એનર્જી શૅરોએ બજારની લાજ રાખી

Published: 4th November, 2011 18:34 IST

એકંદર ડલ માર્કેટ છતાં ગઈ કાલે પાવર ઇન્ડેક્સ ૧.૬ ટકા અને ઑઇલ-ગૅસ ઇન્ડેક્સ એક ટકાથી વધુ પ્લસ હતો. જોકે આ સુધારાનું વલણ ટકવાનું નથી. ગ્રીસનું ગૂમડું ફરી વકરતાં વૈશ્વિક શૅરબજારોને નવા સણકા શરૂ થયા છે. એશિયન-યુરોપિયન શૅરબજારોમાં ગણનાપાત્ર ઘટાડાનું વલણ હોવા છતાં ઘરઆંગણે સેન્સેક્સ ઇન્ટ્રા-ડેમાં ૧૭,૨૭૮ની બૉટમ બનાવી બે વાગ્યા પછીની મજબૂતીમાં ઉપરમાં ૧૭,૫૧૪ થઈ છેલ્લે ૧૭ પૉઇન્ટના સુધારામાં ૧૭,૪૮૧ બંધ આવ્યો હતો.(શૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ)

નિફ્ટી સાત પૉઇન્ટ વધીને ૫૨૬૬ નજીક બંધ હતો. બજારનું માર્કેટ કૅપ ૧૫,૦૦૦ કરોડ રૂપિયા વધીને ૬૨.૦૪ લાખ કરોડ રૂપિયા થયું હતું. સેન્સેક્સના ૩૦માંથી ૧૩ શૅર તથા માર્કેટના ૨૧માંથી ૧૨ બેન્ચમાર્ક પ્લસમાં બંધ હતા. સાધારણ નેગેટિવ માર્કેટ બ્રેડ્થમાં ૧૩૨૯ જાતો વધેલી હતી તો ૧૪૬૦ શૅર ડાઉન હતા. એ ગ્રુપના ૪૦ ટકાની સામે રોકડામાં વધેલા શૅરનું પ્રમાણ ૪૫ ટકા જેવું હતું. ૧૮૪ સ્ક્રિપ્સ તેજીની સર્કિટમાં તો ૧૬૭ શૅર મંદીની સર્કિટમાં બંધ હતા. બજાર એકંદર નબળા આંતરપ્રવાહમાં છે. ઉછાળા ટકવાના નથી.

એનર્જી, રિયલ્ટીનો સપોર્ટ

સેન્સેક્સ નીચા મથાળેથી ૨૦૩ પૉઇન્ટ વધીને બંધ આવ્યો એમાં પાવર, રિયલ્ટી તથા ઑઇલ-ગૅસ ક્ષેત્રના શૅરોનું મુખ્ય પ્રદાન હતું. આગલા બંધથી સેન્સેક્સ ૧૭ પૉઇન્ટ કે ૦.૧ ટકો વધીને બંધ હતો એની સામે પાવર ઇન્ડેક્સ તથા રિયલ્ટી બેન્ચમાર્ક ૧.૬ ટકા, ઑઇલ-ગૅસ બેન્ચમાર્ક ૧.૧ ટકો, કૅપિટલ ગુડ્ઝ ઇન્ડેક્સ ૦.૭ ટકા અને પીએસયુ ઇન્ડેક્સ અડધા ટકાથી વધુ અપ હતા. આઇટી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઑટો ઇન્ડેક્સ અડધા ટકાની આસપાસ નરમ હતા. પાવર ફાઇનૅન્સ ૫.૭ ટકા, આરઇસી ૪.૭ ટકા, ભેલ ૪.૨ ટકા, ડીએલએફ ચાર ટકા, થર્મેક્સ ૩.૬ ટકા, તાતા પાવર ૩.૨ ટકા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દોઢ ટકો વધીને બંધ હતા. જેના આજે પરિણામ છે એ ઓએનજીસી જોકે નહીંવત્ નરમાઈમાં ૨૭૮ રૂપિયા બંધ હતો. તાતા મોટર્સ ત્રણ દિવસમાં છ ટકાથી વધુના ઘટાડા પછી ગઈ કાલે પોણાબે ટકા ઘસાઈ ૧૮૮ રૂપિયા રહ્યો હતો.

કૉલગેટ નવી ટોચ પછી નરમ

એફએમસીજી કંપની કૉલગેટનો શૅર ગઈ કાલે ખૂલતાંની સાથે આગલા બંધથી ૧૬ રૂપિયા વધીને ૧૦૭૨ રૂપિયાની સર્વોચ્ચ સપાટીએ ગયો હતો. જોકે ત્યાર પછી ડાઉનવર્ડ પ્રેશરમાં ઉપરથી અઢી ટકા ગગડી ૧૦૪૫ રૂપિયાની દિવસની બૉટમે બંધ હતો. ફુગાવાના આંકડાના પગલે એફએમસીજી શૅરોમાં એકંદર નબળાઈનું વલણ હતું. હિન્દુસ્તાન યુનિલિવર બે ટકાથી વધુની પીછેહઠમાં ૩૮૧ રૂપિયાનો બંધ આપી સેન્સેક્સ શૅરોમાં વસ્ર્ટ પર્ફોર્મર રહ્યો હતો. એફએમસીજી ઇન્ડેક્સના ૧૦માંથી છ શૅર ડાઉન હતા. ગોદરેજ કન્ઝ્યુમર દોઢ ટકો, નેસ્લે પોણો ટકો અને આઇટીસી હાફ પર્સન્ટ અપ હતા. કૉલગેટની જેમ જ ક્રિસિલ પણ ગઈ કાલે ૯૭૭ રૂપિયાની નવી ઑલટાઇમ હાઈ બતાવી છેલ્લે ચાર ટકાના ધોવાણમાં ૯૩૦ રૂપિયાની અંદર બંધ હતો તો આઇશર મોટર્સ ૧૭૪૦ રૂપિયાના નવા શિખરે પહોંચી અંતે ૨.૭ ટકાના સુધારામાં ૧૭૨૧ રૂપિયા રહ્યો હતો.

બજારો ગ્રીસમાં લપસ્યાં

બેઇલ-આઉટ પૅકેજ વિશે લોકમત લેવાના સરકારી નિર્ણયના પગલે યુરોપિયન લીડરોએ ગ્રીસને અપાતી સહાયતા અત્યાર પૂરતી અટકાવી દેવાનું નક્કી કર્યું છે. આની અસરમાં યુરોપ-એશિયન શૅરબજારો ડાઉનવર્ડ પ્રેશરમાં આવ્યાં છે. નરમાઈના દોરમાં હૉન્ગકૉન્ગ માર્કેટ વધુ અઢી ટકા ઘટીને બંધ હતું. સાઉથ કોરિયન કોસ્પી ઇન્ડેક્સ તેમ જ ઇન્ડોનેશિયન શૅરબજાર દોઢ ટકા નરમ હતાં. થાઇ માર્કેટ ૧.૨ ટકા અને સિંગાપોર એક ટકા નજીક ઘટ્યાં હતાં. જૅપનીઝ શૅરબજારમાં રજા હતી. ધારણા કરતાં સારા મૅન્યુફૅક્ચરિંગ આંકડાના સથવારે ચાઇનીઝ શૅરબજાર અપવાદ તરીકે વધેલું હતું. જોકે વધારો ફક્ત નામ પૂરતો ૦.૨ ટકા જ હતો.

ફુગાવો ફરી બાર વગાડશે

સરકારે જાહેર કરેલા આંકડા પ્રમાણે બાવીસ ઑક્ટોબરના રોજ પૂરા થયેલા સપ્તાહના અંતે જથ્થાબંધ ભાવાંકની રીતે ફૂડ ઇન્ફ્લેશનનો વૃદ્ધિદર ૧૨.૨૧ ટકા રહ્યો છે, જે અગાઉના સપ્તાહમાં ૧૧.૪૩ ટકા હતો. બાર ટકાને વટાવી ગયેલો ફુગાવો ફરીથી લોકોના બાર વગાડશે, કેમ કે પેટ્રોલિયમ કંપનીઓ પેટ્રોલ, એલપીજી સહિતની પેટ્રો-પ્રોડક્ટ્સના ભાવવધારા સામે સક્રિય બની છે. ડીઝલ પણ મોંઘું બની શકે છે. ફુગાવાની હાલત આવી જ રહી તો હવે પછી વ્યાજદરમાં વધારો નહીં કરવાની જે હૈયાધારણ રિઝર્વ બૅન્કે આપી છે એ ફોક થઈ શકે છે. ફ્યુઅલ પ્રાઇસના કિસ્સામાં ફુગાવાનો દર અત્યારે આમેય ૧૪.૫ ટકા તો છે જ, નવા ભાવવધારા પછી એ બેશક ૧૫ ટકાને આંબી જશે.

મહત્વનાં કંપની પરિણામો

આજે જાહેર થનારાં કંપની પરિણામોની યાદીમાં જાણીતાં નામ આ પ્રમાણે છે : ભારતી ઍરટેલ, અપોલો હૉસ્પિટલ, જીએસકે ફાર્મા, જીએસકે કન્ઝ્યુમર્સ, મારિકો, નેસ્લે, એચસીએલ ઇન્ફો, ભારત ગિયર્સ, તુલિપ ટેલિકૉમ, આલ્ફાજીઓ, અમૃતાંજન હેલ્થકૅર, ક્લેરિસ લાઇફસાયન્સ, દીપક નાઇટ્રેટ, ડીસા ઇન્ડિયા, એમ્કો ઇલેક્ટ્રૉનિક્સ, એમકો, એલ્ડર ફાર્મા, ગૉડફ્રે ફિલિપ્સ, એચઇજી, હિન્દુજા ફાઉન્ડરીઝ ઇન્ડસ્ટ્રીઝ, મંગલમ સિમેન્ટ્સ, નેટવર્ક-૧૮ મિડિયા, એનઆરબી બેરિંગ્સ, ઓએનજીસી, વેન્કિઝ ઇન્ડિયા, પીએસએલ, પોની શુગર, પુનિત રેઝિન્સ, રેઇનબો ડેનિમ, રમા પેટ્રો, સિમ્પ્લેક્સ કાસ્ટિંગ્સ, રાસ રર્સિોટ્સ, સંગમ ઇન્ડિયા, સર શાદીલાલ, એસએનએલ બેરિંગ્સ, યુબી એન્જિનિયરિંગ, વિમ પ્લાસ્ટ, કાકટિયા ટેક્સટાઇલ્સ.

કૉર્પોરેટ નફાશક્તિ ભીંસમાં

વ્યાજદર તથા કૉમોડિટીઝના ભાવમાં વધારો, સ્થાનિક તથા વિદેશી બજારોમાં મંદ માગ, પેટ્રોલ-ડીઝલના ભાવવધારાથી વધેલો નૂરબોજ વગેરે જેવાં કારણસર સપ્ટેમ્બર ક્વૉર્ટરનાં કંપની પરિણામો નબળાં આવશે એવી દહેશત તો હતી જ, પરંતુ આટલી નબળાઈનીયે ધારણા નહોતી. અત્યાર સુધીમાં આશરે સવાબારસો કંપનીઓનાં પરિણામો આવી ગયાં છે. ઉક્ત ક્વૉર્ટરલી ગાળામાં આ ૧૨૨૧ કંપનીઓની વેચાણઆવક ૨૪.૭ ટકા વધીને ૬.૦૨ લાખ કરોડ રૂપિયાની નોંધાઈ છે. અન્ય આવક પંચાવન ટકા ઘટીને ૧૧,૭૩૭ કરોડ રૂપિયા થઈ છે. વ્યાજ, ઘસારો તથા વેરા પૂર્વેનો નફો ફક્ત છ ટકા વધીને ૧.૬૯ લાખ કરોડ રૂપિયા રહ્યો છે, જ્યારે નેટ પ્રૉફિટ ૩૦ ટકાથી વધુના ગાબડા સાથે ૪૫,૯૦૭ કરોડ રૂપિયાએ આવી ગયો છે. વેચાણઆવકમાં લગભગ પચીસ ટકાની વૃદ્ધિ છતાં ચોખ્ખા નફામાં ૩૦ ટકા પ્લસનું ધોવાણ મુખ્યત્વે વ્યાજખર્ચમાં થયેલા જબ્બર વધારાને આભારી છે. સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં આ ૧૨૨૧ કંપનીઓનો વ્યાજખર્ચ ૫૧.૬ ટકા વધીને ૯૧,૦૩૯ કરોડ જોવા મળ્યો છે. મતલબ કે નેટ પ્રૉફિટ કરતાં બમણી રકમ વ્યાજખર્ચમાં તણાઈ ગઈ છે.
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK