વીજળીનો પુરવઠો સતત પાંચમા મહિને ઘટ્યો, પરંતુ મૅન્યુફૅક્ચરિંગ પ્રવૃત્તિ સાત મહિનાની ટોચે

Published: Jan 03, 2020, 13:43 IST | Mumbai Desk

ઇકોનોમીમાં ગજબનો વિરોધાભાસ : વીજળીનો પુરવઠો સતત પાંચમા મહિને ઘટ્યો, પરંતુ મૅન્યુફૅક્ચરિંગ પ્રવૃત્તિ સાત મહિનાની ટોચે

ભારતીય અર્થતંત્રનો વિકાસદર છેલ્લાં ૬ વર્ષમાં સૌથી નબળો પડી ગયો છે. કેન્દ્ર સરકારની કરની આવક ઘટી રહી છે અને લોકોનો વપરાશ ઘટી રહ્યો હોવાથી સ્થિતિ વધુ વણસી શકે એવી નિષ્ણાતો ચેતવણી આપી રહ્યા છે. આ સમયે તદ્દન વિરોધાભાસી એવા બે અહેવાલ બહાર પડ્યા છે. 

મંદી વધુ વણસી છે એવો ચિતાર આપતા દેશમાં વીજળી પુરવઠા વિશે સત્તાવાર કામગીરી કરતી સંસ્થાના અહેવાલ અનુસાર ડિસેમ્બરમાં ભારતમાં વીજળીનો પુરવઠો સતત પાંચમા મહિને ઘટી ગયો છે. વીજળીની ઘટેલી માગ દર્શાવે છે કે દેશમાં ઔદ્યોગિક પ્રવૃત્તિ શિથિલ છે અને એ હજી નબળી આર્થિક વિકાસની ચાડી ખાય છે. બીજી તરફ, આર્થિક વિકાસના નબળા દિવસો પૂરા થયા એવો અહેવાલ આપતા આઇઈએચએસ માર્કઇટ ઇન્ડિયા મૅન્યુફૅક્ચરિંગ પર્ચેઝિંગ મૅનેજર્સ ઇન્ડેક્સ ડિસેમ્બર મહિનામાં ૫૨.૭ રહ્યો છે જે નવેમ્બરમાં ૫૧.૨ હતો. બીજું, આ ઇન્ડેક્સ છેલ્લા સાત મહિનાની સૌથી ઊંચી સપાટીએ છે. જોકે ઑક્ટોબર અને નવેમ્બરના નબળા દેખાવને કારણે ત્રીજા ક્વૉર્ટરની સરેરાશ છેલ્લાં બે વર્ષમાં સૌથી નબળી જણાય છે.
પાવર સિસ્ટમ ઑપરેશન કૉર્પોરેશનના લોડ ડિસ્પેચ ડેટા અનુસાર ડિસેમ્બરમાં ભારતમાં વીજળીનો કુલ પુરવઠો ૧.૧ ટકા ઘટીને ૧૦૧.૯૨ અબજ યુનિટ રહ્યો છે જે ગયા વર્ષે ૧૦૩.૦૪ અબજ યુનિટ હતો. સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઑથોરિટીના અહેવાલ અનુસાર ભારતમાં ઑક્ટોબરમાં વીજળીનો પુરવઠો છેલ્લાં ૧૨ વર્ષમાં સૌથી વધારે ૧૨.૮ ટકા ઘટ્યો હતો અને નવેમ્બરમાં ૪.૨ ટકા ઘટ્યો હતો. ઑથોરિટી આ મહિના દરમ્યાન ડિસેમ્બરના સત્તાવાર આંકડા જાહેર કરશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK