્રોટેક્શનિઝમ (સંરક્ષણવાદ)નો ઉદય થઈ રહ્યો હોય અને ગ્લોબલાઇઝેશન (વૈશ્વીકરણ) સામે જોખમ ઊભું થયું હોય અને નૅશનલિઝમ તથા ગ્લોબલાઇઝેશનની લડાઈને પરિણામે એક ન્યુ વર્લ્ડ ઑર્ડરનો ઉદય થઈ રહ્યો હોય.

૧૪ ઑગસ્ટની મધરાતે દેશે આઝાદીનાં ૫૦ વર્ષ પૂરાં કર્યા એ મધરાતે સંસદનું વિશેષ સત્ર મળેલું અને જે માહોલ ઊભો થયો હતો એવો જ માહોલ ફરી એક વાર ૩૦ જૂનની મધરાતે સંસદના સત્ર દ્વારા સર્જાયો. વડા પ્રધાને એને એક સરકાર (પોતાની સરકાર)ની નહીં, પણ સરકાર અને વિપક્ષોના સંયુક્ત પ્રયાસ તરીકે બિરદાવીને સરકારની ગરિમા વધારી છે.

જે કરવેરાના અમલના અંત સાથે એક ટૅક્સ GSTનો અમલ થશે એમાં સેન્ટ્રલ એક્સાઇઝ, સ્ટેટ વૅટ, કાઉન્ટરવેઇલિંગ ડ્યુટી, લૉટરી-ટૅક્સ, પર્ચેઝ ટૅક્સ, સ્પેશ્યલ ઍડિશનલ ડ્યુટી ઑફ કસ્ટમ, સેન્ટ્રલ સેલ્સ ટૅક્સ, ઍડિશનલ એક્સાઇઝ ડ્યુટી, ઑક્ટ્રૉય, એન્ટ્રી-ટૅક્સ, સર્વિસ ટૅક્સ, એન્ટરટેઇનમેન્ટ ટૅક્સ ઉપરાંત કરવેરાનો સમાવેશ છે.

કોઈ પણ ફેરફાર (પરિવર્તન) પછી એ આર્થિક ક્ષેત્રે, રાજકીય ક્ષેત્રે, સામાજિક ક્ષેત્રે કે અન્ય કોઈ પણ ક્ષેત્રે હોય, શરૂઆતમાં પીડાકારી હોય છે એ આપણા સૌનો જાતઅનુભવ છે. વૅલ્યુ ઍડેડ ટૅક્સ (VAT) દાખલ કરવામાં આવ્યો ત્યારે એનો પણ સખત વિરોધ થયેલો. એ ચેન્જને અપનાવીને ઠરીઠામ થતાં ઉદ્યોગજગતને વર્ષો લાગ્યાં. એવું જ કંઈક GSTનું છે.

સરકારના અનેક દાવાઓ, GSTથી કરવેરાની ચુકવણી સરળ બનશે, કરવેરાની જાળીની બહાર રહીને કરચોરી કરવાનું ઉદ્યોગજગત માટે લગભગ અશક્ય બનશે એટલે સમયાંતરે કરવેરાની પ્રાપ્તિમાં વૃદ્ધિ થશે, કરવેરાની પદ્ધતિ પારદર્શી બનશે. લાંબા ગાળે આર્થિક વિકાસનો દર વધશે, મૂડીરોકાણ વધશે, વપરાશકારોનાં હિત જળવાશે. લાંચ, સરહદો અને વચેટિયાઓ દૂર થતાં GST ગેમ-ચેન્જર સાબિત થશે અને એના અમલ દ્વારા દેશમાં કાળાં નાણાંનું સર્જન ઘટશે. આર્થિક રીતે એક કૉમન માર્કેટ ઊભું થશે. સમગ્રતયા કરવેરાનું ભારણ ઘટશે. ભાવવધારો થાય તો પણ એ કામચલાઉ હશે. એવા સરકારના દાવા વચ્ચે ઉદ્યોગજગતે GSTના અમલ બાબતે પોતાનો વિરોધ નોંધાવ્યો છે. અસંગઠિત ક્ષેત્ર પર મોટી અવળી અસર થશે. ફક્ત અસંગઠિત ક્ષેત્ર પર જ નહીં, નાના ડીલરો અને જથ્થાબંધ વેપારીઓ પણ એની આડઅસરમાંથી નહીં બચે એવો ભય વ્યક્ત કરવામાં આવ્યો છે. કાયદાકીય ગૂંચો ઊભી થશે. ખાસ કરીને એવાં ક્ષેત્રો જેમાં અસંઠિત ક્ષેત્રોનો ઉત્પાદનમાં હિસ્સો ખૂબ મોટો છે (અપૅરલ ૭૦ ટકા, ડેરી ઉદ્યોગ ૭૮ ટકા, ઝવેરાત ૭૫ ટકા, ઍર કૂલર્સ ૭૫થી ૮૦ ટકા, રીટેલ અને એક્સ-અપૅરલ ૯૦ ટકા અને નિદાન ડાયગ્નોસિસ ૮૫ ટકા) એવાં ક્ષેત્રોને GSTની આડઅસર પણ મોટી થશે. આવી દહેશત વચ્ચે દેશભરનાં અનાજ, કઠોળ અને કૃષિબજારો, વિવિધ માર્કેટ યાર્ડો, કાપડબજારના અમુક વિભાગો તથા મહિલા સંગઠનો વ્યાપક વિરોધ સાથે બંધમાં જોડાયાં છે. માર્ગબાંધકામ, ફર્નિચર અને હીરાબજાર પણ GSTના વિરોધમાં જોડાયું છે.

પાંચ ટકા, ૧૨ ટકા, ૧૮ ટકા, ૨૮ ટકાના ચાર દરવાળા GSTનું માળખું આંટીઘૂંટીવાળું છે એમાં શરૂઆતના તબક્કે થોડી ઘણી વિસંગતિઓ હોવાનો નિષ્ણાતોનો મત છે. સરકાર પણ માને છે અને એ વાત કબૂલે છે કે આ આદર્શ GST ન પણ હોઈ શકે, પણ ક્યાંક તો શરૂઆત કરવી જ રહી. આદર્શ GSTમાં ચાર દર નહીં, પણ કાયદાની આંટીઘૂંટી વિનાનો માત્ર અને માત્ર એક જ દર હોય. સરકારનું GSTનું આવું આદર્શ માળખું સમયાંતરે ઊભું કરવાનું ધ્યેય પણ છે જ.

સરકારી દાવા પ્રમાણે GST ભાવવધારામાં ન પરિણમે એવી કાળજી પણ ચીજવસ્તુઓ પરના GSTના દર નક્કી કરતી વખતે રાખવામાં આવી છે. પરિણામે ૮૧ ટકા ચીજવસ્તુઓ પરનો GSTનો દર ૧૮ ટકાથી નીચો કે મહત્તમ ૧૮ ટકાનો છે.

આપણા અર્થતંત્રનું માળખું જ એવું છે જ્યાં રાષ્ટ્રીય ઉત્પાદનમાં અસંગઠિત ક્ષેત્રનો સિંહફાળો છે. અત્યાર સુધી વેરાની જવાબદારીમાંથી છટકતા મોટા ભાગના આવા ઉત્પાદકો કે સર્વિસ-પ્રોવાઇડરને પોતાનો વેપાર ઝૂંટવાઈ જવાની અને સંગઠિત ક્ષેત્રના હાથમાં ચાલ્યો જવાની ભીતિ છે. એમ ન થવા દેવું હોય અને પોતે આર્થિક પ્રવૃત્તિઓના ક્ષેત્રે ટકી રહેવું હોય તો કરવેરાની જાળમાં આવવું જ પડે અને તો જ સંગઠિત ક્ષેત્ર એની સાથે વેપારનું આદાન-પ્રદાન કરી શકે. નાના ઉદ્યોગો કે વ્યક્તિ જેનું વાર્ષિક ટર્નઓવર ૨૦ લાખ રૂપિયાથી ઓછું હોય તેને GST હેઠળ મુક્તિ આપવામાં આવી છે. ૭૫ લાખથી ઓછા ટર્નઓવરવાળા માટે કમ્પોઝિશન સ્કીમ હેઠળ ટર્નઓવરના એક ટકાની કરવેરારૂપે ચુકવણી કરવાનું પસંદ કરે તો GSTની આંટીઘૂંટીવાળી પદ્ધતિ અને પેપરવર્કમાંથી મુક્તિ આપવામાં આવી છે. આ સ્કીમ માત્ર વસ્તુઓ માટે છે, સેવા આપનાર વ્યક્તિ કે કંપની આનો લાભ લઈ શકશે નહીં. GSTનું પહેલું રિટર્ન ભરવા માટે પણ સરકારે અઢી મહિનાનો સમય આપ્યો છે. આવા ઐતિહાસિક ફેરફારનો અમલ સરળ બને એ માટે જેન્યુઇન કેસમાં જ્યાં ટેક્નિક્લ ભૂલ થઈ હોય પણ કરવેરો ટાળવાનો ઇરાદો ન હોય ત્યાં શરૂઆતના તબક્કે સરકારે કાયદાના અમલમાં થોડી નરમાઈ દાખવવી પડશે. કાયદાનો અમલ એના લેટર (શબ્દ) દ્વારા નહીં, પણ સ્પિરિટ (ભાવના) દ્વારા કરવો પડશે.

GSTના અમલે સરકાર સામે અનેક પડકાર ઊભા કર્યા છે. કાયદો દાખલ કરવો એ તો શરૂઆત છે. એના અસરકારક અમલની જર્મનીમાં અને એ પણ ચ્શ્ના કૉમન માર્કેટ કરતાં પણ ભારતના મોટા માર્કેટમાં, પડકારોની વણજાર ઊભી થવાની. ટેક્નૉલૉજી એ પડકારોને પહોંચી વળવામાં મહત્વનો ભાગ ભજવશે.

GST ન હોય એના કરતાં કોઈ પણ પ્રકારનો GST સારો એમ માનતી સરકારે આવા ઐતિહાસિક સુધારાના અમલ માટે ક્રેડિટ મેળવી છે એ સાથે જ GST આદર્શ બનાવવાનો પડકાર પણ ઝીલ્યો છે. GSTના બંધારણીય સુધારા માટે વિરોધ પક્ષોને એક તાંતણે બાંધવાની કુનેહ દાખવી હતી એવી જ કુનેહની સરકાર પાસેથી અપેક્ષા રાખવી વધુ પડતી નહીં ગણાય.

(લેખક ઇન્ડિયન મર્ચન્ટ્સ ચેમ્બરના ભૂતપૂર્વ ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ છે)


Whatsapp-channel Whatsapp-channel

03 July, 2017 06:27 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK