ડૉલેક્સ અને રૂપિયામાં નરમાઈ : યુઆનમાં તેજી

Published: 26th October, 2020 12:00 IST | Biren Vakil | Mumbai

અમેરિકાની ચૂંટણી આડે ફકત ૧૦ દિવસ બાકી છે. ત્રીજી નવેમ્બરે ચૂંટણી પૂરી થાય એ પછીના બે-ચાર દિવસ બૉન્ડ બજારો અને શૅરબજારમાં વૉલેટિલિટી વધશે, એની અસર કરન્સી બજારો પર પણ થશે

કરન્સી
કરન્સી

અમેરિકાની ચૂંટણી આડે ફકત ૧૦ દિવસ બાકી છે. ત્રીજી નવેમ્બરે ચૂંટણી પૂરી થાય એ પછીના બે-ચાર દિવસ બૉન્ડ બજારો અને શૅરબજારમાં વૉલેટિલિટી વધશે, એની અસર કરન્સી બજારો પર પણ થશે. ટ્રેડરોએ પોતપોતાના સેક્ટર માટે રણનીતિ બનાવી લીધી છે. વિશાળ પરિપેક્ષ્યમાં જોઈએ તો ચૂંટણી પરિણામોમાં સ્પષ્ટ જનાદેશ આવે તો ડૉલર માટે નરમાઈ, ફિસ્કલ ઇઝિંગમાં વધારો અને ફુગાવાકારી નીવડીને ડૉલરની નરમાઈને વેગ આપશે. ખંડિત જનાદેશ બજારોમાં રિસ્ક પ્રીમિયમ વધારશે, કામચલાઉ ડૉલર માટે સપોર્ટિવ રહેશે. બિડેનની જીત એનર્જી, ફાર્મા, ઇન્શ્યૉરન્સ, મોટી બૅન્કો માટે નેગેટિવ અને પર્યાવરણલક્ષી ઉદ્યોગો, ક્લિન એનર્જી, સોલાર, પ્રાદેશિક બૅન્કો વગેરે માટે ફાયદાકારક મનાય છે. ડેમોક્રૅટ્સની જીત થતાં સમાજવાદી, ડાબેરી ઝોક વધશે. જોકે બજારની નજર નવા નાણાપ્રધાન કોણ આવે એના પર છે. વૉલ સ્ટ્રીટને સૌથી મોટો ડર એલિઝાબેથ વોરેન અને એલેક્સિયા કોર્ટેઝનો છે. બેઉ નેતાઓ ઍન્ટિ વૉલ સ્ટ્રીટ હોવાની છાપ છે. ખાસ કરીને કોર્ટેઝનો વિવાદાસ્પદ પ્લાન ગ્રીન ડીલ અંગે પંડિતો ચિંતિત છે. આ પ્લાનમાં કલાયમેટ ચેન્જ માટે ૩ ટ્રિલ્યન ડૉલરના ખર્ચે ગ્રીન બિલ્ડિંગ બનાવવા, કરોડો ઝાડ ઉગાડવાં જેવી બાબતો સમાવિષ્ટ છે. બિડેનના વિજયથી કલાયમેટ ચેન્જ ચળવળને નવો વેગ મળશે. કરબોજમાં મોટો વધારો થશે. ગ્લોબલ ઇલાઇટ લૉબીનો દબદબો વધશે. ટ્રમ્પનો વિજય એનર્જી, ડિફેન્સ, ફાર્મા, મોટી બૅન્કો માટે લાભદાયી મનાય છે.

દરમિયાન અમેરિકામાં સ્ટિમ્યુલસ વિલંબમાં પડ્યું છે. વિપક્ષી નેતા નાન્સી પેલોસી અને ટ્રેઝરી સેક્રેટરી વચ્ચે મંત્રણાઓમાં સમયના વેડફાટ સિવાય કોઈ નીપજ નથી. અમેરિકામાં ફરી કોરોના કેસ વધ્યા છે. રોજિંદા કેસ ૮૦,૦૦૦ની સપાટી વટાવી ગયા છે. કોરોના અંગે શાસક અને વિપક્ષ બન્ને એકબીજા પર દોષારોપણ કરી રહ્યા છે. કોરોના વૅક્સિન અંગે તારીખ પે તારીખ ચાલુ છે.

ડૉલરની વાત કરીએ તો ૨૦૨૦ના આરંભે ડૉલેકસ ૧૦૦-૧૦૨ હતો એ હાલમાં ૯૩ છે. આગળ પર ડૉલેકસ ૮૭-૮૮ થવાની શક્યતા છે. સ્ટિમ્યુલસના મામલે બિનજરૂરી વિલંબ અને અચોક્કસતાથી શૅરબજારોમાં અસમંજસ છે. એક હકારાત્મક વાત એ છે કે અમેરિકામાં આર્થિક રિકવરી ઘણી અનિયમિત હોવા છતાં પાવરફુલ રહી છે. સેકન્ડ ક્વૉર્ટરમાં જીડીપીમાં ૩૧ ટકા ઘટી હતી, પણ હવે થર્ડ ક્વૉર્ટરમાં ૩૦ ટકાનો ઉછાળો દેખાય છે. બેરોજગારી દર સેકન્ડ ક્વૉર્ટરમાં ૧૬ ટકા થઈ ગયો હતો એ થર્ડ ક્વૉર્ટરમાં સુધરીને ૫-૬ ટકા પર સ્થિર થતો દેખાય છે. બૅન્કોએ તોતિંગ માત્રામાં લિક્વિડિટી આપી દીધી છે. દારૂગોળો અખૂટ છે. હવે સરકારોએ ફિસ્કલ પૅકેજ બનાવી એ દારૂગોળાને વાપરવાનો છે. કોરોના વૅક્સિન આવે, લૉકડાઉન પૂરેપૂરું હટી જાય તો પેન્ટ અપ ડિમાન્ડના જોરે ઇકૉનૉમીમાં લાંબા સમય માટે તેજી આવે. પાછલાં બે વરસ શૅરબજારની તેજીનાં હતાં, પણ હવેનાં બે વરસ કૉમોડિટીની તેજીનાં દેખાય છે. ફુગાવો વધવાનાં કારણો દેખાય છે. ખાસ કરીને વિકસતા દેશો માટે ફુગાવો માથાનો દુખાવો બનશે.

રૂપિયાની વાત કરીએ તો બજારમાં મામૂલી નરમાઈ હતી. રૂપિયો ૭૩.૩૦થી ઘટીને ૭૩.૬૨ બંધ રહ્યો હતો. છેલ્લે ઓટીસી બજારમાં ૭૩.૮૨ બંધ હતો. ડૉલેક્સની નરમાઈથી પાઉન્ડ, યેન અને યુરો સુધર્યા છે એટલે રૂપિયો મામૂલી ઘટાડો બતાવે છે. ભારતમાં એકાદ સપ્તાહથી કોરોના કેસ ઘટાડાતરફી થયા છે. બિહારની ચૂંટણી, કોરોના વૅક્સિન, અનલૉકડાઉન અને તહેવારો અગાઉ વપરાશી માગ પર બજારની નજર છે. ભારતમાં મોંઘવારી અને ફુગાવો સરકાર અને રિઝર્વ બૅન્ક માટે મોટા પડકાર સમાન દેખાય છે.

ચીનમાં અર્થિક તેજી વેગીલી બની છે. ઓદ્યોગિક ઉત્પાદન, રેલ સેલ્સ, કાર સેલ્સમાં સારા સંકેત છે. ચીન નાણાબજારોમાં ઉદારીકરણ ચાલુ રાખશે, એમ સરકારી સૂત્રો કહે છે. યુરોપિયન બૉન્ડ ફંડનું ચીની બૉન્ડ બજારમાં રોકાણ વધતું જાય છે. યુઆન બે વરસની ઊંચી સપાટી ૬.૬૩ થઈ ગયો છે. ચીનની કૉમોડિટીઝ ડિમાન્ડમાં જોરદાર ઉછાળો આવતાં ચીનની અમેરિકામાં સોયાબીન, ઘઉં, મકાઈ, જુવાર વગેરેની આયાતમાં મોટો ઉછાળો આવ્યો છે. અન્ય કરન્સીમાં યુરોપમાં બજારો શાંત છે. ચૂંટણી પરિણામો સુધી મોટા ફંડ સાઇડલાઇન રહેશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK