આર્થિક સ્લોડાઉનને આખરે સરકારી આંકડાઓનું સમર્થન

Published: Jan 13, 2020, 09:40 IST | jitendra sanghvi | Mumbai Desk

અર્થતંત્રના આટાપાટા : અંદાજપત્રમાં જલદ આર્થિક સુધારાઓ માટે સરકાર પર દબાણ વધ્યું

આર્થિક વિકાસનો વાર્ષિક દર સતત ઘટી રહ્યો છે. ચાલુ નાણાકીય વરસે તે ઘટીને પાંચ ટકાનો (ફિસ્કલ ૧૯મા ૬.૮ ટકા) થશે એ વાતને આખરે રાષ્ટ્રીય આવકના એડવાન્સ એસ્ટિમેટના સરકારી આંકડાઓ દ્વારા સમર્થન મળ્યું છે. જોકે આ વાત દેશની અને આંતરરાષ્ટ્રીય ક્રેડિટ રેટિંગ એજન્સીઓ તથા કન્સલ્ટન્સી ફર્મ્સ છેલ્લા આઠ-દસ મહિનાથી કરી રહી છે. ડિસેમ્બર મહિને જાહેર કરાયેલ મોનેટરી પૉલિસીમાં રિઝર્વ બૅન્કે પણ તેની રાષ્ટ્રીય આવક (આર્થિક વિકાસ)ના વધારાનો અંદાજિત દર ચાલુ નાણાકીય વરસ માટે ઘટાડ્યો હતો. 

સરકારના એડવાન્સ એસ્ટિમેટ પ્રમાણે ફિસ્કલ ૨૦નો આર્થિક વિકાસનો દર છેલ્લાં ૧૧ વર્ષનો સૌથી નીચો દર હશે. અગત્યની વાત એ કે આ દર સળંગ ત્રીજા વર્ષે ઘટી રહ્યો છે. વિશ્વની નાણાકીય કટોકટી વખતે ૨૦૦૮-૦૯માં આ દર ૩.૧ ટકા હતો.
ચાલુ વરસે પાંચ ટકાના દર માટે વર્ષના ઉત્તરાર્ધ (ઑક્ટોબર-માર્ચ ૨૦૨૦)માં આર્થિક વિકાસનો ૫.૨૫ ટકાનો દર હાંસલ કરવો પડશે, જે પૂર્વાર્ધ (એપ્રિલ-સપ્ટેમ્બર ૨૦૧૯)ના ૪.૭૫ ટકા કરતાં વધુ હશે.
સળંગ ત્રીજા વર્ષ માટે આર્થિક વિકાસનો દર ઘટી રહ્યો હોવા છતાં ફિસ્કલ ૨૦નો પાંચ ટકાનો અંદાજિત દર સરકાર માટે નીચેના કારણોસર આશા જન્માવે તેવો છે.
૧. વર્ષના પૂર્વાર્ધ કરતાં ઉત્તરાર્ધમાં આર્થિક વિકાસનો દર વધુ રહેશે.
૨. એટલે કે સરકારે છેલ્લા થોડા મહિનાઓમાં કરેલા આર્થિક સુધારાઓની અસર હવે પછીના મહિનાઓમાં દેખાવા માંડશે.
૩. ભૂતકાળમાં કરાયેલ કૉર્પોરેટ ટૅક્સનો ઘટાડો અને અન્ય સુધારાઓની અસર આર્થિક વિકાસના આંકડાઓ પર દેખાય એટલે અત્યાર સુધી લેવાયેલ પગલાઓના પૂરક પગલાં લેવા માટે સરકારનો ઉત્સાહ વધે. આ સંદર્ભમાં સરકાર દ્વારા પહેલી ફેબ્રુઆરીએ ફિસ્કલ ૨૧ના રજૂ કરાનાર અંદાજપત્ર માટેની પ્રજાની અપેક્ષા પણ અનેકગણી વધી જવાની.
ફિસ્કલ ૨૦ના એડવાન્સ એસ્ટિમેટની વિગતમાં ઊતરીએ તો એક વાત સ્પષ્ટ થાય છે કે આર્થિક વિકાસનો દર નીચેના સ્તરે ટકાવી રાખવામાં પણ સરકાર દ્વારા કરાતો ખર્ચ (જાહેર ક્ષેત્રના મૂડીરોકાણ સહિતનો) મહત્ત્વનો ભાગ ભજવે છે. રાષ્ટ્રીય આવકના બીજા મુખ્ય ઘટકો (ખાનગી વપરાશ ખર્ચ અને ખાનગી મૂડીરોકાણ)નો દેખાવ આ વર્ષના પૂર્વાર્ધમાં નિરાશાજનક રહ્યો છે. એટલે એડવાન્સ એસ્ટિમેટ પ્રમાણે ૨૦૧૯-૨૦માં વિકાસનો પાંચ ટકાનો દર મેળવવા માટે વર્ષના ઉત્તરાર્ધ (ખાસ કરીને તો વર્ષના બાકીના ત્રણ મહિના જાન્યુઆરી-માર્ચ)માં સરકારી ખર્ચ ઘટાડવાનું જોખમ સરકાર લઈ શકે નહીં. એટલે કે ફિસ્કલ ડેફિસિટ જીડીપીના ૩.૩ ટકા કરતાં થોડીઘણી વધે તો તેને નજરઅંદાજ કરવી પડે.
એડવાન્સ એસ્ટિમેટના આંકડાઓ પ્રમાણે કૃષિક્ષેત્રનો ચાલુ ફિસ્કલનો વિકાસનો દર (૨.૮ ટકા) લગભગ ગયા વરસ (૨.૯ ટકા)ના સ્તરે જળવાઈ રહેવાની ધારણા છે. જ્યારે ઉત્પાદન ક્ષેત્રના આર્થિક વિકાસનો ૨ ટકાનો દર ૨૦૧૮-૧૯ના લગભગ ૭ ટકાના દર કરતાં ઘણો નીચો રહેશે. એટલે સ્વાભાવિક રીતે જ આ સરકાર ઉત્પાદન ક્ષેત્રને પ્રોત્સાહન મળે તેવાં પગલાઓ (મૂડીરોકાણ માટેની પૉલિસી, ઇઝ ઑફ ડુઈંગ બિઝનેસ, કામદારોને લગતા કાયદાઓની સરળતા અને રીસર્ચ અને ઇનોવેશન) પર ધ્યાન કેન્દ્રિત કરે તેવી સંભાવના વધુ છે. વિકાસનો દર વધારવા માટે કામદાર વર્ગની કામની ઉત્પાદકતા વધારવાનું એટલું જ મહત્ત્વનું છે.
ઉત્પાદન ક્ષેત્રની વાત કરીએ ત્યારે એ ધ્યાનમાં રહે કે ચાલુ વરસના પૂર્વાર્ધ (એપ્રિલ-સપ્ટે.૨૦૧૯) માં આ ક્ષેત્રના વિકાસનો દર માઈનસ ૦.૪ ટકા હતો. એટલે આખા વર્ષના ૨ ટકાના વધારા માટે ઉત્તરાર્ધમાં આ ક્ષેત્રના વિકાસનો દર ૪.૪ ટકાનો રહેવો જોઈએ. ફેબ્રુઆરીની પહેલીએ અંદાજપત્રમાં જે પણ પગલાં લેવાય તેની ચાલુ વરસના વિકાસના દર પર અસર થાય એ માટે માત્ર બે જ મહિનાનો સમય બચે અને તે પણ બધાં પગલાઓનો તાત્કાલિક ધોરણે અમલ કરવો પડે. આ એક ભગીરથ કામ છે.
એટલે અંદાજપત્રમાં જે પણ આર્થિક સુધારાઓ કરાશે તેની વિશેષ અસર આવતા વર્ષ (૨૦૨૦-૨૧) ના વિકાસના દર પર જ પડી શકે. ચાલુ વર્ષના આર્થિક વિકાસના દરને કે ઉત્પાદન ક્ષેત્રના દરને પુશ આપવા માટે તો સરકાર પાસે અંદાજપત્રની રજૂઆત સુધી રાહ જોવાનો પણ સમય નથી. આ સંદર્ભમા સરકારે ખાનગી ક્ષેત્ર માટે કૉલ માઇનિંગ (કોલસાની ખાણો)ના ધંધામાં મૂકેલી છૂટછાટનો ઉલ્લેખ કરવો યોગ્ય ગણાય. આવા જ બીજા સુધારાઓ તાત્કાલિક ધોરણે અમલમાં આવે તેવી વ્યવસ્થા પણ ગોઠવી શકાય. પરિસ્થિતિની ગંભીરતા પ્રમાણે અૅક્શનની ઝડપ જરૂરી જ નહીં પણ અનિવાર્ય ગણાય. એવા સુધારાઓ તો તાત્કાલિક ધોરણે અમલમાં લાવવા પડે તો જ તેની અસર ચાલુ વરસના આર્થિક વિકાસના દર પર પડી શકે.
વધુ રોજગારીનું સર્જન થાય છે એવા કન્સ્ટ્રંક્શન ક્ષેત્રની વૃદ્ધિનો ચાલુ વર્ષનો ૩.૨ ટકાનો દર આગલા વરસના ૮.૭ ટકાની વૃદ્ધિના દર કરતાં ઘણો નીચો છે.
કંપનીઓના ડિસેમ્બર ક્વૉર્ટરનાં પરિણામો નબળી માગને કારણે સારા આવવાની સંભાવના નથી. નબળી માગ માટે રોકડ રકમની ખેંચ, ક્વૉર્ટરની શરૂઆતમાં દેશના અમુક રાજ્યોની પૂરની પરિસ્થિતિ અને ડિસેમ્બરમાં નાગરિકતાના સુધારા અંગેના કાયદાને લઈને અનેક રાજ્યોમાં યોજાયેલ વિરોધ રૅલી જવાબદાર ગણાય. કંપનીઓએ કરેલ કોસ્ટકટિંગ અને સરકારે ઘટાડેલ કૉર્પોરેટ ટૅક્સના દરને કારણે કંપનીઓના નફા કદાચ વધે, પણ કંપનીઓનાં વેચાણમાં એવો વધારો નહીં દેખાય. અનાજના વધતા ભાવો અને શિયાળુ પાકની સારી
વાવણીએ ગ્રામ્યવિસ્તારની માગમાં માર્ચ ૨૦૨૦ના ક્વૉર્ટરના અંતભાગમાં વધારો થવાની આશા ઊભી કરી છે.
ચાલુ ભાવે (ભાવવધારા માટેની એડજસ્ટમેન્ટ કર્યા સિવાય) ગણતરી કરીએ તો ૨૦૧૯-૨૦નો જીડીપીના વધારાનો ૭.૫ ટકાનો દર છેલ્લાં ૪૨ વર્ષનો સૌથી નીચો દર હશે. આની અસર ૨૦૨૪ સુધીમાં ભારતીય અર્થતંત્ર પાંચ ટ્રિલ્યન ડૉલરનું કરવાના સરકારના લક્ષ્ય પર ચોક્કસપણે પડવાની. ગયા વરસે ચાલુ ભાવે જીડીપીના વધારાનો દર ૧૧.૨ ટકા હતો. સરકારના પાંચ ટ્રિલ્યન ડૉલરના લક્ષ્યાંક માટે ચાલુ ભાવે જીડીપીના વધારાનો વાર્ષિક દર ૧૨ ટકાનો હોવો જોઈએ.
એડવાન્સ એસ્ટિમેટનો ગર્ભિત સંદેશ એ છે કે ૨૦૧૯-૨૦નું વરસ આર્થિક વિકાસના દરની દૃષ્ટ્રિએ છેલ્લાં ૧૧ વર્ષનું સૌથી નબળું વરસ હશે, પણ વર્ષનું ઉત્તરાર્ધ વર્ષના પૂર્વાર્ધ કરતાં સારું‚ હશે એટલે કે વર્ષના ઉત્તરાર્ધમાં આર્થિક વિકાસનો દર વધવાની શરૂઆત થશે. એ છ મહિનામાં આર્થિક રિકવરીની શરૂઆત થશે જે તે પછીના વરસોમાં સરકારના સુધારાઓના આધાર પર વધુ મજબૂત બનશે. જે નાણાપ્રધાન ઉપર ફિસ્કલ સ્ટિમ્યુલસ (પ્રજાના હાથમાં વધુ રૂપિયા મૂકવા માટે), આવકવેરાના દર ઘટાડીને માગ વધારવા માટે, માળખાકીય સુધારાઓ કરવા માટે અને ગ્રામ્યવિસ્તારોની માગમાં ઝડપી સુધારો કરવા માટેનું દબાણ વધારશે.
ડાઇવેસ્ટમેન્ટ (સરકારી એકમોના હિસ્સાનાં વેચાણ)ના લક્ષ્યાંક પૂરા કરવાનું અશક્ય નહીં તો પણ મુશ્કેલ લાગે છે. આર્થિક સ્લોડાઉનને કારણે કરવેરાની આવકના લક્ષ્યાંક આંબી શકાય એમ નથી. સરકાર ચાલુ નાણાકીય વર્ષના માર્કેટ બોરોઈંગનો લક્ષ્યાંક પાર કરી ગઈ છે, ત્યારે પ્રજાના હાથમાં વધારે નાણાં મૂકવાની બાબત નાણાપ્રધાન માટે કસોટી રૂપ સાબિત થશે.
કૉર્પોરેટ ટૅક્સની આવકનો ઘટાડો રિઝર્વ બૅન્ક દ્વારા સરકારને કરાયેલ વધારાની રકમની ટ્રાન્સફરને કારણે સરભર થઈ પણ શકે. રાજ્ય સરકારો સાથે તેમની જીએસટીની આવક વધે એ માટેનાં પગલાં લેવાની વાતચીત સરકાર ચલાવી રહી છે (છેલ્લા બે મહિનાની જીએસટીની માસિક આવક એક લાખ કરોડ રૂપિયા ઉપરની રહી છે). સરકાર ચાલુ નાણાકીય વર્ષના છેલ્લા ત્રણ મહિનામાં તેની સમાજકલ્યાણની યોજનાઓ પરનો ખર્ચ ઘટાડીને તેના કુલ ખર્ચમાં કાપ મૂકી શકે. અત્યાર સુધી જુદા જુદા ખાતાઓને મંજૂર કરાયેલ જે રકમ ન ખર્ચાઈ હોય તે ખર્ચ ન કરીને ફિસ્કલ ડેફિસિટ પરનું વધતું દબાણ ઓછું કરી શકે.
આ બધાં પગલાં દ્વારા સરકાર ગામડાઓમાં ગરીબોના હાથમાં વધારાનાં નાણાં મૂકવાનું તથા શહેરી વિસ્તારોમાં આવકવેરાના ઘટાડા દ્વારા નાગરિકોની ડિસ્પોઝેબલ ઇન્કમ વધારીને વપરાશ ખર્ચ વધે એવા પ્રયત્ન કરી શકે.
ઈરાન અને અમેરિકાના વણસતા જતા રાજકીય સંબંધોને કારણે ક્રૂડના ભાવ હજી વધી શકે (ઈરાન તથા ઇરાક તરફથી મળતા ક્રૂડના પુરવઠા પર પણ અસર થઈ શકે). જેને કારણે સરકારનું બજેટ પ્રભાવિત થાય. જોકે અમેરિકા દ્વારા
સંભવિત શલ-ઑઈલને કારણે ભારતને કદાચ બહુ સહન કરવાનો વારો ન પણ આવે.
આવક અને ખર્ચના અનેક પાસાઓના સમતુલન દ્વારા નાણાપ્રધાને એવું અંદાજપત્ર રજૂ કરવું જોઈએ (જેને કારણે ફિસ્કલ ડેફિસિટ પરનો અંકુશ તદન ન ગુમાવાય) કે જેથી અંદાજપત્રની રજૂઆત પછીના ગણતરીના દિવસોમાં આવનારી મૉનેટરી પૉલિસીમાં રિઝર્વ બૅન્ક પણ ફરી એક વાર વ્યાજના દર ઘટાડવાનું વિચારી શકે.
નાણાં મંત્રાલયની ફિસ્કલ પૉલિસી અને રિઝર્વ બૅન્કની મૉનેટરી પૉલિસી વચ્ચેની સંવાદિતા જળવાઈ રહે એ છેલ્લા દાયકાના સૌથી ઓછા આર્થિક વિકાસના દરના જાળામાંથી બહાર નીકળવા માટે અનિવાર્ય છે. દિલ્હીની ચૂંટણીઓ હાથવેંતમાં છે ત્યારે નાણાં મંત્રાલય અને વડા પ્રધાનનું આર્થિક સમસ્યાઓ પરનું ફોકસ જળવાઈ રહેશે તો દેશના નાગરિકો માટે અચ્છે દિનની અપેક્ષા રાખી શકાશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK