Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > સ્ટિમ્યુલસને બજારનો મોળો પ્રતિસાદ : રૂપિયામાં નરમાઈ

સ્ટિમ્યુલસને બજારનો મોળો પ્રતિસાદ : રૂપિયામાં નરમાઈ

18 May, 2020 12:02 PM IST | Mumbai
Biren Vakil | vakilbiren@gmail.com

સ્ટિમ્યુલસને બજારનો મોળો પ્રતિસાદ : રૂપિયામાં નરમાઈ

કરન્સી

કરન્સી


આત્મનિર્ભર ભારત અંતર્ગત ૨૦ લાખ કરોડ રૂપિયાના સ્ટિમ્યુલસ પૅકેજ અન્વયે નાણાપ્રધાન નિર્મલા સીતારમણ ખેતી, ઉદ્યોગો, ધિરાણ, ડિફેન્સ, સ્પેસ, વિદેશી રોકાણ એમ અનેકવિધ જાહેરાતો કરી રહ્યાં છે. સમગ્રલક્ષી રીતે પૅકેજ જીડીપીના ૧૦ ટકા જેટલું છે, પણ આ પૅકેજમાં કૅશ, ક્રેડિટ, ગેરન્ટી સ્વરૂપની લોન વગેરે સામેલ હોઈ પંરપરાગત સ્ટિમ્યુલસ અથવા તો જેને હેલિકૉપ્ટર મની કહે છે તેમ જનતાના હાથમાં ખરેખર કેટલાં નાણાં આવશે, વાસ્તવિક અર્થમાં રાહત કયાં અને કેટલી પહોંચશે એનું આકલન લગભગ અસંભવ જેવું છે. શૅરબજારે આરંભમાં ઉછાળો આપ્યા પછી પૅકેજની વિગતો આવતી ગઈ એમએમ બજારનો ઉત્સાહ મોળો પડતો ગયો. શનિવારે ઘણા સુધારાના એલાન થયા છે. જોઈએ આગામી દિવસોમાં બજાર કેવો પ્રતિસાદ આપે છે. હાલપૂરતું તો ભારતે કોરોના અને આર્થિક મંદી એમ બે મોરચે લડવાનું છે. હવે ભારત એશિયામાં કોરોના હોટસ્પોટ બની ગયું છે. કોરોના વેક્સિન જલદી આવે અને જલદી આ મહામારી જાય તો સારું.

વૈશ્વિક બજારોની વાત કરીએ તો અમેરિકામાં રિટેલ સેલ્સ અને ઓદ્યોગિક ઉત્પાદન અપેક્ષા મુજબ ઘણા નબળા આવ્યા છે. ડેમોક્રેટસે રાજ્યોને અને નાગરિકોને મદદ માટે ૩૦૦૦ અબજ ડૉલરનું પૅકેજ હાઉસમાં પસાર કર્યું છે, પણ સેનેટમાં એને ફગાવી દેવાશે. કોવિડ હોય કે ટ્રેડ-વૉર હોય, ટ્રમ્પ અપજશ ગામને વહેંચશે અને જશ તો એકલા જ લેશે. આર્થિક મોરચે ફેડ ચૅરમૅન જેરોમી પોવેલે નેગેટિવ વ્યાજદરની વાત નકારી કાઢી છે, કહ્યું છે કે મંદી સામે લડવા ફેડ પાસે ઘણાં સાધનો છે. ફેડે ચાર રાહત પૅકેજ તો આપ્યા છે. સાથોસાથ હવે બૉન્ડ ઇટીએફ ખરીદવાનું પણ શરૂ કર્યું છે. ફેડનો દેખીતો આશય આર્થિક મંદીને રોકવાનો, જોબ અને પ્રાઇસ સ્ટેબિલિટીનો હશે, પણ ફેડનું કામ જોતાં એને શૅરબજારમાં તેજી ટકાવી રાખવી છે. અત્યારે તો ફેડ સરકારને કહે છે કે તમે ખર્ચો કરો, સરકાર ફેડને કહે છે કે તમે વ્યાજદર નેગેટિવ કરો. બેઉને એકબીજા પર ઠીકરા ફોડવા છે.



બજારોમાં મુખ્ય ચિંતાનો વિષય કોરોનાનો સેકન્ડ વૅવ અને અમેરિકા અને ચીન વચ્ચેની રાજકીય તંગદિલી છે. કોરિયા, ચીનમાં બીજી વાર કોરોના કેસ દેખાયા છે, પણ હવે ફરી ઘટયા છે. યુરોપમાં કોરોના શાંત થયો છે, પણ હવે લેટિન અમેરિકામાં વધ્યો છે. કોરોના માટે ચીન જવાબદાર છે એવો કેસ મજબૂત બનાવાઈ રહ્યો છે. સામે પક્ષે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન કોરોના કદી નહીં જાય એમ કહી લોકોને હૈયાધારણ આપવાને બદલે ડરાવી રહ્યાની છાપ પડે છે. કોરોના મામલે ચીનની સાથોસાથ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની ભૂમિકા પર પણ આક્ષેપો થયા છે.


મુખ્ય કરન્સીમાં ડૉલર ઇન્ડેકસ ૯૯-૧૦૦ની મર્યાદિત રેન્જમાં અથડાઈ રહ્યો છે. પાઉન્ડમાં નોંધપાત્ર નરમાઈ હતી. પાઉન્ડ ૧.૨૪૩૭થી ઘટીને ૧.૨૧૦૧ થયો હતો. પાઉન્ડમાં હજી પણ નરમાઈ દેખાય છે. ચાર્ટ જોતા પાઉન્ડ ૧.૨૦૩૩ તૂટે તો ૧.૧૯૨૫, ૧.૧૮૦૦ સુધી જાય. રૂપિયા સામે પાઉન્ડ ૯૭થી ઘટીને ૯૨.૨૮ થયો છે અને ૯૦ સુધી જાય એમ લાગે છે. યુરો હાલમાં ૧.૦૮-૧.૧૦ વચ્ચે ટકેલો છે, પણ અંડરટોન નરમ છે. અમેરિકા-યુરોપમાં મંદી વકરતા સોનામાં તેજીનો પવન ફુંકાયો છે. સોનું ૧૭૫૦ ડૉલરની ૮ વરસની ઊંચી સપાટીએ છે. નાયમેકસ ક્રૂડમાં જંગી ઉત્પાદનકાપ પછી ભાવ ૬.૫૦ ડૉલરના બૉટમથી ઊછળીને ૩૦ ડૉલર થયા છે.

રૂપિયાની વાત કરીએ તો ૭૬.૯૮થી સુધરીને ૭૪.૯૩ થયા પછી રૂપિયો ફરી ઘટીને ૭૫.૮૧ બંધ રહ્યો છે. એકંદરે રેન્જ ૭૩.૩૭-૭૭.૪૫ છે. ટેકાના લેવલ ૭૫.૫૫, ૭૫.૩૦, ૭૪.૮૦, ૭૪.૪૪, ૭૩.૮૦, ૭૩.37 અને પ્રતિકારક લેવલ ૭૫.૯૭, ૭૬.૨૦, ૭૬.૪૫, ૭૬.૭૮, ૭૭.૦૩, ૭૭.૩૦ ગણાય.


એશિયામાં ચીની યુઆન અને યેન થોડા નબળા પડ્યા છે. ચીનમાં કામકાજ ફરી શરૂ થયા છે. આગામી ૨૨ મેથી સત્તાધારી પક્ષની વાર્ષિક બેઠક મળશે એમાં ચીનના રાજકીય, આર્થિક નીતિવિષયક સંકેતો પર બજારોની નજર રહેશે.

Whatsapp-channel Whatsapp-channel

18 May, 2020 12:02 PM IST | Mumbai | Biren Vakil

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK