ક્યા ચલ રહા હૈ? બસ કોરોના, વેક્સિન ઔર માર્કેટ ચલ રહા હૈ

Published: 30th November, 2020 11:20 IST | Jayesh Chitalia | Mumbai

સમયસર પ્રોફિટ બુક નહીં કરે એ અને સમયસર ખરીદી નહીં કરે એ બન્ને પસ્તાશે

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

આ દિવસોમાં શૅરબજાર જ નહીં, કોઈ પણ વિષયમાં પૂછવામાં આવે કે શું ચાલે છે કે શું લાગે છે, તો જવાબ એ જ મળે કે બસ, કોરોના પાછો આક્રમણ ન કરે, વૅક્સિન જલદી લાગુ થઈને સફળ બને અને ઇકોનૉમિ તેમ જ માર્કેટની રીકવરી ચાલુ રહે, ઔર ક્યા ચાહિયે જીને કે લિયે

ગયા સપ્તાહના પ્રથમ દિવસની શરૂઆત વોલેટિલિટી બાદ પૉઝિટિવ અંત સાથે થઈ હતી. સેન્સેક્સ ૩૦૦ પૉઇન્ટ ઉપર વધીને પાછો ફર્યો હતો, જે આખરમાં ૧૯૪ પૉઇન્ટ વધીને ૪૪૦૦૦ ઉપર બંધ રહ્યો હતો, ખરેખર તો દિવસ દરમ્યાન તેણે નવી ઊંચી સપાટી બનાવી લીધી હતી. નિફ્ટી ૬૭ પૉઇન્ટ વધીને ૧૨૯૨૬ બંધ રહ્યો હતો. ઈન્ટ્રા-ડેમાં બન્ને ઇન્ડેક્સે ઊંચું લેવલ હાંસલ કર્યું હતું. આ બાબત તેજીનો ટ્રેન્ડ ચાલુ હોવાનું પ્રતિત કરાવતો હતો. બૅન્ક સ્ટૉક્સ સિવાય મોટા ભાગના સૅકટરમાં વધારો નોંધાયો હતો. લેવાલીના જોરે તેજીવાળા જોશમાં રહ્યા હતા. તેજીને જોઈ યા સતત વધતા માર્કેટને જોઈ નવા-જુના રોકાણકારો વધુને વધુ ખરીદી ચાલુ રાખી રહ્યા હોવાનું જણાતું હતું. મજાની વાત એ હતી કે સ્મૉલ અને મિડ કૅપ સ્ટૉક્સ ખાસ્સા વધ્યા હતા.  માર્કેટ બ્રેડથ પણ નોંધનીય પૉઝિટિવ રહી હતી.

નિફ્ટી પ્રથમવાર ૧૩૦૦૦ને પાર

મંગળવારે માર્કેટે વધુ જોરથી શરૂઆત કરીને ઉછાળો દર્શાવ્યો હતો. સવારના બે કલાકમાં જ સેન્સેક્સ ૩૦૦ પૉઇન્ટ પ્લસ થયો અને ૪૪૦૦૦થી ખાસ્સો ઉપર પહોંચી ગયો હતો, નિફ્ટી પહેલી જ વાર ૧૩૦૦૦ની સપાટી વટાવી ગયો હતો. યુએસ માર્કેટ પણ ઊંચું હતું અને વેક્સિનના સમાચારની અસર રૂપે માહોલ તેજીનો બનતો ગયો હતો. બજારની તેજીનાં કારણોમાં સૌથી મોટી બાબત વેક્સિનની આશા ગણાય. વિવિધ દેશોમાં તેના અમલની અસરકારકતા  ઊંચી  રહી  છે, જે માર્કેટના સેન્ટિમેન્ટને બુસ્ટ આપી રહ્યું છે. બીજી તરફ  યુએસ સહિત કેટલાક દેશોમાં કોરોનાના સેકન્ડ વેવની માઠી અસર છતાં વેક્સિનના પરિણામે ગ્લોબલ માર્કેટ તેજીમય રહ્યું હતું. તેજીનું ત્રીજું કારણ વિદેશી રોકાણકારોની સતત ખરીદી પણ ગણાય છે. એકલા નવેમ્બર મહિનામાં એફઆઇઆઇ તરફથી ૫૧,૦૦૦ કરોડ રૂપિયાની ખરીદી થઈ છે. જેની સામે સ્થાનિક સંસ્થાઓએ નવેમ્બરમાં ઊંચા માર્કેટને જોઈ વધુ સાવચેતીના અભિગમ સાથે ૩૫,૦૦૦ કરોડથી વધુ વેચવાલી કરી છે. આ તેજીના ટ્રૅન્ડમાં ઑટો, ફાઇનૅન્શિયલ, બૅન્ક સૅકટરનો મોટો ફાળો રહ્યો ગણી શકાય. આમ મંગળવારે  વિવિધ પૉઝિટિવ પરિબળોની અસર રૂપે સેન્સેક્સ ૪૪૫ પૉઇન્ટ વધીને ૪૪૫૨૩  બંધ રહ્યો હતો અને નિફ્ટી ૧૨૮ પૉઇન્ટ વધીને ૧૩૦૫૫  બંધ રહ્યો હતો.

બુધવારે પ્રોફિટ બુકિંગનું કરેક્શન

મંગળવારે મોદીએ રાજ્યો સાથેની બેઠકમાં કોવિડ અને વેક્સિન અંગેની તૈયારીની વાત કર્યા બાદ બુધવારે માર્કેટનો વધારો આગળ વધે એવો માહોલ બનવો જોઈતો હતો, કારણ કે મોદી સરકારે રાજ્યોને વેક્સિન માટે સ્ટોરેજ વ્યવસ્થા કરવાની સૂચના આપી હતી, અર્થાત વેક્સિન બહુ દૂર નથી, જે પછી પણ બુધવારે માર્કેટ નેગેટિવ ટ્રૅન્ડ સાથે તૂટી ગયું હતું.  બીજે દિવસે -ગુરુવારે ડેરિવેટિવ્ઝના સેટલમેન્ટનો છેલ્લો દિવસ હોવાથી  મોટે પાયે  પ્રોફિટ બુકિંગ થયું હતું. જોકે કરેક્શનની તાતી જરૂર પણ હતી.  કેમ કે નિફટી ૧૩૦૦૦ ક્રોસ કરી આવ્યા બાદ પણ નફો બુક ન થાય તો એ નવાઈની તેમ જ ભયની વાત બનતી હતી. આમ તો બજાર શરૂમાં વધીને કરેક્શનમાં આવ્યું હતું, જેથી કુલ ઘટાડો ૯૦૦ પૉઇન્ટથી વધુ મોટો હતો. અંતમાં સેન્સેક્સ ૬૯૫ પૉઇન્ટ માઈનસ થઈ ૪૩૮૨૮ બંધ રહ્યો હતો અને નિફ્ટી બીજે જ દિવસે ૧૩૦૦૦ની સપાટી તોડી ૧૯૭ પૉઇન્ટ માઈનસ થઈ ૧૨૮૫૮ બંધ રહ્યો હતો. ગુરુવારે પણ કરેક્શન ચાલુ રહ્યું હતું, જે માટે આગલા દિવસના કારણ જ જવાબદાર રહ્યા હતા. અલબત્ત બુધવાર જેવો કડાકો નહોતો, પરંતુ બપોર સુધીમાં તો માર્કેટે રીકવરીમાં ઝડપ હાંસલ કરી હતી, જેથી અંતમાં સેન્સેક્સ ૪૪૧ પૉઇન્ટ વધીને પુનઃ ૪૪૦૦૦ ઉપર બંધ રહ્યો હતો, જ્યારે કે નિફ્ટી ૧૨૮ પૉઇન્ટના સુધારા સાથે ૧૩૦૦૦ નજીક પહોંચી ૧૨૯૮૭ બંધ રહ્યો હતો.

નજર રિઝર્વ બૅન્ક અને

યુએસ પૅકેજ પર

શુક્રવારની માર્કેટની શરૂઆત કરેક્શન સાથે થઈ, આમ તો બુધવારે મોટું કરેક્શન થયા બાદ ગુરુવારે અણધારી રીકવરી થઈ ગઈ હતી. હાલ માર્કેટની ચાલ કે વધઘટ કોરોનાના સેકન્ડ વેવ અને વેક્સિનના ફર્સ્ટ વેવના બુરા-સારા સમાચાર સંકેત પર આધારિત બની ગઈ છે. સપ્તાહના અંતિમ દિવસે વોલેટિલિટી બાદ માર્કેટ સાધારણ ઘટીને બંધ રહ્યું હતું. સેન્સેક્સ ૧૧૦ પૉઇન્ટ ઘટીને  ૪૪૧૪૯ બંધ અને નિફ્ટી માત્ર ૧૮ પૉઇન્ટ ઘટીને ૧૨૯૬૮ બંધ રહ્યો હતો. હવે પછી બજારની નજર રિઝર્વ બૅન્કની નાણાં નીતિ તેમ જ યુએસ સ્ટિમ્યુલસ પૅકેજ પર રહેશે. આ પરિબળ માર્કેટને બુસ્ટ આપવામાં નિમિત્ત બનશે.  

ઇકૉનૉમિક રીકવરી ઝડપ પકડશે

ભારતીય અર્થતંત્રએ ધારણા કરતાં સારી રીકવરી દર્શાવી હોવાનું રિઝર્વ બૅન્કે નોંધ્યું છે, જોકે હવે તહેવારો પૂરા થતાં આ રીકવરી કેટલાં પ્રમાણમાં ચાલુ રહે છે તે જોવાનું રહેશે. સેકન્ડ વેવના ભયથી ડિમાંડ કે ખર્ચમાં કાપ આવી શકે છે, જેથી ટૂંકા ગાળામાં તેની અસર રહી શકે, પરંતુ ફરી ગ્રોથની ગાડી દોડવી શરૂ કરશે એમ લાગે છે. ભારતીય અર્થતંત્રની રીકવરી ઝડપ પકડશે એવી ધારણા વધુ વિવિધ વિદેશી સંસ્થાઓ પણ વ્યકત કરી રહ્યા છે. 

માર્કેટનો મૂડ બુલિશ

અત્યારે તો બજારનો મૂડ જોઈને એમ લાગે છે કે કોરોનાના સેકન્ડ વેવના ભય, સરકારના સંભવિત અંકુશાત્માક પગલાં વચ્ચે પણ શૅરોની તેજી અકબંધ છે. જેનું એકમાત્ર કારણ વેક્સિન તો છે જ, એ ઉપરાંત માર્કેટમાં પ્રવાહિતા છલકાય છે અને દરેક જણ શૅરબજારની તેજી હજી વધતી રહેશે એવી આશા રાખે છે. બજારના અનુભવીઓ માને છે કે બજારમાં હેવી કરેક્શન પણ આવે તો એ ખરીદીની નવી ઉત્તમ તક બની શકે છે. કેમ કે આગામી વરસે પણ તેજીનો ટ્રૅન્ડ ચાલુ રહેવાની શક્યતા ઊંચી છે.

(આ લેખમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK