Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > રિઝર્વ બૅન્કે સળંગ બીજી વાર પૉલિસી રેટ ઘટાડ્યા

રિઝર્વ બૅન્કે સળંગ બીજી વાર પૉલિસી રેટ ઘટાડ્યા

08 April, 2019 12:12 PM IST |
અર્થતંત્રના આટાપાટા - જિતેન્દ્ર સંઘવી

રિઝર્વ બૅન્કે સળંગ બીજી વાર પૉલિસી રેટ ઘટાડ્યા

રિઝર્વ બૅન્ક

રિઝર્વ બૅન્ક


રિઝર્વ બૅન્કની મૉનિટરી પૉલિસી કમિટીએ ગયા અઠવાડિયે વ્યાજના દર ઘટાડ્યા છે. રેપો રેટ ૨૫ બેસિસ પૉઇન્ટ ઘટાડીને ૬ ટકાનો કરાયો છે. 20૧૯ના વર્ષે આમ સળંગ બીજી વાર (બૅક ટુ બૅક) વ્યાજના દર ઘટાડ્યા છે. વ્યાપક રીતે અપેક્ષિત આ ઘટાડાને એમપીસીના ૬માંથી ૪ સભ્યોનું સમર્થન મYયું છે. જોકે રિઝર્વ બૅન્કે પોતાનો તટસ્થ (નૅચરલ) અભિગમ જાળવી રાખ્યો છે. અભિગમની આ જાળવણીને ૬માંથી ૫ સભ્યોનો મત મળ્યો છે.

આરબીઆઇના પ્રમુખ ગવર્નર ડૉ. ઉર્જિત પટેલે 20૧૮માં બે વાર (જૂન અને ઑગસ્ટ) વ્યાજના દર વધારીને રિઝર્વ બૅન્ક ભાવવધારાનો ૪ ટકાનો દર જાળવી રાખવા કૃતનિયી હોવાનો સંકેત આપેલો. વર્તમાન ગવર્નર ડૉ. શક્તિકાંત દાસે બૅક ટુ બૅક વ્યાજના દર બીજી વાર ઘટાડવાની નીતિ અપનાવી છે.



વિશ્વનો આર્થિક વિકાસ ધીમો પડવાની અપેક્ષા છે. રિઝર્વ બૅન્કે પણ દેશના આર્થિક વિકાસનો દર 20૧૯-20માં બૅન્કના અગાઉના ૭.૪ ટકાના અંદાજમાંથી ઘટીને ૭.૨ ટકા થવાની સંભાવના દર્શાવી છે. તો પણ આ દર 20૧૮-૧૯ના ૭ ટકાના દર કરતાં તો ઊંચો જ છે. પૉલિસી રેટ ઘટાડીને અને તટસ્થ અભિગમ જાળવી રાખીને બૅન્ક વિકાસના દર વિશે ચિંતિત હોવાનું દર્શાવ્યું છે અને ફરી એક વાર ભાવવધારાનું જોખમ વધે તો વ્યાજના દર વધારવાની સરળતા રહે એવો માર્ગ આરબીઆઇએ અપનાવ્યો છે.


વ્યાજના દરના ઘટાડા માત્રથી આર્થિક વિકાસ માટે જરૂરી મૂડી રોકાણનો વધારો થતો નથી. એટલે બૅન્કિંગ સિસ્ટમમાં લિક્વિડિટી (નાણાની પ્રવાહિતા અને ઉપલબ્ધિ) વધે એવાં પગલાં પણ ડૉ. દાસે લીધાં છે. ભાવવધારાનો દર રિઝર્વ બૅન્કના ૪ ટકાની નીચેની રેન્જના લક્ષ્યાંક કરતાં પણ નીચો છે એ સંજોગોમાં મૉનિટરી પૉલિસીના સાધનનો આર્થિક વિકાસનો દર વધારવા માટે ઉપયોગ કરવાનું રિઝર્વ બૅન્કે ઉચિત માન્યું છે. એનો અર્થ ભાવïવધારા સામેનાં જોખમો નથી એમ નહીં.

આ જોખમોની ગણતરી મૂકીએ તો કદાચ આ સંજોગોમાં ડૉ. ઉર્જિત પટેલે વ્યાજના દરમાં બૅક ટુ બૅક કુલ ૫૦ બેસિસ પૉઇન્ટનો ઘટાડો કરવાનું ઉચિત ન પણ માન્યું હોત. વ્યક્તિગત સૂઝ અને આઇડિઓલૉજી કોઈ પણ મહત્વના નિર્ણયમાં અગત્યનો ભાગ ભજવે છે. પાણીના અડધા ભરેલા ગ્લાસને ‘હાફ ફુલ કે હાફ એમ્પ્ટી’ ગણવો એ દૃષ્ટિ વ્યક્તિએ-વ્યક્તિએ બદલાઈ શકે. એમપીસીના બધા સભ્યો પૉલિસીના રેટ અને બૅન્કના અભિગમ પ્રત્યે પોતાનો મત આપવા સ્વતંત્ર છે. તો પણ એમપીસીની રિવ્યુ મીટિંગોમાં થતી ચર્ચાથી ગવર્નરના અભિગમનો ઓછોવત્તો પ્રભાવ કમિટીના સભ્યોના વિચારો અને નિર્ણય પર પડી શકે એની ના ન કહી શકાય.


પૉલિસી રેટ ઘટાડ્યા પછી રિઝર્વ બૅન્કની હંમેશની એક ચિંતા હોય છે અને એ છે બૅન્કો દ્વારા એના ઝડપી અમલની. સામાન્ય રીતે આમ બનતું હોતું નથી. ફેબ્રુઆરી 20૧૯માં કરાયેલા પૉલિસી રેટના ઘટાડાને પરિણામે બૅન્કોના વ્યાજના દર (માર્જિનલ કૉસ્ટ ઑફ ફન્ડ-બેઝ્ડ લેન્ડિંગ રેટ)માં અસરકારક ઘટાડો જોવા મળતો નથી. બૅન્કોને તેમના દર ઘટાડવા માટે રિઝર્વ બૅન્ક કે એના ગવર્નરે હળવું દબાણ પણ કરવું પડે છે અને એટલે જ રિઝર્વ બૅન્ક પૉલિસી રેટના ઘટાડાનો બૅન્કો દ્વારા અસરકારક અમલ કરાય એ માટેની માર્ગદર્શિકા પણ તૈયાર કરી રહી છે.

મૉનિટરી પૉલિસીના વ્યાજના દરના ઘટાડાના આ સાધનનો આર્થિક વિકાસ વધારવા માટે ઉપયોગ દ્વારા ઉપભોક્તાઓનો વપરાશ ખર્ચ વધે અને વપરાશ ખર્ચ વધે એટલે ચીજવસ્તુઓની ડિમાન્ડ વધે. એ વધતી ડિમાન્ડને પહોંચી વળવા ઉત્પાદન વધારવું પડે. ઉત્પાદન વધારવા માટે મૂડીરોકાણ (ખાનગી અને સરકારી) વધારવું પડે, જે કામ થોડેઘણે અંશે ઘટાડેલા વ્યાજના દર કરી શકે.

ગ્રોસ ફિક્સ્ડ કૅપિટલ ફૉર્મેશન (જીએફસીએફ)નો થોડો વધારો મૂડીરોકાણ માટેની માગ વધી હોવાનું સૂચવે છે, પણ એ સરકાર દ્વારા કરાતા માળખાકીય સવલતો (રોડવેઝ, અફૉર્ડેબલ હાઉસિંગ) માટેના ખર્ચને કારણે. પણ આના પરિણામે ખાનગી ક્ષેત્રે મૂડીરોકાણ વધવું જોઈએ એટલા પ્રમાણમાં વધ્યું નથી. કૅપિટલ ગુડ્સના ઉત્પાદન અને આયાતોના આંકડાઓ એનો પુરાવો છે.

રિઝર્વ બૅન્કના પ્રોજેક્શન પ્રમાણે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (સીપીઆઇ) દ્વારા અંદાજાતા ભાવવધારાના ઘટાડાનું ગણિત ગમે ત્યારે ઊંધું વળી શકે. એ માટેનાં જોખમોમાં સાઉથ વેસ્ટ મૉન્સૂનનો નબળો દેખાવ, ક્રૂડ ઑઇલનો અનપેક્ષિત ભાવવધારો અને ચીન-અમેરિકા તથા અમેરિકા-ભારત વચ્ચે ચાલી રહેલા વેપાર યુદ્ધને લીધે પેદા થતા તનાવનો ઉલ્લેખ કરી શકાય. એને કારણે દેશની નિકાસો પર પણ અવળી અસર પડી શકે.

રિઝર્વે બૅન્કે ભાવવધારાની એની ગણતરી ઊંધી વાળી શકે એવા એક મોટા જોખમ વિશે ‘નરો વા કુંજરો વા’ જેવું વલણ દાખવ્યું છે અને એ છે લોકસભાની ચૂંટણીઓમાં ખર્ચાતાં નાણાંના કારણે સરકારની બૅલૅન્સ શીટ પર પડનારી અસર અને એનો ભાવવધારા પર પડતો પ્રભાવ. સિસ્ટમમાં નાણાંની ઉપલબ્ધિ-પ્રવાહિતા મૅનેજ કરવા રિઝર્વ બૅન્ક દ્વારા કરાતા પ્રયાસોની મની સપ્લાય (નાણાનો પુરવઠો) અને ભાવવધારા પર પડનાર અસર વિશે પણ બૅન્કે કોઈ ચોક્કસ અંદાજ લગાવ્યો નથી.

છૂટક ભાવવધારાના અંદાજમાં રિઝર્વ બૅન્કે ઘટાડો કર્યો છે. (૧) જાન્યુ-માર્ચ 20૧૯ માટે ૨.૪ ટકા, (૨) 20૧૯-20ના પૂર્વાર્ધ (એપ્રિલ-સપ્ટે)માં ૨.૯-૩.૦ ટકા અને (૩) ઉત્તરાર્ધ (ઑક્ટો-માર્ચ)માં ૩.૫-૩.૮ ટકા. આ ઘટાડા પાછળનું એક મુખ્ય કારણ કોર ઇન્ફ્લેશન (ફૂડ અને ફ્યુઅલ સિવાયના)નો ફેબ્રુઆરી મહિનાનો અપેક્ષા કરતાં નીચો આંક છે, જેની સારી અસર હેડલાઇન ઇન્ફ્લેશન પર પણ પડી છે.

ગ્લોબલ સ્લોડાઉનના સંદર્ભમાં ભારતનું અર્થતંત્ર વધારે પડતું ધીમું પડી જશે એવી અર્થશાસ્ત્રીઓની માન્યતા રિઝર્વ બૅન્કને સ્વીકાર્યું નથી. અને એટલે જ બૅન્કે કૉર્પોરેટ ઇન્ડિયામાં ઘણાબધાની અપેક્ષા પ્રમાણે પૉલિસી રેટમાં ૫૦ બેસિસ પૉઇન્ટનો ઘટાડો કર્યો નથી કે નથી તો (સીઆરઆર) કૅશ રિઝર્વ રેશિયોમાં ઘટાડો કર્યો. એનો અભિગમ ‘તટસ્થ’માંથી બદલીને ‘અકોમોડેટિવ’ નથી કર્યો. જો બૅન્કે પૉલિસી રેટમાં ૫૦ બેસિસ પોઇન્ટનો ઘટાડો કર્યો હોત તો ગવર્નર ભૂતપૂર્વ સિનિયર સરકારી અધિકારી હોવાને નાતે રિઝર્વ બૅન્કની ઑટોનૉમી (સ્વાયત્તતા) જળવાઈ રહેવા વિશે પણ ગંભીર સવાલ ઊભો થાત.

૭.૨ ટકાનો અપેક્ષિત આર્થિક વિકાસનો દર વિકાસની ક્ષમતા (પોટેન્શિયલ) કરતાં ઓછો છે એટલે કે રિઝર્વ બૅન્કના મતે આઉટપુટ ગૅપ (ખરેખર ઉત્પાદન અને ઉત્પાદન માટેની ક્ષમતા વચ્ચેનો તફાવત) નેગેટિવ છે. એટલે કે વ્યાજના દર ઘટાડાય તો અર્થતંત્રમાં મૂડીરોકાણ અને એ દ્વારા ઉત્પાદન વધવાની સંભાવના છે. છેલ્લાં કેટલાંક વરસોમાં મૅન્યુફૅક્ચરિંગ ક્ષેત્રે કૅપેસિટી યુટિલાઇઝેશનનો ૭૨ ટકા આસપાસનો દર ડિસેમ્બર 20૧૮માં પૂરા થતા છેલ્લા ત્રણ મહિનામાં વધીને ૭૬ ટકાનો થયો છે, જે મૂડીરોકાણ દ્વારા ઉત્પાદન વધારવાની સંભાવનાનો પુરાવો છે.

ઑગસ્ટ 20૧૮માં ડૉ. ઉર્જિત પટેલે ઉપરાઉપરી બીજી વાર વ્યાજના દર વધાર્યા ત્યારની પરિસ્થિતિમાં રિઝર્વ બૅન્કના મતે આઉટપુટ ગૅપ લગભગ પુરાઈ ગયો હતો. એટલે વ્યાજના દર ઘટાડીને પણ વધારાના મૂડીરોકાણ દ્વારા આર્થિક વિકાસ વધારવાની સંભાવના નહીંવત્ હતી. એટલે કમ સે કમ ભાવવધારા સામેનાં જોખમો સામેની અગમચેતીરૂપે સળંગ બીજી વાર બૅન્કે વ્યાજના દર વધાર્યા હતા.

સીપીઆઇનો ભાવવધારો છેલ્લા સાત મહિનાથી રિઝર્વ બૅન્કના ચાર ટકાના લક્ષ્યાંકથી નીચે છે. કોર ઇન્ફલેશન (ફૂડ અને ફ્યુઅલ સિવાયનો ભાવવધારો) પાંચ ટકા જેટલો છે અને આ દરથી ઘટવાનું નામ લેતો નથી. પણ આ ભાવવધારો ડિમાન્ડનો વધારો દર્શાવતો હોઈ શકે (જેને કારણે આર્થિક વિકાસનો દર વધી શકે) એમ માનીને, ભાવવધારા સામેનાં જોખમોની અવગણના કરીને પણ, (આરબીઆઇ)ની (એમપીસી)એ પૉલિસી રેટ ઘટાડ્યા છે. કદાચ આ જ પરિસ્થિતિમાં ડૉ. પટેલ રિઝર્વ બૅન્કના ગવર્નર હોત તો પૉલિસી રેટમાં ઘટાડો ન પણ કરાયો હોત. પણ એ તો હવે એક કલ્પના જ રહી.

ડૉ. દાસ ભૂતપૂર્વ આર્થિક સચિવ હોવાને કારણે નાણા મંત્રાલયના આદેશ મુજબ રિઝર્વ બૅન્ક ચાલે છે એવી છાપ પણ ન ઊપસે અને છતાં આર્થિક વિકાસને અને મૂડીરોકાણને ઉત્તેજન મળે એ બે અંતિમ (એક્સ્ટ્રીમ) સરભર કરવામાં સફïળ રહ્યા છે.

આ પણ વાંચો : રેટ કટ અને ક્વૉન્ટિટિવ ઇઝિંગ શરૂ કરવા ટ્રમ્પનું ફેડ પર દબાણ

નજીકના ભૂતકાળમાં (આરબીઆઇ) દ્વારા એક સમયે ખરેખર પ્રવર્તમાન ભાવવધારા કરતાં નજીકના ભવિષ્યના સંભવિત ભાવવધારા પર ધ્યાન કેન્દ્રિત કરાતું હતું એ પરિસ્થિતિમાં થોડો વળાંક આવ્યો હોય એમ દેખાય છે. ડૉ. પટેલ અને ડૉ. દાસ બન્ને પોતાના વિકલ્પો ખુલ્લા રાખીને કામ કરતા હોવાની છાપ પડે છે. અભિગમના ફરક સાથે એકે પૉલિસી રેટ વધારીને તટસ્થ વલણ રાખ્યું. બીજા ગવર્નરે પૉલિસી રેટ ઘટાડીને તટસ્થ વલણ રાખ્યું. તટસ્થ વલણ નજીકના ભવિષ્યમાં નિર્ણય લેવામાં બૅન્કને થોડી મોકïળાશ આપે છે.

(લેખક ઇન્ડિયન મર્ચન્ટ્સ ચેમ્બરના ભૂતપૂર્વ ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ છે)

Whatsapp-channel Whatsapp-channel

08 April, 2019 12:12 PM IST | | અર્થતંત્રના આટાપાટા - જિતેન્દ્ર સંઘવી

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK