ઈરાનનો તનાવ ઘટતાં રૂપિયામાં શાનદાર સુધારો :સોના-ચાંદી અને ક્રૂડ તૂટ્યાં

Published: Jan 13, 2020, 09:32 IST | biren vakil | Mumbai Desk

કરન્સી-કૉર્નર : બજારો હેડલાઇન અને ડેટા આધારિત થઈ ગયાં છે. એટલે ચાર્ટ કે ફન્ડામેન્ટલ જેવા પરંપરાગત ટૂલ્સ નકામા બની ગયા છે.

અમેરિકી પ્રમુખ ટ્રમ્પે ઈરાન મિસાઇલ હુમલાના અટૅકમાં કોઈ પગલાં ન લઈને અને હવે યુદ્ધની જરૂર નથી એમ કહેતાં અમેરિકા-ઈરાન વચ્ચેની તંગદિલીમાં નાટ્યાત્મક ઘટાડો આવ્યો હતો. પલટીમાર પ્રમુખની વાતોમાં આવી જઈને તેજી-મંદીનો વેપાર કરતા રોકાણકારો કે સટોડિયાઓ ફરી એક વાર બુદ્ધુ બન્યા હતા. જ્યારથી ટ્રમ્પ પ્રમુખ બન્યા છે ત્યારથી તેમની એક ખાસ વિશેષતા એ રહી છે કે માહોલ બનાવવો અને પછી અચાનક માહોલ વીંખી નાખવો. મેથોડિકલ મેડનેસ હોય કે પછી ઇનસાઇડર ટ્રેડિંગ, જે ગણો એ પણ વિખ્યાત બૅન્ક જે. પી. મૉર્ગને ટ્રમ્પે કરેલી ૧૪,૦૦૦ ટ્વીટનું ઍનૅલિસિસ કર્યા પછી એવું તારણ મળ્યું કે એમના ટ્વીટની બજાર પર વ્યાપક અસર થાય છે. બજારો હેડલાઇન અને ડેટા આધારિત થઈ ગયાં છે. એટલે ચાર્ટ કે ફન્ડામેન્ટલ જેવા પરંપરાગત ટૂલ્સ નકામા બની ગયા છે.

કરન્સી બજારોની વાત કરીએ તો રૂપિયામાં મોટી તેજી-મંદી આવ્યા કરે છે. પાછલા ત્રણ-ચાર માસમાં રૂપિયાની રેન્જ ૧૫૦-૨૦૦ પૈસા જેવી મોટી રહી છે. રોજિંદી વધઘટ એક જમાનામાં ૧૦-૧૫ પૈસા રહેતી હતી એ હવે ૫૦-૭૦ પૈસા રહે છે. રૂપિયામાં હવે સ્થાનિક બજાર કરતાં ઑફશૉર બજારોમાં કામકાજ વધુ થવા લાગ્યું છે. રિઝર્વ બૅન્કના ધ્યાનમાં પણ ઓફશોર ટ્રેડિંગની વાત આવી છે. થોડા સમય પછી ભારતમાં ૨૪ કલાકના ફોરેક્સ બજારો શરૂ થઈ જશે. રૂપિયામાં ઓપ્શન બજારમાં પણ જંગી કામકાજ થઈ રહ્યા છે. રિટેલ ટ્રેડર્સની ભાગીદારી ઘણી વધી ગઈ છે. રૂપિયો ઘટીને ૭૨.૧૧ થયા પછી તંગદિલી ઓસરતા ફરી ઝડપી ઊછળીને ૭૦.૮૫ થઈ ગયો હતો. ટેક્નિકલી રૂપિયાની રેન્જ ૭૦.૬૨-૭૨.૨૪ છે. બજેટ નજીક આવતું હોઈ આગામી ૩૦-૪૦ દિવસ રૂપિયા પર સ્થાનિક પરિબળોની અસર પણ પ્રભાવી રહેશે. વૈશ્વિક બજારોમાં તરલતાની રેલમછેલને કારણે અને નીચા વ્યાજદરોને કારણે વિદેશી રોકાણકારોની ભારતીય શૅરોમાં ધૂમ ખરીદી રહી છે. સ્ટાર્ટઅપ અને પીઇ ઇક્વિટી તેમ જ રિઅલ એસ્ટેટમાં પણ વિદેશી રોકાણ આવી રહ્યું છે. ભારતની ફોરેક્સ રિઝર્વ ૪૬૧ અબજ ડૉલરની વિક્રમી ઊંચી સપાટીએ છે.
વૈશ્વિક બજારોની વાત કરીએ તો યેનમાં તેજી ઓસરી હતી. યેન ૧૦૭.૮૦થી ઘટીને ફરી ૧૦૯.૫૦ થઈ ગયો હતો. યુરો અને પાઉન્ડમાં આવેલો સુધારો ધોવાઈ ગયો
હતો. શૅરબજારોમાં ફરી સુધારો
આવ્યો હતો.
હવે આગળ પર બજારની નજર ૧૫ જાન્યુઆરીએ અમેરિકા અને ચીન વચ્ચે પ્રથમ તબક્કાની ડીલ પર સમજૂતી અને ડીલની વિગતો જાણવા પર છે. એ પછી ૩૧ જાન્યુઆરીએ બ્રેક્ઝિટ ડેડલાઇન આવે છે. જોકે આ ઇવેન્ટ સરળતાથી પૂરી થઈ જશે એમ કહી શકાય. શુક્રવારે અમેરિકી જોબ ડેટા થોડો સોફટ હતો. ક્રૂડ ઑઇલમાં તેજી ઝડપી આવી અને ઝડપી ઓસરી એટલે હાલપૂરતું બજારોમાં હાશકારો છે.
ઇમર્જિંગ બજારોની વાત કરીએ તો ઇન્ડોનેશિયા રૂપિયામાં જોરદાર તેજી છે. રૂપિયો ૧૪,૨૦૦થી સુધરી ૧૩,૭૭૦ થયો છે. રૂપિયાની તેજીને રોકવા બૅન્ક દરમ્યાનગીરી નહીં કરે એમ કહેતા રૂપિયો વધ્યો હતો. કોરિયા વોન, ફિલિ પેસો, બ્રાઝિલ રિયાલ જેવી કરન્સી પણ મજબૂત રહી હતી.
અખાતી તનાવ વચ્ચે બિટકોઇનમાં ફરી ઉછાળો આવ્યો હતો. બિટકોઇન ૬૫૦૦થી ઊછળી ૮૨૦૦ થઈ ૭૮૦૦ ડૉલર હતો. સોનામાં ઉછાળે વેચવાલી હતી. સોનું ૧૬૧૧ ડૉલરથી ઘટીને ૧૫૫૦ ડૉલર હતું. જોકે એકંદરે ૫૦ ડૉલર વધેલું હતું. ક્રૂડ ઑઇલ ૬૫ ડૉલરથી ઘટીને ૫૮ ડૉલર થઈ ગયું હતું. ૨૦૨૦ અમેરિકી પ્રમુખની ચૂંટણીઓનું વરસ છે. આગળ પર ઘણી ઘટનાઓ લાઇન અપ છે. ટ્રેડ ડીલની સમજૂતી થઈ જાય પછી તરત ટ્રમ્પ બીજા તબક્કાની ડીલ માટે તૈયારી કરશે. ચૂંટણી સુધી ટ્રમ્પ કોઈને કોઈ રીતે તહલકા મચાવતા રહેશે. ૨૦૨૦ની ચૂંટણીમાં રશિયા દખલગીરી કરી ડેમોક્રેટિક ઉમેદવાર જો બિડેનને મદદ કરે એ પ્રકારે માહોલ બનાવવાનું ચાલુ થઈ ગયું છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK