યુરોમાં શાનદાર તેજી, ડોલેક્સ નરમ, રૂપિયો મક્કમ

Published: Jul 27, 2020, 10:48 IST | Biren Vakil | Mumbai Desk

રાજનૈતિક તનાવ વધતાં સોનું ૧૯૦૦ને પાર : ચાંદીમાં ૪ મહિનામાં બમણા ભાવ

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક ઈસીબીએ ૭૫૦ અબજ ડૉલરનું રાહત પૅકેજ મંજૂર કરતાં યુરોમાં શાનદાર તેજી થઈ હતી. યુરો ૨૩ મહિનાની ઊંચી સપાટી ૧.૧૬૬૦ થયો હતો. અમેરિકા અને ચીન વચ્ચે રાજનૈતિક દબાવ વધતાં ડૉલર થોડો કમજોર પડ્યો છે, એનો લાભ પણ યુરોને મળ્યો છે. અમેરિકાએ હ્યુસ્ટનમાં આવેલી ચીની એમ્બેસી બંધ કરવા હુકમ કરતાં ચીને વળતાં પગલાંમાં ચેંગડુ ખાતેની એમ્બેસી બંધ કરવાનો હુકમ કર્યો હતો. રાજનૈતિક તનાવ, અવિરત ફિસ્કલ સ્ટિમ્યુલસ, બેકાબૂ કોરોના, લદ્દાખ મામલે ભારેલો અગ્નિ જેવી દહેશતગર્દી વચ્ચે સોનું હૉટફેવરિટ ઍસેટ બની ૧૯૦૦ ડૉલર થયું હતું. હવે સોનું ઑલટાઇમ હાઈથી માત્ર ૧૫ ડૉલર દૂર છે. યુરો ૨૩ માસની ઊંચી સપાટી ૧.૧૬૬૦ થયો હતો. ડૉલરમાં નરમાઈ ચાલુ રહેતાં ડોલેક્સ ઘટીને ૯૪.૩૦ થયો હતો. શૅરબજારોમાં તેજીનો ઉછાળો પચાવાતો હતો.
સ્થાનિક બજારની વાત કરીએ તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ટૉક ઑફ ધ ટાઉન હતો. ભારતની આ મહાકાય કંપની અમેરિકાની ઑઇલ જાયન્ટ ઍક્ઝોનને ઓવરટેક કરીને વિશ્વની બીજી મોટી કંપની બની છે. પહેલા નંબર પર સાઉદી અરમાકો છે. રિલાયન્સના પ્રમોટર મુકેશ અંબાણી ૮૧ અબજ ડૉલરની વેલ્થ સાથે વિશ્વના પાંચમા બિલ્યોનેર બની ગયા છે. પાછલાં બે સપ્તાહમાં તેઓ વૉરન બફેટ, એલોન મસ્ક, ગૂગલના સ્થાપકો લેરી અને સર્જી કરતાં પણ આગળ નીકળ્યા છે, હવે તેઓ માર્ક ઝુકરબર્ગની લગોલગ છે.
રૂપિયાની વાત કરીએ તો લૉકડાઉન પછી અર્થતંત્રમાં ભલે મંદી હોય, પણ રૂપિયામાં તેજી છે. રિલાયન્સમાં અંદાજે ૨૦ અબજ ડૉલરનું વિદેશી રોકાણનું કમિટમેન્ટ આવ્યું છે અને શૅરબજાર અને બૉન્ડમાં પણ વિદેશી રોકાણ વધ્યું છે. લૉકડાઉનને કારણે સોનાની આયાત નહીંવત્ છે. પેટ્રો આયાતો ઘટી છે. આમ ડૉલરનો વપરાશ ઓછો અને આવકો વધતાં રૂપિયો એપ્રિલમાં ૭૬.૯૦ હતો એ હવે સુધરીને ૭૪.૮૦ થયો છે. જોકે કોરોના સંક્રમણને કારણે સરકારી આવકમાં ઘટાડો, રોજગારીમાં ઘટાડો, બચત અને વપરાશમાં ઘટાડો જેવાં કારણો જોતાં રૂપિયાની હાલની તેજી આભાસી તેજી છે. રૂપિયાની તેજી પણ હવે જીડીપીને અવગણી માર્કેટ કૅપ જોતી થઈ ગઈ છે. વિનિમયદરોનું જીડીપી કે બૅલૅન્સ ઑફ પેમેન્ટ જેવા આર્થિક માપદંડોથી હટી શૅરબજારના ઇન્ડેક્સ પર નિર્ભર રહેવું એ હાલનો આધુનિક ફાઇનૅન્સનો ટ્રેન્ડ છે, પણ એનાથી અર્થતંત્રનો વાસ્તવિક ચિતાર મળતો નથી, લાંબા ગાળા માટે એ ઘાતક સંકેત છે. રૂપિયા માટે હાલમાં સેન્ટિમેન્ટ પૉઝિટિવ છે. લદ્દાખ મામલે ફરી સ્ટેલમેન્ટ આવ્યું છે. કોરોના પણ બેકાબૂ છે. શૅરબજાર આ બધા મામલે બેપરવા છે, પણ વૈશ્વિક રાજનૈતિક તનાવને નજરઅંદાજ કરવા જેવો નથી.
રાજનૈતિક પરિપેક્ષ્યમાં જોઈએ તો અમેરિકન વિદેશ સચિવ માઇક પોમ્પિઓએ નિકસન હૉલ ખાતેથી કરેલું પ્રવચન કૉલ્ડવૉરનું રણશિંગું છે. ૧૯૬૭માં રિચાર્ડ નિકસને ચીન સાથે કૉલ્ડવૉરનો આરંભ કર્યો હતો, એ જ આ સ્થળ છે. અમેરિકામાં ઘરઆંગણે સામાજિક તનાવ વધ્યો છે. ચૂંટણી નજીક આવશે એમ રાજકીય તનાવ પણ વધશે. સોશ્યલ મીડિયામાં ધિક્કારની રાજનીતિ વેગ પકડી રહી છે. કોરોના કેસ ફરી વધવા લાગ્યા છે. વૅક્સિનની આશાથી ગભરાટ ઓછો થયો છે, પણ લૉકડાઉન ખૂલવા વિશે અને ધંધા-રોજગાર ફરી સામાન્ય થવા વિશે હજી અચોક્કસતા છે. બ્લૅકલાઇવ મૅટર્સ દેખાવકારો સામે ટ્રમ્પે આકરું વલણ અપનાવ્યું છે. ચીની શૅરબજારમાં તેજી-મંદીના આંચકા ચાલુ થયા છે. આઇપીઓ માર્કેટમાં તેજીથી દર અઠવાડિયે એક બિલ્યોનેર પેદા થાય છે. અલીબાબા કંપની લોકલ અને હૉન્ગબજારમાં લિસ્ટિંગ કરવા ધારે છે. ૨૦૦ અબજ ડૉલરના વૅલ્યુએશનની આશા ધરાવે છે.
ઇમર્જિંગ દેશોમાં લેટિન અમેરિકા અને આફ્રિકામાં કોરોના બેકાબૂ થતાં ધંધા-રોજગાર ઠપ છે. ઑલ્ટરનેટિવ ઍસેટ સોનામાં વિક્રમી તેજી છે. સોનું ૧૯૦૦ ડૉલર થઈ ગયું છે. ચાંદી તો ચાર મહિનામાં ડબલ એટલે કે ૧૧.૫૦ ડૉલરના ૨૩ ડૉલર થયા છે. ભારતમાં સોનું ૫૧,૫૦૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ અને ચાંદી ૬૨,૦૦૦ રૂપિયા પ્રતિ કિલો થયા છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK