વૅક્સિનેશન પછી પણ દેશમાં ફરી એક વાર મહામારીનો ઊંચે જઈ રહેલો ગ્રાફ

Published: 22nd February, 2021 13:01 IST | Jitendra Sanghvi | Mumbai

છ મહિનાની મંદી પછી ધીમી ગતિએ શરૂ થયેલી આર્થિક રિકવરીના અવરોધની સંભાવના વધી છે

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

કોરોનાના રોજના ધોરણે નોંધાતા નવા કેસનો ગ્રાફ લાંબા સમય માટે નીચો રહ્યા પછી ફરી એક વાર વધવા માંડ્યો છે. ૭૫ ટકા જેટલા નવા કેસ મહારાષ્ટ્ર અને કેરલામાં નોંધાયા  છે.

હકીકતમાં ગયે મહિને દેશમાં વૅક્સિનેશનની શરૂઆત થવા સાથે ૧૦-૧૨ મહિનાથી અર્થતંત્રને અસ્તવ્યસ્ત કરનાર કોરોના વાઇરસ કાબૂમાં આવશે; અર્થતંત્રના જુદા જુદા ક્ષેત્રો પુન: કાર્યરત થવા માંડશે કે તેમની કાર્યરત થવાની ગતિ વેગ પકડશે અને એ સાથે જ અર્થતંત્ર ફરી એક વાર ધબકતું થશે એવી આશા જન્મી હતી.

એક કરોડ લોકો (મોટા ભાગના હેલ્થ-વર્કર્સ)ને કોરોનાની રસી આપ્યા પછી પણ અર્થતંત્રની રિકવરી સામે પ્રશ્નાર્થ ચિહ્ન મુકાયું છે. વૅક્સિનેશનની ઝડપ બાબતે અમેરિકા પછી વિશ્વમાં ભારત બીજે નંબરે રહ્યું છે. અમેરિકાએ ૩૧ દિવસમાં એક કરોડ લોકોને રસી આપવાનો વિક્રમ નોંધાવ્યો છે તો ભારતે ૩૪ દિવસમાં આ વિક્રમ હાંસલ કર્યો છે.

કોરોનાના જુદા પ્રકારના યુકે વાઇરસ પછી હવે દક્ષિણ આફ્રિકા અને બ્રાઝિલના જુદા પ્રકારના વાઇરસથી અસરગ્રસ્ત દરદીઓ આપણે ત્યાં નોંધાયા છે. દક્ષિણ આફ્રિકાના  કોરોના વાઇરસનો આગંતુક વધુ ચેપી મનાય છે. તે કોરોનાની વૅક્સિન સામે ઝઝૂમવાની વધુ ક્ષમતાવાળો અને તેથી વૅક્સિનની અસરને નાબૂદ કરી શકે એમ મનાય છે.

આર્થિક અને ઔદ્યોગિક બાબતે અગ્રગણ્ય ગણાતા રાજ્ય મહારાષ્ટ્રમાં કોરોના વાઇરસના પુન: આગમન સાથે આ રોગ ઝડપથી ફેલાતો અટકાવવા માટે રાજ્ય સરકાર ફરી એક વાર રાજ્યના અસરગ્રસ્ત વિસ્તારોમાં લૉકડાઉન માટેના નિયમો સખત બનાવવાનું વિચારી રહી છે. તો મુંબઈમાં કોરોનાના ફેલાવાની ઝડપ ઘટાડવા અને અટકાવવા  મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન સક્રિય બન્યું છે.

મુંબઈમાં કોરોનાના ફેલાવાની ઝડપને નાથવા માટે શહેરની લાઇફલાઇન ગણાતી લોકલ ટ્રેનોમાં સામાન્ય જનતા માટેના મુસાફરીના નિયમો વધુ સખત કરાવાની સંભાવના નકારી શકાય તેમ નથી.

હજી આપણે ત્યાં કોરોનાની મહામારીનું બીજું મોજું ચાલુ થયું નથી તે પૉઝિટિવ ન્યુઝ ગણાય. ૧૦૦ વરસ પહેલાં ૧૯૧૮માં વિશ્વ જે સ્પેનીશ ફ્લૂની મહામારીમાં સપડાયેલ તેના બીજાં મોજાંની ગંભીરતાનો અને તેમાં થયેલ ભારે જાનહાનિ અને ખુંવારીનો અનુભવ યાદ રાખવો ન ગમે તેવો છે.

પ્રજામાં ‘હર્ડ ઇમ્યુનિટી’ ડેવલપ થાય તો આ મહામારીનાં બીજાં મોજાંની અસરમાંથી બચી શકાય. હર્ડ ઇમ્યુનિટીની સાદી વ્યાખ્યા એ છે કે પ્રજાના પૂરતા અને મોટા એવા વર્ગમાં રોગપ્રતિકારક શક્તિ એટલી હદે વધારવી કે જેથી આ મહામારીનો ફેલાવો અટકે. આ લક્ષ બે રીતે સિદ્ધ કરી શકાય. ૧. પૂરતા લોકોને વૅક્સિન આપીને અને ૨. ભૂતકાળમાં આ મહામારી પ્રજાના મોટા ભાગને લાગુ પડી ગઈ હોય તો. આ બન્ને કિસ્સાઓમાં મહામારીનો અમર્યાદિત ફેલાવો અટકાવી શકાય. એટલે વિશ્વના અનેક દેશોના આરોગ્ય વિભાગ વૅક્સિનેશનની ઝડપ વધારવાની ફિરાકમાં છે.

પ્રજામાં મહામારીનો ફેલાવો વધે નહીં (તેમ જ કાબૂમાં આવે) અને સાથે સાથે અર્થતંત્રની ગાડી પાટે ચડે એ બન્ને દેખીતા વિરોધાભાસ વચ્ચે સમતુલન સાધવા માટે અસરગ્રસ્ત બનેલ દેશોની સરકારો સતત પ્રયત્નશીલ છે.

ભારતનો સંબંધ છે ત્યાં સુધી ડિસેમ્બર-જાન્યુઆરીમાં અર્થતંત્ર સુધરવાના સંકેતો મળતા રહ્યા છે. ભાવવધારાનો નીચો દર, વધતી જતી નિકાસ અને ઔદ્યોગિક ઉત્પાદનના સુધરતા આંકડાઓને પરિણામે ૧૦ ઇમર્જિંગ દેશોમાં છેલ્લા ચાર મહિનામાં પ્રથમવાર જાન્યુઆરી ૨૦૨૧માં ભારત ત્રીજા નંબર પર પહોંચ્યું છે.

જાન્યુઆરી ૨૦૨૧માં આપણી નિકાસો સતત બીજે મહિને વધી છે (૬.૨ ટકા). ડિસેમ્બર ૨૦૨૦માં આ દર ૦.૧ ટકા હતો. નૉન-ઑઇલ, નૉન-ગોલ્ડ, નૉન-સિલ્વર અને નૉન-પ્રેસિયસ મેટલ્સની આયાતોમાં ૭.૫ ટકા જેટલો વધારો થયો છે જે અર્થતંત્રમાં વધી રહેલ માગ અને આર્થિક રિકવરીની શાખ પૂરે છે.

નિકાસના આ વધારામાં નિકાસના વધેલા કદ સાથે વિશ્વભરમાં વધી રહેલ કૉમોડિટીના અને ઇન્પુટના ભાવનો પણ મોટો ફાળો છે.

ઉત્પાદન, વેચાણ અને નિકાસના ઝડપી વધારાને કારણે મૅન્યુફૅક્ચરિંગ માટેના પર્ચેજિંગ મૅનેજર્સ ઇન્ડેક્સ (પીએમઆઇ) જાન્યુઆરી મહિને ત્રણ મહિનાની ઊંચાઈએ (૫૭.૭) પહોંચ્યો છે. જાન્યુઆરી મહિને હેડલાઇન ઇન્ફલેશનના વધારાનો દર (૪.૧ ટકા) ઘટ્યો તેણે પણ ૧૦ ઇમર્જિંગ દેશોમાં ભારતની સ્થિતિ સુધારી છે.

કંપનીઓના ફિસ્કલ ૨૧ના ત્રીજા ક્વૉર્ટર (ઑકટોબર-ડિસેમ્બર)ના નફા સારા એવા વધ્યા છે, પણ આ જ કંપનીઓનાં વેચાણમાં એવો મોટો વધારો દેખાતો નથી. નફાની સુધરેલ સ્થિતિ કંપનીઓ દ્વારા કરાયેલ કોસ્ટ-કટિંગ અને એફિસિઅન્સી (કાર્યક્ષમતા) ગેઇન્સને આભારી છે. માગ અને વેચાણમાં વધારો કરવાનો મોટો પડકાર આપણી સામે ઊભો જ છે.

જોકે ઔદ્યોગિક ઉત્પાદન અને મૅન્યુફૅક્ચરિંગ ક્ષેત્રના સારા દેખાવને કારણે ડિસેમ્બર ક્વૉર્ટરમાં આર્થિક વિકાસનો દર પૉઝિટિવ રહેવાની અપેક્ષા છે; જે દર અગાઉના બે ક્વૉર્ટરમાં નેગેટિવ રહ્યો હોવાને કારણે અર્થતંત્ર ટેક્નિકલ ભાષામાં મંદીમાં પ્રવેશ્યું હોવાનું ગણાતું હતું.

આમ જ્યારે ઉત્પાદન, થોડેઘણે અંશે તથા વેચાણ અને નિકાસ-આયાત વધવાની શરૂઆત થઈ છે ત્યારે સતત વધી રહેલ પેટ્રોલ-ડીઝલના ભાવ આર્થિક વિકાસ માટે એક મોટું ભયસ્થાન બની રહે તેવા એંધાણ મળી રહ્યા છે.

કન્ઝયુમર માલસામાનના ઉત્પાદનમાં કાર્યરત કંપનીઓને ટ્રાન્સપોર્ટર્સ અને લોજિસ્ટિકસ ઑપરેટર્સ દ્વારા આ માલસામાન (ફ્રેઇટ)ની હેરાફેરીના દર વધારવાની ચેતવણી અપાઈ છે. પેટ્રોલ-ડીઝલના ભાવ હાલના દરે વધતા રહે તો ફ્રેઇટના દરનો આ સંભવિત વધારો વાસ્તવિક બની પણ જાય. એમ થાય તો કંપનીઓને તેમની પ્રોડ્ક્ટસના ભાવ વધારવાની ફરજ પડે. જેને કારણે કંપનીઓના માર્જિનમાં ઘટાડો થાય. એટલું જ નહીં, અમુક ઇનઇલાસ્ટીક ચીજવસ્તુઓની માગમાં ઘટાડો પણ થાય.

જીએસટી કાઉન્સિલની માર્ચ મહિનાની મીટિંગમાં જીએસટીના ૧૨ ટકા અને ૧૮ ટકાના સ્લેબ એકબીજામાં સમાવી દઈને ૧૫ ટકાનો નવો સ્લેબ દાખલ કરવાની વિચારણા ચાલી રહી છે. કેટલાંક રાજ્યોએ આવી માગ કરી જ છે જેને પંદરમા નાણાં પંચ (ફાઇનૅન્સ કમિશન)નું પણ સમર્થન મળ્યું  છે.

આ ફેરફારની અસર ચીજવસ્તુઓના ભાવ પર પડશે. હાલમાં ૧૨ ટકા જીએસટી લાગુ પડે છે તેવી વસ્તુઓના ભાવ વધશે અને જેના પર ૧૮ ટકાના દરે જીએસટી લાગુ પડે છે તેના ભાવ ઘટશે. જીએસટી દાખલ કરાયો ત્યારે તેનો મૂળભૂત ઉદ્દેશ એ હતો કે કેન્દ્ર સરકાર કે  રાજ્ય સરકારોના કરવેરાની આવકમાં વધારો કે ઘટાડો ન થાય. જીએસટી દાખલ કરાયા પછીનાં વર્ષોમાં અનેક ચીજવસ્તુઓ પરના દર ઘટાડવાથી રાજ્યોની આવકમાં ઘટાડો થયો છે. આવતા મહિને થનાર સ્લેબનો ફેરફાર જીએસટીના માળખાને સરળ બનાવશે (૫ ટકાના, ૧૫ ટકાના અને ૨૮ ટકાના ત્રણ સ્લેબવાળું). આવા કોઈ ફેરફાર નહીં કરાય તો કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યોને અપાતું વળતર જૂન ૨૦૨૨માં બંધ થશે ત્યારે તેમની જીએસટીની આવકમાં ઘટાડો થઈ શકે.

કેન્દ્ર સરકાર જીએસટીના દર ઘટાડે ત્યારે ઘણીબધી ચીજવસ્તુઓ પર સેસ દાખલ કરે છે. આ સેસ રાજ્યો વચ્ચે વહેંચવાની ન હોઈ રાજ્યોની આવક ઘટે છે. રાજ્યોની આવક ઘટે એટલે રાજ્યોના મૂડીખર્ચ પર કાપ આવે. પરિણામે અર્થતંત્રના વિકાસ માટે જરૂરી માળખાકીય સવલતો ઊભી ન થાય. રાજ્ય સરકારો કેન્દ્ર સરકાર સાથે ખભેખભા મિલાવીને આર્થિક વિકાસ માટે યોગદાન આપે તો જ આપણું પાંચ ટ્રિલ્યન ડૉલરના અર્થતંત્રનું સ્વપ્ન ૨૦૨૫ સુધીમાં સાકાર થઈ શકે.

(લેખક ઇન્ડિયન મર્ચન્ટ‍્સ ચેમ્બરના ભૂતપૂર્વ ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ છે)

(આ લેખમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK