Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > સાપ્તાહિક રીતે ડૉલરમાં 11 વર્ષનો સૌથી મોટો ઘટાડો

સાપ્તાહિક રીતે ડૉલરમાં 11 વર્ષનો સૌથી મોટો ઘટાડો

28 March, 2020 11:05 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સાપ્તાહિક રીતે ડૉલરમાં 11 વર્ષનો સૌથી મોટો ઘટાડો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


બે સપ્તાહ સુધી કોરોના વાઇરસને કારણે જોવા મળેલી શૅરબજાર, કૉમોડિટીઝ અને નાણાબજારની અસ્થિરતા બધું જ વેચીને ડૉલર એકત્ર કરવાની વૃત્તિ પર ચાલુ સપ્તાહે બ્રેક લાગી છે. બે સપ્તાહમાં ડૉલર વૈશ્વિક ચલણોનો રાજા થઈ આઠ ટકા વધ્યો હતો, પણ આ સપ્તાહે એમાં ૩.૫ ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે જે એક જ સપ્તાહમાં જોવા મળેલા ઘટાડામાં ૧૧ વર્ષમાં બનેલી પ્રથમ ઘટના છે.

વિવિધ સરકારો અને સેન્ટ્રલ બૅન્ક દ્વારા જાહેરાત કરવામાં આવેલાં પૅકેજ, શૅરબજારમાં વ્યાપક ઘટાડા બાદ આવેલા ઉછાળા, સોનામાં પણ ભાવ વધતાં હવે બજારમાં નાણાભીડ ઓછી થઈ છે. ક્વૉર્ટર પૂર્ણ થઈ રહ્યું હોવાથી ડૉલરને બદલે સ્થાનિક ચલણ વતન પાછા કરવાની વૃત્તિ પણ જોવા મળી રહી છે એટલે ડૉલર નબળો પડ્યો છે. બીજું, અમેરિકામાં ગુરુવારે જાહેર થયેલા જૉબલેસ ક્લેમના વિક્રમી ઊંચા સ્તર, દેશમાં વધી રહેલા કોરોના વાઇરસના કેસને કારણે પણ દબાણ વધી રહ્યું છે.



બ્લૂમબર્ગ ડૉલર ઇન્ડેક્સ આ સપ્તાહે ૩.૫ ટકા ઘટ્યો છે જે છેલ્લાં બે સપ્તાહમાં ૮ ટકા વધ્યો છે. ડૉલર એકસાથે ૧૬ જેટલાં ચલણ સામે નબળો પડ્યો છે. ઑસ્ટ્રેલિયન ડૉલર, બ્રિટિશ પાઉન્ડ અને મેક્સિકન પેસો સામે પાંચ દિવસમાં પાંચ ટકાનો ઘટાડો નોંધાયો છે.

ડૉલર સામે વિશ્વનાં ટોચનાં છ ચલણોના ભાવનો માપદંડ ડૉલર ઇન્ડેક્સ અત્યારે ૦.૪૬ ટકા વધી ૯૯.૮૭૫ છે જે ૨૩ માર્ચે ૧૦૩.૯૬ની સપાટી પર હતો. આજે પાઉન્ડ ૦.૩૧ ટકા વધ્યો છે, યુરો ડૉલર સામે ૦.૪૯ ટકા ઘટ્યો છે અને યેન સામે ડૉલર ૦.૯૨ ટકા ઘટ્યો છે.


ડૉલર સામે એશિયાઈ ચલણો પણ વધ્યાં

ડૉલરમાં રોકડ કરવાની વૃત્તિ ઓછી થતાં ચાલુ સપ્તાહે મોટા ભાગનાં એશિયાઈ ચલણ પણ વધ્યાં હતાં. સાઉથ કોરિયાનો વોન ૨.૨ ટકા વધ્યો છે. થાઇલૅન્ડનો બહાત ૦.૯ ટકા, મલેશિયાનો રિંગિટ ૧.૩ ટકા, ઇન્ડોનેશિયાનો રૂપિયો ૧.૪ ટકા વધ્યો છે. અહીં ઉલ્લેખનીય છે કે ૨૦૨૦માં ઇન્ડોનેશિયાનું ચલણ ડૉલર સામે ૧૩.૫ ટકા ઘટી ગયું હતું.


ડૉલર સામે રૂપિયો વધ્યો

માર્ચ મહિનાનો અંત આવી રહ્યો હોવાથી બૅન્કો અને નિકાસકારોએ વેચેલા ડૉલરને કારણે તેમ જ વૈશ્વિક બજારમાં ઘટેલા ડૉલરને લીધે ભારતીય ચલણ પણ આજે વધીને બંધ આવ્યું હતું. જોકે ડૉલર સામે એ પોતાની દિવસની ઊંચી સપાટી જાળવવામાં નિષ્ફળ ગયું હતું. ડૉલર સામે રૂપિયો આજે ૫૫ પૈસા વધીને ૭૪.૬૮ થયો હતો જે એક તબક્કે આગલા બંધ કરતાં ૧૦૦ પૈસા વધીને ૭૪.૨૩ થયો હતો અને દિવસના અંતે એ ૭૪.૮૮ની સપાટીએ બંધ આવ્યો છે જે આગલા દિવસ કરતાં ૩૫ પૈસાનો સુધારો જણાવે છે.

ગયા સપ્તાહે વૈશ્વિક બજારમાં ડૉલરની જોરદાર માગને કારણે ભારતીય ચલણ ૧૨૮ પૈસા ઘટી ૭૫.૧૯ બંધ આવ્યું હતું. આ સોમવારે રૂપિયો વધુ ઘટીને ઐતિહાસિક નીચી સપાટી ૭૬.૨૯ થયા બાદ હવે વધી રહ્યો છે. આ સપ્તાહમાં રૂપિયો ૩૧ પૈસા અને સૌથી નીચી સપાટી સામે ૧૪૧ પૈસાની વૃદ્ધિ દર્શાવે છે.

Whatsapp-channel Whatsapp-channel

28 March, 2020 11:05 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK