Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > સોનામાં ઈસીબીના સ્ટિમ્યુલસની તેજી ક્ષણજીવી નીવડી

સોનામાં ઈસીબીના સ્ટિમ્યુલસની તેજી ક્ષણજીવી નીવડી

14 September, 2019 12:52 PM IST | મુંબઈ ડેસ્ક

સોનામાં ઈસીબીના સ્ટિમ્યુલસની તેજી ક્ષણજીવી નીવડી

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


બુલિયન વૉચ

સોનાના ભાવમાં ગુરુવારે તેજી માટે પૂરતાં કારણો મળ્યાં હતાં પણ તેનાથી આવેલો ઉછાળો ટકી શક્યો ન હતો. અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વૉરમાં બન્ને દેશ એકબીજાને સહકાર આપી રહ્યા છે અને હવે સંધિ માટે કાર્ય કરશે એવી આશા હોવાથી સોનાના ભાવ ગુરુવાર સાંજથી જ ઘટવાના શરૂ થયા હતા. શુક્રવારે ભાવ એક સાંકડી સપાટી વચ્ચે અથડાઈ રહ્યા છે.



વૈશ્વિક બજારમાં બુધવારે હાજર સોનાનો ભાવ ૧૪૯૩.૮૨ ડૉલર પ્રતિ ઔંસની સપાટીએ બંધ આવ્યો હતો. યુરોપિયન સેન્ટ્રલ બૅન્કે વ્યાજદરમાં ઘટાડો કરતાં અને સ્ટિમ્યુલસ પૅકેજની જાહેરાત કરતા ગુરુવારે એક તબક્કે હાજરમાં સોનું વધી ૧૫૨૧.૨૯ ડૉલર પ્રતિ ઔંસની સપાટીએ પહોંચી ગયું હતું, પરંતુ અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વૉર મામલે વધારેને વધારે કૂણું વલણ અપનાવવામાં આવી રહ્યું હોવાથી ભાવ ફરી ઘટવા શરૂ થયા અને અને ગુરુવારે ૧૪૯૭.૪૨ ડૉલરની સપાટીએ બંધ આવ્યા હતા. શુક્રવારે ભાવ ફરી વધી ૧૫૦૮.૩૫ થયા બાદ ઘટવાના શરૂ થયા છે.


ન્યુ યોર્ક ખાતે બુધવારે કોમેકસ ડિસેમ્બર વાયદો ૧૫૦૩.૨૦ ડૉલરની સપાટીએ બંધ આવ્યો હતો જે ગુરુવારે ૧૫૨૩.૨૫ની સપાટી સુધી પહોંચ્યા બાદ ઘટીને ૧૫૦૭.૪૦ ડૉલર પ્રતિ ઔંસની સપાટીએ બંધ આવ્યો હતો. શુક્રવારે વાયદો ૧૫૦૬.૮૫ ડૉલર ખૂલી અત્યારે ૧૫૦૯.૩૫ ડૉલર પ્રતિ ઔંસની સપાટી ઉપર છે. ચાંદીનો વાયદો ગુરુવારે ૧૮.૪૪૮ની ઊંચી સપાટી સામે આજે ૧૮.૧૪૨ ડૉલર પ્રતિ ઔંસ છે.

ગુરુવારે ભારતીય બજાર બંધ રહી ત્યારે સોનાના ભાવ વૈશ્વિક બજારમાં ઉછળ્યા હતા તેની અસર ભારત ઉપર પડે એ પહેલાં જ ભાવ ફરી ઘટવા શરૂ થતાં ભારતમાં પણ સોનાના ભાવ ઘટ્યા હતા. મુંબઈ ખાતે હાજર સોનું રૂ. ૧૮૦ ઘટી રૂ. ૩૮,૮૪૦ પ્રતિ ૧૦ ગ્રામ અને અમદાવાદ ખાતે રૂ. ૧૮૫ ઘટી રૂ. ૩૮,૯૩૦ પ્રતિ ૧૦ ગ્રામ બંધ આવ્યું હતું. ચાંદીના ભાવ મુંબઈ ખાતે રૂ. ૭૩૦ ઘટી રૂ. ૪૭,૮૫૦ પ્રતિ કિલો અને અમદાવાદ ખાતે રૂ. ૮૪૦ ઘટી રૂ. ૪૭,૮૬૦ પ્રતિ કિલો બંધ આવ્યા હતા.


એમસીએક્સ સોનું ઑક્ટોબર વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ. ૩૭૭૨૮ ખૂલી, ઉપરમાં રૂ. ૩૭,૮૯૨ અને નીચામાં રૂ. ૩૭,૬૩૫ના મથાળે અથડાઈ પ્રથમ સત્રના અંતે રૂ. ૬૬ વધીને રૂ. ૩૭,૮૧૬ બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની સપ્ટેમ્બર કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે રૂ. ૧૫ વધીને ૮ ગ્રામદીઠ રૂ. ૩૦,૩૪૮ અને ગોલ્ડ-પેટલ સપ્ટેમ્બર કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે રૂ. ૧ વધીને ૧ ગ્રામદીઠ રૂ. ૩૮૦૩ થયા હતા, જ્યારે સોનું-મિની ઑક્ટોબર વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૬ વધીને બંધમાં રૂ. ૩૭,૮૦૩ના ભાવ રહ્યા હતા.

ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર કૉન્ટ્રૅક્ટ કિલોદીઠ રૂ. ૪૭,૦૫૨ ખૂલી ઉપરમાં રૂ. ૪૭,૪૧૦ અને નીચામાં રૂ. ૪૭,૦૧૧ના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રના અંતે રૂ. ૧૦૦ વધીને રૂ. ૪૭,૨૨૮ બંધ રહ્યો હતો. ચાંદી-મિની નવેમ્બર રૂ. ૧૦૬ વધીને રૂ. ૪૭,૨૪૯ અને ચાંદી-માઈક્રો નવેમ્બર રૂ. ૧૧૦ વધીને રૂ. ૪૭,૨૫૪ બંધ રહ્યા હતા.

ગુરુવારે યુરોપિયન સંઘની સેન્ટ્રલ બૅન્કે ડિપોઝિટ રેટ માર્ચ ૨૦૧૬ પછી પ્રથમ વખત ઘટાડી નેગેટિવ ૦.૫૦ ટકા કરવાની જાહેરાત કરી હતી અને નવેમ્બરથી તે દર મહિને સ્ટિમ્યુલસના ભાગરૂપે જરૂર પડ્યે ત્યાં સુધી ૨૦ અબજ યુરો (૨૨ અબજ ડૉલર) પ્રતિ માસના ધોરણે બૉન્ડની ખરીદી કરશે. બજારમાં એવી અપેક્ષા છે કે યુરોપની બૅન્કો પાસે સાત અબજ યુરો જેટલી અનામતો પડી છે એટલે આ સ્ટિમ્યુલસ લાંબુ ચાલશે અને હજી પણ વ્યાજદર નીચા કરવા પડશે.

બૅન્કોની કફોડી હાલત, સ્થાનિક સોનું ખરીદી શકતી નથી
ભારતમાં સ્થાનિક બજારમાં આયાતી કરતાં બે ટકા સસ્તું સોનું મળી રહ્યું હોવા છતાં બૅન્કો નિયમના કારણે તે ખરીદી શકતી નથી. ભારતમાં ઊંચા ભાવે માગ ઘટી હોવાથી આયાતી કરતાં સ્થાનિક બજારમાં સોનું સસ્તું મળી રહ્યું છે. બૅન્કિંગ રેગ્યુલેશન એક્ટ અનુસાર ભારતીય બૅન્કોએ સોનું વેચવા માટે ફરજીયાત રિઝર્વ બેંકની પરવાનગી અનુસાર ટ્રેડર્સ કે જવેલર્સ માટે આયાતી સોનું જ વેચવું પડે છે. ભારતમાં આવી લગભગ ડઝન જેટલી બૅન્કો છે જે ઝવેરીઓને ઘરેણા બનાવવા માટે સોનું ખરીદી આપે છે. છેલ્લા બે મહિનાથી ભારતમાં સોનાના ભાવ આયાતી બજાર કરતાં ડિસ્કાઉન્ટમાં છે. બૅન્કો ઘરેણા બનાવતા ઝવેરીઓ અને ટ્રેડર્સને સોનાનું ધિરાણ પણ કરે છે. વર્ષે લગભગ ૧૨૦ ટન જેટલા સોનાનું આ રીતે ધિરાણ થાય છે. સરકારી બૅન્કોને સોનું મોંઘું મળી રહ્યું હોવાથી અત્યારે તેમની હાલત કફોડી બની છે અને ઝવેરીઓ સ્થાનિક બજારમાંથી જ સોનાની ખરીદી કરી રહ્યા છે.

સાતમા દિવસે પણ રૂપિયો ઊછળ્યો
ક્રૂડ ઑઈલના ઘટી રહેલા ભાવ અને અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વૉરનો ઉકેલ આવશે એવી આશાએ ડૉલર સામે ભારતીય ચલણ સતત સાત દિવસથી વધી રહ્યું છે. ગત મંગળવારે ૭૨.૪૦ની કેલેન્ડર વર્ષની સૌથી નીચી સપાટીએ આવ્યા પછી રૂપિયો ડૉલર સામે સતત વધી રહ્યો છે. ગુરુવારે ડૉલર સામે ૭૧.૧૪ની સપાટીએ બંધ આવેલો રૂપિયો શુક્રવારે ડૉલર સામે રૂપિયો ૭૦.૯૪ ખૂલ્યો હતો અને વધી ૭૦.૮૬ થયો હતો એ પછી અચાનક જ ઘટી ૭૧.૧૫ થયા બાદ દિવસના અંતે ૨૨ પૈસા વધી આજે ૭૦.૯૨ બંધ આવ્યો છે. આજે પૂરા થયેલા સપ્તાહમાં ડૉલર સામે રૂપિયો ૮૨ પૈસા વધ્યો છે.

Whatsapp-channel Whatsapp-channel

14 September, 2019 12:52 PM IST | મુંબઈ ડેસ્ક

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK