વ્યાજના દર માપમાં રહે તો આર્થિક વિકાસ ઝડપી બને

Published: 15th February, 2021 12:55 IST | Jitendra Sanghvi | Mumbai

પેટ્રોલ અને ડીઝલનો સતત થઈ રહેલ ભાવવધારો ભાવની સ્થિરતામાં વિલન બની શકે

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

ચાલુ મહિને લાંબા ગાળામાં આર્થિક વિકાસને વેગ આપવાની ક્ષમતા ધરાવતું કેન્દ્ર સરકારનું અંદાજપત્ર પેશ કરાયું. એ જ અઠવાડિયે લિક્વિડિટી અને વ્યાજના દર વચ્ચે સમતુલન કરતી રિઝર્વ બૅન્કની મૉનેટરી પૉલિસી જાહેર કરાઈ.

કેન્દ્ર સરકારના અંદાજપત્રમાં અને રિઝર્વ બૅન્કની મૉનેટરી પૉલિસીમાં આર્થિક સુધારાઓને અગ્રક્રમ અપાયો હોઈ બન્ને એકબીજાના પૂરક બની શકે તેમ છે. જો પૉલિસીનો અમલ ત્વરિત અને વ્યવસ્થિત રીતે કરાય તો.

આ બન્ને જાહેરાતો પછી સરકાર દ્વારા જાહેર કરાયેલ બે મુખ્ય મૅક્રો પેરામિટર્સ છૂટક ભાવવધારાનો નીચો દર અને ઔદ્યોગિક ઉત્પાદનનો વધારો પણ આર્થિક વિકાસ માટેનાં અનુકૂળ પરિબળો છે. જાન્યુઆરી મહિનાનો છૂટક ભાવવધારાનો ૪.૧ ટકાનો દર (ડિસેમ્બર ૨૦૨૦માં ૪.૬ ટકા અને જાન્યુઆરી ૨૦૨૦માં ૭.૬ ટકા)  છેલ્લા ૧૬ મહિનાનો સૌથી નીચો દર છે.

ડિસેમ્બર ૨૦૨૦માં ઔદ્યોગિક ઉત્પાદન ૧.૦ ટકા જેટલું વધ્યું (નવેમ્બરમાં ૨.૧ ટકાનો ઘટાડો અને ડિસેમ્બર ૨૦૧૯માં ૦.૪ ટકાનો વધારો).

છૂટક ભાવવધારાનો દર ઘટવાનું મુખ્ય કારણ ખાદ્ય ચીજવસ્તુઓના ભાવોન ૧૮ મહિનાનો સૌથી  નીચો વધારો (૨.૭ ટકા) ગણાય. જોકે બીજી તરફ પેટ્રોલિયમ પ્રોડક્ટસના સતત વધી રહેલા ભાવને કારણે ફ્યુઅલના ભાવ દસ મહિનાના સૌથી ઊંચા રહ્યા(૩.૯ ટકા).

કોર સૅક્ટર (ફૂડ અને ફ્યુઅલ સિવાય)નો ભાવવધારો પણ ૬.૫ ટકા જેટલો ઊંચો હતો.

ભાવવધારાને અંકુશમાં રાખવા માટે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં અમર્યાદિત વધારો ન થાય તે બહુ જરૂરી છે. ભારત જેવા વિશાળ દેશમાં ચીજવસ્તુઓના વિતરણ (ડિસ્ટ્રિબ્યુશન)નો ખર્ચ બહુ મોટો હોય છે એટલે આ વધારો પેટ્રોલ કે ડીઝલ પૂરતો મર્યાદિત ન રહેતા તેની ભારે મોટી અસર ટ્રાન્સપોર્ટના ખર્ચ દ્વારા વ્યાપક ભાવવધારા પર પડતી હોય છે. પેટ્રોલ-ડીઝલના ભાવ ગયે અઠવાડિયે સતત વધતા રહીને નવી ઊંચાઈએ પહોંચ્યા છે. નજીકના ભવિષ્યમાં એમાં ઘટાડાનો અવકાશ નથી.

કેન્દ્રીય નાણાપ્રધાને તેમના એક પ્રેસ ઇન્ટરવ્યુમાં એવો મત વ્યક્ત કર્યો છે કે કેન્દ્ર કે રાજ્ય સરકારો પેટ્રોલ અને ડીઝલને આવકના સાધનરૂપે જુએ તેમાં કશું ખોટું નથી. તેના પર કેન્દ્ર દ્વારા એક્સાઇઝ અને રાજ્યો દ્વારા વેટ નખાય છે. એટલે કેન્દ્ર સરકાર એક્સાઇઝના ઘટાડા દ્વારા તેના ભાવ ઘટાડવાની કોશિશ કરે તો પણ તેના ભાવ ઘટવાની કોઈ ખાતરી ન ગણાય. કારણ કે એક્સાઈઝના ઘટાડાને કોઈ એક કે એકથી વધુ રાજ્ય સરકારો પોતાને માટે ભાવ વધારવાની તક ઊભી થઈ હોવાનું માની તે પરના વેરા વધારવા માટે મુક્ત છે અને એ જ કારણે દરેક શહેર કે રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલના છૂટકભાવ અલગ અલગ છે.

પેટ્રોલિયમ પ્રોડક્ટસ અન્ય ચીજવસ્તુઓની જેમ જીએસટીના દાયરામાં ન આવે ત્યાં સુધી આ જટિલ સમસ્યાનું નિરાકરણ મુશ્કેલ છે. ત્યાં સુધી રિઝર્વ બૅન્ક માટે પણ છૂટક ભાવવધારો ઉપરની છ ટકાની મર્યાદામાં જાળવી રાખવાનું મુશ્કેલ ગણાય અને એટલે વ્યાજના દરના ઘટાડાની શક્યતા પણ ઓછી થઈ જાય.

એક તરફ કેન્દ્ર સરકારના મૂડીરોકાણ પરનો ખર્ચ વધારવાના નિર્ણયને કારણે સરકારી દેવું વધી રહ્યું હોય એને કારણે પણ વ્યાજના દર પર દબાણ આવે જ.

વ્યાજના દર નવી લોનોને કારણે વધતા રહે તો તે દ્વારા કરાતું મૂડીરોકાણ ઓછું પોષણક્ષમ થતું જાય. તેના રોકાણ દ્વારા કરાતાં ઉત્પાદન (જીડીપી)ના વધારાનો દર વ્યાજના દરથી નીચો રહે તો તે મૂડીરોકાણ આર્થિક રીતે સક્ષમ ન રહે. દેવાં પરના વ્યાજનો દર વધે તો મૂડીરોકાણ માટેના બૅન્ક ધિરાણની અને વપરાશ ખર્ચ માટેના ધિરાણની માગ ઘટે. ખાનગી મૂડીરોકાણ પર પણ તેની અસર પડે જ.

રિઝર્વ બૅન્કના અૅક્ટના સુધારા દ્વારા ૨૦૧૬માં તેને ફ્લેક્સીબલ ઇન્ફ્લેશન ટાર્ગેટિંગ ફ્રેમવર્કના અમલનો આદેશ અપાયો અને તે પ્રમાણે રિઝર્વ બૅન્ક માટે છ ટકાનું ભાવવધારા (પ્લસ-માઇનસ બે ટકા સાથે)નો લક્ષ્યાંક નક્કી કરાયો.

આર્થિક વિકાસને ધ્યાનમાં રાખીને ભાવ સ્થિર રાખવાના રિઝર્વ બૅન્કની મૉનેટરી પૉલિસી કમિટીને અપાયેલ આદેશને કારણે ૨૦૧૪ પહેલાંના ડબલ-ડિજિટ ઇન્ફ્લેશનને સીમિત કરવામાં મદદ મળી.

આમ મૉનેટરી પૉલિસી ફ્રેમવર્કને કારણે ભાવવધારો જળવાઈ રહ્યો, પણ આર્થિક વિકાસના દર પર તેની અવળી અસર પડી હોવાનું મનાય છે. જોકે આર્થિક વિકાસ પર અવળી અસર કરનાર અન્ય ઘણાં પરિબળો (ડિમોનેટાઇઝેશન, જીએસટીનો અમલ અને એ પૂરતાં ન હોય તેમ છેલ્લા ૧૦-૧૨ મહિનાથી ચાલી રહેલ મહામારી) હોવાને કારણે મૉનેટરી પૉલિસી ફ્રેમવર્કને તે માટે  સંપૂર્ણ રીતે  જવાબદાર ઠેરવી શકાય નહીં.

કેટલાંક વર્તુળોમાં આ પૉલિસી ફ્રેમવર્કમાંના છ ટકાના ઇન્ફ્લેશન ટાર્ગેટિંગને વધારવાની વાત કરાઈ રહી છે. તેમ થાય તો રિઝર્વ બૅન્ક માટે વ્યાજના દર ઘટાડવાનું અને તે દ્વારા આર્થિક વિકાસ વધારવાનું શક્ય બને. ૨૦૦૮-૦૯ની નાણાકીય ક્રાઇસીસ પછી રિઝર્વ બૅન્કે અપનાવેલ એકસ્પાન્સનરી મૉનેટરી પૉલિસીએ પછીનાં વર્ષોમાં ભાવવધારાની મોટી સમસ્યા ઊભી કરી હતી.

દેવાં પરના વ્યાજનો ખર્ચ વર્ષોવર્ષ વધતો જાય છે. રેવન્યુ અકાઉન્ટ કે કેપિટલ અકાઉન્ટ પરના  ઉત્પાદક ખર્ચમાં ધાર્યો વધારો થતો નથી. રેલવે પરના મૂડીરોકાણના ચાલુ વર્ષના અંદાજિત ખર્ચ ૭૦,૦૦૦ કરોડ રૂપિયાની સામે આ ખર્ચનો આંકડો ૨૯,૦૦૦ કરોડ રૂપિયા આસપાસ રહેવાની સંભાવના છે. આ તો એક ઉદાહરણ છે.

દેવું કરીને ફાઇનૅન્સ કરવાનો આર્થિક વિકાસનો રૂટ અપનાવવાથી  દેવાંમાં અને વ્યાજની ચુકવણીના ખર્ચમાં સતત વધારો થતો રહે છે, પણ તેને અનુરૂપ ઉત્પાદન કે આર્થિક વિકાસના દરમાં નહીં એવો ભૂતકાળનો અનુભવ છે. જોકે આવનાર વર્ષોમાં આ અનુભવ હવે કરાઈ રહેલ આર્થિક સુધારાઓને કારણે બદલાઈ પણ શકે. 

પંદરમાં નાણાકીય પંચે એટલે તેના અહેવાલમાં વધારાની ગ્રાન્ટ અમુક રાજ્ય સરકારોને શિક્ષણ, સ્વાસ્થ્ય, રસ્તાઓ, કૃષિ ક્ષેત્ર માટે ફાળવવાની ભલામણ કરી છે.

નવી જાહેરાત પ્રમાણેની બૅડ બૅન્ક દ્વારા બૅન્કોની બેલેન્સશીટ નીટ અને ક્લીન કરાશે તો જ બૅન્કો નવી લોન આપવા તૈયાર થશે. બૅડ બૅન્કને બૅન્કોની સ્ટ્રેસ્ડ એસેટ ડિસ્કાઉન્ટમાં મળશે તો જ આ સિસ્ટમ કામ કરશે. ભારત માટે આ અનુભવ નવો છે. ઝડપથી તેના અને અન્ય સુધારાઓના અમલ માટે આગળ વધીશું તો આર્થિક વિકાસનું લક્ષ્ય વહેલું સિદ્ધ થશે.

(લેખક ઇન્ડિયન મર્ચન્ટ‍્સ ચેમ્બરના ભૂતપૂર્વ ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ છે)

(આ લેખમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK