Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > ભારતની ફૉરેક્સ રિઝર્વ ઑલટાઇમ હાઈ : રૂપિયામાં સ્થિરતા, યુઆનમાં તેજી

ભારતની ફૉરેક્સ રિઝર્વ ઑલટાઇમ હાઈ : રૂપિયામાં સ્થિરતા, યુઆનમાં તેજી

19 October, 2020 10:22 AM IST | Mumbai
Biren Vakil | vakilbiren@gmail.com

ભારતની ફૉરેક્સ રિઝર્વ ઑલટાઇમ હાઈ : રૂપિયામાં સ્થિરતા, યુઆનમાં તેજી

કરન્સી

કરન્સી


અમેરિકાની બજેટખાધ ૩.૧ ટ્રિલ્યનની સર્વોચ્ચ સપાટીએ પહોંચી છે. જીડીપીના ૧૬ ટકા જેવી બજેટખાધ ૧૯૪૫ પછી સૌથી ઊંચી છે. અમેરિકાનું દેવું પણ જીડીપીના ૧૦૧ ટકા થઈ ગયું છે. હવે અમેરિકા દેવાના મામલે ગ્રીસ, જપાન અને ઇટલીની હરોળમાં આવી ગયું છે. જોકે બજારનું પૂરેપૂરું ફોકસ ચૂંટણી અને સ્ટિમ્યુલસ તેમ જ યુરોપમાં સેકન્ડ લૉકડાઉન કેવું રહે એના પર છે. ફ્રાન્સ અને યુકેમાં કોરોની કેસ વધતાં ફરી અમુક નિયંત્રણ આવ્યાં છે. અમેરિકામાં પણ શિયાળો નજીક આવતાં અને ફલુ સીઝન આવતાં કોરોના કેસ વધ્યા છે. જોકે બજારનું ફોકસ ચૂંટણી પર વધારે છે એટલે બજેટખાધના સમાચારોની બજારો પર ખાસ અસર થઈ નથી. ખાધને પહોંચી વળવા સરકારે ૨૧ બિલ્યનના બૉન્ડ વેચ્યા હતા. બૉન્ડ યિલ્ડ ટકેલા હતા. ડૉલર ઇન્ડેકસ 93.20-93.50ની મર્યાદિત રેન્જમાં ટકેલો રહ્યો છે.

પ્રમુખપદની ચૂંટણીમાં ઑપિનિયન પોલમાં ડેમોક્રૅટ ઉમેદવાર બાઇડન આગળ છે. જોકે ઑપિનિયન પોલ ૨૦૧૬ની ચૂંટણી અને બ્રેક્ઝિટ લોકમત પછી વિશ્વસનીયતા ગુમાવી બેઠા છે. પંડિતોની નજર ૨૨ ઑક્ટોબરની છેલ્લી પ્રેસિડેન્શિયલ ડિબેટ અને ફેડ બીજી બુક સર્વે પર છે. કોરોના વૅક્સિનની પણ ઉતાવળે રાહ જોવાઈ રહી છે. ઘણી ખરી વૅક્સિન હવે પરીક્ષણના અંતિમ તબક્કામાં છે. ત્રીજી નવેમ્બરે ચૂંટણી છે. જ્યાં સુધી પરિણામો નહીં આવે ત્યાં સુધી બજારોમાં એક જાતનો ઉચાટ છવાયેલો રહેશે. શૅરબજારના પંડિતોના મતે બાઇડેન જીતે તો ડાબેરી અને સમાજવાદી ઝોક રહેશે. કંપનીઓ અને સુપરરિચ અમીરો પર કરવેરા વધશે. ડેમોક્રૅટ પક્ષ ગ્રીન ડિલનો સમર્થક છે. એનર્જી, ડ્રિલિંગ, મોટી બૅન્કો, ફાર્મા માટે બાઇડનની જીત નેગેટિવ અને સસ્ટેનેબિલિટી, સોલાર, ઇલે. વાહનો, ઑલ્ટરનેટ એનર્જી, પર્યાવરણ, કલાયમેટ ચેન્જના ઉદ્યોગો માટે ફાયદાકારક રહેશે.



ઘરઆંગણે રૂપિયો એક મહિનાથી ૭૩-૭૩.૫૦ની સીમિત રેન્જમાં ટકેલો રહ્યો છે. વિદેશી રોકાણનો પ્રવાહ સતત વધતો હોવાથી ફૉરેક્સ રિઝર્વ ૫૫૧ અબજ ડૉલરની વિક્રમ ઊંચી સપાટીએ પહોંચી છે. આંશિક લૉકડાઉન, પ્રવાસન વગેરે ઠપ હોવાથી ડૉલરની માગ ઓછી છે. આત્મનિર્ભર અભિયાન અને ચીન સાથે સરહદી તનાવ પછી અમુક ચીની ઍપ પર પ્રતિબંધ પછી સરકારે સ્પિલ્ટ એસીની આયાતો પર પ્રતિબંધ મૂક્યો છે. વાઇટ ગુડ્ઝમાં ચીની ડમ્પિંગ મામલે વધુ સરકારી પગલાં આવી શકે. ભારતમાં દસેક દિવસથી કોરોના કેસ ઘટ્યા છે. વૅક્સિનની કાગડોળે રાહ જોવાઈ રહી છે. લૉકડાઉન પૂરેપૂરું ક્યારે હટે, ક્યારે રેલસેવાઓ, ઍરલાઇન્સ શરૂ થાય, બધુ પૂર્વવત્ થાય એની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. સરકારની વેરાની આવક ઘટી છે, કલ્યાણકારી યોજના પાછળ ખર્ચા વધ્યા છે. આગળ જતાં ઇન્ફ્રા સેક્ટરમાં પણ ખર્ચા કરવાના છે. જોકે વૈશ્વિક બજારોમાં જંગી કૅશ ફાજલ પડી છે અને એમાંની ફકત ૨-૩ ટકા કૅશ ભારતમાં આવે તો પણ એ બહુ મોટી લિક્વિડિટી થાય. રૂપિયો હાલપૂરતો રેન્જબાઉન્ડ લાગે છે.


યુરોપમાં કોરોના કેસ ફરી વધ્યા છે. ફ્રાન્સમાં સેકન્ડ લૉકડાઉન જેવી સ્થિતિ છે. યુકેમાં પણ નિયંત્રણો વધ્યાં છે. ઍરલાઇન્સ, હોટેલ્સ, પ્રવાસન ક્ષેત્રની માઠી દશા ક્યારે પૂરી થશે એ કહેવું મુશ્કેલ છે. ખાસ કરીને ઍરલાઇન્સ ઉદ્યોગની કટોકટી ઘણી મોટી છે. વૈશ્વિક અર્થતંત્રમાં દેવાનું સ્તર ઘણું વધ્યું છે, પણ સરકારો ભેગી મળીને રાહત પૅકેજ આપે, ખર્ચ વધારે, વપરાશી માગને બુસ્ટ આપે તો અર્થતંત્રમાં તેજીનો સંચાર થાય, રોજગારી આવે. ફિસ્કલ પૅકેજમાં વિલંબ થાય તો ઘણી રોજગારી જતી રહેશે. ગયા ગુરુવારે અમેરિકાના જૉબલેસ કલેમ ઘણા વધ્યા છે. યુરોપમાં દેવાના વધતા સ્તરને જોઈ સ્ટિમ્યુલસ રાહત પૅકેજ આપવામાં ઉતાવળ કરતી નથી. યુરોપિયન બજારો ટકેલાં છે.

એશિયામાં ચીની યુઆન ડૉલર સામે વધતો જાય છે. અમેરિકાની ચૂંટણીમાં નેતાગીરી બદલાય અને બજારોમાં કઈ અઘટિત થાય તો એના હેજ રૂપે એશિયાના ફંડ મૅનેજરો યુઆન અને સોનું ખરીદે છે. યુઆન ૭.૨૦થી સુધરીને ૬.૬૯ થયો છે.


Whatsapp-channel Whatsapp-channel

19 October, 2020 10:22 AM IST | Mumbai | Biren Vakil

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK