Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > ઇકૉનૉમી નેગેટિવ, માર્કેટ પૉઝિટિવ :કોરોનાની જેમ બજાર પણ કન્ફ્યુઝ કરે છે

ઇકૉનૉમી નેગેટિવ, માર્કેટ પૉઝિટિવ :કોરોનાની જેમ બજાર પણ કન્ફ્યુઝ કરે છે

20 July, 2020 02:42 PM IST | Mumbai Desk
Jayesh Chitalia

ઇકૉનૉમી નેગેટિવ, માર્કેટ પૉઝિટિવ :કોરોનાની જેમ બજાર પણ કન્ફ્યુઝ કરે છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


એક બાજુ દેશનો આર્થિક વિકાસ દર માઈનસમાં રહેવાનો અંદાજ મુકાય છે, મહત્તમ આર્થિક પ્રવૃત્તિઓ સંઘર્ષ અને અનિશ્ચિતતાનો સામનો કરી રહી છે, જ્યારે બીજી બાજુ શૅરબજાર વોલેટિલિટી સાથે સતત ઉછાળા મારતું જાય છે. સેન્સેક્સ ૩૭૦૦૦ને અને નિફ્ટી ૧૦૯૦૦ને પાર કરી ગયા છે. માર્કેટ અને ઇકૉનૉમી વિપરીત દિશામાં ચાલી રહ્યા છે, રોકાણકારોએ પોતે સાચી દિશા સમજવી જોઈશે.

જુલાઈના અંત બાદ લૉકડાઉન મહત્તમ ખૂલી જવાની આશા, આર્થિક પ્રવૃત્તિને પુનઃ વેગ મળવાની ધારણા અને ગ્લોબલ સંકેતોને પગલે ગયા સપ્તાહમાં પ્રથમ દિવસે શૅરબજારે દમદાર શરૂઆત કરી હતી અને ગણતરીની મિનિટોમાં જ સેન્સેક્સ ૪૦૦ પૉઇન્ટના કૂદકા સાથે ૩૭૦૦૦ને પાર કરી ગયો હતો. જ્યારે નિફ્ટી ૧૦૯૦૦ પાસે પહોંચી ગયો હતો. જોકે સત્ર દરમ્યાન પ્રોફિટ બુકિંગને પગલે અંતમાં સેન્સેક્સ માત્ર ૯૯ પૉઇન્ટ પ્લસ સાથે ૩૭૦૦૦થી ખાસ્સો નીચે ઊતરી ગયો હતો અને નિફ્ટી ૩૪ પૉઇન્ટ પ્લસ બંધ રહી ૧૦૮૦૦ આસપાસ રહ્યો હતો. અલબત્ત, છેલ્લા ચાર મહિનાની આ સર્વોચ્ચ સપાટી હતી. મંગળવારે બજારના બુલિશ ટ્રેન્ડે વળાંક લઈ શરૂમાં જ નેગેટિવ વલણ બતાવ્યું હતું. જે મોટા કરેક્શનની ધારણા હતી એ મંગળવારે આકાર પામી હતી. સેન્સેક્સ બપોર સુધીમાં ૮૦૦ પૉઇન્ટ જેટલો નીચે ગયો હતો. બજારના અંતમાં સેન્સેક્સ ૬૬૦ પૉઇન્ટ અને નિફ્ટી ૧૯૦ પૉઇન્ટ તૂટીને બંધ રહ્યા હતા. છેલ્લા અમુક દિવસોથી એકધારા વધી રહેલા બજારમાં પ્રોફિટ બુકિંગ થયું હતું. નબળાં વૈશ્વિક સંકેત, ચીન સાથેનો સીમાવિવાદ, કોવિડના ફેલાવાનો વધતો ભય અને તેને કારણે ફરી લૉકડાઉન વધવાની સર્જાતી શક્યતા માર્કેટના કડાકામાં કારણ બન્યા હતા. યુએસ તરફથી ચીન માટે કડક-આકરા નિવેદન કરાતાં પણ ગ્લોબલ સ્તરે રોકાણકારોમાં સેન્ટિમેન્ટ ખરડાયું હતું. દેશના ઘણા ભાગોમાં લૉકડાઉનની સ્થિતિ ચાલુ હોવાને પરિણામે કેટલીય ચીજ-વસ્તુઓના વેચાણમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.



મોટી રિકવરી બાદ મોટું કરેક્શન
બુધવારે નવાઈની ઘટના રૂપે બજારે ફરી કૂદકો માર્યો હતો, ગ્લોબલ સકારાત્મક સંકેતો, વેક્સિન ટ્રાયલના પૉઝિટિવ અહેવાલ અને વધુ સ્ટીમ્યુલસ પેકેજની આશાને પગલે સેન્સેક્સે આરંભની અમુક મિનિટમાં જ પાંચસો પૉઇન્ટ અને નિફ્ટીએ દોઢસો પૉઇન્ટની છલાંગ લગાવી હતી, જે સેન્સેક્સ અને નિફ્ટી હજી આગલા દિવસે અનુક્રમે ૬૬૦ પૉઇન્ટ અને ૧૯૫ પૉઇન્ટ માઇનસ બંધ રહ્યા હતા. આમ તો બુધવારે બજાર ૭૫૦ પૉઇન્ટ સુધી ઊંચું ગયું હતું, પરંતુ રિલાયન્સની વાર્ષિક સભામાં સાઉદી અરામ્કો સાથેની ડીલ આગળ નહીં વધવાના સમાચારે બજારને નિરાશ કર્યું હતું, જ્યારે કે રિલાયન્સ સંબંધી અન્ય પૉઝિટિવ પરિબળો ઓલરેડી ડિસ્કાઉન્ટ થઈ ગયા હતા. આ સ્ટૉકમાં છેલ્લા અમુક દિવસોમાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ હોવાથી એજીએમને દિવસે મોટેપાયે પ્રોફિટ બુકિંગ થયું હતું. ઇન્ડેકસમાં હેવી વેઇટેજને લીધે રિલાયન્સના ભાવના કરેક્શનમાં સેન્સેકસ અંતમાં માત્ર ૧૮ પૉઇન્ટ પ્લસ અને નિફટી ૧૧ પૉઇન્ટ પ્લસ બંધ રહ્યા હતા.


રિકવરીની નવાઈ પણ ખરી
યુએસ સહિત એશિયા અને યુરોપના દેશોના ગ્રોથ સંકોચાઈ રહ્યા હોવા છતાં માર્કેટની રીકવરી આશ્ચર્યકારક ખરી. બીજી બાજુ ઑઈલ ઉત્પાદક દેશો ઑઈલની વધતી માગને ધ્યાનમાં રાખી ઉત્પાદનકાપનું વિચારવા બેઠક કરવાના અહેવાલે પણ બજાર પર અસર કરી હતી, જે અર્થતંત્રની ગતિવિધિ વધી રહી હોવાનું દર્શાવે છે. બુધવારે નાણાપ્રધાને આપેલા સંકેત મુજબ સરકાર મોટેપાયે ખાનગીકરણનો કાર્યક્રમ લાવી રહી છે. જાહેર ક્ષેત્રના ચોક્કસ સેક્ટરમાંથી સરકાર તદ્ન બહાર નીકળી જવાનો વિચાર ધરાવે છે. આ અહેવાલ માર્કેટ માટે પૉઝિટિવ સમાચાર જેવા કહી શકાય. ટૂંક સમયમાં ચોક્કસ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટસ શરૂ થવાની જાહેરાતની સારી અસર ગણી શકાય.

હજી તો ઘણા પડકાર
ગુરુવારે બજારની શરૂઆત પૉઝિટિવ થઈ હતી, જે સત્ર દરમ્યાન વધઘટ બાદ અંતમાં ઊંચું બંધ રહ્યું હતું. સેન્સેક્સ ૪૧૯ પૉઇન્ટ પ્લસ અને નિફ્ટી ૧૨૧ પૉઇન્ટ પ્લસ સાથે અનુક્રમે ૩૬૪૭૧ અને ૧૦૭૩૯ બંધ રહ્યા હતા. જોકે કોવિડ-19ના બીજા આક્રમણની ચિંતા માર્કેટના માથે લટકી રહી છે. જૉબ કટ, કંપનીઓની નાદારી, ઉદ્યોગોમાં ધરખમ રિસ્ટ્રકચરિંગ, વગેરે જેવા પરિબળો બહુ મોટા પડકાર બની શકે છે. આ ઉપરાંત બૅન્કોના કે સરકારી યોજનાના વ્યાજદર નીચા જવાથી આ સાધનોમાં ઘરગથ્થુ બચતનું પ્રમાણ પણ ઘટી રહ્યું છે. આની અસર બૅન્કિંગ- ફાઇનૅન્શિયલ સેક્ટર પર પડવાની શક્યતા ગણવી પડે. આનો અર્થ એ પણ થાય કે મ્યુચ્યુઅલ ફન્ડ અથવા સીધા બજારમાં બચતનો નાણાપ્રવાહ વધી શકે, જે બચતકારો માટે જોખમી પણ બની શકે.


તેજી વધે તેમ સાવચેતી વધારવી
શુક્રવારની શરૂઆત પણ ૨૦૦ પૉઇન્ટની વૃદ્ધિ સાથે પૉઝિટિવ થઈ હતી અને ધીમે-ધીમે સ્થાનિક ફન્ડસની લેવાલી સાથે બજાર વધતું ગયું અને આખરમાં સેન્સેક્સ ૫૪૮ પૉઇન્ટ જેવા નોંધનીય સુધારા સાથે ૩૭૦૦૦ને પાર કરી ૩૭૦૨૦ બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી ૧૬૧ પ્લસ સાથે ૧૦૯૦૧ બંધ રહ્યો હતો. આમ એક દિવસને બાદ કરતાં આખું સપ્તાહ બજાર તેજીમય રહ્યું હતું. કોરોનાના સતત ભય, અર્થતંત્રની કારમી દશા અને અનિશ્ચિતતા વચ્ચે બજારનું આવું વલણ જસ્ટિફાઈ થવાનું કઠિન છે. આ તેજી ઇન્ડેકસમાં વેઇટેજ ધરાવતા ચોકકસ સ્ટૉકસને આભારી વધુ છે. રોકાણકારોએ જેમ બજાર વધે છે તેમ વધુ સાવચેત થવાની જરૂર છે. બજાર ઊંચા લેવલે વધુ ટકવાની ક્ષમતા અને પાત્રતા ધરાવતું નથી, જેથી કરેક્શનની તલવાર સતત માથે હોવાનું ગણીને ચાલવું હિતાવહ છે.

માર્કેટ સામેનું જોખમ
વિશ્વવિખ્યાત ઇન્વેસ્ટમેન્ટ એક્સપર્ટ ક્રિશ વુડના મતે ભારતમાં સૌથી મોટા જોખમ નોન-પર્ફોમિંગ એસેટ્સ (એનપીએ), નબળો યા નેગેટિવ ગ્રોથ જેવા પરિબળોના છે. આ સંજોગોમાં અમુક અપવાદને બાદ કરતાં ઇક્વિટી માટે વધુ અવકાશ નથી. લાંબા લૉકડાઉનની અસર પણ ગંભીર છે. વિશ્વમાં આર્થિક ચિંતા ઘેરી બનતી જાય છે. ઉભરતા દેશોમાં અસર ગંભીર છે. ભારતમાં આર્થિક સ્થિતિ કથળેલી જ છે. આર્થિક વિકાસ દરની ધારણા તમામ સ્તરેથી નીચી મુકાતી રહી છે. અત્યારસુધી બુલિશ ટ્રૅન્ડમાં રહેલા બજાર સામે આ કૉલમમાં સતત ચેતવણી અપાતી રહી છે. ગયા સપ્તાહમાં પણ આપણે રોકાણકારોએ તેજીના નામે તણાઈ જવાથી દૂર રહેવું જોઈએ એવા સ્પષ્ટ સંકેત અપાયા હતા. જ્યાં કોવિડ-19ની શરૂઆત થઈ હતી એ ચીનમાં કોવિડનો અંત પણ નજીક આવી રહ્યો છે અને ચીન પ્રથમ અર્થતંત્ર બન્યું છે જેણે આ ક્વૉર્ટરમાં ઇકૉનૉમિક રીકવરી નોંધાવીને ૩.૩ ટકાનો ગ્રોથ દર્શાવ્યો છે. બીજી બાજુ સિંગાપોર જેવા દેશે તેના જીડીપીમાં ૪૧ ટકા જેવો જંગી ઘટાડો નોંધાવ્યો છે. 

રિકવરીનાં કારણો
જોકે રીકવરી યા સુધારાનાં કારણોમાં લાંબા લૉકડાઉન બાદ અનલૉકના આરંભ સાથે વેપાર-ઉદ્યોગમાં નવસંચાર થઈ રહ્યો હોવાનું કારણ પણ ગણાય છે. જેના પરિણામ આર્થિક પ્રવૃત્તિઓના સુધારામાં દેખાવાનો શરૂ થયો છે. કૃષિ વિકાસ, કંપનીઓની ઓર્ડર બુક, કૅશ ફ્લો, સપ્લાય ચેઇન, વગેરેમાં રીકવરી શરૂ થઈ છે. એક તરફ કોરોનાના કેસ વધી રહ્યા છે તો બીજીતરફ અનલૉકને પરિણામે ઇકૉનૉમિક એક્ટિવિટીઝ પણ વેગ પકડી રહી છે. સરકારના આર્થિક રાહત-પ્રોત્સાહન પેકેજના પરિણામ આમાં પ્રતિબિંબિત થઈ રહ્યા છે. જોકે બજારની તેજીનું સૌથી મોટું કારણ પ્રવાહિતા અને લે-વેચની સક્રિય પ્રવૃત્તિ જ કહી શકાય છે. અહીં એ નોંધવું જરૂરી છે કે આર્થિક પ્રવૃત્તિ વધવાની આશા-નિરાશા વચ્ચે તેમ જ કોરોનાનો ફેલાવો વધશે કે ઘટશે એના કન્ફયુઝન વચ્ચે પણ છેલ્લા કેટલાક દિવસોથી માર્કેટ પૉઝિટિવ રહ્યું છે.

Whatsapp-channel Whatsapp-channel

20 July, 2020 02:42 PM IST | Mumbai Desk | Jayesh Chitalia

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK