અત્યારનું બજાર ટ્રેડર્સનું : તણાઈ જવા સામે સાવચેત રહે રોકાણકારો

Published: Jul 13, 2020, 10:41 IST | Jayesh Chitalia | Mumbai Desk

નજર ટૂંકા ગાળાની બની ગઈ છે. કમાવાની તક ખરી, પણ ઊંચા ભાવે ભરાઈ ન પડાય એનું ધ્યાન રાખવું જોઈશે

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

માર્કેટ ટ્રેડર્સ માટેનું બની ગયું હોવાનું જણાય છે. સતત વધતા બજારને જોઈ રોકાણકારો આકર્ષાઈ રહ્યા છે, પરંતુ આ પ્રવાહમાં તણાઈ જવાથી સાવચેત રહેવાનો સમય છે, કારણ કે બજાર ટ્રેડિંગ પ્રવૃ‌િત્ત‌ના આધારે વધુ ચાલે છે. અર્થાત્ લે-વેચને લીધે વૉલેટિલિટી ચલણમાં છે. નજર ટૂંકા ગાળાની બની ગઈ છે. કમાવાની તક ખરી, પણ ઊંચા ભાવે ભરાઈ ન પડાય એનું ધ્યાન રાખવું જોઈશે

શૅરબજારની ચાલ વિશે બે વિધાન ખાસ અને વારંવાર વાંચવા મળે છે. એક, કોરોનાનો ફેલાવો છતાં માર્કેટ વધ્યું અને બીજું, કોરોનાના ભયને કારણે માર્કેટ ઘટ્યું. સત્ય શું માનવું? આ જ રીતે ગ્લોબલ સારા સંકેતોને કારણે ભારતીય માર્કેટમાં ઉછાળો અને નબળા વૈશ્વિક સંકેતોને લીધે ભારતીય શૅરબજારમાં કડાકો આવું પણ વાંચવા મળે છે, આમાં ખરું કારણ શું? આમ જોવા જઈએ તો આ બધાં જ કારણ સાચાં લાગે એવા છે, કેમ કે શૅરબજાર અત્યારે આવા જ સમાચારને આધારે વધઘટ કર્યા કરે છે, જે ટૂંકા ગાળાના કારણ છે. આ કારણો અને વધઘટનું મહત્ત્વ ટ્રેડર્સ વર્ગ માટે છે, જ્યારે કે મધ્યમ-લાંબા ગાળાના રોકાણકારોએ આની ચિંતા કરવાની જરૂર હોતી નથી. હા, આને ક્યારેક તક બનાવી શકાય. અત્યારે કોવિડ-19, અર્થતંત્રનું લૉકડાઉન અને હવે કંઈક અંશે અનલૉકિંગ, ગ્લોબલ સંજોગોનો સતત બદલાતો પ્રવાહ વગેરે પરિબળોને આધારે બજારની હાલત ઘણેખરે અંશે આવી જ છે. આવી દિશાહીન અને અનિશ્ચિત બજારમાં રોકાણકારોએ વિશેષ સાવચેતી રાખવી પડે છે.
આગલા સપ્તાહમાં બુલિશ ટ્રેન્ડ બાદ ગયા સપ્તાહમાં બજારની શરૂઆત સોમવારે પ્રથમ દિવસે પૉઝિટિવ થઈ હતી. સેન્સેક્સનો ૩૦૦ પૉઇન્ટના ઉછાળા સાથે આરંભ થયો હતો. ચીનના અર્થતંત્રના ઝડપી સુધારાના પગલે ગ્લોબલ ઇકૉનૉમીને વેગ મળવાની આશા જાગી હોવાની અસર થઈ હતી. ચીન સાથેના ભારતના સીમાવિવાદમાં પણ શાંતિનું વલણ દેખાતાં બજારને રાહત થઈ હતી. આમ એકંદરે સારા સંકેતને કારણે સેન્સેક્સ અંતમાં ૪૬૫ પૉઇન્ટ ઊંચો અને નિફ્ટી ૧૫૬ પૉઇન્ટ ઊંચો બંધ રહ્યો હતો. સ્મૉલ અને મિડ કૅપ ઇન્ડેક્સમાં પણ સુધારો નોંધાયો હતો. આમ સતત ચોથા દિવસે બજાર પૉઝિટિવ રહ્યું હતું. કોવિડની વૅક્સિનના પ્રયોગના સમાચાર પણ બજાર પર સકારાત્મક અસર કરી રહ્યા છે. ગ્રામીણ વિકાસના સારા નિર્દેશ અને દેશભરમાં આર્થિક પ્રવૃ‌ત્ત‌િ દર મહિને સુધારો નોંધાવી રહી છે, એ પરિબળ પણ અસર કરી રહ્યું છે.
આર્થિક ગતિવિધિને વેગ
મંગળવારે બજારની શરૂઆત ઠંડી થઈ હતી. શરૂમાં સાધારણ પ્લસ રહેલું બજાર થોડા સમય બાદ નેગેટિવ-પૉઝિટિવ થતું રહ્યું હતું. મુખ્ય કારણ ટ્રેડિંગ અને પ્રૉફિટ બુકિંગ હતું. જોકે માર્કેટમાં સતત લે-વેચને કારણે વૉલેટિલિટી હતી. તેમ છતાં, અંતમાં સેન્સેક્સ ૧૮૭ પૉઇન્ટ સુધરીને ૩૬,૬૭૪ તેમ જ નિફટી ૩૬ પૉઇન્ટ સુધરીને ૧૦,૭૯૯ બંધ રહ્યો હતો. કોરોના વૅક્સિનના પૉઝિટિવ અહેવાલ તેમ જ આર્થિક ગતિવિધિને મળી રહેલા વેગને લીધે માર્કેટ એકધારું સુધરી રહ્યું હોવાનું માનવામાં આવે છે. ઉત્પાદન પ્રવૃ‌ત્ત‌િ તેમ જ કારના વેચાણમાં પણ કરન્ટ આવ્યો છે. ફૉરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટરોની ખરીદી પણ સક્રિય બની હતી. પરિણામે માર્કેટની ગતિનો સુધારો ચાલુ રહેવાની આશા વ્યક્ત થાય છે.
બુધવાર ડાઉન, ગુરુવાર અપ
બુધવારે છઠ્ઠા દિવસે પણ માર્કેટ પૉઝિટિવ શરૂઆત કર્યા બાદ સતત વૉલેટાઇલ રહ્યું હતું. જોકે વાઇરસ અને અર્થતંત્રની અનિશ્ચિતતાની ચિંતામાં તેમ જ ઘણે અંશે પ્રૉફિટ બુકિંગને કારણે અંતમાં સેન્સેક્સ ૩૪૫ પૉઇન્ટ અને નિફ્ટી ૯૪ પૉઇન્ટ માઇનસ બંધ રહ્યો હતો. નિફ્ટી ૧૦,૭૦૦ ઉપર જળવાઈ રહ્યો હતો, જેના પર સટોડિયાઓની ખાસ નજર હતી. ગુરુવારે માર્કેટે શરૂથી જ પૉઝિટિવ ટર્ન લઈને ૨૦૦ પૉઇન્ટના ઉછાળા સાથે આરંભ કર્યો હતો. સકારાત્મક ગ્લોબલ અસરને કારણે માર્કેટ અંતમાં વધીને નવી ઊંચી સપાટીએ બંધ રહ્યું હતું. સેન્સેક્સ ૪૦૮ પૉઇન્ટના સુધારા સાથે ૩૬,૭૩૭ અને નિફ્ટી ૧૦૭ પૉઇન્ટની રિકવરી સાથે ૧૦,૮૧૩ બંધ રહ્યો હતો. જોકે આ વધતા બજાર સામે શંકાથી જોવામાં આવે છે. રોકાણકારોએ સાવચેત રહેવું જરૂરી છે, અન્યથા ઊંચા ભાવે ભરાઈ જાય એવું બની શકે છે. તાતા કન્સલ્ટન્સી સર્વિસિસના કવૉર્ટરલી પરિણામ પર બજારની નજર હતી, જેણે વર્ષાનુવર્ષ ધોરણે નફામાં ૧૩ ટકાનો ઘટાડો નોંધાવ્યો હતો.
પ્રૉફિટ બુકિંગનું કરેક્શન
શુક્રવારે બજારે સાધારણ કરેક્શન સાથે શરૂઆત કરી હતી. જોકે કરેક્શનની બજારને તાતી જરૂર હોવાનું જણાય છે. નક્કર કારણો વિના માત્ર ટ્રેડિંગ પ્રવૃ‌ત્ત‌િને લીધે સતત વધતું બજાર તંદુરસ્ત નિશાની ન ગણાય. આ સત્યને ધ્યાનમાં રાખી ઇન્વેસ્ટર વર્ગે સાવચેતીપૂર્વક જ આગળ વધવું હિતાવહ છે. શુક્રવારે વધઘટ બાદ પ્રૉફિટ બુકિંગને લીધે અંતમાં કરેક્શન નોંધાયું હતું, જેમાં ગ્લોબલ સંકેત પણ કારણભૂત બન્યાં હતાં. સેન્સેક્સ ૧૪૩ પૉઇન્ટ માઇનસ થઈ ૩૬,૫૯૪ અને નિફ્ટી ૪૩ પૉઇન્ટ માઇનસ થઈ ૧૦,૮૦૦નું લેવલ તોડીને ૧૦,૭૬૮ બંધ રહ્યો હતો.
વૉલેટિલિટીનું ચલણ રહેશે
આ સપ્તાહમાં પણ બજારમાં આ જ પ્રકારની વૉલેટિલિટી રહેવાની શક્યતા ઊંચી છે. અલબત્ત, ક્વૉર્ટરલી રિઝલ્ટની મોસમ શરૂ થઈ હોવાથી કંપનીની સ્પેસિફિક વધઘટ પણ જોવા મળશે. એકંદરે માર્કેટમાં પ્રવાહિતા અને સેન્ટિમેન્ટનું રાજ છે, જેના આધારે બજાર ચાલે છે. ફંડામેન્ટલ્સ અનિશ્ચિતતાના માહોલમાં જ છે. જૂનમાં મ્યુચ્યુઅલ ફંડમાં ઇક્વિટી રોકાણનો પ્રવાહ નોંધપાત્ર નીચે ગયો છે એ નોંધવું મહત્ત્વનું છે. યુએસમાં કોરોના કેસો વધી રહ્યા હોવાથી ઇકૉનૉમિક રિકવરીમાં વિલંબ થવાની શક્યતાની ચિંતા વધી રહી છે, જ્યારે ભારતમાં પણ સમાન ચિંતા ચાલુ જ છે. નવાઈની વાત એ છે કે આવા કપરા સમયમાં પણ માર્કેટ સાપ્તાહિક દૃષ્ટિએ પૉઝિટિવ રહીને સતત વધ્યું છે, જે પોતે પણ ક્યાંક ચિંતાનો વિષય ગણી શકાય. માર્કેટના જાણકારોમાં ગમે ત્યારે મોટા કડાકા આવવાની ધારણા વ્યક્ત થાય છે. રિકવરીની જેમ કરેક્શન પણ સતત ચાલુ થઈ જાય એવી શક્યતા નકારી શકાય નહીં. અગાઉ કહ્યું એમ માર્કેટ ટ્રેડિંગની બની છે. સાવચેત રોકાણકારોએ રહેવાનું છે. જેટલું ઊંચે જશે એટલું ઊંચેથી પટકાવાનું આવી શકે.
રિકવરી આવતાં પહેલાં પીડા આવશે
બૅન્કિંગ ક્ષેત્રે ટોચની હસ્તી ગણાતા અને એશિયન ડેવલપમેન્ટ બૅન્કના ભૂતપૂર્વ અધ્યક્ષ તેમ જ ન્યુ ડેવલપમેન્ટ બૅન્કના સ્થાપક પ્રેસિડન્ટ કે. વી. કામથે તાજેતરમાં કરેલા નિવેદન મુજબ ભારતીય અર્થતંત્રની રિકવરી સામે હજી અમુક પીડાનો સમય રહેશે, પરંતુ એ પછી સુધારાની ગતિ વેગ પકડશે. અત્યારે અર્થશાસ્ત્રીઓ વચ્ચે ઇકૉનૉમી બાબતે મતભેદ અને ચિંતા વ્યક્ત થઈ રહી છે જે ક્યાંક વધુપડતી હોવાનું તેમનો મત છે. અલબત્ત, ભારત તેમ જ વિશ્વના આર્થિક સંજોગો સામે અનેકવિધ પડકારો છે, જેને ધ્યાનમાં રાખતાં આર્થિક રિકવરીની ગતિ ધીમી જ રહેવાની છે. જો કોઈ માર્કેટની ગતિને આધારે એને મૂલવતું હોય તો એ ભૂલ છે. માર્કેટ અન્ય પરિબળોને આધારે વધે છે, જેમાં શૉર્ટ ટર્મ પરિબળ વધુ હોય છે.
રીટેલ ઇન્વેસ્ટર્સની સામેલગીરી વધી
એક ખાસ નોંધવા જેવી બાબત એ છે કે ઇક્વિટીમાં રીટેલ ઇન્વેસ્ટરોની સામેલગીરી છેલ્લાં ૧૫ વર્ષમાં આ વખતે સૌથી ઊંચી રહી છે. બૅન્ક અને કૉર્પોરેટ ડિપોઝિટને બદલે રોકાણકારો માર્કેટની માર્ચ પછીથી અત્યાર સુધીની રિકવરીને જોઈ ઇક્વિટીમાં પ્રવેશ્યા છે. કૅશ ટર્નઓવરમાં આ સામેલગીરી જૂનના ૬૮ ટકાથી વધી જુલાઈમાં ૭૨ ટકા થઈ છે, જે અગાઉ ૨૦૦૩થી ૨૦૦૭માં જોવા મળી હતી. અર્થતંત્ર માટે સારા સંકેત એ છે કે ભારત ૧૮ વર્ષ બાદ પહેલી વાર ટ્રેડ સરપ્લસ (વેપારની પૉઝિટિવ સમતુલા) જુએ એવી શક્યતા છે. આ વર્ષે ભારતની આયાતમાં ઘટાડો અને નિકાસમાં વૃદ્ધિ નોંધાઈ છે. જોકે આર્થિક મોરચે હજી લાંબી મજલ કાપવાની છે. સરકારે આર્થિક ગતિવિધિને વેગ મળે એવાં પગલાં પર વધુ ધ્યાન આપવાની જરૂર છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK