Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > માર્કેટની વધુ પડતી ઊંચાઈ ઇન્વેસ્ટરોને નીચે પાડે એવી બનતી જાય છે!

માર્કેટની વધુ પડતી ઊંચાઈ ઇન્વેસ્ટરોને નીચે પાડે એવી બનતી જાય છે!

27 July, 2020 10:33 AM IST | Mumbai Desk
Jayesh Chitalia

માર્કેટની વધુ પડતી ઊંચાઈ ઇન્વેસ્ટરોને નીચે પાડે એવી બનતી જાય છે!

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


શૅરબજારને તંદુરસ્ત કરેક્શનની તાતી જરૂર છે, કારણ કે એ પાત્રતા કરતાં વધુ ઊંચે ગયું છે, કરેક્શન આવે તો ટકતું નથી; નેગેટિવ કરતાં પૉઝિટિવ કારણો વધુ અસર કરે છે, તેમ છતાં પ્રૉફિટ બુક નહીં કરે તેમણે પસ્તાવાનો વારો આવી શકે
વીતેલા સપ્તાહની વધઘટ
ગયા સપ્તાહનો આરંભ નિફટીની નવી ઊંચાઈ સાથે થયો હતો. બજાર ખૂલતાં જ નિફ્ટી ૧૦૦ પૉઇન્ટના ઉછાળા સાથે ૧૧,૦૦૦ પાર કરી ગયો હતો, જ્યારે કે સેન્સેક્સ ૩૦૦ પૉઇન્ટના કૂદકા સાથે ૩૭,૩૦૦ની ઉપર પહોંચી ગયો હતો. એપ્રિલથી સુધારાની ચાલ પકડનાર બજાર કયા કારણસર ઊંચે જઈ રહ્યું છે એના જવાબમાં સધ્ધરતા કરતાં અધ્ધરતા વધુ છે. તેમ છતાં, બજાર વધે છે એ હકીકત છે. સોમવારે બજાર અંતમાં સેન્સેક્સ ૩૯૯ પ્લસ અને નિફ્ટી ૧૨૦ પ્લસ બંધ રહ્યા હતા. મંગળવારે કરેક્શનની અપેક્ષા હતી. તેમ છતાં, માર્કેટ શરૂમાં જ ૪૦૦ પૉઇન્ટથી વધુ ઊછળી પડ્યું હતું. અંતમાં સેન્સેક્સ ૫૧૧ પૉઇન્ટના વધારા સાથે ૩૮,૦૦૦ની નજીક પહોંચી ગયો હતો, જ્યારે નિફ્ટી ૧૪૦ પૉઇન્ટના વધારા સાથે ૧૧,૧૬૨ બંધ રહ્યો હતો. વૅક્સિનના સારા સંકેત અને ફૉરેન ઇન્વેસ્ટરોની ખરીદી તેમ જ યુએસમાં વધુ સ્ટિમ્યુલસ જાહેર થયાના અહેવાલને કારણે બન્ને દિવસ માર્કેટમાં બુલિશ ટ્રેન્ડ રહ્યો હતો. જોકે બુધવારે શરૂઆત સાધારણ કરેક્શન સાથે થઈ હતી, પરંતુ સત્ર દરમ્યાન વધઘટ કરતું બજાર આખરમાં સાધારણ માઇનસ બંધ રહ્યું હતું. સેન્સેક્સ માત્ર ૫૮ પૉઇન્ટ અને નિફ્ટી ૨૯ પૉઇન્ટ નીચે બંધ રહ્યા હતા.
નેગેટિવ પરિબળોની ઉપેક્ષા
ગુરુવારે બજારનો આરંભ ફ્લૅટ થયો હતો. આમ તો આગલા દિવસે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ યુએસએ સાથેના સહયોગ અને એનાથી થનારા લાભની યાદી આપી ઇકૉનૉમી માટે ઊંચો આશાવાદ વ્યકત કર્યો હતો. યુરોપના જંગી સ્ટિમ્યુલસ પૅકેજની અસર વૈશ્વિક સ્તરે થઈ હતી. સરકારના આર્થિક રિકવરીના આશાવાદની અસરરૂપે માર્કેટ અમુક કલાકમાં જ રિકવર થતાં સેન્સેક્સ ૩૦૦ પૉઇન્ટ ઉપર ગયો હતો. જોકે અંતમાં સેન્સેક્સ ૨૬૯ પૉઇન્ટ પ્લસ રહીને ૩૮,૦૦૦ની સપાટી ઉપર બંધ રહ્યો, જ્યારે નિફ્ટી ૮૨ પૉઇન્ટ પ્લસ સાથે ૧૧,૨૦૦ ઉપર બંધ રહ્યો હતો. હેલ્થકૅર અને એનર્જી સેક્ટરનો નોંધપાત્ર ફાળો આ સુધારામાં જોવાયો હતો તેમ જ રિલાયન્સ અને આઇસીઆઇસીઆઇ બૅન્કનું ઇન્ડેક્સ વેઇટેજ પણ કામ લાગ્યું હતું. આમ માત્ર એક જ દિવસ (બુધવારના)ને બાદ કરતાં બુલિશ માર્કેટ પુનઃ સક્રિય બની ગઈ હતી. અલબત્ત, માર્કેટનો આ સુધારો કૉર્પોરેટ પરિણામ ધારણા કરતાં બહેતર રહેવાની આશા પર ગણાય છે, જેથી કરેક્શનનો પણ ગમે ત્યારે અવકાશ ગણીને ચાલવું. નોંધનીય વાત એ છે કે હાલમાં માર્કેટ નેગેટિવ પરિબળોની ઉપેક્ષા કરી રહ્યું છે, જેમ કે ચીન સાથેના વિવાદના પરિબળને ધ્યાનમાં લેવાઈ રહ્યું નથી. જ્યારે કે વૅક્સિનની આશા કામ કરી રહી છે. આમ માર્કેટનો ઓવરઑલ મૂડ જ બુલિશ ગણાય છે. આમાં ઘટાડો-કરેક્શન આવશે તો પણ ટૂંકજીવી રહેશે એવું માનનાર વર્ગ પણ છે, જેમાં નવી ખરીદી આવી જશે.
બોલો, કરેક્શન ટકતું નથી
શુક્રવારે જેની જરૂર હતી યા છે એ બાબત બની, માર્કેટે શરૂમાં જ ૨૦૦ પૉઇન્ટ ઉપરનું કરેક્શન બતાવ્યું અને સત્ર દરમ્યાન ૩૦૦ પૉઇન્ટથી વધુ નીચે ગયું, પરંતુ એ પછી માર્કેટે ફરી રિકવરી દર્શાવી અને અંતમાં સેન્સેક્સ માત્ર ૧૧ પૉઇન્ટ માઇનસ રહી ૩૮,૧૨૮ બંધ રહ્યો, જ્યારે નિફ્ટી ૨૧ પૉઇન્ટ માઇનસ રહી ૧૧,૧૯૪ બંધ રહ્યો. આ લેવલે માર્કેટનું વધુ ઊંચે જવું વાજબી નથી એથી કરેક્શનની તાતી જરૂર છે. જ્યારે કે ચોક્કસ સંકેત અને પરિબળ માર્કેટને ઘટ્યાં બાદ પણ પુનઃ રિકવરી તરફ જ લઈ જાય છે. નવાઈની વાત આ ઉપરાંત એ પણ છે કે સપ્તાહ દરમ્યાન યુએસએ અને ચીન વચ્ચેના તનાવ વધવા છતાં ભારતીય માર્કેટ વધી હતી. યુએસ ફરી એક વાર મોટું સ્ટિમ્યુલસ પૅકેજ જાહેર કરે એવી ચર્ચા વધી છે. કોવિડની વૅક્સિનની આશા તેમ જ ધારણા કરતાં સારાં ક્વૉર્ટરલી પરિણામ પણ પૉઝિટિવ કામ કરી રહ્યાં છે. ફૉરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટરોએ છેલ્લા પાંચ દિવસમાં સતત ખરીદી કરી હતી. જોકે સ્થાનિક સંસ્થાઓએ વેચવાલી રાખી હતી.
સેન્સેક્સ ૪૦,૦૦૦? પણ ક્યારે?
દરમ્યાન ગ્લોબલ નાણાકીય અને ઇન્વેસ્ટમેન્ટ સંસ્થા મૉર્ગન સ્ટેનલીએ સેન્સેક્સની વૃદ્ધિ માટે ઊંચો આશાવાદ વ્યક્ત કરતાં કહ્યું છે કે જો આર્થિક ક્ષેત્રે બધું સમુસુતરું પાર ઊતરે તો સેન્સેક્સ ૪૦,૦૦૦ સુધી જઈ શકે છે. જોકે તેણે આમ ક્યાં સુધીમાં થશે એવી કોઈ નક્કર સ્પષ્ટતા કરી નથી તેમ જ આ સંસ્થાએ ચીનની ઇક્વિટી માર્કેટના ગ્રોથ માટે વધુ આશા વ્યક્ત કરી છે. ભારતીય માર્કેટ કરતાં ચીન અને કોરિયાની માર્કેટમાં પ્રવાહિતા, રિટેલ રોકાણકારોની ભાગીદારી અને સેન્ટિમેન્ટ વધુ સક્રિય છે.
આઇટી સેક્ટર માર્કેટનું પૉઝિટિવ પરિબળ
આ સમય આઇટી (ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી) સેક્ટરનો છે. ડિજિટલ ઇન્ડિયાના ભાગરૂપે પણ આઇટીનું મહત્ત્વ વધતું જાય છે અને ખાસ કરીને કોવિડ-19 બાદ ડિજિટલ કામકાજ સતત વધતું રહ્યું છે. આઇટી કંપનીઓ તેમ જ ટેલિકૉમ સર્વિસ કંપનીઓ માટે આને કારણે અવકાશ વધતો રહ્યો છે. ઇન્ફોસિસ, માઇન્ડ ટ્રી અને એચસીએલ જેવી કંપનીઓનાં પરિણામ એના પુરાવા સમાન છે. આ સેક્ટરની કંપનીઓની બૅલૅન્સશીટ સારી બનવાની આશા ઊંચી હોવાથી એવું અનુમાન મુકાય છે કે આઇટી સ્ટૉક્સ માર્કેટ માટે ગ્રોથનું પરિબળ બનશે.
નેગેટિવ પરિબળો કયાં છે?
અર્થતંત્ર તેમ જ શૅરબજાર માટે અત્યારે જે પરિબળો નેગેટિવ રહેવાની ધારણા મુકાય છે એમાં ઇન્કમ-ટૅક્સનું કલેક્શન અને જીએસટીનું કલેક્શન નોંધપાત્ર ડાઉન રહેવાનો અંદાજ છે. કોવિડ-19ના ફેલાવાનો ભય હજી ટળી ગયો હોવાનું કહી શકાય એવી સ્થિતિ નથી, આને કારણે લૉકડાઉનની લટકતી તલવાર પણ માર્કેટ-ઇકૉનૉમી માટે જોખમી ગણવી પડે. બાકી કંઈ નહીં તો ગ્લોબલ પરિબળોની પ્લસ-માઇનસ અસર ગણતરીમાં લેતાં રહેવું પડે. કોવિડના ભય સામે એક સકારાત્મક પરિબળ એની વૅક્સિનનું છે, જેમાં સફળતા મળે તો એ પરિબળ બહુ જ મોટું બુસ્ટર બની શકે, અલબત્ત, આ પછી પણ એને સમય લાંબો લાગી શકે એ યાદ રાખવું પડે. વધુમાં બજાર મહત્તમ પ્રવાહિતાના અને આશાવાદના જોર પર ચાલી રહ્યું છે.
માર્કેટ મોંઘું બન્યું ઃ ધ્યાન રાખજો
હાલ માર્કેટનાં વૅલ્યુએશન ઊંચાં ગયાં છે. માર્ચ બાદ જે પ્રમાણમાં રિકવરી થઈ છે એ વધુ પ્રમાણમાં જણાય છે. માર્ચમાં જે લેવલ હતું એ સમયે રોકાણની ઉત્તમ તક હતી, જેમણે ચાર મહિના પહેલાં રોકાણ કરવાનું જોખમ લીધું હતું તેમને ચાર મહિનામાં ૩૦થી ૪૦ ટકા જેવું ફેન્ટાસ્ટિક વળતર પ્રાપ્ત થયું છે. એપ્રિલ-મેમાં પણ આ સ્કોપ ચાલુ હતો, પરંતુ હવે જુલાઈમાં આ માર્કેટ એકધારું વધતાં રિસ્કી બન્યું કહી શકાય. ઇકૉનૉમિક ફંડામેન્ટલ્સ વિના આટલું બધું એકસાથે વધવાનું કારણ ડાઇજેસ્ટ થાય એવું નથી. હવે પ્રૉફિટ બુક નહીં કરે તેમણે ભવિષ્યમાં પેટભરીને પસ્તાવાનો વારો આવી શકે છે, ખાસ કરીને ચોક્કસ સ્ટૉક્સમાં, જ્યાં ભાવ એની પાત્રતા કરતાં વધુ પડતાં વધી ગયા છે અથવા વૃદ્ધિ સમયના પ્રમાણમાં ખૂબ ઊંચી છે એમાં નફો ઘરમાં લઈ લેવામાં અને પછી એ નાણાંનું બજારના ઘટાડામાં અથવા અન્ય સાધનમાં રોકાણ કરવાનું સલાહભર્યું છે. આવા પ્રૉફિટ બુકિંગ માટેના સ્ટૉક્સ રોકાણકારે પોતે જ પોતાના ખરીદભાવ અને સમયગાળાના આધારે નક્કી કરવાના રહેશે. બાકી હાલના સ્તરે રોકાણકારોએ લમસમ પ્રમાણમાં એકસાથે મોટું રોકાણ કરવામાં જોખમ વધી શકે, પરંતુ એસઆઇપી અથવા એસટીપીના માર્ગે ચોક્કસ લાંબા ગાળાના અભિગમ સાથે આગળ વધી શકાય. અને હા, લમસમ રોકાણ કરવું પણ હોય તો સમયગાળો લાંબો જ રાખવો અનિવાર્ય બનશે.


Whatsapp-channel Whatsapp-channel

27 July, 2020 10:33 AM IST | Mumbai Desk | Jayesh Chitalia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK