Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > ફેડની બેઠક પર બજારની નજર - યુઆનમાં ઘટાડો

ફેડની બેઠક પર બજારની નજર - યુઆનમાં ઘટાડો

17 June, 2019 12:08 PM IST | મુંબઈ
કરન્સી-કૉર્નર - બિરેન વકીલ

ફેડની બેઠક પર બજારની નજર - યુઆનમાં ઘટાડો

ડોનાલ્ડ ટ્રમ્પ

ડોનાલ્ડ ટ્રમ્પ


ઓમાન નજીક ઑઇલ ટેન્કર પર જે હુમલા થયા એમાં ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને જવાબદાર ગણાવતાં અખાતમાં તંગદિલી વધી હતી, ક્રૂડ ઑઇલ અને સોનું વધ્યાં હતાં. રૂપિયો નરમ પડ્યો હતો. શુક્રવારે અમેરિકામાં વપરાશી ફુગાવો ૧.૬ ટકા આવતાં અને લૉન્ગ ટર્મ ધારણા વિક્રમી નીચી રહેતાં ફેડને વ્યાજદર ઘટાડવા તો પડશે જ, પણ ક્યારે ઘટાડે એ જોવાનું રહે. ફેડ વ્યાજદર ઘટાડે એ માટે ટ્રમ્પ ફેડ પર દબાણ વધારી રહ્યા છે, જો ફેડ બુધવારે વ્યાજદર ઘટાડે તો બજારમાં એવો સંકેત જાય કે ફેડ ટ્રમ્પ સામે ઝૂકી ગઈ. એટલે ફેડ કદાચ જૂનને બદલે સપ્ટેમ્બરમાં ઘટાડો કરે. અમુક વર્ગ એમ માને છે કે ચાલુ વરસે બે મોટા અથવા ત્રણ માપના ઘટાડા એટલે કે ૭૫-૧૦૦ બેસિસ પૉઇન્ટ ઘટાડા સાથે વરસના અંતે દરો ૧.૭૫-૨.૦૦ ટકા થઈ જાય.

શૅરબજારોમાં ફાટફાટ તેજી, ૫૦ વરસનો નીચો બેકારીદર, ૩.૫ ટકા જેટલો સંગીન વિકાસદર અને નાણાપુરવઠામાં તોતિંગ વધારો થવા છતાં હાલનો વપરાશી ફુગાવો સતત નીચો રહ્યો છે, ફેડના ૨ ટકાના ટાર્ગેટ સામે ૧.૬ ટકા જેવો રહ્યો છે એ અચરજ ઉકેલવું અનિવાર્ય છે. ડિજિટલ ઇકૉનૉમી અને એજ ઑફ ડિસરપ્શન યાને ઔદ્યોગિક ક્રાંતિ-૪.૦ તરીકે જેને ઓળખાય છે એમાં ટેક્નૉલૉજીને કારણે ખર્ચમાં ગંજાવર ઘટાડો, કંપનીઓના નફામાં વધારો, પગારવધારો અને ખાસ તો શૅરબજાર જમીન, બૉન્ડ જેવી ઍસેટમાં તેજીને કારણે વેલ્થ વધવાથી વપરાશની સાઇકલ સુધરી છે. મૉડર્ન મૉનિટરી થિયરી નામની નવી પરિકલ્પનામાં કદાચ લાંબો સમય સુધી ફુગાવો નીચો જ રહેશે અને વિકાસદર પણ નીચો રહેશે, જપાન અને યુરોઝોનની જેમ વહેલામોડા અમેરિકા પણ ન્યુ નૉર્મલ એટલે કે નીચા વિકાસદરના છટકામાં ફસાશે એમ મનાય છે. વિકસિત દેશોમાં વ્યાજદરો અને ફુગાવો બન્ને ઘટતા રહેશે અને વપરાશી માગ પણ ધીમી રહેશે.



બજારની વાત કરીએ તો ચીનમાં સ્લોડાઉન વકરતું જાય છે. ચીનમાં ઔદ્યોગિક ઉત્પાદન ૧૭ વરસની નીચી સપાટીએ છે. કાર સેલ્સ ૧૧ મહિનાથી ઘટી રહ્યું છે. યુઆન ૬.૬૬થી ઘટીને ૬.૯૨ થઈ ગયો છે. ચીન ચુપકે-ચુપકે યુઆન નબળો પાડીને, બૅન્ક લેન્ડિંગમાં છૂટ આપીને, ટૅક્સ કટ આપીને આડકતરી રીતે અમેરિકી ટેરિફની અસર મોળી પાડતું જાય છે. જૂન આખરમાં જી-૨૦ દેશોની બેઠકમાં શી જિનપિંગ અને ટ્રમ્પ વચ્ચે મુલાકાત થાય એ માટે ટ્રમ્પે ઘણા ધમપછાડા કર્યા છે, પણ ચીનની બેરૂખી યથાવત્ છે. ચીનની ગણતરી સમય પસાર કરીને નવેમ્બર, ૨૦૨૦ની ચૂંટણીમાં ટ્રમ્પ હારી જાય તો નવા પ્રમુખ સાથે ડીલ કરવું એવી હોઈ શકે છે. જોકે ત્યાં સુધી ચીન માટે ટકવુ ઘણું કપરું હશે. હૉન્ગકૉન્ગમાં ચીન સાથે ગુનેગારોના પ્રત્યાર્પણ કાયદા સામે પ્રચંડ લોકજુવાળ ઊઠતા હૉન્ગકૉન્ગ ગવર્નર લેમે હાલ પૂરતો કાયદો મુલતવી રાખ્યો છે. ચીન સામે હૉન્ગકૉન્ગ અને તાઇવાનના મુદ્દા પણ મોટા પડકાર છે. અમેરિકા અત્યારે આર્થિક રીતે અને લશ્કરી રીતે સુપર સૉલિડ ફૉર્મમાં છે. કમજોર ચીન અને સુપરસૉલિડ અમેરિકા - આ સંયોજન જોખમી છે.


રૂપિયાની વાત કરીએ તો અંડરટોન નરમ છે. શૅરબજારમાં ઘણા મિડ-કૅપ શૅરોમાં ભાવો ફરી ઘટવા માંડ્યા છે. રૂપિયો ૩૨ પૈસા ઘટીને ૬૯.૭૯ રહ્યો છે. ટ્રેડિંગ રેન્જ ૬૯.૧૭-૬૯.૯૩ છે. ૭૦.૦૫ વટાવાતા ફરી ૭૧.૧૭-૭૧.૪૭નો ભાવ આવી શકે. એનબીએફસી સેક્ટરમાં હજુ માનસ ખરડાયેલું છે. ચોમાસાની પ્રગતિ રૂંધાઈ છે. અને વપરાશી ભાવો નોંધપાત્ર પડકાર છે. બુધવારની ફેડની બેઠકમાં ૨૫ બેસિસ પૉઇન્ટનો ઘટાડો આવે તો એ સારા સમાચાર ગણાય.

આ પણ વાંચો : શૅર માર્કેટની ઘટાડા સાથે શરૂઆત, સેન્સેક્સ 127 અંક નીચે


ક્રૂડ ઑઇલમાં ભાવ ૪૫ ડૉલર નીચે જાય. ચોમાસું સારું રહે અને ફેડ વ્યાજદરમાં બે વાર ઘટાડો કરે તો રૂપિયો ૬૫ પણ જઈ શકે. અત્યારે અનેક જાતનાં વિરોધાભાસી પરિબળોનું સહઅસ્તિતવ જોતાં ડિસેમ્બરના અંતે રુપિયો ૬૫ પણ હોઈ શકે અને ૭૫ પણ હોઈ શકે. બજેટ પછી ઘણું સ્પષ્ટ થઈ જશે.

Whatsapp-channel Whatsapp-channel

17 June, 2019 12:08 PM IST | મુંબઈ | કરન્સી-કૉર્નર - બિરેન વકીલ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK