ભારતમાં ૨૦૨૦ના પ્રથમ નવ મહિનામાં સોનાનાં ઘરેણાંની માગ ૫૭ ટકા ઘટી

Published: 30th October, 2020 14:47 IST | Gujarati Mid-day Correspondent | Mumbai

આ માગઘટાડા માટે ચીન અને ભારત એમ વિશ્વના સૌથી મોટા બે વપરાશકારનો સૌથી મોટો ફાળો જોવા મળ્યો છે

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના અહેવાલ અનુસાર વિશ્વમાં સોનાનાં ઘરેણાંની માગ સતત ત્રીજા ક્વૉર્ટરમાં ઘટી હતી. આ માગઘટાડા માટે ચીન અને ભારત એમ વિશ્વના સૌથી મોટા બે વપરાશકારનો સૌથી મોટો ફાળો જોવા મળ્યો છે. ભારતમાં માગ ૪૮ ટકા ઘટી ૫૨.૮ ટન અને ચીનમાં ૨૬ ટકા ઘટી ૧૨૩.૪ ટન રહી છે.

 ભારતમાં સોનાનાં ઘરેણાંની માગ વર્ષ ૨૦૧૮, ૨૦૧૯ બાદ ત્રીજા વર્ષે ૨૦૨૦માં પણ ઘટે એવી શક્યતા જોવામાં આવી રહી છે. એપ્રિલથી જૂનના ક્વૉર્ટર કરતાં જુલાઈથી સપ્ટેમ્બરમાં માગ આંશિક રીતે વધી છે, પણ વિશ્વમાં સોનાના બીજા સૌથી મોટા વપરાશકાર એવા ભારતમાં આ વર્ષે પણ ઘરેણાંની કુલ માગ ચોક્કસ ઘટશે.

વાઇરસ ત્રાટક્યો એ પહેલાં જ ભારતનો આર્થિક વિકાસદર નરમ પડી રહ્યો હતો. બીજું, ૨૦૧૯માં અમેરિકા અને ચીન વચ્ચે શરૂ થયેલા ટ્રેડ વૉરના કારણે ભાવ ઊંચી સપાટીએ રહ્યા હતા. ઓછી આવક અને ઊંચા ભાવના કારણે ભારતમાં ૨૦૧૯માં સોનાનાં ઘરેણાંની માગ આઠ ટકા ઘટી હતી.

કૅલેન્ડર વર્ષ ૨૦૨૦ના જુલાઈથી સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં ભારતમાં સોનાનાં ઘરેણાંની માગ, આગલા વર્ષ કરતાં ૪૮ ટકા ઘટી માત્ર ૫૨.૮ ટન રહી છે. એપ્રિલથી જૂનના બીજા ક્વૉર્ટરમાં ઘરેણાંની માગ ૪૪ ટન રહી હતી. આ ક્વૉર્ટરમાં લૉકડાઉન અને બજારો બંધ હોવાથી, સોશ્યલ ડિસ્ટન્સિંગના કડક નિયમોના કારણે માગમાં કડાકો જોવા મળ્યો હતો. ત્રીજા ક્વૉર્ટરમાં બજારો ખૂલી રહી છે, થોડા નિયમો હળવા થયા છે એટલે માગમાં આંશિક વૃદ્ધિ જોવા મળી હતી. કૅલેન્ડર વર્ષના પ્રથમ નવ મહિનામાં ભારતમાં ઘરેણાંની માગ ૧૭૦.૭ ટન રહી છે જે ૨૦૧૯ના પ્રથમ નવ મહિના કરતાં ૫૭ ટકા ઓછી છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK