Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > રૂપિયામાં નરમાઈ : હૉન્ગકૉન્ગ શૅરબજારમાં કડાકો

રૂપિયામાં નરમાઈ : હૉન્ગકૉન્ગ શૅરબજારમાં કડાકો

25 May, 2020 09:47 AM IST | Mumbai
Biren Vakil | vakilbiren@gmail.com

રૂપિયામાં નરમાઈ : હૉન્ગકૉન્ગ શૅરબજારમાં કડાકો

કરન્સી

કરન્સી


યુરોપિયન અને સ્કેન્ડિનેવિયાના નેગેટિવ ઇન્ટરેસ્ટ રેટ હવે યુકે પણ આવી પહોંચ્યા છે અને સિંગાપોરમાં પણ દસ્તક દઈ રહ્યા છે. બ્રિટને ઇતિહાસમાં પ્રથમ વાર નેગેટિવ રેટથી બૉન્ડ બહાર પાડ્યા છે. સિંગાપોરમાં પણ ઓવરનાઇટ રેટ એક તબક્કે કામચલાઉ નેગેટિવ થઈ ગયો છે. અમેરિકાએ ચાર-ચાર સ્ટિમ્યુલસ આપ્યાં પછી ફેડની બૅલૅન્સશિટ ૭૦૦૦ અબજ ડૉલર થઈ ગઈ છે જે જીડીપીના ૩૦ ટકા જેવી છે. ચીનની પિપલ્સ કૉન્ગ્રેસની વાર્ષિક બેઠકમાં ચીને ૪૦૦૦ અબજ યુઆન (૫૦૦) અબજ ડૉલરનું રાહત પૅકેજ જાહેર કર્યું છે. જર્મની અને ફ્રાન્સે તાજેતરમાં ૫૦૦ અબજ યુરોનું રાહત પૅકેજ સૂચવ્યું હતું એમાં થોડી અડચણ આવી શકે છે. જોકે જર્મની અને ફ્રાન્સ જરૂર પડે માશટ્રિટ સંધીના નિયમો તોડી-મરોડીને પણ યુરોને બચાવવા શક્ય એટલા પ્રયાસ કરશે.

બજારની વાત કરીએ તો રૂપિયો ફરી નરમ પડવા લાગ્યો છે. રૂપિયો ફરી ૭૬ તરફ જઈ રહ્યો છે. ૭૬.૮૮થી ૭૪.૯૩નો સુધારો ઘણો તકલાદી રહ્યો. આગળ જતાં રૂપિયો ફરી ૭૬.૮૦-૭૭.૨૦ તરફ પ્રયાણ કરશે. યુરો સામે પણ રૂપિયો નબળો રહ્યો છે. યુરો ૮૧.૩૦થી વધીને ૮૨.૮૦ થયો છે અને ૮૩.૩૦-૮૩.૫૦ થઈ શકે છે. પાઉન્ડ સામે રૂપિયો ૯૨.૨૦-૯૨.૫૦ના સ્તરે ટકેલો છે. ટેક્નિકલી રૂપિયામાં બજાર સિમીત કારોબારમાં અથડાય છે. કામકાજના કલાકો હજી મર્યાદિત છે અને લૉકડાઉનને કારણે આયાત-નિકાસનાં કામકાજ ઘણા મર્યાદિત હોવાથી ઇન્ટરબૅન્ક બજારમાં કરન્સી ટ્રેડિંગ ઘણું ઓછું છે.



વિશ્વ બજારની વાત કરીએ તો ચીનમાં નૅશનલ પિપલ્સ કૉન્ગ્રેસની વાર્ષિક બેઠકમાં ચીને હૉન્ગકૉન્ગ અને તાઇવાનની સ્વાયત્તતા પર આડકતરા અંકુશ અને જરૂર પડે લશ્કરી માર્ગ અપનાવવાનો નિર્દેશ આપ્યો છે. હૉન્ગકૉન્ગની સ્વાયત્તતામાં બાધક બને એવું નૅશનલ સિક્યૉરિટી બિલ ચીન પસાર કરશે એવી અટકળે હૉન્ગકૉન્ગ શૅરબજારમાં કડાકો હતો. હૉન્ગકૉન્ગ રિયલ એસ્ટેટમાં ૨૦-૩૦ ટકા મંદી થવાની ધારણા છે. હૉન્ગકૉન્ગનો એશિયન ફાઇનૅન્શિયલ કૅપિટલ તરીકેનો દરજ્જો જોખમમાં મુકાય એવી ભીતિ છે. ચીને રક્ષાબજેટમાં ૬.૬ ટકાનો વધારો કર્યો છે. ભારતીય સરહદે અને સાઉથ ચીન સીમાં પણ ચીનના લશ્કરી અટકચાળા વધી રહ્યા છે.


 અમેરિકા પણ આકરા મિજાજમાં છે. રશિયા અને અન્ય ૩૪ દેશો સાથેની ઓપન સ્કાય સંધીમાંથી એ ખસી ગયું છે. અમેરિકાના તેવર જોતાં તે આગામી કદાચ બે-ત્રણ મહિનામાં કોઈ નવતર જાતનાં અણુપરીક્ષણો દ્વારા શક્તિપ્રદર્શન કરશે. વૈશ્વિક તંગદીલી વધતાં સોનું અને ક્રૂડમાં તેજીનો પવન ફૂંકાયો છે. સોનું વધીને ૧૭૫૦ ડૉલર અને ક્રૂડ ૬,૫૦ ડૉલર વધીને ૩૪ ડૉલર થઈ ગયું છે. બન્ને ઍસેટ અશાંતિ સામેના હેજ છે.

કોરોના મામલે હજી કોઈ રાહત નથી. અમેરિકામાં ૧૫ લાખ કેસ, ૯૬,૦૦૦ મોત થયાં છે. વિશ્વમાં કેસ ૫૦ લાખનો આંક વટાવી ગયા છે. ભારત અને બ્રાઝિલમાં તેજ રફતારથી કેસ વધી રહ્યા છે. યુરોપમાં કેસ ઘટવાની ઝડપ ઘટી છે. વૅક્સિન માટે ટ્રમ્પે ઑપરેશન વાર્પસ્પિડ પ્રોજેક્ટમાં મિલિટરી, પ્રાઇવેટ ઇન્વેસ્ટરો અને ફાર્મા કંપનીઓને જોતરી છે. વૅક્સિન મામલે પણ કોલ્ડવૉર ચાલી રહી છે.


ઇમર્જિંગ બજારોમાં લેટિન અમેરિકામાં કોરોનાનો કેર વકર્યો છે. બ્રાઝિલમાં કોરોનાએ વિનાશ વેર્યો છે. બોવેસ્પા શૅરબજાર અને રિઆલમાં અંડરટોન નરમ છે. જોકે ડોલેક્સ નરમ હોવાથી ઇમર્જિંગ કરન્સી ઑલટાઇમ બૉટમથી સુધરી છે.

દરમિયાન અમેરિકાએ ચીન પર બૌદ્ધિક સંપદાની ચોરી, આર્થિક રક્ષણવાદ જેવા આરોપો લગાવ્યા એના જવાબરૂપે ચીને કહ્યું હતું કે ચીન પ્લાન્ડ ઇકૉનૉમીના જૂના મૉડલમાં નહીં જાય. ચીન બજારોનું મહત્ત્વ સમજે છે. ચીને મુક્ત અને સહકારભર્યા વલણનો પુનરોચ્ચાર કર્યો હતો. કથની અને કરણીનો વિરોધાભાસ એણે જાળવી રાખ્યો છે.

બજારોની નજર હવે લૉકડાઉન ક્યારે પૂરું થાય, ક્યારે વૅક્સિન આવે અને ક્યારે ઉદ્યોગ-ધંધા થાળે પડે એના પર છે. અમેરિકામાં જૉબલૅસ રેટ ૨૦ ટકા થઈ જાય એવી ભીતિ છે. જોકે કોરોના જતો રહે પછી અર્થતંત્ર ઝડપી રિબાઉન્ડ થશે, કેમ કે આ બેકારી મોટા ભાગે અનઑર્ગેનાઇઝ સેક્ટરની છે.

Whatsapp-channel Whatsapp-channel

25 May, 2020 09:47 AM IST | Mumbai | Biren Vakil

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK