યુરોમાં સંગીન તેજી : પાઉન્ડમાં તકલાદી સુધારો : રૂપિયામાં સ્થિરતા

Published: Jul 03, 2017, 06:26 IST

GSTના આરંભ સાથે ભારતીય અર્થતંત્રમાં નવા અધ્યાયનો આરંભફેડ, યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક અને બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડ એ ત્રણેય સેન્ટ્રલ બૅન્કો હવે વ્યાજદરના વધારાની જરૂર જુએ છે. બૅલૅન્સશીટ ઘટાડવાની જરૂરિયાત જુએ છે. અમેરિકાની સબ પ્રાઇમ હાઉસિંગ કટોકટી અને યુરોપની સરકારી દેવાથી સર્જાયેલી કટોકટી ઉકેલવા નીચા વ્યાજદર, નેગેટિવ વ્યાજદર બૅકફાયર થઈ રહ્યા છે એવો અણસાર બૅન્કરોને આવી ગયો છે. બેસુમાર લિક્વિડિટીથી વિકસિત દેશોમાં ઍસેટ બબલ-મૂડીબજારો, જમીન-મકાનમાં તેજીનો ફુગાવો વકરી ચૂક્યો છે એટલે ૨૦૦૮ની જેમ શૅરબજારમા મંદીનો ભૂકંપ આવે એ પહેલાં જ પાણી પહેલાં પાળ બાંધવા વધારે પડતી લિક્વિડિટી બજારમાંથી ખેંચી લેવા બૅન્કરો સજ્જ થયા છે. તાજેતરમાં ફેડ ચૅરપર્સન જૅનેટ યેલેને કહ્યું હતું કે બજારો હવે ફેડ પાસે મદદની આશા ન રાખે. ફેડ હવે બજારોનો મિત્ર નથી. ચ્ઘ્ગ્ યુરોપના વડા મારિયોએ પણ હવે બૅલૅન્સશીટ રિડક્શન એટલે કે ચ્ઘ્ગ્ દ્વારા બૉન્ડ-ખરીદી ઘટાડવાના આયોજનના સંકેત આપ્યા છે. લિક્વિડિટી ખેંચાશે અને અત્યંત હળવી નાણાનીતિ હવે સામાન્ય બનવા તરફ જાય તો એ પેન્શરો અને ફિક્સ ઇન્કમ સેક્ટર માટે કંઈક રાહતના સમાચાર હશે. મૂડીબજાર અને બૉન્ડબજારે કોઈ પણ મહેફિલ શાશ્વત નથી હોતી એ સત્યને સ્વીકારવા તૈયાર રહેવું પડશે. અમેરિકન ડૉલરમાં તેજીનાં વળતાં પાણી થવાની શરૂઆત થઈ છે અને યુરોમાં સંગીન સુધારો આવ્યો છે. આમ તો આ પ્રક્રિયા સ્વયં એક મોટું રીબૅલૅન્સિંગ છે. ટ્રમ્પ આવ્યા પછી અમેરિકન આર્થિક નીતિઓની અનિશ્ચિતતાએ ડૉલરને દબાવ્યો છે તો સામેના ધ્રુવ પર ફ્રાન્સમાં મૅક્રોનની જીત, જર્મનીમાં ચાન્સેલર મર્કેલનું સ્થાન સુધરવું અને યુરોપની ચૂંટણી તથા સમાજકારણમાં પૉપ્યુલિસ્ટ રેડિકલ પક્ષોનાં વળતાં પાણી યુરો માટે સુધારો લાવ્યાં છે.

યુરોપમાં રેફ્યુજી કટોકટીએ આંતરિક સામાજિક પોતને પાતળું કરી નાખ્યું છે, પણ આર્થિક સુધારો આવતાં શૅરબજારોની તેજીથી બૅન્કોની બૅલૅન્સશીટ તગડી બનતાં અને વપરાશ વધવાથી રોજગારી સુધારવાની આશાએ સેન્ટિમેન્ટ સુધર્યું છે. ડૉલર નબળો પડવાથી યુરોમાં જબ્બર ઉછાળો આવ્યો છે. સ્વિસ ફ્રાન્ક પણ મજબૂત થયો છે. યુરો અને ફ્રાન્કની તેજીથી પાઉન્ડમાં મંદી હતી એ અટકી છે અને આંગળિયાત જેવો ઉછાળો આવીને પાઉન્ડ પણ યુરો પાછળ સુધર્યો છે. આગળ જતાં યુરોમાં તેજી વધશે પણ પાઉન્ડમાં તેજી ટકશે નહીં. યુરો લઈને પાઉન્ડ વેચવામાં આર્બિટ્રેજ કરનાર માટે સારી તક છે. જોકે આ પ્રકારના આર્બિટ્રેજમાં પોતાની નાણાકીય ક્ષમતા અને રિસ્ક ટૉલરન્સ સમજી લેવું જોઈએ. યુરોમાં આગળ જતાં ૧.૧૭-૧.૧૮ અને પાઉન્ડ ૧.૨૭-૧.૨૫ આવે એવું લાગે છે. ભારતીય રૂપિયાના સંદર્ભમાં યુરો ૭૬-૭૭ અને પાઉન્ડ ૮૦-૭૯ લાગે છે. પાઉન્ડમાં બ્રિટનના નબળાં ફન્ડામેન્ટલ પૂરેપૂરા રિફ્લેક્ટ થયા નથી. રાજકીય અસ્થિરતા ઘણી ગંભીર છે. બ્રેક્ઝિટ પછી બ્રિટનનું રાજકારણ ખંડિત થઈ ગયું છે. બ્રિટનનું વહાણ હવે કાબેલ સુકાનીની શોધમાં છે. જેરેમી કોરબિન કે થેરેસા જોકે યુકિપના રેડિકલ નેતા નિજેલ ફરાર અપેક્ષાથી ઊણા ઊતર્યા છે. બ્રિટનને માર્ગારેટ પુનરાગમન પણ કંઈક અંશે ફાયદારૂપ રહેશે.

એશિયામાં હૉન્ગકૉન્ગ શૅરબજારમાં તેજી-મંદીના મોટા મોટા હિલોળા આવે છે. ચીનની કંપનીઓ હૉન્ગકૉન્ગમાં લિસ્ટિંગ કરાવે છે અને સટ્ટો એવો બેકાબૂ છે કે સાવ ટચૂકડી કંપનીઓ જોતજોતાંમાં બિલ્યન ડૉલર કંપનીઓ બની જાય છે. ચીનમાં સ્લો ડાઉન છે, લાપી લિંપણ કરીને ચીને લાલીમા જાળવી રાખી છે. ચીનમાં ઑક્ટોબરમાં સત્તાનું હસ્તાંતરણ થવાનું છે. ચીનના ઘણા શ્રીમંત લોકો મૂડી સલામત રાખવા અને વિદેશમાં કારોબાર વધારીને પોતાની સારી સ્થિતિનું ‘હેજિંગ’ કરી રહ્યા છે. ચીની અમીરો સિંગાપોર, મલેશિયા, હૉન્ગકૉન્ગ, ઇન્ડોનેશિયામાં જમીન-મકાનમાં રોકાણ વધારી રહ્યા છે.

ભારતીય બજારની વાત કરીએ તો GSTના અમલ સાથે આર્થિક પ્રણાલીમાં એક નવા અધ્યાયનો પ્રારંભ થયો છે. છૂટાછવાયા વેપારી વિરોધ વચ્ચે સરકારે પૂરી મક્કમતાથી GSTને ડેડલાઇન ન વધારીને અમલી બનાવી દીધો છે. સોશ્યલ મીડિયા અને પરંપરાગત માધ્યમોમાં GST વિશે અનેક ચર્ચાસભાઓ ચાલી રહી છે. અર્થતંત્રનો નોંધપાત્ર હિસ્સો નોટબંધી પછી સત્તાવાર ચૅનલમાં આવ્યો છે. બાકીનો મહત્વનો હિસ્સો પણ હવે સમાંતર અર્થતંત્રમાંથી સત્તાવાર ચૅનલમાં આવશે. અમુક હિસ્સા હજી બહાર છે. આગામી પાંચ વર્ષ અર્થતંત્રનું કદ મોટું થશે. સરકારના હાથમાં નાણાંની છૂટ થશે. સાધનોની ખૂબ છૂટ થશે. આ સાધનોના કાર્યક્ષમ ઉપયોગ-યોગ્ય ફાળવણી દેશ માટે સુપરગ્રોથનું લૉન્ચ-પૅડ બની શકે અને સાધનોનો વેડફાટ દેશને આર્થિક વિડંબણા તરફ પણ ધકેલી દે. અલબત્ત નજીકના ભવિષ્યમાં સંસાધનોની છત તેજીતરફી રહે અને ઘણી તકો સર્જાશે. લાંબા ગાળે શું થશે એનો જવાબ માત્ર કાળદેવતા જ આપી શકે.

રૂપિયાની વાત કરીએ તો બજાર સુસ્ત છે. રૂપિયો ૬૪.૧૦-૬૫.૧૫ની રેન્જમાં અથડાઈ રહ્યો છે. રૂપિયાની તેજી ૬૮થી ૬૪ સુધી આવી છે. એક વચગાળાની મંદીરૂપે ૬૫.૩૦-૬૫.૫૦નો ભાવ આવી શકે. એ પછી રૂપિયો ૬૪.૧૦ નીચે જાય તો ૬૩.૩૦, ૬૨.૮૫ અને ૬૨.૨૦ સુધી આવે. રૂપિયાનો મૂળ ટ્રેન્ડ તેજીનો છે. આયાતકારોએ દૂરના ડૉલર બુક કરવાની ઉતાવળ ન કરવી. હેજિંગ મિનિમમ રાખવું હિતાવહ છે. નિકાસકારોએ ફૉર્વર્ડ પ્રીમિયમનો લાભ લઈને ૬૦.૭૦ ટકા ડૉલર હેજ રાખવા ફાયદામંદ છે. યુરો રૂપિયા સામે મજબૂત બનતો જાય છે. યુરો રૂપિયાની એક્સપોર્ટ હોલ્ડ અને હેજ રાખવી તથા ઇમ્પોર્ટ હેજ રાખવી ફાયદાકારક છે. પાઉન્ડમાં નિકાસો તબક્કાવાર વેચતા જવું. પાઉન્ડની તેજી નક્કર લાગતી નથી. યેન પણ નરમ છે. ડૉલર સામે યેન ૧૧૨ છે, આગળ જતાં ૧૧૭-૧૧૮ યેનનું લેવલ જોવા મળશે. યુરો ડૉલર ૧.૧૮-૧.૧૯ પાઉન્ડ ૧.૩૨૦૦ સુધી જઈ શકે. સોનામાં રેન્જ ૧૨૩૦-૧૩૦૦ ડૉલર છે.

ઇમર્જિંગ કરન્સીમાં બ્રાઝિલ રિયાલ અને મલેશિયન રિંગિટ નબળા પડ્યા છે. ચીની યુઆનમાં પણ આગળ જતાં નરમાઈ લાગે છે. યુઆન ૭.૦૫ સુધી જઈ શકે. ફેડનો વ્યાજવધારો બજારમાં ઍબ્સૉર્બ થઈ ગયો છે. એશિયન શૅરબજારો અમેરિકાનાં શૅરબજારો

પાછળ સુધારાતરફી છે, પરંતુ ઉછાળે વેચવાલી વધી છે. તેજીનું મોમેન્ટમ ઘણું ધીમું પડ્યું છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK