દિવસભરની સ્થિરતા બાદ વૉલ સ્ટ્રીટમાં મંદીની સર્કિટ લાગતા સોનામાં તીવ્ર ઘટાડો

Published: Mar 13, 2020, 12:39 IST | Mumbai Desk

શૅરબજાર ૧૦ ટકા જેટલું ઘટી જતાં રોકાણકારોએ પોતાની સોનાની કમાણી બચાવવા માટે વેચવાલી કરી હતી અને સોનાના ભાવ ૧૬૦૦ ડૉલર પ્રતિ ઔંસની મહત્ત્વની સપાટી તોડી નીચે જતા રહ્યા હતા.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

વૈશ્વિક સોનાના ભાવમાં અમેરિકન ટ્રેડિંગ શરૂ થતાં જ મોટો કડાકો જોવા મળ્યો છે. ગઈ કાલે દિવસભર સોનાના ભાવ સ્થિર રહેવા પ્રયત્ન કરી રહ્યા હતા, પણ વૉલ સ્ટ્રીટમાં શૅરબજાર ખૂલતાની સાથે આ સપ્તાહની બીજી મંદીની સર્કિટ લાગી હતી. શૅરબજાર ૧૦ ટકા જેટલું ઘટી જતાં રોકાણકારોએ પોતાની સોનાની કમાણી બચાવવા માટે વેચવાલી કરી હતી અને સોનાના ભાવ ૧૬૦૦ ડૉલર પ્રતિ ઔંસની મહત્ત્વની સપાટી તોડી નીચે જતા રહ્યા હતા.
અમેરિકામાં શૅરબજાર મંદીમાં સરકી પડ્યાં છે. ટ્રેઝરીમાં નાકણાં ઠલવાઈ રહ્યાં છે અને ફેડરલ રિઝર્વ થકી આવતી નાણાપ્રવાહિતા ઘટી રહી હોવાથી શૅરબજારના ઘટાડા સામે સોનામાં પણ પ્રૉફિટ બુકિંગ જોવા મળ્યું હતું. કોમેક્સ પર સોનાનો વાયદો ૩.૩૧ ટકા કે ૫૪.૪૦ ડૉલર ઘટી ૧૫૮૭.૯૦ અને હાજરમાં સોનું ૩.૨૭ ટકા કે ૫૩.૪૨ ડૉલર ઘટી ૧૫૮૧.૬૨ ડૉલર પ્રતિ ઔંસની સપાટી પર હતું. કોમેક્સ ચાંદી વાયદો ૫.૧૬ ટકા કે ૮૭ સેન્ટ ઘટી ૧૫.૯૧ ડૉલર અને હાજરમાં ૫.૧૦ ટકા કે ૮૬ સેન્ટ ઘટી ૧૫.૯૦ ડૉલર પ્રતિ ઔંસની સપાટી પર હતા.
ડૉલર સામે રૂપિયો નબળો પડી રહ્યો હોવા છતાં, ભારતમાં સોનાની પડતર વધે એમ છતાં વૈશ્વિક ભાવ નરમ હોવાથી ભારતમાં હાજરમાં સોનું ઘટ્યું હતું. મુંબઈ ખાતે સોનું ૨૯૫ ઘટી ૪૪,૬૩૦ રૂપિયા અને અમદાવાદ ખાતે ૩૩૫ ઘટી ૪૪,૬૫૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ હતું. એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો ૧૦ ગ્રામદીઠ ૪૩,૩૦૨ ખૂલી ઉપરમાં ૪૩,૬૩૭ અને નીચામાં ૪૩,૨૧૫ રૂપિયાના મથાળે અથડાઈ પ્રથમ સત્રના અંતે ૮૮ વધીને ૪૩,૪૪૩ રૂપિયા બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની માર્ચ કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રના અંતે ૬૭ વધીને ૮ ગ્રામદીઠ ૩૪,૮૬૨ રૂપિયા અને ગોલ્ડ-પેટલ માર્ચ કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રના અંતે ૮ વધીને ૧ ગ્રામદીઠ ૪૨૮૮ રૂપિયા થયા હતા, જ્યારે સોનું-મિની એપ્રિલ વાયદો ૧૦ ગ્રામદીઠ ૯૦ વધીને બંધમાં ૪૩,૪૨૪ રૂપિયાના ભાવ રહ્યા હતા.
મુંબઈ હાજર ચાંદી ૯૩૦ ઘટી ૪૬,૩૬૦ રૂપિયા અને અમદાવાદ ખાતે ૯૩૫ ઘટી ૪૬,૪૨૦ રૂપિયા પ્રતિ કિલોનો ભાવ હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી મે કોન્ટ્રેક્ટ કિલોદીઠ ૪૫,૫૫૬ ખૂલી ઉપરમાં ૪૫,૮૪૬ અને નીચામાં ૪૫,૧૫૦ રૂપિયાના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રના અંતે ૨૧૯ ઘટીને ૪૫,૬૦૭ રૂપિયા બંધ રહ્યો હતો. ચાંદી-મિની એપ્રિલ ૨૧૧ ઘટીને ૪૫,૬૩૯ રૂપિયા અને ચાંદી-માઇક્રો એપ્રિલ ૨૦૮ ઘટીને ૪૫,૬૪૪ રૂપિયા બંધ રહ્યા હતા.
તીવ્ર ઘટાડા પહેલાં યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક દ્વારા વાઇરસની અસર ખાળવા માટે લેવામાં આવેલાં પગલાં અને હજી પણ વ્યાજદર ઘટશે એવી આશાએ સોનાના ભાવ સ્થિર હતા. શૅરબજારમાં જોવા મળી રહેલી વેચવાલી પણ સોનાના ભાવને ટેકો આપી રહી હતી, પણ જેવું બજાર સપ્તાહમાં બીજી વખત મંદીની સર્કિટમાં સરકી પડ્યું એ ભેગી જ સોનામાં વેચવાલી જોવા મળી રહી હતી. એવું લાગી રહ્યું છે કે સર્કિટના કારણે શૅર નહીં વેચી શકનારા લોકોએ સોનું વેચી પોતાનો નફો બાંધી દેવાનો પ્રયત્ન કર્યો હતો.
એશિયાઈ ચલણો ડૉલર સામે નરમ
કોરોના વાઇરસની વ્યાપક અસરોના કારણે એશિયામાં પણ વ્યાજદર ઘટાડવા પડશે એવી ધારણાઓ વચ્ચે મોટા ભાગનાં ચલણો ડૉલર સામે નબળાં પડ્યાં હતાં. યેન સામે ડૉલર એક ટકો ઘટ્યો હતો. આજે સિંગાપોર ડૉલર ૦.૪ ટકા ઘટી ગયો હતો. ઇન્ડોનેશિયાનો રૂપિયો ૦.૯ ટકા ઘટી ગયો હતો. થાઇલૅન્ડનો બહાત ૦.૪ ટકા, દક્ષિણ કોરિયાનો વોન એક ટકો ઘટી ગયો હતો. ફિલિપીન્સનો પેસો ૦.૬ ટકા ઘટી ગયો હતો. આ ઉપરાંત તાઇવાન ડૉલર ૦.૧૪ ટકા, મલેશિયાનો રિંગીટ ૦.૩૧ ટકા અને ચીનનો યુઆન ૦.૨૧ ટકા ઘટી ગયા હતા.
ડૉલર સામે રૂપિયો ઘટ્યો
શૅરબજારની વ્યાપક વેચવાલી અને વાઇરસના કારણે આર્થિક મંદી આવી શકે એવી ચિંતાઓ વચ્ચે ક્રૂડના ઘટી રહેલા ભાવને અવગણી ડૉલર સામે રૂપિયો ગઈ કાલે ઘટી ગયો હતો. ગઈ કાલે ૫૭ પૈસા ઘટી ૭૪.૨૧ની સપાટીએ બંધ આવ્યો હતો. એક તબક્કે ડૉલરની ભારે માગના કારણે રૂપિયો ૧૭ મહિનાની નીચી સપાટી ૭૪.૨૪ પર પહોંચ્યો હતો. ડૉલર સામે રૂપિયો ચાલુ કૅલેન્ડર વર્ષમાં અત્યાર સુધી ૩.૮ ટકા ઘટી ગયો છે. ડૉલર સામે રૂપિયાની ઇતિહાસની સૌથી નીચી સપાટી ૭૪.૪૮ છે જે ૨૦૧૮ની ૧૧ ઑક્ટોબરે નોંધાઈ હતી.
દરમિયાન, વિદેશી મૂડીપ્રવાહ ભારતની બહાર જઈ રહ્યો છે, શૅરબજાર સતત ઘટી રહ્યાં છે ત્યારે ડૉલરની માગ પૂરી કરવા માટે રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ સોમવારે બે અબજ ડૉલર વેચવાની જાહેરાત કરી છે. ભારત પાસે પર્યાપ્ત રીતે ૪૮૭ અબજ ડૉલરના ફૉરેક્સ રિઝર્વ છે એટલે ડૉલરની પ્રવાહિતા વધારવાથી કોઈ ચિંતા ઊભી થઈ શકે એમ નથી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK