Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > યુરોપમાં સ્ટિમ્યુલસ જાહેર થતાં યુરોમાં સુધારો:લૉકડાઉન-5માં આંશિક રાહતો

યુરોપમાં સ્ટિમ્યુલસ જાહેર થતાં યુરોમાં સુધારો:લૉકડાઉન-5માં આંશિક રાહતો

01 June, 2020 01:37 PM IST | Mumbai Desk
Biren Vakil | vakilbiren@gmail.com

યુરોપમાં સ્ટિમ્યુલસ જાહેર થતાં યુરોમાં સુધારો:લૉકડાઉન-5માં આંશિક રાહતો

સોના-ચાંદીમાં તેજી

સોના-ચાંદીમાં તેજી


લાંબી ગડમથલ પછી જર્મની અને ફ્રાન્સે યુરોપિયન સંઘમાં સભ્ય દેશો માટે સહિયારા સ્ટિમ્યુલસની જાહેરાત કરતાં યુરોમાં નોંધપાત્ર સુધારો આવ્યો હતો. ૭૫૦ અબજ ડૉલરના પૅકેજના એલાન ઉપરાંત જર્મનીની અૅરલાઇન્સ લુફથાન્સાનું બેઇલઆઉટ કરાતાં અને ઇટલીની ૫૫૦ વરસ જૂની બૅન્ક મોનતેડિ પાસીને બેઇલઆઉટ માટેના પ્લાનને પણ ઇસીબીએ અનૌપચારિક રીતે મંજૂરી આપતાં પણ સેન્ટિમેન્ટ સૂધર્યું હતું. યુરો ડૉલર સામે ૧.૮૬૧થી સુધરીને ૧.૧૧૦૭ થયો હતો. રૂપિયા સામે પણ યુરો સુધર્યો હતો અને ૮૨.૫૭થી સુધરી ૮૪ થયો હતો. યુરોમાં સુધારો અને ડૉલરમાં વ્યાપક નરમાઈથી પાઉન્ડને પણ ટેકો મળ્યો હતો. પાઉન્ડ ડૉલર સામે ૧.૨૧૦૦થી સુધરી ૧.૨૩૨૦ થયો હતો. રૂપિયા સામે પાઉન્ડ ૯૨.૫૦થી વધીને ૯૩.૧૫ થયો હતો. અમેરિકા અને ચીન વચ્ચે તંગદિલી વધતાં તેમ જ મિનિઆપોલિસ, એટલાન્ટા સહિત અંદાજે ૧૬ શહેરોમાં વંશીય તોફાનો અને લૂંટફાટ મચી જતાં ડૉલરમાં દબાવ આવ્યો હતો. ડૉલર ઇન્ડેકસ વરસના આરંભે ૧૦૩ હતો તે હવે ૯૬.૫૦ થઈ ગયો છે. 

બજારોનું ફોકસ ચીન અને અમેરિકા વચ્ચેની ભૂરાજકીય તંગદિલી પર છે. ચીને નૅશનલ સિકયૉરિટી બીલ પાસ કર્યા પછી હૉન્ગકૉન્ગની સ્વાયતત્તા પૂરી થઈ ગઈ છે. આ બિલ પાસ થયા પછી હૉન્ગકૉન્ગની સાથોસાથ તાઇવાનની સ્વતંત્રતા પણ જોખમાવાની છે. ચીન તાઇવાનને પોતાનો હિસ્સો જ માને છે. ટ્રમ્પે ચીન સામે આકરા પગલાં લેવાની શેખી મારી હતી, પણ આખરે ગુસ્સો વિશ્વ આરોગ્ય સંસ્થા પર ઉતારી સંતોષ માની લીધો હતો. ચીન અત્યારે લડાયક મિજાજમાં છે. મંદીથી ઘેરાયેલા ચીનને રાષ્ટ્રવાદનું વાજું વગાડયા વિના ચાલે એમ નથી. હૉન્ગકૉન્ગ મામલે અમેરિકા અને યુરોપને પણ ચીન સામે વાંધો છે, પણ પગલાં લેવાની વાત આવે ત્યારે સૂરસૂરિયું થઈ જાય છે. ‘પકડ મુજે જોર આતા હે’ વાળી વાત છે.
રૂપિયાની વાત કરીએ તો બજાર એકંદરે સાંકડી વધઘટે અથડાઈ મામૂલી સૂધર્યું હતું. ડૉલરની નબળાઈને કારણે રૂપિયો ઘટતો અટકી મામૂલી સુધર્યો છે. જાન્યુ-માર્ચ ક્વૉર્ટરનો વિકાસદર ૩.૧ ટકા એટલે કે ૧૧ વરસની નીચી સપાટીએ છે. ૧ જૂનથી લૉકડાઉન- ૫ અમલી બનશે જેમાં તબક્કાવાર છૂટછાટ અપાશે. હોટેલો, રેસ્ટોરાં, મોલ્સ વગેરે શરતોને આધિન ૮ જૂનથી ખોલાશે એવા અહેવાલો મળે છે. કોરોના મામલે ભારત એશિયામાં પ્રથમ ક્રમે અને વિશ્વમાં નવમા ક્રમે છે. સૌથી ખરાબ પરિસ્થિતિ બ્રાઝિલની છે. અમેરિકા અને યુરોપમાં પીક બન્યા પછી લેટિન અમેરિકામાં કોરોનાનો કેર વધી ચરમસીમા તરફ જઈ રહ્યો છે.
ટેક્નિકલ રીતે જોઈએ તો રૂપિયો અત્યારે ૭૫.૩૦-૭૬.૬૬ની રેન્જમાં અથડાય છે. જો ૭૫.૩૦ નીચે જાય તો ૭૪.૮૦-૯૦ અને ૭૬.૦૫ વટાવાય તો ૭૬.૬૦-૬૬ થઈ શકે. હાલમાં રેન્જ મર્યાદિત છે. ડૉલર ઇન્ડેકસમાં રેન્જ ૯૪.૪૦-૯૭.૭૦ છે.
વિશ્વ બજારોમાં ફેડ ચૅરમૅન પોવેલે શુક્રવારે કહ્યું હતું કે ફેડે સ્ટિમ્યુલસ આપીને ઘણું કામ કર્યું છે. હવે સરકારોએ રાજકોષીય પગલાં લેવાની જરૂર છે. ફેડે જરૂર પડે તો હજી લિક્વિડીટી આપશે. ફેડનો આડકતરો સંકેત એવો છે કે લિક્વિડિટી ઘણી આપી છે. હવે બૅન્કોએ ધિરાણ કરીને આ નાણાં ધંધા-રોજગાર માટે પહોંચાડવા જોઈએ. જપાને ૧૧૦૦ અબજ ડૉલરનું મસમોટું સ્ટિમ્યુલસ આપ્યું છે. ચીન પણ ટુકડે ડુકડે સ્ટિમ્યુલસ આપી રહ્યું છે. જો કે હૉન્ગકૉન્ગ કટોકટીને કારણે ચીન અને હૉન્ગકૉન્ગનાં શૅરબજારો દબાણમાં છે. કોરિયામાં પણ સ્લોડાઉન છે. મોનિટરી લિક્વિડીટીમાં અસાધારણ વધારો થતાં સટ્ટાકીય રોકાણો વધ્યાં છે. અમેરિકી શૅરબજારમાં નોંધપાત્ર ઉછાળો છે. ચાંદીમાં બે માસમાં ૩૦ ટકાની તેજી થઈ છે. ક્રૂડ ઑઇલ પણ બે માસમાં ૬.૫૦ ડૉલરથી વધીને ૩૫ ડૉલર થઈ ગયું છે. સોનામાં ૧૩૫૦ ડૉલરથી ૧૭૬૦ ડૉલર સુધી ઉછાળો આવી હવે ઉછાળો પચાવાય છે, પણ આગળ જતા ૧૭,૭૭૮ વટાવાતા ફરી ૧૮૨૦ સુધી જવાની ગણતરી છે. બિટકોઇનમાં પણ ઘટાડે લેવાલી આવ્યા કરે છે. બિટકોઇન ૨૦,૦૦૦ ડૉલરથી તૂટીને ૪૦૦૦ ડૉલર થયા પછી ૧૪,૦૦૦ ડૉલર થઈને ૬૦૦૦-૧૦,૦૦૦ ડૉલર વચ્ચે અથડાયા કરે છે.


Whatsapp-channel Whatsapp-channel

01 June, 2020 01:37 PM IST | Mumbai Desk | Biren Vakil

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK