આર્થિક સ્લોડાઉન છતાં રિઝર્વ બૅન્કનું ફોકસ ભાવવધારા પર કેન્દ્રિત થયું

Published: Dec 09, 2019, 12:41 IST | Jitendra Sanghvi | Mumbai

ફિસ્કલ પૉલિસીના ફેરફાર માટે બૉલ હવે સરકારની કોર્ટમાં

રિઝર્વ બૅન્ક
રિઝર્વ બૅન્ક

છેલ્લી પાંચ પૉલિસીની જાહેરાતમાં વ્યાજના દર સતત ઘટાડ્યા પછી માર્કેટ અને નિષ્ણાતોની ધારણાથી વિપરીત આશ્ચર્યજનક રીતે રિઝર્વ બૅન્કે ગયે અઠવાડિયે જાહેર કરાયેલ મૉનિટરી પૉલિસીમાં વ્યાજના દર જાળવી રાખ્યા છે. ડૉ. શક્તિકાંત દાસે ગયા ડિસેમ્બરમાં ગવર્નર પર સંભાળ્યા પછી તેમની આ છઠ્ઠી વારની પૉલિસીમાં વ્યાજના દર પહેલી વાર યથાવત્ રાખ્યા છે. એ આ પૉલિસીની વિશેષતા છે. આ પૉલિસીની બીજી વિશેષતા એ છે કે આ નિર્ણય બહુમતીએ નહીં પણ સર્વાનુમતીએ લેવાયો છે.

સામાન્ય રીતે રિઝર્વ બૅન્કનું ફોકસ ભાવવધારા અને આર્થિક વિકાસ વચ્ચે સમતુલા જાળવવાનું રહ્યું છે, પણ ડૉ. દાસે ફેબ્રુઆરી ૨૦૧૯માં જાહેર કરેલ તેમની પહેલી પૉલિસીમાં આર્થિક વિકાસના દર તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું અને વ્યાજના દર ઘટાડવાની શરૂઆત કરી. જોકે સીપીઆઈનો બે ટકા આસપાસનો ભાવવધારો રિઝર્વ બૅન્કના ભાવવધારાની ૨થી ૬ ટકાની રેન્જમાં પણ નીચેની રેન્જ નજીકનો હતો. આર્થિક વિકાસનો દર ઘટવાતરફી અને ભાવવધારાનો દર લગભગ સ્થિર હોવાથી આર્થિક વિકાસને પ્રાધાન્ય આપવા માટે પરિસ્થિતિ સાનુકૂળ હતી. 

ડિસેમ્બર ૨૦૧૯ની પરિસ્થિતિ ફેબ્રુઆરી ૨૦૧૯ કરતાં થોડી જુદી છે. કઈ રીતે? આજે પણ આર્થિક વિકાસનો દર ઘટાડાતરફી છે, પણ ભાવવધારો ઑક્ટોબરમાં રિઝર્વ બૅન્કનું ૪ ટકાનું મધ્યમ ગાળાનું લક્ષ્યાંક વટાવી ગયો છે અને એટલે જ બૅન્કે ભાવવધારાના કન્ટ્રોલને  પ્રાધાન્ય આપીને વ્યાજના દરના ઘટાડા પર બ્રેક લગાવી છે.

પૉલિસી રેટના ઘટાડાની મજબૂત અપેક્ષાઓ વચ્ચે વ્યાજના દર જાળવી રખાયા તેના બીજા પણ થોડાં કારણો નીચે પ્રમાણે છે :

૧)૩૦ નવેમ્બરે જાહેર કરાયેલ ૨૦૧૯-૨૦ના સપ્ટેમ્બર ક્વાર્ટરનો આર્થિક વિકાસનો ૪.૫૫ ટકાનો દર છેલ્લા ૨૬ ક્વાર્ટરનો સૌથી નીચો દર હતો. જાન્યુઆરી-માર્ચ ૨૦૧૩માં આ દર ૪.૩ ટકા હતો. ઉપરાંત આ દર સળંગ છ ક્વાર્ટરથી ઘટી રહ્યો છે.

૨)મૅન્યુફૅક્ચરિંગ ક્ષેત્રના જીડીપીના દરમાં એક ટકાનો પહેલો ઘટાડો છે જે અર્થતંત્રમાં માગનો અભાવ દર્શાવે છે. વિશ્વના આર્થિક સ્લોડાઉન તથા ચીન-અમેરિકા અને ભારત-અમેરિકાના વેપારયુદ્ધને કારણે આપણી નિકાસોમાં સતત થઈ રહેલ ઘટાડો તે માટે જવાબદાર છે.

આવી સ્લોડાઉનની પરિસ્થિતિ (જે ગમે ત્યારે મંદીમાં પરિવર્તિત થઈ શકે) વચ્ચે પણ રિઝર્વ બૅન્કે નબળા આર્થિક વિકાસનો દર વધારવા માટે વ્યાજના દર ઘટાડ્યા નથી, કારણ શું?

૩)ઑક્ટોબર મહિને સીપીઆઇનો ભાવવધારો ૪.૬ ટકા (સપ્ટેમ્બરમાં ૪ ટકા)નો થયો. ઉપરાંત સીપીઆઇના ૨૦૧૯-૨૦ના ઉત્તરાર્ધ (ઑક્ટોબર ૧૯-માર્ચ ૨૦) માટેનો ભાવવધારાનો રિઝર્વ બૅન્કનો અગાઉનો ૩.૫-૩.૭ ટકાનો અંદાજ વધીને ૪.૭-૫.૧ ટકાનો થયો છે. આ ભાવવધારો કાબૂ બહાર ન જાય એટલે હાલપૂરતો વ્યાજના દરવધારાનો નિર્ણય મોકૂફ રખાયો છે.

૪)રિઝર્વ બૅન્ક વ્યાજના દર ઘટાડે તો પણ પૉલિસી રેટના ઘટાડાની અસર (ટ્રાન્સમિશન) બૅન્ક ધિરાણ પર થતા સમય લાગે છે. છેલ્લા દસ મહિનાના પૉલિસી રેટના ૧૩૫ પૉઇન્ટના ઘટાડા પછી પણ માર્જિનલ કૉસ્ટ ઑફ ફન્ડ બેઝ્ડ લૅન્ડિંગ રેટમાં માત્ર ૪૯ પૉઇન્ટનો જ ઘટાડો થયો છે. જો આ ઘટાડો બૅન્ક ધિરાણ પરના દરના ઘટાડામાં પરિવર્તિત ન થતો હોય તો તે ઘટાડવાનું કોઈ વિશેષ પ્રયોજન રહે નહીં. એટલું જ નહીં આવો સતત કરાતો ઘટાડો  ભાવવધારામાં પરિણમે તો પણ નવાઈ નહીં. એટલે ફરી એકવાર પૉલિસી રેટ ઘટાડવાને બદલે રિઝર્વ બૅન્કે રાહ જોવાનું પસંદ કર્યું છે.

પૉલિસી રેટના ઘટાડાની અસર ઑવરનાઈટ કૉલ મનીના દર પર, નૉન- બૅન્કિંગ ફાઇનેન્સ કંપનીઓના ૩ મહિનાના કમર્શિયલ પેપરના દર પર અને સરકારી જામીનપત્રોના વ્યાજના દર પર પડી છે. નજીકના ભવિષ્યમાં રિઝર્વ બૅન્કે નક્કી કરેલ ધિરાણના દરના બેન્ચ માર્કને કારણે નવા અપાતાં ધિરાણોમાં પણ આ અસર દેખાશે એવી રિઝર્વ બૅન્કની ધારણા છે.

૫)વરસની શરૂઆતમાં ક્રેડિટ-ડિપોઝિટ રેશિયો ૭૮ ટકા જેટલો હતો જે ઘટીને હાલમાં ૭૫ ટકા થયો છે. આને કારણે પણ બૅન્કો ડિપોઝિટ માટેના વ્યાજના દરમાં ઘટાડો કરી શકશે, જે થકી બૅન્કો દ્વારા ધિરાણ માટેનો વ્યાજનો દર ઘટાડવાની સંભાવના વધી છે.

૬)વ્યાજના દર રિઅલ જીડીપીના વધારાના દર કરતાં ઊંચા હોય તો મૂડીરોકાણને પ્રોત્સાહન મળતું નથી. આજે રિઅલ ઇન્ટરેસ્ટ (વ્યાજના નોમિનલ દર માઇનસ ભાવવધારાનો દર)  રેટ ઊંચા છે. હાલના ભાવવધારાના ઊંચા દરને કારણે રિયલ ઇન્ટરેસ્ટ રેટ વ્યાજના દર ન ઘટાડ્યા હોવા છતાં થોડા ઘટવાના. જેને કારણે પણ મૂડીરોકાણ વધી શકે. વ્યાજના દરના ઘટાડાનું કામ ભાવવધારાનો ઊંચો દર કરશે.

૭)આજે આઉટપુટ ગેપ (ખરેખર આર્થિક વિકાસના વાસ્તવિક દર અને તેની ક્ષમતા વચ્ચેનો તફાવત) નેગેટિવ છે. એટલે કે વાસ્તવિક આર્થિક વિકાસનો દર આર્થિક વિકાસના દરની ક્ષમતા કરતાં ઓછો છે. એ સંદર્ભમાં વ્યાજના દર ઘટાડાય તો મૂડીરોકાણના વધારા દ્વારા આર્થિક વિકાસનો દર વધી શકે. આ હકીકત હોવા છતાં રિઝર્વ બૅન્કે વ્યાજના દર ઘટાડ્યા નથી, કારણ કે તેમ કરવા જતા ભાવવધારાનો દર વધી જવાની સંભાવના વધુ છે.

૮)મોદી સરકાર ૨૦૨૦-૨૧નું કેન્દ્રીય અંદાજપત્ર ફેબ્રુઆરીની પહેલીએ પેશ કરશે. એટલે સ્લોડાઉનને ખતમ કરવા માટે સરકાર તેની ફિસ્કલ પૉલિસીમાં કેવા ફેરફાર કરે છે તે જાણ્યા પછી રિઝર્વ બૅન્ક તેની ફેબ્રુઆરી ૨૦૨૦ની પૉલિસીમાં વ્યાજના દરના ફેરફાર અંગે નિર્ણય લેશે.

આર્થિક સ્લોડાઉનનો સામનો કરવા માટે મોનિટરી અને ફિસ્કલ પૉલિસીનો સમન્વય અનિવાર્ય છે. રિઝર્વ બૅન્કે છેલ્લા દસ મહિનામાં વ્યાજના દરના સતત ઘટાડા દ્વારા એનો રોલ ભજવ્યો છે. તે જ રીતે સરકારે પણ છેલ્લા ચાર-છ મહિનામાં રાહતના અનેક પૅકેજોની જાહેરાત દ્વારા સ્લોડાઉનની અસર નાબૂદ કરવાના ઉપાય કર્યા છે.

આર્થિક વિકાસનો દર અને મૅન્યુફૅક્ચરિંગ ક્ષેત્રના વધારાનો દર ઘટે કે તે માઇનસ થાય એટલે સરકારની કરવેરાની આવક ઘટે. સરકારે થોડા મહિના પહેલાં કૉર્પોરેટ ટૅક્સનો ઘટાડો જાહેર કર્યો છે તેને કારણે પણ સરકારની કરવેરાની આવક ઘટે. એટલે ફિસ્કલ ડેફિસિટ વધે. આર્થિક વિકાસનો દર ઘટે એટલે પણ ફિસ્કલ ડેફિસિટનો જીડીપી સાથેનો ગુણોત્તર (રેશિયો) વધે. વ્યાજના દર ન ઘટે તો પણ ગ્રોસ ફિસ્કલ ડેફિસિટ વધે. આ સંજોગોમાં ફિસ્કલ ડેફિસિટના કન્ટ્રોલ માટે ખર્ચ ઘટાડી શકાય તેમ ન હોય તો સરકારે નૉન-ટૅક્સ રેવન્યુ (જાહેર ક્ષેત્રની કંપનીઓના ડિસઇન્વેસ્ટમેન્ટ દ્વારા થતી)ની આવક વધારવી જોઈએ.

ગયા સોમવારના કૉલમમાં ઉલ્લેખ કર્યા પ્રમાણે નૉન-મેરિટ સબસિડી તથા ઉદ્યોગોને અપાતી રાહતો અને છૂટછાટ ઘટાડીને સરકાર ફિસ્કલ ડેફિસિટ પરનો કન્ટ્રોલ ગુમાવ્યા સિવાય ફિસ્કલ સ્ટિમ્યુલસ પૂરા પાડીને આર્થિક વિકાસનો દર વધારી શકે એમ છે.

સરકારે અમુક પગલાં લીધાં પછી પણ અર્થતંત્ર ધીમું પડતું જાય છે. એટલે આ સમસ્યાના હલ માટે હવે આગળ કરવાના ઉપાયો વિષે ગંભીરતાથી વિચારવાનો સમય આવી ગયો છે. અંદાજપત્ર નજીકમાં છે એટલે એ તક સરકારે ગુમાવવી ન જોઈએ એવો ગર્ભિત ઈશારો કરીને તત્કાલ પૂરતું તો રિઝર્વ બૅન્કે વેઇટ ઍન્ડ વૉચની નીતિ અપનાવી છે. હકીકતમાં જે પગલાં અંદાજપત્રમાં લેવાનું સરકાર વિચારતી હોય તે પાર્લામેન્ટના ચાલુ સત્રમાં કેમ ન લઈ શકાય? શુભસ્ય શીઘ્રમ.

વ્યાજના દર કે કૉર્પોરેટ ટૅક્સ ઘટાડવા માત્રથી બૅન્કધિરાણ અને મૂડીરોકાણ વધારી શકાય નહીં. તે માટે સરકારની નીતિઓનું સાતત્ય અને મૂડીરોકાણકારોમાં લાંબા ગાળાના મૂડીરોકાણ માટેનો વિશ્વાસ અને ભરોસો ઊભો કરે એવા અન્ય સુધારાઓ પણ એટલા જ જરૂરી છે. આ સંદર્ભમાં આંધ્ર પ્રદેશની સરકારે કેટલાક અકળ કારણોસર રાજ્યની નવી રાજધાની અમરાવતીની ડિઝાઈન માટે સિંગાપોરની કંપનીને આપેલો કૉન્ટ્રૅક્ટ રદ કર્યો છે તેના ખરાબ પ્રત્યાઘાતો મૂડીરોકાણકારો, ખાસ કરીને વિદેશી મૂડીરોકાણકારો પર પડી શકે. અન્ય રાજ્ય સરકારોએ આ અંગે કેન્દ્ર સરકારનું ધ્યાન દોરીને ભવિષ્યમાં આવું ન બને તેવો કાયદો ઘડવાની જરૂર પર ભાર મૂક્યો છે.

સપ્ટેમ્બર ક્વૉર્ટરના આર્થિક વિકાસના ૨૬ ક્વાર્ટરના સૌથી નીચા દર (૪.૫૫ ટકા)ના અને ઑક્ટોબર મહિનાના સીપીઆઇના ૧૫ મહિનાના સૌથી ઊંચા ભાવવધારા (૪.૬૨ ટકા)ના આંકડા લગભગ એકસાથે પ્રસિદ્ધ થયા. આ આંકડાઓ મૉનિટરી પૉલિસી કમિટી માટે નિર્ણાયક સાબિત થયા હોઈ શકે.

વિશ્વનું અર્થતંત્ર સુધરે તો ક્રૂડ ઑઇલના ભાવ વધવાની અને ખરીફ અનાજનો પાક ઓછો થવાના અંદાજને કારણે નજીકના ભવિષ્યમાં (૨૦૧૯-’૨૦ના ઉત્તરાર્ધમાં) ભાવવધારાનો દર વધવાની સંભાવના તથા ૨૦૧૯-૨૦ના ઉત્તરાર્ધથી જ આર્થિક વિકાસનો દર થોડો પણ સુધરવાની અપેક્ષાએ રિઝર્વ બૅન્ક વ્યાજના દરના ઘટાડા પર બ્રેક લગાવી છે.

જીએસટી કલેક્શનના નવેમ્બરના આંકડાઓ ભલે સુધર્યા હોય, એક પછી એક રાજ્યના મુખ્ય પ્રધાનો અને નાણાપ્રધાનો તેમનાં રાજ્યોને કેન્દ્ર સરકાર તરફથી તેમની મહેસૂલી આવકમાં થઈ રહેલ નુકસાન‚પણ આપવામાં આવતાં વળતરમાં ઢીલ થઈ રહી હોવાનો મુદ્દો ઉઠાવી રહ્યા છે જેને કારણે રાજ્યોની નાણાકીય હાલત બગડી રહી છે.

આર્થિક સ્થિતિ ચિંતાજનક છે તો રાજકીય મોરચો પણ સરકાર માટે એટલી જ ચિંતા ઊભી કરે તેવો છે. પશ્ચિમ બંગાળની પેટાચૂંટણીનાં પરિણામો હોય કે મહારાષ્ટ્રમાં બીજેપીએ સરકાર બનાવવામાં કરવી પડેલ પીછેહઠ હોય, ઝારખંડની વિધાનસભાની ચૂંટણીઓનું ચિત્ર હોય કે કર્ણાટક વિધાનસભાની પેટાચૂંટણીઓ હોય. લોકસભાની ચૂંટણીઓના માત્ર છ મહિનામાં જ પ્રજા સરકાર વિમુખ બની છે એ વાત સરકાર સ્વીકારશે તો જ આર્થિક મોરચાની સમસ્યાઓ દૂર કરવામાં તે કામિયાબ નીવડશે. તે માટેનું મુખ્ય કારણ વણસતી જતી આર્થિક પરિસ્થિતિ અને પ્રજાની વધતી જતી હાલાકી છે.

પરિસ્થિતિ કેવો વળાંક લેશે તેનો બધો આધાર સરકાર કેટલી ત્વરાથી અૅક્શન લે છે તેના પર છે. આ મુદ્દે વડા પ્રધાન દેશવાસીઓને આશ્વાસન આપતું એક વિસ્તૃત નિવેદન કરીને પ્રજાના બધા વર્ગોનો - મૂડીરોકાણકારોનો, ઉદ્યોગધંધાનો, નાના ઉદ્યોગોનો અને કિસાનોનો- વિશ્વાસ સંપાદન કરશે એવી અપેક્ષા વધારે પડતી ન ગણાય.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK