Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > બૅન્કિંગ અને એફએમસીજી શૅરોમાં નબળાઈથી સેન્સેક્સ, નિફ્ટીમાં ઘટાડો

બૅન્કિંગ અને એફએમસીજી શૅરોમાં નબળાઈથી સેન્સેક્સ, નિફ્ટીમાં ઘટાડો

08 May, 2020 12:51 PM IST | Mumbai Desk
Mumbai Correspondence

બૅન્કિંગ અને એફએમસીજી શૅરોમાં નબળાઈથી સેન્સેક્સ, નિફ્ટીમાં ઘટાડો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


બુધવારે નરમ બંધ રહેલાં અમેરિકન શૅરબજાર, એશિયામાં મિશ્ર ટ્રેડિંગ અને યુરોપમાં મજબૂતી વચ્ચે ભારતીય શૅરબજારમાં આજે ઘટાડો જોવા મળ્યો હતો. બૅન્કિંગ અને એફએમસીજીની આગેવાની હેઠળ આજે બજારમાં ઉપલા મથાળે પ્રૉફિટ-બુકિંગ જોવા મળ્યું હતું. દેશમાં કોરોના વાઇરસના કેસ સતત વધી રહ્યા છે એની ચિંતા પણ જોવા મળી હતી. આ સપ્તાહમાં ચાર ટ્રેડિંગ સત્રમાં ત્રણમાં ઘટાડો જોવા મળ્યો છે. 

આજે બજારમાં સાંકડી વધઘટ જોવા મળી હતી. એક તબક્કે ઉપર ખૂલેલા બજારમાં બૅન્કિંગ ક્ષેત્રોમાં આવેલી વેચવાલીની અસરથી તરત જ ઘટાડો જોવા મળ્યો હતો અને પછી સેન્સેક્સમાં ૪૦૦ પૉઇન્ટની રેન્જમાં વધઘટ જોવા મળી હતી. સત્રના અંતે સેન્સેક્સ ૨૪૨.૩૭ પૉઇન્ટ કે ૦.૭૬ ટકા ઘટી ૩૧,૪૪૩.૩૮ અને નિફ્ટી ૭૧.૮૫ પૉઇન્ટ કે ૦.૭૮ ટકા ઘટી ૯૧૯૯.૦૫ની સપાટીએ બંધ આવ્યા હતા. નિફ્ટી ટેક્નિકલ રીતે ૫૦ દિવસની મૂવિંગ એવરેજની નીચે બંધ આવ્યો છે અને હજી બજારમાં સામાન્ય ઘટાડો જોવા મળી શકે છે. ઇન્ડેક્સ કંપનીઓમાં ઓએનજીસી ૪.૫૪ ટકાના ઘટાડા સાથે સૌથી વધુ ઘટ્યો હતો. આ ઉપરાંત, એનટીપીસી, કોટક મહિન્દ્ર બૅન્ક, ભારતી ઍરટેલ, ટાઇટન અને બજાજ ઑટો ઘટ્યા હતા. એચડીએફસી અને એચડીએફસી બૅન્ક ૨.૨૬ ટકા ઘટ્યા હોવાથી સેન્સેક્સ અને નિફ્ટીમાં સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો હતો.



સંસ્થાઓની આભાસી ખરીદી
ગુરુવારે શૅરબજારના પ્રાથમિક આંકડા અનુસાર વિદેશી ફંડ્સ દ્વારા ૧૯,૦૫૬ કરોડ રૂપિયા અને સ્થાનિક ફંડ્સ દ્વારા ૩૮૧૮ કરોડ રૂપિયાની ખરીદી કરવામાં આવી છે. જોકે આ આંકડા બજારમાં વાસ્તવિક ખરીદ-વેચાણ દર્શાવતા નથી. આજે દેશની સૌથી મોટી એફએમસીજી કંપની હિન્દુસ્તાન યુનિલીવરમાં ૨૪,૬૦૦ કરોડ રૂપિયાથી ૨૪,૯૦૦ કરોડ રૂપિયા વચ્ચેના ભાવે ગ્લેક્સોએ શૅર વેચ્યા હતા. ગ્લેક્સો પાસેથી લીવરે હોર્લિક્સનો બિઝનેસ ખરીદ્યો તેની સામે આ શૅર મળ્યા હતા. એમાંથી હિસ્સો બજારમાં વેચવામાં આવ્યો હતો. ભારતના સેકન્ડરી માર્કેટના ઇતિહાસમાં સૌથી મોટા સોદામાં સંસ્થાઓએ ખરીદી કરી હોવાના કારણે આજે ફંડ્સની ખરીદીના આંકડા ઘણા મોટા લાગે છે.


નૅશનલ સ્ટૉક એક્સચેન્જ ઉપર આજે ખાનગી બૅન્કો, ફાઇનૅન્શિયલ સર્વિસ અને ઑટો સહિત નવ ક્ષેત્રોમાં ઘટાડો જોવા મળ્યો હતો.. સરકારી બૅન્કો અને મીડિયામાં આંશિક વૃદ્ધિ જોવા મળી હતી. એક્સચેન્જ પર ૧૩ કંપનીઓના શૅરના ભાવ નવી બાવન સપ્તાહની ઉપરની સપાટીએ બંધ આવ્યા હતા, જ્યારે ૨૬ના ભાવ નવી નીચી સપાટીએ બંધ આવ્યા હતા. અહીં ૧૫૨ કંપનીઓમાં તેજીની સર્કિટ હતી જ્યારે ૧૫૯માં મંદીની સર્કિટ જોવા મળી હતી.

બીએસઈ પર ૩૬ કંપનીઓના શૅરના ભાવ નવી બાવન સપ્તાહની ઉપરની સપાટીએ બંધ આવ્યા હતા જ્યારે ૯૨ના ભાવ નવી નીચી સપાટીએ બંધ આવ્યા હતા. અહીં ૨૩૪ કંપનીઓમાં તેજીની સર્કિટ હતી જ્યારે ૨૨૪માં મંદીની સર્કિટ જોવા મળી હતી. બીએસઈ સ્મૉલ કૅપ ઇન્ડેક્સ ૦.૧૪ ટકા અને મિડ કૅપ ઇન્ડેક્સ ૦.૫૩ ટકા ઘટીને બંધ આવ્યા હતા. ગુરુવારે પૉમ્બે એક્સચેન્જનું માર્કેટ કૅપિટલાઇઝેશન ૭૨,૦૩૯ કરોડ ઘટી   ૧૨૨.૨૩ લાખ કરોડ રૂપિયા રહ્યું હતું.


એફએમસીજીમાં વેચવાલી
એફએમસીજી કંપનીઓમાં આજે વેચવાલી જોવા મળી હતી. નિફ્ટી એફએમસીજી ઇન્ડેક્સ આજે ૧.૪૧ ટકા ઘટીને બંધ આવ્યો હતો. ગોદરેજ કન્ઝ્યુમર આજે ૪.૧૮ ટકા ઘટી ૪૮૬ રૂપિયા, ડાબર ૨.૮૭ ટકા ઘટી ૪૪૨.૬૦ રૂપિયા, કોલગેટ ૨.૭૧ ટકા ઘટી ૧૩૦૪.૮ રૂપિયા, બ્રિટાનિયા ૨.૫૭ ટકા ઘટી ૨૯૧૧ રૂપિયા, ઇમામી ૧.૮૬ ટકા ઘટી ૧૭૭ રૂપિયા, આઇટીસી ૧.૬૮ ટકા ઘટી ૧૬૧.૧૫ રૂપિયા, મેરીકો ૧.૩૫ ટકા ઘટી ૨૯૯ રૂપિયા, જુબિલન્ટ ફૂડ્સ ૦.૬૧ ટકા ઘટી ૧૫૪૫.૫ રૂપિયા, હિન્દુસ્તાન યુનિલીવર ૦.૬૧ ટકા ઘટી ‍૧૯૮૮ રૂપિયા બંધ આવ્યા હતા.

ખાનગી બૅન્કોમાં પ્રૉફિટ-બુકિંગ
બુધવારે જે ક્ષેત્રના કારણે શૅરબજારમાં તેજી જોવા મળી હતી એમાં જ આજે વેચવાલી હતી. નિફ્ટી બૅન્ક આજે ૧.૧૩ ટકા અને નિફ્ટી પ્રાઇવેટ બૅન્ક ૦.૮૮ ટકા ઘટીને બંધ આવ્યા હતા. ખાનગી બૅન્કોમાં આજે કોટક મહિન્દ્ર બૅન્ક ૩.૬૯ ટકા ઘટી ૧૨૦૦ રૂપિયા, એચડીએફસી બૅન્ક ૨.૦૨ ટકા ઘટી ૯૨૭.૩ રૂપિયા, આરબીએલ બૅન્ક ૧.૪ ટકા ઘટી ૧૩૦.૨૫ રૂપિયા, ફેડરલ બૅન્ક ૧.૨૬ ટકા ઘટી ૪૩.૨૫ રૂપિયા, સિટી યુનિયન બૅન્ક ૧.૧૩ ટકા ઘટી ૧૩૯.૬૫ રૂપિયા, આઇસીઆઇસીઆઇ બૅન્ક ૧.૦૩ ટકા ઘટી ૩૩૭.૯ રૂપિયા અને આઇડીએફસી ફર્સ્ટ બૅન્ક ૦.૯૫ ટકા ઘટી ૨૦.૭૫ રૂપિયા બંધ રહ્યા હતા. સામે ઍક્સિસ બૅન્ક ૨.૪૮ ટકા વધી ૩૯૮.૫ રૂપિયા અને ઇન્ડસઇન્ડ બૅન્ક ૬.૫૮ ટકા વધી ૪૫૩.૫ રૂપિયા બંધ રહ્યા હતા. સરકારી બૅન્કોમાં યુનિયન બૅન્ક ઑફ ઇન્ડિયા ૧.૬૩ ટકા, આંધ્ર બૅન્ક ૧.૪૨ ટકા, બૅન્ક ઑફ મહારાષ્ટ્ર ૦.૭૭ ટકા, પંજાબ ઍન્ડ સિંધ બૅન્ક ૦.૭ ટકા, યુકો બૅન્ક ૦.૫ ટકા, બૅન્ક ઑફ ઇન્ડિયા ૦.૩૧ ટકા અને સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા ૦.૨ ટકા ઘટ્યા હતા.

હિન્દુસ્તાન યુનિલીવરમાં ગ્લેક્સોએ હિસ્સો વેચ્યો
આજે ચાલુ બજારે બ્રિટનની ગ્લેક્સો સ્મિથક્લાઇન દ્વારા ૧૩.૩ કરોડ શૅર કે શૅરમૂડીના ૫.૭ ટકા હિસ્સો વેચવામાં આવ્યો હતો. આ હિસ્સો ૧૮૫૦થી ૧૯૫૦ રૂપિયાના ભાવે વેચવામાં આવ્યો હોવાથી (જે બજારભાવ કરતાં ઘણો નીચો ભાવ છે) એક તબક્કે હિન્દુસ્તાન યુનિલીવરના શૅર ૫.૮ ટકા જેટલા ઘટી ગયા હતા, પણ દિવસ દરમિયાન એમાં નીચા મથાળે ખરીદી આવી હતી અને શૅર ૦.૮૬ ટકાના ઘટાડા સાથે ૧૯૯૨.૫૦ રૂપિયાના સ્તર પર બંધ આવ્યો હતો. ૮ એપ્રિલના રોજ ૨૬૧૪ રૂપિયાની વિક્રમી સપાટી પછી શૅરના ભાવ આજ સુધીમાં ૨૩.૭ ટકા જેટલા ઘટી ગયા છે.

પરિણામની અસર
ઍડિશનલ ટીયર-૧ના બૉન્ડની માંડવાળના કારણે યસ બૅન્કે માર્ચના અંતે ૨૬૨૮.૬૧ કરોડ રૂપિયાનો નફો કર્યો હતો. બૅન્કની આવક ૪૪ ટકા વધી હતી. આ માંડવાળ બાદ કરતાં બૅન્કે ૩૬૬૮ કરોડ રૂપિયાની ખોટ કરી હતી જે ગયા માર્ચમાં ૧૫૦૬.૬૪ કરોડ રૂપિયા હતી. બૅન્કની નબળી લોન અંગે જોગવાઈઓ પૂર્ણ થઈ ગઈ છે એવી ધારણાએ આજે શૅરના ભાવ ૬.૮ ટકા વધી ૨૮.૧૫ રૂપિયા બંધ આવ્યા હતા. દેશની અગ્રણી આઇટી કંપની એચસીએલ ટેક્નૉલૉજીસના શૅર આજે ૧.૫૦ ટકા ઘટ્યા હતા. કંપનીનો નફો ૩.૮ ટકા અને આવક ૨.૫ ટકા વધી હોવા છતાં શૅરના ભાવમાં પ્રૉફિટ-બુકિંગ જોવા મળ્યું હતું. નફો ૩૨ ટકા અને વેચાણ ૨૧ ટકા ઘટ્યું હોવાથી સલોરા ઍક્ટિવ ફાર્માના શૅર આજે ૧૨.૧૪ ટકા ઘટ્યા હતા.

અન્ય શૅરોમાં વધઘટ
૫૦૦૦ કરોડ રૂપિયાની મૂડી ઊભી કરવાની જાહેરાત સાથે એચડીએફસીના શૅર આજે ૧.૬૮ ટકા ઘટ્યા હતા. પર્સીસ્ટન્ટ સિસ્ટમે આજે ડિફેન્સ ક્ષેત્રની અગ્રણી દસાઉ સાથે ભાગીદારીની જાહેરાત કરતાં ૫.૩૪ ટકા વધ્યા હતા.

Whatsapp-channel Whatsapp-channel

08 May, 2020 12:51 PM IST | Mumbai Desk | Mumbai Correspondence

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK