યુરોપની રાજકીય અસ્થિરતા શૅરબજારને અકળાવશે

Published: 8th November, 2011 20:57 IST

ચાલુ સપ્તાહે વૈશ્વિક સ્ટૉકમાર્કેટના તાલે ઘરઆંગણે બજાર ઉપર-નીચે થતું રહેશે અને કૉર્પોરેટ પરિણામો એમાં પોતાની રીતે પ્લસ-માઇનસનો ફાળો આપશે(શૅરબજારનું ચલકચલાણું -  અનિલ પટેલ)

સોમવારની બકરી ઈદ પછી હવે ગુરુવારે શૅરબજાર નાનકજયંતી નિમિત્તે બંધ રહેશે. મતલબ કે નવું સપ્તાહ ત્રણ દિવસના કામકાજનું છે. કંપની પરિણામોની સીઝન જોરમાં છે. ગઈ કાલે ૧૦૦ જેટલાં રિઝલ્ટ્સ બાદ હવેના ત્રણ દિવસમાં આશરે ૬૫૦ કંપનીઓનાં પરિણામો આવશે. આઇડીએફસી, એબીબી, બૅન્ક ઑફ ઇન્ડિયા, રિલાયન્સ ઇન્ફ્રા, રિલાયન્સ પાવર, રિલાયન્સ કૅપિટલ, તાતા સ્ટીલ, તાતા કેમિકલ્સ, મહિન્દ્ર સત્યમ્, સિયેટ, જેટ ઍરવેઝ, કોલ ઇન્ડિયા, હિન્દાલ્કો, ભૂષણ સ્ટીલ, પાવર ફાઇનૅન્સ કૉર્પોરેશન, એસબીઆઇ, જીએમઆર ઇન્ફ્રા, આઇઓસી, નૅશનલ ઍલ્યુમિનિયમ, પેન્ટાલૂન રીટેલ્સ, જીઈ શિપિંગ, શિપિંગ કૉર્પોરેશન, બૉશ, ફિનોલેક્સ કેબલ્સ, યુનાઇટેડ બ્રુઅરીઝ, અરબિંદો ફાર્મા, ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ, અપોલો ટાયર્સ, પ્રૉક્ટર ઍન્ડ ગેમ્બલ, બૉમ્બે ડાઇંગ, ભારત ર્ફોજ, પીટીસી ઇન્ડિયા, સુંદરમ્ ફાસ્ટનર્સ, વૉલ્ટાસ, જય કૉર્પ, રૅનબૅક્સી, રિલાયન્સ મિડિયા, શ્રી સિમેન્ટ્સ, કેડિલા હેલ્થકૅર, આઇઆરબી ઇન્ફ્રા, જેએસડબ્લ્યુ સ્ટીલ, જેએસડબ્લ્યુ ઇસ્પાત, ડીએલએફ ઇત્યાદિનાં પરિણામો આ સપ્તાહે છે. આના કારણે શૅરના ભાવમાં સ્ટૉક સ્પેસિફિક હલચલ અવશ્ય જોવા મળશે.

બીજી તરફ યુરોપમાં રાજકીય અસ્થિરતા શરૂ થઈ છે. ગ્રીસમાં પાપેન્દ્રુ સરકારનું પતન થયું છે. નવી સંયુક્ત સરકાર વચગાળામાં શાસન સંભાળશે, જેમાં વર્તમાન સરકાર પણ સહભાગી હશે, ગ્રીસને નાદારીમાંથી ઉગારવા મંજૂર થયેલા બેઇલ-આઉટ પૅકેજના ભાગરૂપ કરકસર તેમ જ આર્થિક સુધારાને નવી સરકાર કેવી રીતે કેટલા અંશે લાગુ કરી શકે છે એના પર સૌની નજર રહેશે તો યુરો-ઝોનમાં ત્રીજા નંબરના સૌથી મોટા અર્થતંત્ર એવા ઇટલીમાં વર્તમાન સરકાર એના અસ્તિત્વ માટે ઝઝૂમી રહી છે. રાજકીય અસ્થિરતાનો નવો દોર વૈશ્વિક શૅરબજારો/કૉમોડિટીઝબજારો માટે નવી અકળામણ લઈને આવ્યો છે. ગત સપ્તાહે સેન્સેક્સ ૨૪૨ પૉઇન્ટ કે ૧.૪ ટકા નરમ રહ્યો. એની સામે ઑટો ઇન્ડેક્સ સાડાત્રણ ટકા, મેટલ બેન્ચમાર્ક અઢી ટકા, ઑઇલ-ગૅસ તથા કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ઇન્ડેક્સ પોણાબે ટકા ખરડાયેલા હતા. ગ્રીસના બેઇલ-આઉટ સામે જર્મનીમાં વિરોધ વ્યાપક બની રહ્યો છે એની અસરમાં ત્યાંનું શૅરબજાર એટલે કે ડેક્સ ઇન્ડેક્સ ગત સપ્તાહે છ ટકા તૂટ્યો છે, તો ઇટાલિયન શૅરબજારમાં ૬.૭ ટકાનું ગાબડું પડ્યું છે. આ ઉપરાંત રશિયન શૅરબજાર ૩.૨ ટકા, જૅપનીઝ નિક્કી ઇન્ડેક્સ ૨.૮ ટકા, અમેરિકન ડાઉ અને સિંગાપોરનો સ્ટ્રૅઇટ ઇન્ડેક્સ બે ટકા તો બ્રાઝિલિયન બોવેસ્પા દોઢ ટકો નરમ હતા. સામે ચાઇનીઝ શૅરબજારે ત્રણ ટકાનો સુધારો દાખવ્યો છે. સોનું અને ક્રૂડ અડધો ટકો જેવાં મજબૂત હતાં. યુરોપ હાલકડોલક થવાના પગલે સોનું હવે પછી ઑર ઝમકવાની શક્યતા છે.

યુરોપિયન મધ્યસ્થ બૅન્ક દ્વારા વ્યાજદરમાં ૦.૨૫ ટકાના ઘટાડા સાથે અર્થતંત્રમાં પ્રવાહિતા વધારવાના પગલાને ગત સપ્તાહનું અણધાર્યું પગલું કહી શકાય. આનાથી વૈશ્વિક ફાઇનૅન્શિયલ બજારોને એક સુખદ આશ્ચર્ય થયું છે. જોકે આની સાથે બૅન્કના નવા સુકાની મારિયો ડ્રેગીએ વર્ષાન્ત સુધીમાં યુરોપ ‘માઇલ્ડ રિસેસન’નો ભોગ બનશે એવો સંકેત પણ આપી દીધો છે. આ સમગ્ર બૅકગ્રાઉન્ડ જોતાં ચાલુ સપ્તાહે વૈશ્વિક શૅરબજારના તાલે ઘરઆંગણે દલાલસ્ટ્રીટ ઉપર-નીચે થતી રહેશે. કૉર્પોરેટ પરિણામ એમાં પોતાની રીતે પ્લસ-માઇનસનો ફાળો આપશે. સરવાળે સપ્તાહ ૨૦૦-૩૦૦ પૉઇન્ટના વધારા કે ઘટાડા સાથે વિદાય લે એવી શક્યતા અમને જણાય છે. જોકે બધો મદાર યુરો-ઝોનમાં આકાર લેનારી ઘટનાઓ ઉપર છે.
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK