યુઆનનું અવમૂલ્યન અને વેપારયુદ્ધ વકરતાં રૂપિયો નરમ

Published: Aug 12, 2019, 12:44 IST | કરન્સી-કૉર્નર : બિરેન વકીલ | મુંબઈ

આર્ટિકલ ૩૭૦ની અસર અવગણીને શૅરબજારમાં બાઉન્સબૅક : પાઉન્ડમાં ૨૭ વર્ષના નીચા ભાવ

કરન્સી
કરન્સી

અમેરિકા અને ચીન વચ્ચેનું વેપારયુદ્ધ હવે કરન્સી અને વ્યાજદરોનું યુદ્ધ બની ચૂકયું છે. ડોનલ્ડ ટ્રમ્પે ચીન પર ૧૦ ટકા વધારાની ટૅરિફ નાખતાં ચીને વળતા હુમલામાં યુઆનને ડીવૅલ્યુ કરીને ૭.૦૪ સુધી લાવી દીધો, સાથોસાથ અમેરિકામાંથી કૃષિ પેદાશોની આયાત પર પ્રતિબંધ મૂકી દીધો. ટ્રમ્પે ચીની ટેક્નૉલૉજી કંપની હુઆવેઇ પર નિયંત્રણો વધાર્યાં. હવે વેપારયુદ્ધ નવા તબક્કામાં પ્રવેશ્યું છે. બન્ને પક્ષોને પોતે સરસાઈ ભોગવે છે એમ લાગે છે અને આ સ્થિતિ જોખમી છે. બેમાંથી એક વધુ પડતો નબળો ન પડે અથવા બન્ને વધુ પડતા નબળા ન પડે ત્યાં સુધી આમાં કોઈ સુધારો નહીં થાય. બેઉ આખલાની લડાઈમાં આખી દુનિયાને વેઠવું પડે છે. અમેરિકામાં પ્રમુખ ટ્રમ્પનું અપ્રૂવલ રેટિંગ સતત તળિયે રહ્યું છે. અમેરિકા અને યુરોપમાં ફાર રાઇટ અંતિમવાદી જમણેરીઓનો ઉદય છે એટલે અમેરિકા તેમ જ ઇટલી, જર્મની, ફ્રાન્સમાં પણ સામાજિક તનાવ અને હેટ ક્રાઇમના કિસ્સા દેખાવા લાગ્યા છે. મેઇનસ્ટ્રીમ મીડિયા આ વાતને અન્ડરપ્લે કરે છે એટલે એની ચર્ચાઓ ઓછી છે. જો ચીન યુઆનને વેપાર શસ્ત્ર તરીકે વાપરે તો અન્ય દેશોને પણ કરન્સી કમજોર કરવા વ્યાજદર ઘટાડા અને એવાં પગલાં લેવાં પડે. ભારતમાં ૩૫ બેઝિસ વ્યાજદર ઘટ્યા છે. હજી એકાદ ઘટાડો આવશે.

બજારોની વાત કરીએ તો ચીની યુઆન અને બ્રિટિશ પાઉન્ડ ફોકસમાં રહ્યા છે. યુઆન ઓફશોર બજારમાં ૭.૧૦ થઈ ૭.૦૫ બંધ રહ્યો. સત્તાવાર રેટ ૭.૦૩ રહ્યો. યુઆન એક તબક્કે ૬.૩૬ હતો તે પાછલા ૧૫ માસમાં ઘટીને ૭.૦૫ થયો છે. યુઆન ૭.૦૦ થયો એટલે અમેરિકાએ ચીનને કરન્સી મૅનિપ્યુલેટર કહી દીધું એ આમ તો હળાહળ જૂઠ છે. વાસ્તવમાં ચીન યુઆનને ટકાવી રાખતું હતું. યુઆન એક તબક્કે ૮.૩૨ હતો એને મજબૂત કરી ૫.૮૦ લઈ જઈ હવે ૭ કર્યો છે. એની સામે પાઉન્ડ ૧.૪૪થી ઘટીને ૧.૨૦ થયો છે. ૨૭ વરસની નીચી સપાટીએ છે, પણ યુકે પાઉન્ડ ફ્રી ફલોટ છે અને અમેરિકાનું સહયોગી છે. એટલે એને જુદા ધોરણ લાગુ પડે. બ્રિટિશ પાઉન્ડની વાત કરીએ તો હવે ૩૧મી ઑકટોબરે યુકે હાર્ડ બ્રેક્ઝિટ સાથે ઈયુમાંથી અલગ થશે. હાર્ડ બ્રેક્ઝિટ એટલે કે ઈયુ અને યુકે વચ્ચે કોઈ વેપારી સમજૂતી નહીં થાય. યુકે અર્થતંત્ર ફરી મંદીમાં આવતા પાઉન્ડ ૧.૨૦ થઈ ગયો છે. આમ તો ૩૦ વરસથી તૂટે છે. ૨.૭૫થી તૂટીને ૧.૨૦ આવ્યો છે. હવે આગળ જતા ઑક્ટોબર ૨૦૧૬નો ફ્લૅશક્રૅશ બૉટમ ૧.૧૬ તૂટે તો મંદી વકરશે.

યુરોપમાં બૉન્ડ યિલ્ડનું પાતાળગમન ચાલુ છે અને સ્વિસ બૉન્ડ માઇનસ ૯૦ યિલ્ડ સાથે ટોપ પર છે. જર્મન ૧૦ વરસના બૉન્ડ યિલ્ડ માઇનસ ૬૦ થઈ ગયા છે. ટ્રેડ-વૉર અને યુરોપિયન બૅન્કિંગ સેક્ટર અને બૉન્ડની હાલત જોતાં અમેરિકાએ ફરી આક્રમક રેટ કટ કરવા પડશે. કદાચ ૨૦૨૦ સુધીમાં ફેડ રેટ ફરી પાછા ૧-૧.૨૫ની રેન્જમાં આવી જશે. અમેરિકા મરણીયું થાય તો ૦-૦.૨૫ પણ લાવી દે. રેટ કટ આવતા જ શૅરબજારોમાં ફેડ સંચાલિત તેજી આવે.

ભારતીય બજારોમાં આર્ટિકલ ૩૭૦ હટાવાયા પછીની ઉત્તેજના અને નાણાપ્રધાન નિર્મલા સીતારમણે વિદેશી રોકાણકારો પર સરચાર્જ હટાવી લેવાની વાત કરતાં શૅરબજારો સુધર્યાં હતાં. સેન્ટિમેન્ટ અત્યારે તો અપબીટ છે, પણ આગામી દિવસોમાં કાશ્મીર મામલે આંતરરાષ્ટ્રીય પ્રતિભાવો કેવા રહે અને ત્યાં પરિસ્થિતિ કેવી રહે એના પર બજારની નજર રહેશે.

આ પણ વાંચો : તેજીનું ટ્રિગર હવે નાણાપ્રધાનના હાથમાં

રૂપિયો એક તબક્કે ૬૮.૬૬ થઈ ગયા પછી ઘટીને ૭૦.૯૮ થઈને ૭૦.૮૦ બંધ હતો. આર્ટિકલ ૩૭૦ અને યુઆન ડીવૅલ્યુએશનની અસર જોવાઈ હતી. જોકે સપ્તાહની આખરમાં શૅરબજાર સુધરતા રૂપિયો પણ થોડો સુધર્યો હતો. ડૉલરમાં રેન્જ ૬૮.૮૫ - ૭૧.૩૭ છે. જો ડૉલર ૭૧.૧૭ ઉપર ટકી જાય તો વધ-ઘટે ૭૨.૨૪, ૭૨.૮૫ અને ૭૩.૩૭ થવાની સંભાવના છે. હાલપૂરતો ૫૮.૮૮ - ૬૯.૨૦ મજબૂત સપોર્ટ છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK